હેલિયોટ્રોપ (Heliotrope) : (1) કૅલ્શિડોની(સૂક્ષ્મ સ્ફટિકમય સિલિકા)ની એક જાત. બ્લડસ્ટોનનો સમાનાર્થી પર્યાય. એવી જ અન્ય જાત પ્લાઝ્માને સમકક્ષ; પરંતુ તેમાં લાલ છાંટણાં હોય. હેલિયોટ્રોપ એ પારભાસક લીલાશ પડતા રંગવાળું કૅલ્શિડોની છે, જેમાં અપારદર્શક લાલ જાસ્પરનાં ટપકાં કે રેખાઓ હોય છે.
(2) મોજણીકાર્ય(સર્વેક્ષણ)માં ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું સાધન. તેમાં એક કે વધુ અરીસા એવી રીતે ગોઠવેલા હોય છે, જેથી સૂર્યપ્રકાશનું કિરણપુંજ તેમાંથી ઇચ્છા મુજબની દિશામાં પરાવર્તિત કરી શકાય છે. આ સાધનને અમુક નિયત મોજણી-મથક પર ગોઠવીને કિરણને દૂરના જરૂરી સર્વેક્ષણ-સ્થાન તરફ પરાવર્તિત કરવામાં આવે છે. ક્ષૈતિજ દિશામાં નિરીક્ષણો કરવા માટે અને લક્ષ્ય સિદ્ધ કરવામાં તે સહાયભૂત નીવડે છે. આ કાર્યમાં થિયૉડોલાઇટનો ઉપયોગ કરીને 250–300 મીટરનાં અંતર સુધીનાં નિરીક્ષણ સિદ્ધ કરી શકાયેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા