હેલાઇટ : મીઠું (salt). રાસા. બં. : NaCl. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ક્યૂબ સ્વરૂપે મળે, ભાગ્યે જ ઑક્ટાહેડ્રલ; સ્ફટિકો ક્યારેક પોલાણવાળા, કંસારીના આકારના (hopper shaped); દળદાર, ઘનિષ્ઠથી દાણાદાર; ભાગ્યે જ સ્તંભાકાર કે અધોગામી. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. પ્રભંગ : વલયાકાર, બરડ. ચમક : કાચમય. દ્રાવ્યતા : જલદ્રાવ્ય. સ્વાદ : ખારો. રંગ : રંગવિહીન, સફેદ, પીળો, કેસરી, લાલાશ પડતો, ગુલાબી-જાંબલી, ભૂરો. કાર્બનિક કે અકાર્બનિક આગંતુક અશુદ્ધિઓને કારણે કેસરી; લાલાશ પડતું કે લીલાશ પડતું પ્રસ્ફુરણ દર્શાવે. ચૂર્ણરંગ : સફેદ. કઠિનતા : 2. વિ. ઘ. : 2.168.
પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે વિસ્તૃત જળકૃત નિક્ષેપો તરીકે ઘણી જાડાઈમાં મળે. શુષ્ક થાળાં કે છીછરાં ખારાં સરોવરોમાંથી પોપડી-સ્વરૂપે મળે. દરિયાકિનારા પર અગરો બનાવી બાષ્પીભવનથી મેળવી શકાય. ખાણોની દીવાલો પર પોપડી રૂપે મળે. જ્વાળામુખી વિસ્તારોમાં ઊર્ધ્વપાતન પેદાશ તરીકે મળે. મીઠાના ઘૂમટોનો મધ્યભાગ (core) તેનાથી બનેલો હોય છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, કોલંબિયા, પેરુ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રિયા, રશિયા, અલ્જિરિયા, ભારત તેમજ અન્યત્ર.
ગિરીશભાઈ પંડ્યા