હેલન : ગ્રીક મહાકવિ હોમરના મહાકાવ્ય ‘ધી ઇલિયડ’ની નાયિકા. જગતની સુન્દરતમ સ્ત્રી. ટ્રૉયના યુદ્ધમાં નિમિત્તરૂપ, કારણરૂપ. દેવાધિદેવ ઝ્યુસે લીડા સાથે રતિક્રીડા કરી એના પરિણામે અંડજમાંથી એનો જન્મ. આમ ઝ્યુસ એના દૈવી પિતા. લીડાના પતિ સ્પાર્ટાના રાજા ટિન્ડારુસ એના દુન્યવી પિતા. એ કિશોરવયની હતી ત્યારે એના સૌંદર્યના આકર્ષણને કારણે થીસીઅસે એનું અપહરણ કર્યું હતું, પણ એના બે ભાઈઓ કેસ્ટર અને પોલક્સે એને થીસીઅસના પંજામાંથી મુક્ત કરાવી હતી. એના પિતાએ એના લગ્ન માટે ઉમેદવારોને આમંત્રણ આપ્યું ત્યારે એના સૌંદર્યના આકર્ષણથી અનેક મહાન શક્તિશાળી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત થયા હતા. એમાંના પ્રત્યેકને આશા હતી કે પોતે એના પિતાની પસંદગી પામશે. આ સ્ફોટક પરિસ્થિતિને કારણે પિતાએ પ્રસ્તાવ કર્યો કે જે ઉમેદવાર પસંદ થશે એને અન્ય ઉમેદવારો ઉપદ્રવ નહિ કરે અને હેલનનું અપહરણ નહિ કરે, અન્યથા તેઓ શિક્ષાપાત્ર થશે. પ્રત્યેકને પોતે પસંદ થશે એવી આશા હતી એથી સૌએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. પિતાએ આર્ગસના રાજા એગેમોનાનના નાના ભાઈ મેનેલોસને પસંદ કર્યો. આમ, મેનેલોસ સાથે હેલનનું લગ્ન થયું. ટિન્ડારુસે મેનેલોસને સ્પાર્ટાનો રાજા જાહેર કર્યો.
હેલન ટ્રૉયના યુદ્ધમાં નિમિત્તરૂપ, કારણરૂપ હતી એની પશ્ચાદભૂમિકામાં એક રસિક કથા છે. એને ‘કલહનું સફરજન’ અથવા પૅરિસનો ન્યાય કહેવામાં આવે છે. કલહની દેવી ઇરિસ દેવોમાં અત્યંત અપ્રિય હતી. દેવોના ભોજનસમારંભોમાં એને કદી આમંત્રણ આપવામાં આવતું ન હતું. રાજા પેલીયુસ અને સાગરસુન્દરી થેટિસના લગ્નપ્રસંગે એને આમંત્રણ આપવામાં ન આવ્યું ત્યારે એણે ભોજનમંડપમાં ‘સુન્દરતમ માટે’ એવા શબ્દોથી અંકિત એવું સુવર્ણનું સફરજન નાંખ્યું. સૌ દેવીઓને એ પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી. અંતે એ સૌમાંથી માત્ર ત્રણ દેવીઓ – એફ્રોડાઇટ, હીરા અને પેલાસ એથીના – જ એને માટે પાત્ર છે એવો નિર્ણય કરવામાં આવ્યો અને દેવાધિદેવ ઝ્યુસને એ ત્રણમાંથી એકને વિજેતા તરીકે પસંદગી કરવાની વિનંતિ કરવામાં આવી. ડહાપણપૂર્વક ઝ્યુસે એનો અસ્વીકાર કર્યો, પણ એમણે ટ્રૉયના રાજા પ્રાયામના સૌંદર્યપ્રેમી પુત્ર પૅરિસના નામનું સૂચન કર્યું. આ ત્રણ દેવીઓના મુખનું દર્શન કર્યા વિના, પ્રત્યેકને ભેટ અર્પણ કરે એને આધારે ન્યાય-નિર્ણય કરવાનું એને કહેવામાં આવ્યું. હીરાએ યુરોપએશિયાનું સ્વામિત્વ, એથીનાએ ગ્રીસ પર વિજય અને એફ્રોડાઇટે જગતની સુન્દરતમ સ્ત્રીની ભેટ અર્પણ કરવાનું વચન આપ્યું; પણ સૌંદર્યપ્રેમી પૅરિસે એફ્રોડાઇટને સુવર્ણનું સફરજન અર્પણ કર્યું. એફ્રોડાઇટને જગતની સુન્દરતમ સ્ત્રી કોણ છે અને ક્યાં છે એની જાણ હતી. એથી એ પૅરિસને હેલન જ્યાં હતી ત્યાં સ્પાર્ટા લઈ ગઈ. પૅરિસ અને સ્પાર્ટાના રાજા મેનેલોસ વચ્ચે ગાઢ મૈત્રી હતી. પૅરિસ મેનેલોસનો અતિથિ થયો. મેનેલોસને પૅરિસ પર પૂર્ણ વિશ્વાસ હતો, પણ મેનેલોસ જ્યારે ક્રીટ ગયો હતો ત્યારે એની અનુપસ્થિતિમાં હેલન અને પૅરિસ વચ્ચે – અલબત્ત, વચનબદ્ધ એવી સૌંદર્ય, પ્રેમ અને સૌંદર્યની દેવી એફ્રોડાઇટની પ્રેરણાથી સ્તો – પ્રેમ થયો. આમ, પૅરિસે મિત્રદ્રોહ કર્યો અને હેલને પતિદ્રોહ કર્યો અને બંને સ્પાર્ટાથી ટ્રૉય ચાલ્યાં ગયાં. આ છે ટ્રૉયના યુદ્ધની પૂર્વભૂમિકા; મેનેલોસે ટ્રૉયના રાજા પ્રાયામ આદિને હેલનને સ્પાર્ટા મોકલી આપવાનો આગ્રહ કર્યો. આ આગ્રહનો અસ્વીકાર થયો. આ પછી મેનેલોસે એના મોટા ભાઈ એગેમોનાન તથા એના મિત્રો એકિલીસ, ઓડિસીયુસ આદિની સહાયથી ટ્રૉય પર આક્રમણ કર્યું. યુદ્ધને અંતે ટ્રૉયનો પરાજય થયો અને ટ્રૉય ભસ્મીભૂત થયું.
હેલને ટ્રૉયમાં વીસ વરસ નિવાસ કર્યો હતો. ટ્રૉયનું યુદ્ધ થયું, અંતે યુદ્ધમાં ટ્રૉય પરાજિત થયું અને ભસ્મીભૂત થયું એમાં હેલન કારણરૂપ, નિમિત્તરૂપ હતી. એથી ટ્રૉયમાં હેલન સદાય તિરસ્કારપાત્ર રહી હતી. ટ્રૉયમાં એ કરુણ જીવન જીવી રહી હતી. એમાં એકમાત્ર અપવાદરૂપ પૅરિસનો મોટો ભાઈ હેક્ટર હતો. હેક્ટરને હેલન પ્રત્યે સતત સહાનુભૂતિ હતી. યુદ્ધને અંતે એફ્રોડાઇટ હેલનને ટ્રૉયમાંથી મુક્ત કરે છે અને મેનેલોસ સાથે એનું પુનર્મિલન કરાવે છે. મેનેલોસ હેલનનો સાનંદ સ્વીકાર કરે છે. ટ્રૉયના યુદ્ધમાં દેવદેવીઓનું પરોક્ષ અને હેલન-પૅરિસનું પ્રત્યક્ષ કર્તૃત્વ હતું. હેલને પતિદ્રોહ અને પૅરિસે મિત્રદ્રોહ કર્યો હતો એથી બંને શિક્ષાપાત્ર હતાં. સમગ્ર મહાકાવ્યમાં હોમરે ક્યાંય હેલનના સૌંદર્યનું, એના દેહનું પ્રત્યક્ષ વર્ણન કર્યું નથી. માત્ર એની દૃષ્ટિનો અન્ય પુરુષો પર જે પ્રભાવ હતો એ પરથી એના સૌંદર્યની કલ્પના કરવાનું કર્તવ્ય એમણે ભાવકોને સોંપ્યું છે એમાં એક મહાકવિનો અસાધારણ સંયમ પ્રગટ થાય છે.
નિરંજન ભગત