હેયડન, ફ્રૅન્ઝ જૉસેફ (જ. 1732; અ. 1809) : પાશ્ચાત્ય સંગીતના જાણીતા સંગીતકાર-સ્વરકાર. ઑસ્ટ્રિયાના વતની. નાની વયમાં વિયેના ખાતેના એક ચર્ચમાં સંગીતની પ્રાથમિક તાલીમ લીધી. શિક્ષકના વ્યવસાયમાંથી તથા જાણીતા સંગીતકારો સાથે સંગત કરીને જેમતેમ કરીને તેઓ ગુજરાન કરતા હતા; પરંતુ વિયેનાના કેટલાક ઉમરાવો તેમની સ્વરરચનાથી પ્રભાવિત થયા પછી તેમની સંગીતક્ષેત્રમાં ચઢતી શરૂ થઈ. 1761 પછીનાં લગભગ 29 વર્ષ સુધીના ગાળામાં તેમણે કરેલ સ્વરરચનાઓની ખૂબ પ્રશંસા થઈ અને શિષ્ટ સંગીતના પ્રથમ પંક્તિના રચનાકાર તરીકે તેમની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ. અઢારમી સદીના આઠમા અને નવમા દાયકામાં સમગ્ર યુરોપમાં શિષ્ટ સંગીતના ક્ષેત્રમાં તેમના નામની ચર્ચા થવા લાગી અને તેમને પૅરિસ અને યુરોપના સંગીત માટે જાણીતાં બનેલાં અન્ય નગરોમાંથી જાહેર કાર્યક્રમો આપવા માટે આમંત્રણો મળવા લાગ્યાં. તે જ અરસામાં પાશ્ચાત્ય સંગીતના જાણીતા સ્વરનિયોજક અને ગાયક મોત્સાર્ટ (1756–91) સાથે હેયડનની મિત્રતા થઈ, જેને કારણે આ બંને સંગીતકારોની સ્વરરચના પર પરસ્પરની અસર થઈ. હેયડને પોતાની ખૂબ લોકપ્રિય અને જાણીતી બનેલી બાર જેટલી સંગીતરચનાઓ (symphonies) આ જ અરસામાં તૈયાર કરી હતી. તેની રચનાઓની ચાર મુખ્ય લાક્ષણિકતાઓ નોંધપાત્ર છે : (1) મૌલિકતા, (2) જીવંતપણું, (3) આશાવાદ અને (4) વાદ્યવૃંદની ઉચ્ચ ગુણવત્તા. તેમની સ્વરરચનાઓથી મોત્સાર્ટ અને બીથોવન જેવા ઘણા અગ્રણી સ્વરકારો પ્રભાવિત થયા હતા, જેને લીધે હેયડન બીજા સંગીતકારો માટે પણ અનુકરણીય બન્યા હતા. તેમણે તેમની વૃદ્ધાવસ્થામાં કરેલી બે સ્વરરચનાઓ ‘ધ ક્રિયેશન’ (1798) અને ‘ધ સિઝન્સ’ (1801) પણ લોકપ્રિય નીવડી હતી.
ફ્રૅન્ઝ જૉસેફ હેયડન
હેયડને તેમની લગભગ છ દાયકાની કારકિર્દી દરમિયાન સો ઉપરાંત સિમ્ફનીઝનું સ્વરનિયોજન કર્યું હતું. તે ઉપરાંત પણ તેમની અન્ય સ્વરરચનાઓની કુલ સંખ્યા ઘણી મોટી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે