હેમંતકુમાર (જ. 16 જૂન 1920, બનારસ; અ. 27 સપ્ટેમ્બર 1989, કોલકાતા) : પાર્શ્ર્વગાયક, સંગીતકાર, ચિત્રનિર્માતા. પિતા કાલિદાસ મુખોપાધ્યાય બ્રિટિશ કંપનીમાં કારકુન હતા. માતા કિરણબાલા. બંગાળીમાં હેમંત મુખોપાધ્યાય અને હિંદીમાં હેમંતકુમાર તરીકે ખ્યાતનામ. આ ગાયક–સંગીતકારે બંને ભાષાઓમાં યાદગાર ગીતો આપ્યાં છે. ગાયન અને સંગીતનિર્દેશન બંને ક્ષેત્રે તેમનું ઉમદા પ્રદાન છે. હેમંતકુમાર ગાયક તરીકે વધુ ઉમદા હતા કે સંગીતકાર તરીકે એ નક્કી ન થઈ શકે. તેમણે હિંદી ચિત્રોમાં જેટલાં ગીતો ગાયાં છે એ તમામ સદાબહાર બની ગયાં છે. તેમના જીવનનાં પચાસથી વધુ વર્ષો તેમણે સંગીતને અર્પણ કર્યાં હતાં. પંકજ મલિકથી માંડીને તમામ બંગાળી ચલચિત્ર સંગીતકારો પર રવીન્દ્ર સંગીતનો ખૂબ પ્રભાવ રહ્યો છે. હેમંતકુમાર પણ તેમાંથી બાકાત ન હોય એ સ્વાભાવિક છે.

હેમંતકુમાર

પિતાની બદલી કંપનીની વડી કચેરીમાં થતાં તેમનો પરિવાર કોલકાતા આવી ગયો હતો. અહીં તેમણે સંગીતનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. હેમંતકુમારે કિશોરાવસ્થામાં પગ મૂક્યો ત્યારે 1935માં તેમની મુલાકાત મશહૂર કવિ સુભાષ મુખોપાધ્યાય સાથે થઈ હતી. હેમંતકુમારનું ગીત સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે ખાસ તેમને ગાવા માટે એક ગીત લખ્યું – ‘આમાર ગણેતે એલે નબોપુચે ચિરોન્તોની.’ પછી હેમંતકુમારને તેઓ આકાશવાણી લઈ ગયા. ત્યાં તેમણે એ ગીત ગાયું. ચિત્રજગતમાં હેમંતકુમાર 1941ના અરસામાં આવ્યા હતા. ચિત્રોમાં પાર્શ્વગાયનનો પહેલો મોકો તેમને એક ચિત્રના સમૂહગાનમાં મળ્યો હતો, પણ એકલ ગીત ગાવાની તક તેમને કોલકાતાના મોતીમહલ થિયેટર્સના ચિત્ર ‘નિમાઈ સંન્યાસ’માં મળી હતી. એ પછી તેઓ બંગાળી ચિત્રો સાથે પૂરેપૂરા જોડાઈ ગયા હતા. ચિત્ર ‘પ્રિયતમા’થી તેમને ખ્યાતિ મળવી શરૂ થઈ હતી. હેમંતકુમારના અવાજમાં રવીન્દ્ર સંગીતનું પહેલું ગીત ‘આમાર આર હોબેના દેરી’ લોકપ્રિય થતાં તેમણે ગાયેલાં રવીન્દ્ર-સંગીતનાં ગીતોની રેકર્ડ એક પછી એક બજારમાં આવવા માંડી હતી.

1945માં બેલા સાથે તેમનું લગ્ન થયું હતું. એ જ અરસામાં તેમની મુલાકાત એક ઊભરતા સંગીતકાર સલિલ ચૌધરી સાથે થઈ હતી. બંનેએ સાથે કામ કરવું શરૂ કરી દીધું. સલિલ ચૌધરીની ધૂન પર હેમંતકુમારે ‘કોનો એક ગણિયેર બોધુ’ એવું તો મધુર રીતે ગાયું કે તે ભારતીય સંગીતનો એક કીર્તિલેખ બની ગયું છે. બંને મુંબઈ ગયા ત્યાં સુધી તેમની આ જોડીએ સાથે કામ કર્યું હતું. મુંબઈમાં ફિલ્મીસ્તાનના નેજા હેઠળ બની રહેલા ‘આનંદમઠ’ ચિત્રમાં સંગીત આપવા માટે નિર્માતા શશધર મુખરજીએ તેમને આમંત્રણ આપ્યું હતું. ચિત્ર પૂરું થયા બાદ એક પછી એક ચિત્રોમાં સંગીત આપવાનું કામ મળવા માંડતાં તેમનું કોલકાતા જવાનું સ્વપ્ન પાછું ઠેલાતું ગયું.

હેમંતકુમારે ગીતાંજલિ પિક્ચર્સના નેજા હેઠળ બંગાળી અને હિંદી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. મૃણાલ સેન-દિગ્દર્શિત ‘નીલ આકાશેર નીચે’ના નિર્માતા હેમંતકુમાર હતા. હિંદીમાં તેમણે ‘બીસ સાલ બાદ’ બનાવ્યું હતું, જે ભારતમાં નિર્માણ પામેલાં શ્રેષ્ઠ રહસ્યચિત્રોમાંનું એક બની ચૂક્યું છે. એ પછી ‘કોહરા’ સહિતનાં કેટલાંક હિંદી ચિત્રોનું તેમણે નિર્માણ કર્યું હતું, પણ તેમાં જોઈએ એવી વ્યાવસાયિક સફળતા ન મળતાં તેઓ ફરી બંગાળી ચિત્રોનાં નિર્માણ તરફ વળ્યા હતા અને ‘આનંદિતા’નું નિર્માણ કર્યું હતું. આ ચિત્રને સમીક્ષકોએ વખાણ્યું હતું, પણ તેમને કોઈ આર્થિક ફાયદો ન થતાં ચિત્રનિર્માણ તેમણે બંધ કરી દીધું હતું. સિત્તેરના દાયકામાં જ્યારે ચિત્રસંગીતનો આખો પ્રવાહ બદલાઈ ચૂક્યો હતો, ત્યારે હેમંતકુમારના ઠરેલા અવાજને તેમાં સ્થાન નહોતું કે રવીન્દ્ર-સંગીત અને શાસ્ત્રીય સંગીત આધારિત ચિત્રસંગીતને કોઈ સ્થાન ન રહ્યાનું જણાતાં તેઓ કોલકાતા પરત આવી ગયા હતા. 1988માં ભારત સરકારે હેમંતકુમારને જ્યારે પદ્મશ્રી આપવાની જાહેરાત કરી હતી ત્યારે આ ખિતાબ તેમને આપવામાં સરકાર મોડી પડી હતી એમ કહીને તેમણે આ ખિતાબ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે એકસોથી વધુ હિંદી અને એટલાં જ બંગાળી ચિત્રોમાં સંગીત આપ્યું હતું.

હરસુખ થાનકી