હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ)
February, 2009
હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ) : ઇંગ્લિશ કૉમન લૉની અત્યંત જાણીતી ‘રિટ’. ‘રિટ’ એટલે આજ્ઞા. પુરાણા સમયમાં ઇંગ્લિશ કાયદા હેઠળ દાદ માગવા માટે રાજાને અરજી કરવી પડતી. આ અરજીના નિશ્ચિત નમૂનાઓ હતા. એ નમૂનાઓમાં જો દાવાનું કારણ (cause of action) બંધબેસતું આવતું હોય તો દાદ મળતી; તેમ જો ન થતું હોય તો દાવો કરી શકાતો નહિ અને સાચો કેસ પણ માર્યો જતો. રાજા પાસે આવા કામનો ભરાવો થવાથી તેણે એ કામ કરવા માટે ચાન્સેલરની નિમણૂક કરી. પ્રથમ આવા ચાન્સેલરો ધર્મગુરુઓમાંથી નિમાતા, પરંતુ પછીથી તે સિવાયની વિદ્વાન વ્યક્તિઓની નિમણૂકો થવા માંડી. આ રિટમાંની એક રિટ હેબિયસ કૉર્પસ નામથી પ્રચલિત બની.
લૅટિન ભાષામાં ‘હેબિયસ કૉર્પસ’નો અર્થ છે ‘શરીરને હાજર કરો’ અથવા જેને કેદ કરવામાં આવી છે તે વ્યક્તિને અદાલતમાં રજૂ કરો. આવા આદેશને બંદી-પ્રત્યક્ષીકરણની રિટ કહે છે અને જેના કબજામાં કોઈ વ્યક્તિ હોય તે વ્યક્તિને ઉદ્દેશીને આવો આદેશ ન્યાયાલય દ્વારા આપવામાં આવે છે.
આ રિટને આધારે, જેણે બીજી વ્યક્તિને કેદ કરી છે અથવા અટકાયતમાં રાખી છે તેણે, એ વ્યક્તિને અદાલતમાં નિશ્ચિત સમયે તથા નિશ્ચિત હેતુ માટે રજૂ કરવી એવો આદેશ આપવામાં આવે છે. વ્યક્તિને રજૂ કરવાથી એ વ્યક્તિને શા માટે કેદ કરવામાં આવી છે તેનાં કારણો અદાલત જાણી શકે છે અને જો કેદ કરવા માટે કાનૂની સમર્થન ન હોય તો તેને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવે છે. આવા આદેશ દ્વારા અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિને અટકાયત કાયદા દ્વારા નિર્ધારિત પ્રક્રિયા કરવામાં આવી છે કે નહિ એટલું જ જાણવાનું હોય છે, તે વ્યક્તિ ગુનેગાર છે કે નહિ તે નિર્ધારિત કરવાનો તેનો હેતુ હોતો નથી.
ભારતના બંધારણ હેઠળ આ એક મહત્વની રિટ છે. એનો હેતુ દુષ્કૃત્યકર્તાને શિક્ષા કરવાનો નથી; પરંતુ અયોગ્ય રીતે કેદ કરવામાં આવેલી વ્યક્તિને મુક્ત કરાવવાનો છે, જેથી એવી વ્યક્તિ કાનૂની રાહે દાદ મેળવી શકે. આ રિટ કરવાનો ફાયદો એ છે કે આ સાથે વ્યક્તિની સ્વતંત્રતા(liberty)નો પ્રશ્ન સંકલિત હોવાથી એનો નિકાલ ઝડપથી કરવામાં આવે છે.
ઇંગ્લૅન્ડમાં 14મી સદીમાં ન્યાયાલયોના કામકાજમાં તેનો ઉલ્લેખ સાંપડે છે. 1679ના કાયદા દ્વારા તેને નિશ્ચિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ઇંગ્લૅન્ડની જેમ ભારતમાં આ રિટના વિકાસનો કોઈ જૂનો ઇતિહાસ નથી. 1773માં રેગ્યુલેટિંગ ઍક્ટ બનાવ્યો ત્યારે પણ તે ઍક્ટ હેઠળ ન્યાયાધીશને – જજને આ વિશે કોઈ સત્તા ન હતી; પરંતુ 1774ના ચાર્ટરથી કોલકાતા સુપ્રીમ કોર્ટને આ સત્તા પ્રાપ્ત થઈ. 1872માં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 81 હેઠળ બ્રિટિશ યુરોપિયન પ્રજા માટે પ્રેસિડન્સી ટાઉનમાં જ આ સત્તા હાઈકોર્ટને આપી હતી. આ સત્તા ખૂબ જ મર્યાદિત હતી અને ભારતીયોની બાબતમાં તેનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. 1922માં મદ્રાસ હાઈકોર્ટે રિ. ગોવિંદ નાયર, 1922 (45) મદ્રાસ 922 (ફુ.બે.)ના એક કેસમાં આવી રિટ આપી શકાય તેવો ચુકાદો આપ્યો હતો; પરંતુ પ્રિવી કાઉન્સિલે તે મંજૂર રાખ્યો ન હતો. છેવટે 1923માં ક્રિમિનલ પ્રોસિજર કોડમાં તેની કલમ 491થી બધા જ ભારતીયો માટે આવી રિટ આપવાની સત્તા દરેક ઉપરની અદાલતને અપાઈ. આ પહેલાં અને પછી પણ આ હક બ્રિટિશ પ્રજાજનોનો જ જન્મસિદ્ધ અધિકાર મનાતો; પરંતુ બંધારણ અમલમાં આવ્યું તે પછી સુપ્રીમ કોર્ટને અને દરેક હાઈકોર્ટને આ રિટ આપવાની સત્તા મળી.
ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને અને 226 હેઠળ હાઈકોર્ટને આ માટે અરજી કરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આ માટે અરજી કરી શકે છે. જેને કેદ કરવામાં આવી છે તે વ્યક્તિ પોતે, તેનો પિતા, પત્ની, બહેન, માતા, તેનાં સગાંવહાલાં અથવા તેનો મિત્ર– ગમે તે આવી કેદ કરાયેલી વ્યક્તિની મુક્તિ માટે અદાલતને અરજી કરી શકે છે. આવી કેદ કરાયેલી વ્યક્તિ પર ગેરકાયદે આચરણ કે વર્તાવ કરવામાં આવ્યો છે એવો પત્ર જો અદાલતને લખવામાં આવે તો તેને પણ રિટ ગણીને અદાલત તેના માટે પગલાં લેશે. સામાન્યત: કોઈ તદ્દન અજાણી વ્યક્તિ આવી અરજી કરતી નથી.
આવી અરજી સાથે એક સોગંદનામું (affidavit) જોડવાનું હોય છે, જેમાં અરજી શા માટે કરી છે તેનાં સ્પષ્ટ કારણો દર્શાવવામાં આવ્યાં હોય છે. જો અદાલતને એમ લાગે કે અરજીનાં કારણો જોતાં દાદ આપવા માટે સ્પષ્ટ કેસ છે, તો તે કેદ કરનારાઓને કારણદર્શક નોટિસ (show cause notice) આપી જણાવશે કે આ બાબતમાં આખરી નિર્ણય કેમ ન કરવો તેનાં કારણો જણાવવા માટે તેઓએ અદાલતમાં હાજર થવું. કરવામાં આવેલી અટકાયત કે કેદ વાજબી જણાશે તો અદાલત અરજી રદ કરશે; પરંતુ ગેરવાજબી કેદના કિસ્સામાં તે કેદ કરાયેલી વ્યક્તિને મુક્ત કરવાનો આદેશ કરશે. આવી અરજીનો આખરી નિકાલ થાય તે દરમિયાન વચગાળાના જામીન (Interim Bail) પર વ્યક્તિને મુક્ત કરી શકાશે.
(i) વ્યક્તિ જ્યારે ગુનાઇત પુરવાર થાય અને સજા ભોગવતી હોય ત્યારે આવી રિટ મળી શકે નહિ. ટ્રાયલ કોર્ટે હકૂમત વિના તેનો કેસ ચલાવી તેને કેદની શિક્ષા કરી હશે તો તે સામે અપીલ કરાય, આવી રિટ ન ચાલી શકે. (ii) જ્યારે વ્યક્તિને અટકાયતમાં રાખી હોય ત્યારે તેની અટકાયત ગેરકાયદે હોય; પરંતુ જ્યારે કારણદર્શક નોટિસ બજવાઈને આવી ગઈ હોય તે સમયે જો એની અટકાયત ગેરકાયદે ન હોય તો રિટ ચાલી શકે નહિ. એ જ પ્રમાણે આવી રિટ અરજી ચાલુ હોય તે દરમિયાન કેદીને મુક્ત કરવામાં આવે તો રિટ અરજી નિરર્થક બની જાય છે. (iii) વ્યક્તિને કેદ કરી તે વાજબી હતું કે નહિ તે જ અદાલત તપાસશે અને તેને મુક્ત કરવાનો આદેશ કરશે; પરંતુ આવા આદેશ-સમયે જો નવો કાયદેસરનો આદેશ તેના પર બજાવવામાં આવે તો અદાલતને આવી રિટના આધારે એને મુક્ત કરવાની સત્તા નથી. (iv) રાજ્યના જે કાયદા હેઠળ વ્યક્તિને કેદ કરવામાં આવી છે તે કાયદો જ રાજ્યની સત્તા બહારનો (ultra-vires) હશે તો આ રિટ મળી શકે; એ રીતે રાજ્યનો કાયદો બિનબંધારણીય (unconstitutional) હશે તોપણ આવી રિટ મળશે. (v) આ રિટ માત્ર રાજ્ય સામે જ નહિ, પરંતુ કોઈ ખાનગી વ્યક્તિ સામે પણ મળી શકે છે; પરંતુ જ્યાં સુધી કોઈ મૂળભૂત અધિકાર(fundamental right)નો ભંગ થયો છે એમ ન દર્શાવાય ત્યાં સુધી આ રિટ મળી શકશે નહિ. (vi) વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટનું વલણ એવું છે કે માનવ-અધિકારો, ખાસ કરીને વ્યક્તિગત કે સામૂહિક સ્વાતંત્ર્ય અથવા વ્યક્તિગત કે સામૂહિક લોકોના મૂળભૂત અધિકારોના ભંગ વિશે કોઈ વ્યક્તિ માત્ર પત્ર લખે અથવા છાપામાં કોઈ લેખ લખે કે તે વિશે કોઈ સમાચાર પ્રસિદ્ધ થાય તો એને પણ રિટ તરીકે ગણવામાં આવે છે.
માત્ર વ્યક્તિઓને જ નહિ; પરંતુ ગેરકાયદે કેદમાં રાખેલાં બાળકો બાબતમાં, જો બાળકો સંબંધી કાયદાઓ દ્વારા કોઈ રાહત ન મળે તો આવી રિટ કરી શકાશે. દાખલા તરીકે, હિંદુ માઇનોરિટી ઍન્ડ ગાર્ડિયનશિપ ઍક્ટ, ગાર્ડિયન્સ ઍન્ડ વૉર્ડ્ઝ ઍક્ટ હેઠળ (જુઓ ભગવતીબાઈ વિ. યાદવ ક્રિશ્ન, ઑલ ઇન્ડિયા રિપોર્ટર 1969 મ. પ્ર. 23.) અટકાયતી ધારા હેઠળની અટકાયતો તથા વિદેશી નાગરિકની ભારતમાંથી હદપારી તથા પ્રત્યાર્પણ(extradition)ના કિસ્સાઓમાં આ રિટનો ઉપયોગ થઈ શકે છે.
જેની સામે આ રિટ આપવામાં આવે તે વ્યક્તિ જો તેનો અમલ ન કરે અથવા તેમાં વિલંબ કરી નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરે કે તેના અમલમાં કોઈ વિઘ્નો ઉપસ્થિત કરે, તેને અદાલતની અવજ્ઞા કે તેના તિરસ્કારનો દોષિત ગણી શિક્ષા થઈ શકે.
કટોકટીના સમયમાં (Emergency, આર્ટિકલ 359) પણ આ અધિકારને સ્થગિત કરી શકતો નથી.
ભાનુપ્રસાદ મ. ગાંધી