હેબર ફ્રિટ્ઝ (Haber Fritz)
February, 2009
હેબર, ફ્રિટ્ઝ (Haber, Fritz) [જ. 9 ડિસેમ્બર 1868, બ્રેસ્લો, સિલેશિયા (હવે રોકલો), પોલૅન્ડ; અ. 29 જાન્યુઆરી 1934, બાસલ, સ્વિટ્ઝર્લૅન્ડ] : જર્મન ભૌતિક-રસાયણવિદ અને 1918ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. હેબર એક સમૃદ્ધ રંગ-ઉત્પાદક વેપારીના પુત્ર હતા. 1886થી 1891 દરમિયાન તેમણે એ. ડબ્લ્યૂ. હૉફમૅનના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ હાઇડેલબર્ગમાં રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કરી 1891માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ પછી તેઓ પિતાના ધંધામાં જોડાયા પણ બરાબર ગોઠ્યું નહિ. આ દરમિયાન તેમને વિજ્ઞાનમાં રસ જાગ્યો અને શૈક્ષણિક કારકિર્દી પસંદ કરી. પ્રથમ તેમણે યુનિવર્સિટી ઑવ્ જેના (Jena) ખાતે કાર્બનિક રસાયણમાં સંશોધન શરૂ કર્યું, પણ ત્યાંની જુનવાણી પદ્ધતિથી ઝાઝો સંતોષ ન થયો. તે સમયે નવા નવા શરૂ થયેલા ભૌતિક-રસાયણનો વિષય જાતે જ શીખ્યા અને 1894માં કાર્લ્સરૂહની ટૅકનિકલ હાઈસ્કૂલમાં ભૌતિક-રસાયણના શિક્ષક બન્યા. સાથે સાથે તેમણે ઉષ્માગતિશાસ્ત્ર (ઉષ્માગતિકી, thermodynamics) અને વીજરસાયણ (electrochemistry) ઉપર ઊંડું સંશોધન કર્યું જેના કારણે તેઓને પ્રાધ્યાપકપદ આપવામાં આવ્યું.
ફ્રિટ્ઝ હેબર
હેબર 1906થી 1911 સુધી કાલ્સરૂહ યુનિવર્સિટીમાં ભૌતિક-રસાયણના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1912માં તેઓ ડાહલેમ (બર્લિન નજીક) ખાતે નવા શરૂ થયેલ કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ફિઝિકલ કૅમિસ્ટ્રી ઍન્ડ ઇલેક્ટ્રૉકૅમિસ્ટ્રીના નિયામક તરીકે નિમાયા.
1898માં બ્રિટિશ વૈજ્ઞાનિક સર વિલિયમ ક્રૂક્સે એ બાબત પર ધ્યાન દોરેલું કે નાઇટ્રોજનયુક્ત (nitrogenous) ખાતર તરીકે ચીલિયન નાઇટ્રેટનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે જોતાં તે ખલાસ થઈ જવાનો સંભવ છે. આથી જમીનની ફળદ્રૂપતા વધારવા હવામાંના નાઇટ્રોજનને કોઈ સસ્તી પદ્ધતિ વડે સંયોજન રૂપે મેળવી શકાય. આ વિચારને લક્ષમાં લઈ હેબરે સતત બે વર્ષ સુધી (1907–1909) સંશોધન કરીને શોધી કાઢ્યું કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયા(NH3)નું સંશ્લેષણ થઈ શકે છે.
N2 + 3H2 ⇌ 2NH3
એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદન માટે 150થી 200 વાતાવરણ દબાણ અને યોગ્ય તાપમાન તથા ઉદ્દીપકની હાજરી જરૂરી છે. 1913માં કાર્લ બોશે આ પ્રક્રિયા ઔદ્યોગિક ઉત્પાદન માટે વિકસાવી. આથી આ વિધિ હેબર-બોશ પ્રવિધિ તરીકે જાણીતી છે.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન હેબર લશ્કરી (military) હેતુઓ માટેના શસ્ત્ર તરીકે વિષાળુ વાયુઓ અને ગૅસ-માસ્ક (gas-mask) વિકસાવવા સાથે સંકળાયેલા રહ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1920માં તેમણે ભૌતિક-રસાયણના અભ્યાસ માટે એક ઉત્તમ કક્ષાની પ્રયોગશાળાની સ્થાપના કરી જે ઉદ્યોગોને પણ મદદરૂપ બની શકે. આ સંસ્થા ભૌતિક-રસાયણમાં સંશોધન માટે વિશ્વની એક અગ્રણી સંસ્થા તરીકે ખ્યાતિ પામી હતી. સમુદ્રના પાણીમાંથી સોનું મેળવવા માટે પણ તેમણે પ્રયત્નો કર્યા હતા.
તેમણે જર્મન ભાષામાં લખેલાં પુસ્તકો ‘ધ થીઅરેટિકલ બેસિઝ ઑવ્ ટૅકનિકલ ઇલેક્ટ્રૉકૅમિસ્ટ્રી’ (1898) અને ‘ધ થર્મોડાયનૅમિક્સ ઑવ્ ટૅકનિકલ ગૅસ રિએક્શન્સ’ (1905) બદલ તેમને સારી એવી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.
હેબરને મૂળતત્વો(elements)માંથી એમોનિયાના સંશ્લેષણ માટેની પદ્ધતિ શોધવા બદલ 1918નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો. તેમના સાથી એવા કાર્લ બોશને પણ ઉચ્ચદાબયુક્ત રાસાયણિક પ્રવિધિઓની તકનીકો વિકસાવવા બદલ 1931નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત હેબરને રૉયલ સોસાયટી(લંડન)નો રમફર્ડ ચંદ્રક તથા લંડનની કેમિકલ સોસાયટીનું માનાર્હ સભ્યપદ પણ એનાયત થયેલાં.
ઇઝરાયેલ જતાં સ્વિટ્ઝર્લૅન્ડમાં તેમનું અવસાન થયેલું.
જ. પો. ત્રિવેદી