હેન્ડ્કે, પીટર (Handke, Peter) (જ. 6 ડિસેમ્બર 1942, ગ્રીફેન, ઑસ્ટ્રિયા) : 2019નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર ઑસ્ટ્રિયાના નવલકથાકાર, નાટ્યલેખક, કવિ, નિબંધકાર, ફિલ્મનિર્દેશક અને પટકથા લેખક.

તેમના પિતા એરિફ શ્યોનેમાન બૅંકમાં ક્લર્ક અને જર્મન સૈનિક હતા. પિતાને તો પોતે મોટા થયા ત્યાં સુધી તેમણે જોયા નહોતા. પછી તેમની માતા મારિયા ટ્રામ કંડક્ટર અને બર્લિનના સૈનિક બ્રુનો હેન્ડ્કેને પરણ્યાં હતાં. 1944થી 1948 સુધી તેઓ રશિયન આધિપત્ય હેઠળના બર્લિનના પેંકોવ જિલ્લામાં રહ્યાં હતાં. ત્યાં તેમના સાવકા ભાઈ અને બહેનનો જન્મ થયો હતો. પછી આખુ કુટુંબ ગ્રિફિન આવ્યું. પીટરના સાવકા બાપ દારૂની લતને લીધે વધારે ઉગ્ર બનતા જતા હતા.

પીટર હેન્ડ્કે

1954માં પીટરને છોકરાઓની નિવાસી શાળા કૅથલિક મારિયાના, તાન્ઝેનબર્ગ કિલ્લામાં મોકલવામાં આવ્યા હતા. ત્યાં શાળાના સમાચારપત્રમાં તેમનો પહેલો લેખ પ્રગટ થયો હતો. 1959માં તેઓ ક્લાગેન્ફુર્ત આવ્યા. ત્યાં શાળાનું શિક્ષણ પૂરું કરીને તેઓ કાયદાના અભ્યાસ માટે યુનિવર્સિટી ઑવ્ ગ્રાઝમાં 1961માં દાખલ થયા હતા. 1966માં જ તેઓ તેમના નાટક – ‘પ્રેક્ષકોનું મન દુભવો’ (Publikumsbeschimpfung) અને નવલકથા ‘ગોલરક્ષકની અસ્વસ્થતા અને દંડ’ (Die Angst des Tormanns beim Elfmeter) દ્વારા જાણીતા થયા હતા. તેમની માતાએ 1971માં આપઘાત કર્યો હતો, તે વેદના તેમણે માતાની જીવની સ્વરૂપે નવલકથા ‘અ સૉરી બિયૉન્ડ ધ ડ્રીમ્સ’(Wunschloses Ungluck)માં આલેખી છે. તેઓ ફ્રેન્કકુર્ત લેખકમંડળના સભ્ય પણ છે. જ્યાં તેમણે લેખકોને સહાયરૂપ બને તે પ્રકારના પ્રકાશનગૃહની શરૂઆત પણ કરી હતી. 1973થી 1977 સુધી તેઓ તેના સક્રિય સભ્ય રહ્યા હતા. તેમણે ચલચિત્રની પટકથા પણ લખી છે. તેમણે લખેલી પટકથાને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 1975માં જર્મન ફિલ્મ ઍવૉર્ડ અને 1980માં ગોલ્ડ ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. તેઓ 1975થી યુરોપિયન લિટરરી ઍવૉર્ડ ‘પેત્રાર્કા-પ્રૈસ’ (Petrarca-Preis)ની નિર્ણાયક સમિતિમાં છે.

ગ્રાઝ છોડ્યા પછી તેઓ ડ્યુસેલ્દોર્ફ, બર્લિન, ક્રોનબર્ગ, પૅરિસ, અમેરિકા (1978–1979) અને સાલ્ઝબર્ગમાં 1979થી 1988 સુધી રહ્યા હતા. 1990 પછી તેઓ પૅરિસ પાસેના શેવિલેમાં રહે છે. તેમના જીવનની માહિતી આપતી ફિલ્મ 2016માં બની હતી. તેમની નવલકથાઓ ઉપરથી પણ ફિલ્મ બની છે, જેમાં તેમણે નિર્દેશક તરીકે પણ કાર્ય કર્યું હતું. 2012થી તેઓ સર્બિયન એકૅડેમી ઑવ સાયન્સીસ ઍન્ડ આર્ટ્સના સભ્ય છે. તેઓ સર્બિયન ઑર્થોડૉક્સ ચર્ચના પણ સભ્ય છે.

યુગોસ્લાવ યુદ્ધના હાડમારી વેઠનાર અને ભોગ બનનાર સર્બિયા (Serbia) વિશે તેમણે તેમના પ્રવાસવર્ણનમાં આલેખન કરતાં ઊહાપોહ પણ થયો હતો. લેખમાં પશ્ચિમનાં વર્તમાનપત્રોની યુદ્ધનાં કારણો અને પરિણામોની અસર વિશે અયોગ્ય રજૂઆત માટે સમલોચના પણ તેમણે કરી હતી. અનેક વિવાદો હોવા છતાં પીટરના યુદ્ધ- વિષયક લખાણોને નોબેલ પુરસ્કાર માટેની તેમના સાહિત્યની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

તેમણે નવલકથા, નાટક, ચિત્રપટકથા, નિબંધો અને કવિતા લખી છે. તેમની રચનાઓ પ્રગટ થતી રહે છે. તેમના સાહિત્યનું અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં ભાષાંતર પણ થયું છે. જર્મન નૅશનલ લાઇબ્રેરીમાં તેમનું સમગ્ર સાહિત્ય રાખવામાં આવ્યું છે.

તેમને 1973માં જ્યૉર્જ બુકનર પ્રાઇઝ મળ્યું હતું. 1987માં ‘વિલેનીકા ઇન્ટરનેશનલ લાઇબ્રેરી પ્રાઇઝ’ અને 2018માં ‘ઑસ્ટ્રિયન નેસ્ત્રોય થિયેટર પ્રાઇઝ’ સમગ્ર જીવનના કાર્ય માટે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2000માં ‘બ્રધર્સ કેરિક ઍવૉર્ડ’, 2002માં ‘અમેરિકા ઍવૉર્ડ’, 2008માં ‘થૉમસ માન પ્રાઇઝ’, 2009માં ‘ફ્રૅન્ક કાફકા પ્રાઇઝ’, 2014માં ‘ઇન્ટરનેશનલ ઇબસેન ઍવૉર્ડ’, 2020માં ‘ઑર્ડર ઑવ્ કરડોર્ડેસ સ્ટાર’ પણ મળ્યા હતા. તેમને 2002 અને 2003માં યુનિવર્સિટી ઑવ્ ક્લાગેનકૂર્ત તથા યુનિવર્સિટી ઑવ્ સાલ્જબર્ગ તરફથી પીએચ.ડી.ની માનાર્હ પદવી પણ એનાયત કરવામાં આવી છે.

કિશોર પંડ્યા