હેન્ચ, ફિલિપ (જ. 28 ફેબ્રુઆરી 1896, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 30 માર્ચ 1965, ઑકો રિઓસ, જમૈકા) : સન 1950ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન એડવર્ડ કૅલ્વિન કેન્ડાલ અને ટેડિયસ રિશ્ટેઇન સાથે અધિવૃક્ક ગ્રંથિ(adrenal gland)ના બાહ્યક(cortex)માં ઉત્પન્ન થતા અંત:સ્રાવો(hormone)ની ઓળખ, સંરચના અને જૈવિક અસરો શોધી કાઢવા માટે પ્રાપ્ત થયું હતું.

ફિલિપ હેન્ચ

મૂત્રપિંડ ઉપર અધિવૃક્ક ગ્રંથિ નામની એક અંત:સ્રાવી ગ્રંથિ આવેલી છે, જેના બાહ્ય ભાગને બાહ્યક અથવા અધિવૃક્ક-બાહ્યક (adrenal cortex) કહે છે. સ્થાનિક શાળામાં અભ્યાસ કરીને તેઓ 1916માં વિનયન શાખામાં સ્નાતક થયા. તેઓ 1917માં અમેરિકી સૈન્યના તબીબી વિભાગમાં જોડાયા અને તબીબી અભ્યાસ તેમણે પિટ્સબર્ગ વિશ્વવિદ્યાલયમાંથી સન 1920 સુધીમાં પૂરો કર્યો. તેઓ મિનેસોટાના તબીબીવિદ્યાના વિભાગમાં મેયો ફાઉન્ડેશનના અધ્યેતા (fellow) બન્યા. તેઓ સન 1923થી મેયો ક્લિનિક સાથે મદદનીશ તરીકે સંકળાયા અને પછી તેના આમવાતી રોગો(rheumatic diseases)ના વિભાગના વડા બન્યા. સન 1928–29માં તેઓ મ્યૂનિક ખાતે આગળ ભણવા ગયા. સન 1932માં સહાયક પ્રાધ્યાપક, સન 1935માં સહપ્રાધ્યાપક અને સન 1947માં તેઓ તબીબીવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. સન 1942થી 1946 તેઓ લશ્કર સાથે આમવાતી રોગોના વિભાગમાં વડા તરીકે રહ્યા અને કર્નલની પદવી સાથે 1946માં છૂટા થયા. તેમણે નિરીક્ષણ કરીને નોંધ્યું કે હાડકાંના સાંધાના પીડાકારક સોજાવાળા સંધિશોથ (arthritis) નામના રોગમાં કમળો થાય ત્યારે કે સગર્ભાવસ્થા થાય ત્યારે તકલીફો ઘટે છે. તેને આધારે તેમણે ‘સ્ટિરૉઇડ’ સંજ્ઞા ધરાવતા પદાર્થથી આવો ફાયદો થાય છે તેવું તારણ કાઢ્યું. સન 1930–38માં કેન્ડાલે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકમાંથી ઘણાં સ્ટિરૉઇડ દ્રવ્યો અલગ તારવી કાઢ્યાં હતાં. હેન્ચ અને કેન્ડાલે કૂતરાઓ પરના સફળ પ્રયોગો પછી માનવના હાડકાંના સાંધાના પીડાકારક સોજા (સંધિશોથ) પર તેનો સફળ પ્રયોગ કર્યો (1948–1949). હેન્ચે અધિવૃક્ક ગ્રંથિના બાહ્યકને ઉત્તેજિત કરતા અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજક અંત:સ્રાવ(adrenal cortical stimulating hormone, ACTH)નો પણ આ રોગમાં સફળ પ્રયોગ કરી બતાવ્યો.

ડૉ. હેન્ચે આમવાતવિદ્યા(rheumatology)ના ક્ષેત્રમાં અનેક સંશોધનપત્રો લખ્યાં હતાં. તેમને મળેલાં પ્રસન્માનો(awards)માં હેબર્ડન ચંદ્રક (લંડન), લૅસ્કટ પ્રસન્માન (1949), પૅસૅનો ફાઉન્ડેશન પ્રસન્માન (1951), ક્રિસ પ્રસન્માન (1951), વિવિધ વિશ્વવિદ્યાલયોની માનદ પદવીઓ વગેરેનો સમાવેશ થાય છે. તેઓ અમેરિકન રહ્યૂમેટિઝમ ઍસોસિયેશનના સ્થાપક સભ્ય અને પ્રમુખ (1940–1941) પણ હતા.

સન 1927માં તેઓ મૅરી કૅહલરને પરણ્યા અને 2 પુત્રો અને 2 પુત્રીઓના પિતા બન્યા. તેમને સંગીત, તસવીરકળા (photography) અને ટેનિસમાં રસ હતો અને તેઓ તબીબી ઇતિહાસના વિશ્વસનીય વિશેષજ્ઞ હતા.

શિલીન નં. શુક્લ