હેડૉક (Haddock) : કૉડ માછલીના કુળની મહત્વની ખાદ્ય માછલી. આ માછલી તેની પાર્શ્વ બાજુએ એક કાળી રેખા ધરાવે છે અને શીર્ષના પાછલા છેડા તરફ એક કાળું ટપકું ધરાવે છે. આ બે લક્ષણોથી તે કૉડ માછલીથી જુદી પડે છે. બીજું હેડૉકની પીઠ ઉપરનું અગ્ર ભીંગડું અન્ય કૉડનાં ભીંગડાં કરતાં વધુ અણીદાર હોય છે. તે ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના બંને કિનારાના પાણીમાં મળી આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ મેલેનોગ્રેમસ ઇગ્લિફિનસ (Melanogrammus aeglefinus) છે.

હેડૉક

હેડૉક ઊંડા શીત જળમાં 45થી 180 મીટરની ઊંડાઈએ રહે છે અને વિવિધ પ્રકારનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. મોટા સમૂહમાં રહેતી આ માછલી મત્સ્યોદ્યોગમાં વેપારી ધોરણે પકડવામાં આવે છે. સામાન્ય કદની માછલીનું વજન 2.25 કિગ્રા. થાય છે છતાં 16.3 કિગ્રા. વજનની માછલી પણ નોંધાયેલી છે. નાની માછલી સપાટીએ જેલીફિશનાં સૂત્રાંગોની વચ્ચે ફરતી જોવા મળે છે. પુખ્ત માછલી સપાટી ઉપર મોટા સમૂહ(schools)માં હરેફરે છે. ઓટર ટ્રૉલ્સ (otter trawls) પદ્ધતિથી મોટી સંખ્યામાં આ માછલીને પકડવામાં આવે છે. વાર્ષિક લગભગ 4,35,000 મેટ્રિક ટન માછલી પકડવામાં આવે છે. તાજી તેમજ શીતાગારમાં સાચવેલી સ્થિતિમાં વિવિધ સ્વરૂપે તે બજારમાં વેચાય છે.

રા. ય. ગુપ્તે