હેગિષ્ટે વસંતરાવ
February, 2009
હેગિષ્ટે, વસંતરાવ (જ. 16 મે 1906, અમદાવાદ; અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : કૉંગ્રેસ સેવાદળના સક્રિય કાર્યકર અને કોમી એખલાસ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નીડર સ્વાતંત્ર્યસેનાની. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારના ટપાલ ખાતામાં નોકરી કરતા અને પોસ્ટ માસ્ટર જનરલના પદ પરથી નિવૃત્ત થયેલા. માતાનું નામ કાશી જેઓ ગૃહિણી હતાં. પરિવારનું મૂળ વતન મહારાષ્ટ્રનું શ્રીવર્ધન ગામ; પરંતુ અમદાવાદમાં કાયમી વસવાટ કરનારા મરાઠીભાષી પરિવારોમાંના એક. વસંતરાવનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદના ત્રણ દરવાજા ખાતેની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં સંપન્ન થયું જ્યાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ત્યાર-બાદ ઉચ્ચશિક્ષણ માટે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક અભ્યાસક્રમમાં દાખલ થયા ખરા; પરંતુ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય હોવાથી ઉચ્ચશિક્ષણની કોઈ પદવી તેઓ પ્રાપ્ત કરી શક્યા ન હતા. તેઓ રાષ્ટ્રીય કૉંગ્રેસની તત્કાલીન યુવાપાંખ કૉંગ્રેસ સેવાદળના અમદાવાદ શાખાના વડા તરીકે કાર્ય કરતા. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 1930માં દાંડીકૂચનું જે આયોજન થયેલું તેમાં ભદ્ર વ્યાયામશાળાની ટુકડીને બીજું સ્થાન આપવામાં આવેલું જેનું સંચાલન વસંતરાવને હસ્તક હતું. આ ટુકડીએ સાબરમતી આશ્રમથી અમદાવાદ જિલ્લાના અસલાલી ગામ સુધીની કૂચનું સંચાલન કર્યું હતું. આ ટુકડી ધરાસણા પહોંચી ત્યારે ગોરી સરકારની પોલીસે તેના પર લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ઘવાયેલા વસંતરાવની ધરપકડ કરવામાં આવી હતી. 1930–46ના ગાળામાં સ્વતંત્રતાની લડતમાં વસંતરાવની સક્રિયતાને કારણે તેમને અવારનવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દાંડીકૂચ દરમિયાન સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ સામુદાયિક હલ્લો યોજાયો ત્યારે મોખરે સરોજિની અને તેમની તરત પાછળ વસંતરાવની પસંદગી કરવામાં આવી હતી. ધોલેરાની છાવણીમાં અમદાવાદની ટુકડીને વસંતરાવે નેતૃત્વ પૂરું પાડેલું. વૌઠાના મેળા વખતે નાંખેલી છાવણીમાં વસંતરાવ મળ ઉપાડવાનું કામ પણ કરતા અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખતા. ભદ્ર વ્યાયામશાળાની તાલીમ તેમને આ રીતે કામ આવતી. 1931માં સરદાર પટેલના પ્રમુખપદ હેઠળ યોજાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં મિત્રો સાથે વસંતરાવે પણ હાજરી આપી હતી. કરાંચી પહોંચવા માટે અમદાવાદથી પોરબંદરના દરિયાકિનારા સુધી બધા સાઇકલ પર ગયા અને ત્યાંથી સ્ટીમરનો પ્રવાસ કર્યો. 1932માં 26મી જાન્યુઆરીએ પ્રતિજ્ઞાવાંચન માટે વસંતરાવની ધરપકડ કરવામાં આવી અને છ માસની સજા થઈ જેમાંથી છૂટીને માંડ બે મહિના બહાર રહ્યા પછી ફરી બે માસનો કારાવાસ ભોગવવો પડ્યો. કારાવાસ દરમિયાન તેઓ સાબરમતી અને યરવડાની જેલોમાં રહ્યા હતા. સાથે રામદાસ ગાંધી, ગુલાબદાસ બ્રોકર, એસ. એમ. જોશી જેવાનો સંગાથ મળ્યો. જેલમાં ગુલામરસૂલ કુરેશી પાસે ઉર્દૂ, નગીનદાસ પારેખ તેમજ રમણલાલ સોની અને ભોગીલાલ ગાંધી પાસે બંગાળી શીખ્યા હતા. બીજા ઇચ્છુક સ્વાતંત્ર્યસૈનિકોને તેઓ મરાઠી શીખવતા. 1932માં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપનામાં અને મેદાની રમતોને લોકપ્રિય બનાવવામાં તેઓએ અગ્રભાગ ભજવ્યો હતો. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહ દરમિયાન વસંતરાવે 3થી 4 માસનો ફરી જેલવાસ ભોગવ્યો. 1946માં અમદાવાદમાં કોમી હુલ્લડ ફરી ફાટી નીકળ્યું. શહેરના જમાલપુર વિસ્તારમાં હરિજનોનાં રહેઠાણો નષ્ટ થયાનાં અને અરસપરસ ખૂની હુમલાના સમાચાર જાણી વસંતરાવ તેમના મિત્ર રજબઅલી લાખાણી (1919–46) સાથે કોમી હુલ્લડ ઠારવા નીકળી પડ્યા. બંનેએ ટોળાને સમજાવવાનો પુષ્કળ પ્રયાસ કર્યો, પણ કોમી નશામાં ચકચૂર હિંસક ટોળાએ તે બંનેને રસ્તા પર જ રહેંસી નાખ્યા.
વસંતરાવ હેગિષ્ટે
વસંતરાવ હેગિષ્ટે અને રજબઅલી લાખાણીએ સાથે શહાદત વહોરીને હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રાણાર્પણ કરનાર આ બંને સ્વાતંત્ર્યસૈનિકોએ પછીની પેઢીને પ્રેરણા પૂરી પાડી છે.
અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘સંદેશ’માં વસંતરાવના હસ્તરેખાવિજ્ઞાન (Palmistry) પરના ઘણા લેખો તેમના જીવનકાળ દરમિયાન છપાયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે