હેગિષ્ટે, હેમલતા (જ. 10 એપ્રિલ 1917, અમદાવાદ; અ. 31 માર્ચ 1993, અમદાવાદ) : અગ્રણી ગાંધીવાદી મહિલા સામાજિક કાર્યકર. મૂળ મહારાષ્ટ્રના શ્રીવર્ધન ગામના વતની; પરંતુ સમગ્ર જીવન અમદાવાદમાં વિતાવ્યું. પિતાનું નામ હરિશ્ચંદ્ર જેઓ ભારત સરકારની ટપાલ ખાતાની નોકરીમાં હતા અને પોસ્ટ માસ્તર જનરલના પદ પરથી નિવૃત્ત થયા. માતાનું નામ કાશીબહેન જેઓ ગૃહિણી હતાં. હેમલતાબહેનનું સમગ્ર શિક્ષણ અમદાવાદ શહેરમાં થયું. દાણાપીઠ ખાતેની ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું, જ્યાંથી બૉમ્બે બોર્ડની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યાર બાદ ગુજરાત કૉલેજમાંથી વિનયન વિદ્યાશાખાની મુંબઈ યુનિવર્સિટીની બી.એ. પદવી પ્રાપ્ત કરી અને તે જ યુનિવર્સિટીની કાયદાશાખાની સ્નાતક પદવી (એલએલ.બી.) પણ પ્રાપ્ત કરી. ત્યાર બાદ તરત જ સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. સમાજકાર્યમાં તેમનું ક્ષેત્ર મહદ્અંશે અમદાવાદની જાણીતી મહિલા-રક્ષણ અને ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘ (સ્થાપના 1930) અને કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટ, ઇંદોર પૂરતી જ મર્યાદિત હતી. તેમણે જ્યોતિસંઘના માનદમંત્રી તરીકે સળંગ સત્તર વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ઉપરાંત, ઇલ્લાહાબાદ જિલ્લાના મહિલા કલ્યાણ માટે કામ કરતા કમલા નહેરુ વિદ્યાલયમાં પણ 1955ના અરસામાં કામ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હસ્તકની શાળાઓનું સંચાલન કરતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તેઓ પાંચ વર્ષ સુધી વાઇસ-ચૅરપર્સન હતાં. તે ઉપરાંત તેમણે કસ્તૂરબા ગાંધી સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી; અમદાવાદના જાણીતા સાબરમતી આશ્રમ(ગાંધી આશ્રમ)ના ટ્રસ્ટી અને અમદાવાદની ગ્રાહક સુરક્ષા ક્ષેત્રમાં કામ કરતી વિશ્વવિખ્યાત સંસ્થા ‘ગ્રાહક શિક્ષણ અને સંશોધન’ (CERC) સંસ્થાના ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યું હતું. 1962–74ના પ્રદીર્ઘ કાળ દરમિયાન તેમને જે. પી.(જસ્ટિસ ઑવ્ પીસ)નું માનદ બિરુદ આપવામાં આવેલું. તે ઉપરાંત, તેઓએ ગુજરાત રાજ્યની સાતમી પંચવર્ષીય યોજનાને આખરી સ્વરૂપ આપવા માટે નિમાયેલી સમિતિના સભ્યપદે પણ કામ કર્યું હતું.

હેમલતા હેગિષ્ટે

ભારતીય પ્રજા અને તેમાં પણ મહિલાઓનાં સર્વાંગી કલ્યાણ માટેની વિચારશીલ ભૂમિકા રજૂ કરતા તેમના ઘણા લેખો સમય સમય પર તેમના જીવનકાળ દરમિયાન છાપાંઓ અને સામયિકોમાં પ્રગટ થયા છે.

તેમને મળેલાં માનસન્માન અને ઍવૉર્ડમાં મુંબઈના ઝોંરા ક્લબ દ્વારા ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે 1980માં ઇન્દિરા ગાંધી ઍવૉર્ડ, જ્યોતિ સંઘ અને સોશ્યલ વેલ્ફેર ઍડવાઇઝરી બોર્ડ દ્વારા તેમને સંયુક્ત રીતે એનાયત થયેલો ઍવૉર્ડ (1984), 1986માં લેડી વિદ્યાગૌરી નીલકંઠ અભિવાદન ટ્રસ્ટ દ્વારા અપાયેલ ઍવૉર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

કોમી એખલાસ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદ વસંતરાવ હેગિષ્ટે હેમલતાબહેનના મોટા ભાઈ હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે