હેકલા : નૈર્ઋત્ય આઇસલૅન્ડમાં આવેલો જ્વાળામુખી પર્વત. તે આઇસલૅન્ડના કાંઠાથી આશરે 32 કિમી. જેટલા અંતરે આવેલો છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 1,491 મીટર જેટલી છે. બારમી સદીથી આજ સુધીમાં હેકલામાંથી કે તેની નજીકના ભાગોમાંથી આશરે 18 જેટલાં પ્રસ્ફુટનો થયાં છે. આ જ્વાળામુખી છેલ્લાં 60 વર્ષથી શાંત રહ્યો છે, તેનું છેલ્લું પ્રસ્ફુટન 1947ના માર્ચની 29મીએ થયેલું, જે તેર મહિના સુધી ચાલુ રહેલું, તેમાંથી નીકળેલો લાવા તેની આજુબાજુ 39 ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલો, જ્યારે તેમાંથી ઊડેલી રાખ ફિનલૅન્ડ સુધી પહોંચી હતી.
ગિરીશભાઈ પંડ્યા