હૅલોજન ખનિજો : જેમાં મુખ્ય કે એકમાત્ર ઘનાયન ઘટક તરીકે હૅલોજન રહેલું હોય એવાં કુદરતમાંથી મળી આવતાં ખનિજો. આ પ્રકારનાં લગભગ 70 જેટલાં ખનિજો હોવાનું જાણવા મળેલું છે; પરંતુ તે પૈકીનાં માત્ર થોડાંક જ સામાન્યપણે મળે છે. તેમને તેમના ઉત્પત્તિપ્રકાર મુજબ નીચે પ્રમાણેના સમૂહોમાં વહેંચેલાં છે :
1. સમુદ્રજળના કે ખારા પાણીના સરોવર–જળના બાષ્પીભવન દ્વારા થતી ક્ષારીય જમાવટ (નિક્ષેપક્રિયા) : હેલાઇટ અથવા સિંધવ (NaCl) આ સમૂહમાં આવતું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સેંકડો ચોકિમી.નો વિસ્તાર આવરી લેતા તેના થર એક મીટરથી માંડીને 300 મીટરની જાડાઈના હોય છે. હેલાઇટના સંકલનમાં કુદરતમાંથી મળતાં મહત્વનાં અન્ય ખનિજોમાં સિલ્વાઇટ (KCl) અને કાર્નેલાઇટ(KMgCl3·6H2O)નો સમાવેશ કરી શકાય.
2. ઉષ્ણજળજન્ય/ઉષ્ણબાષ્પજન્ય નિક્ષેપક્રિયા : આ સમૂહમાં આવતું મુખ્ય ઉદાહરણ ફ્લોરાઇટ (CaF2) છે. તે મોટે ભાગે તો શિરાઓ રૂપે મળે છે અથવા ધાત્વિક અયસ્કના સંકલનમાં મળે છે. આવું જ બીજું ઉદાહરણ ક્રાયોલાઇટ (NCl3AlF6) છે, જે પ્રાથમિક ઉત્પત્તિપ્રકાર દર્શાવે છે અથવા ખડકોમાં રહેલાં સિલિકેટ ખનિજો પર ફ્લોરિનધારક દ્રાવણો/બાષ્પની પ્રક્રિયામાં બનતાં હોય છે.
3. પરિણામી પરિવર્તન (secondary alteration) : ચાંદી, તાંબાં, સીસા કે પારાના ક્લોરાઇડ, આયોડાઇડ અથવા બ્રૉમાઇડ આ ધાતુઓ ધરાવતા અયસ્ક જથ્થાઓમાં થતી સપાટી પરિવર્તન પેદાશ-સ્વરૂપે બની શકે છે. સીરાર્ગિરાઇટ (cerargyrite) AgCl અને આતાકૅમાઇટ (Cu2(OH3)Cl) જેવાં ખનિજો તે પ્રકારનાં ઉદાહરણો છે.
4. ઊર્ધ્વપાતન દ્વારા થતી નિક્ષેપક્રિયા : જ્વાળામુખી/ફ્યુમેરોલની આજુબાજુ બનતી હેલાઇડની ઊર્ધ્વપાતન પેદાશોમાં સાલએમોનિયાક (NH4Cl), મૅલિસાઇટ (FeCl3) અને કૉટુનાઇટ(PbCl2)નો સમાવેશ થાય છે. ઇટાલીનો માઉન્ટ વિસુવિયસ આ પ્રકારનાં ખનિજોની પ્રાપ્તિ માટે ખૂબ જાણીતો છે.
5. ઉલ્કાઓ : લોહ-ઉલ્કાઓમાંથી લૉરેન્સાઇટ (FeCl2) મળી આવેલું છે.
ગિરીશભાઈ પંડ્યા