હૃદ્-રોગ જન્મજાત (congenital heart disease)
February, 2009
હૃદ્-રોગ, જન્મજાત (congenital heart disease) : ગર્ભના વિકાસ સમયે હૃદયની સંરચનામાં વિકૃતિ ઉદભવતાં તેનાથી થતો રોગ. એમાં વિવિધ પ્રકારની વિકૃતિઓ ઉદભવે છે માટે વિવિધ પ્રકારના જન્મજાત હૃદ્-રોગો હોય છે. મોટા ભાગે તે બાળપણમાં લક્ષણો અને ચિહનો સર્જે છે, પરંતુ ક્યારેક તે પુખ્ત વયે જ તકલીફ કરે છે. બે કર્ણક વચ્ચેના પડદામાં છિદ્ર હોય તો તેને (આંતર)કર્ણક પટલછિદ્ર (atrial septal defect, ASD) કહે છે, તેમાં ઘણી વખતે કોઈ તકલીફ થતી નથી અને છાતીના એક્સ-રે-ચિત્રણ વડે અકસ્માતે જ નિદાન થાય છે.
તેનાં નિદાનસૂચક લક્ષણો અને ચિહનોમાં નીલિમા (cyanosis), હૃદ્-નિષ્ફળતા (cardiac failure), મર્મરધ્વનિ, હૃદ્-તાલભંગ (arrhythmia) વગેરેનો સમાવેશ થાય છે. નખ, હોઠ, આંખના પોપચાંની અંદરની દીવાલ ભૂરી પડે તેને નીલિમા કહે છે. હૃદયના ધબકારાને સ્ટેથોસ્કોપ વડે સંભળાય ત્યારે મર્મરધ્વનિ સાંભળી શકાય છે. હૃદયના ધબકારા અનિયમિત થાય તેને હૃદ્-તાલભંગ કહે છે.
સૌથી વધુ કર્ણક પટલછિદ્ર (ASD) જોવા મળે છે (30 %). 10 % કિસ્સામાં ક્ષેપકપટલછિદ્ર (ventricular septal defect, VSD), 10 % કિસ્સામાં ધમનીનલિકા વિસ્ફારિતા (patent ductus arteriosis, PDA), 7 %માં ફુપ્ફુસીય કપાટનું સંકીર્ણન (pulmonary stenosis, PS), 7 %માં મહાધમની(aorta)માં ચોક્કસ સ્થળે સાંકડાપણું (મહાધમની સંકીર્ણન, co-arctation of aorta), 6 %માં મહાધમની કપાટ સંકીર્ણતા (aortic stenosis, AS), 6 %માં ફેલોની ચતુર્વિધ વિકૃતિ (fallot tetrology, FT), 4 % કિસ્સામાં ધોરી નસોની ઊલટાસૂલટી (complete transposition of great vessels, CTGV) અને 20 %માં પ્રકીર્ણ વિકૃતિઓ જોવા મળે છે. જીવિત જન્મતાં બાળકોના 0.8 %માં જન્મજાત વિકૃતિઓ જોવા મળે છે. માતાને સગર્ભાવસ્થામાં રુબેલાનો ચેપ લાગે તો PDA, PS, ASD વગેરે થઈ શકે છે. માતાને મદ્યપાનની ટેવ હોય તો ક્યારેક ASD, VSD થાય છે. માતાને લુપસ એરિથેમેટોસસનો રોગ હોય તો જન્મતાં હૃદ્-રોધ (heart block) થાય છે. ડાઉનનું સંલક્ષણ નામના રંગસૂત્રીય વિકૃતિજન્ય રોગમાં ASD, VSD થાય છે. આવું અન્ય રંગસૂત્રીય વિકૃતિઓમાં પણ જોવા મળે છે.
જ્યારે બહુતંત્રીય રુધિરાભિસરણ અને ફેફસી રુધિરાભિસરણ એકબીજા જોડે ભળે – ASD, VSD, PDA, FT ત્યારે ઑક્સિજનયુક્ત અને ઑક્સિજનરહિત લોહી એકબીજા સાથે ભળી જાય છે. તેથી હોઠ, નખ વગેરે ભૂરા પડે છે. આંગળીઓનાં ટેરવાં ફૂલીને ગદા જેવાં (ગદાંગુલિતા, clubbing) થાય છે. સામાન્ય રીતે આવું જ્યારે ફેફસી રુધિરાભિસરણનું દબાણ ઘણું વધે ત્યારે થાય છે. તેને દક્ષિણાનુવામ સંયોગિતા (right to left shunt) કહે છે. તેને આઇઝેન્મેન્ગરનું સંલક્ષણ પણ કહે છે. બાળકમાં ઉપર જણાવેલાં લક્ષણો અને ચિહનો ઉપરાંત વૃદ્ધિમાં ઘટાડો તથા ભણવામાં મુશ્કેલી થતી જોવા મળે છે. કેટલીક વખતે આ દર્દીઓમાં સગર્ભાવસ્થા જોખમી નીવડે છે. મોટા ભાગના કિસ્સામાં સમયસરની શસ્ત્રક્રિયા જ આદર્શ સારવાર બને છે.
શિલીન નં. શુક્લ