હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease)

February, 2009

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease) : હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અંતર્રોધ (અટકાવ) ઉદભવવાથી થતો રોગ. પશ્ચિમી દેશોમાં તે સૌથી વધુ જોવા મળતો રોગ છે. નાની ઉંમરે થતા કાલપૂર્વ મૃત્યુ(premature death)નું તે પ્રમુખ કારણ છે. સન 2020માં વિશ્વભરમાં તે પ્રમુખ મૃત્યુકારક રોગ બનશે એવું મનાય છે. ધમનીની દીવાલ પર મેદજન્ય ચકતીઓ કે અર્બુદિકાઓ થઈ આવે તેને મેદચકતીઓ કે મેદાર્બુદિકા (atheroma) કહે છે. તેને કારણે ધમનીની દીવાલમાં તંતુતા (fibrosis) થાય છે અને તે કઠણ બને છે, તેને મેદજન્ય તંતુકાઠિન્ય અથવા મેદતંતુકાઠિન્ય (atherosclerosis) કહે છે. ધમનીનું પોલાણ તેને કારણે સાંકડું થાય છે અને તેમાંથી લોહીનું વહન ઘટે છે. હૃદયના સ્નાયુ(હૃદ્-સ્નાયુ)ને જ્યારે જરૂરી લોહી ન મળે ત્યારે તેમાં વિકાર ઉદભવે છે. તેથી દર્દીને છાતીમાં દુખાવો થાય છે. તેને હૃદ્-વેદના અથવા હૃદ્-પીડ (angina pectoris) કહે છે. હૃદ્-સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ ઘટવાથી વિષમતા ઉદભવે તો તેને હૃદ્-સ્નાયુ અરુધિરવાહિતા (myocardial ischaemia) કહે છે અને જો તેનો કોઈ ભાગ મૃત્યુ પામે તો તેને હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) કહે છે. તેને સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો થવો, ‘heart-attack આવવો’ વગેરે રીતે વર્ણવાય છે. તે ઘાતક નીવડી શકે છે.

આકૃતિ 1 : હૃદયની મુકુટધમનીઓમાં સ્થાન : (1) ઊર્ધ્વ મહાશિરા (superior vena cava), (2) મહાધમની (aorta), (3) ફુપ્ફુસીય (ફેફસી) પ્રધમની (pulmonary trunk), (4) અધોમહાશિરા (inferior vena cava), (5) ડાબી પ્રમુખ મુકુટધમની (left main coronary artery), (6) અગ્રસ્થ અવરોહી ધમની (anterior descending artery), (7) વલયવર્તી ધમની (anterior descending artery), (8) જમણી મુકુટધમની (right coronary artery), (9) પશ્ચસ્થ અવરોહી ધમની (posterior descending artery).

હૃદયનું રુધિરાભિસરણ : હૃદયના ડાબા ક્ષેપકમાંથી મહાધમની (aorta) નીકળે છે. તેના મુખ પાસે અર્ધચંદ્રાકાર કપાટ (semilunar valve) અથવા મહાધમનીય કપાટ (aortic valve) હોય છે. આ કપાટ(valve)ને કારણે લોહીનું વહન એકદિશ (એકમાર્ગી) બને છે. તેથી ડાબા ક્ષેપકમાંથી તેના સંકોચનકાળે (systole) લોહી મહાધમનીમાં ધકેલાય છે; પરંતુ તે ડાબું ક્ષેપક પહોળું થતું હોય ત્યારે, એટલે કે તેના વિકોચનકાળે (diastole) તે મહાધમનીમાંથી પાછું ડાબા ક્ષેપકમાં આવી શકતું નથી. આ અર્ધચંદ્રાકાર વાલ્વની તરત ઉપર મહાધમનીમાં ફૂલેલો ભાગ જોવા મળે છે. તેને મુકુટ-વિવરો (coronary sinuses) કહે છે. ડાબા મુકુટ-વિવરમાંથી ડાબી મુખ્ય (left main) મુકુટધમની અને જમણા મુકુટ-વિવરમાંથી જમણી મુકુટ-ધમની નીકળે છે. ડાબી મુખ્ય (વામ-મુખ્ય) મુકુટધમની આશરે 2.5 સેમી.ની હોય છે અને ત્યારબાદ તે વામ અગ્રસ્થ અવરોહી ધમની (left anterior descending artery, LAD) અને ડાબી વલયવર્તી ધમની (left circumflex artery, CX) એમ 2 ધમનીઓમાં દ્વિભાજાય થાય છે. પ્રથમ ધમની (LAD) બે ક્ષેપકો વચ્ચેના ખાંચ(ગર્ત, groove)માં એટલે કે અગ્રસ્થ આંતરક્ષેપકીય ગર્ત(anterior interventricular groove)માં નીચે ઊતરે છે અને તે આંતરક્ષેપકીય પટલ (septum), હૃદયની આગળની (અગ્રસ્થ, anterior) દીવાલ તથા હૃદ્-શિખર(cardiac apex)ને લોહી પહોંચાડે છે. આંતરક્ષેપકીય પટલને લોહી પહોંચાડવા તેની શાખાઓ હૃદ્-સ્નાયુમાં છિદ્ર કરીને પ્રવેશે છે માટે તેમને છિદ્રવાહિનીઓ (perforators) કહે છે. ડાબી-મુખ્ય મુકુટ-ધમનીની બીજી શાખા ડાબી વલયવર્તી ધમની કિનારાલક્ષી (marginal) ધમનીઓ નામની શાખાઓ આપે છે, જે હૃદયની ડાબી બાજુ અને પાછળની (વામ-પાર્શ્વ, left lateral અને પશ્ચસ્થ, posterior) સપાટીને લોહી પહોંચાડે છે. તે હૃદયની નીચલી સપાટી(અધસ્તલ, inferior surface)ને લોહી પહોંચાડે છે.

મહાધમનીના જમણા મુકુટ-વિવરમાંથી નીકળતી જમણી (દક્ષિણ) મુકુટધમની (right coronary artery, RCA) હૃદયની સપાટી પર બંને ક્ષેપકો વચ્ચે આવેલી ખાંચ (ગર્ત, groove અથવા sulcus) – જમણી આંતર-ક્ષેપકીય ગર્ત(right interventricular groove)માં નીચે ઊતરીને જમણા કર્ણક, જમણા ક્ષેપક અને ડાબા ક્ષેપકની અધ:પશ્ચ (inferior-posterior) અથવા નીચલી અને પાછલી સપાટીને શાખાઓ દ્વારા લોહી પહોંચાડે છે. તેની પશ્ચસ્થ અવરોહી ધમની (posterior descending artery) નામની શાખા બંને ક્ષેપકો વચ્ચેના આંતરક્ષેપકીય પટલના નીચલા ભાગને લોહી આપે છે. તે પશ્ચસ્થ આંતરક્ષેપકીય ગર્ત(posterior interventricular groove)માં ગોઠવાયેલી હોય છે. તે 90 % કિસ્સામાં RCAની શાખા હોય છે; પરંતુ 10 % કિસ્સામાં CX ધમનીની શાખા પણ હોય છે. સામાન્ય માણસમાં પણ મુકુટધમનીઓની શાખાઓમાં વિવિધતા રહેલી હોય છે. તેને સામાન્ય વૈવિધ્યકો (normal variants) કહે છે.

જમણી મુકુટધમની વિવર-કર્ણકી પિંડિકા(sinoatrial node)ને 60 % કિસ્સામાં અને કર્ણક-ક્ષેપકીય પિંડિકા(atrioventricular node)ને 90 % કિસ્સામાં લોહી પૂરું પાડે છે. આ બંને પિંડિકાઓ હૃદયના ધબકારા માટેના આવેગો(impulse)ના સર્જન અને વહન માટે મહત્વની છે.

જો જમણી મુકુટધમની(RCA)માં લોહીનો ગઠ્ઠો જામવાથી અંતર્રોધ થાય તો હૃદયના ધબકારાની ગતિ ધીમી પડે છે (વિવરીય મંદ હૃદ્-તાલતા, sinus bradycardia), કર્ણક-ક્ષેપક વચ્ચે આવેગવહનરોધ (કર્ણક-ક્ષેપકરોધ, AV block) ઉદભવે છે અને હૃદયના ડાબા ક્ષેપકની નીચલી સપાટી પર હૃદ્-સ્નાયુપ્રણાશ થાય છે. જો ડાબી અવરોહી ધમની (LAD ધમની) કે ડાબી વલયવર્તી ધમની(CX ધમની)માં અંતર્રોધ થાય તો ડાબા ક્ષેપકની જે સપાટીને તે લોહી પૂરું પાડે છે ત્યાં હૃદ્-સ્નાયુપ્રણાશ થાય છે. ડાબી-મુખ્ય ધમનીમાં જો અંતર્રોધ થાય તો તે ઘણી વખત ઘાતક નીવડે છે.

હૃદયના સ્નાયુઓમાંથી પરત આવતું લોહી મુકુટધમનીઓની શાખાઓ સાથેની શિરાઓ દ્વારા મુકુટ-શિરાવિવર(coronary venous sinus)માં એકઠું થાય છે, જે કર્ણક-ક્ષેપક વચ્ચેની કર્ણક-ક્ષેપકીય ગર્ત(atrioventricular groove)માં હોય છે. તે સીધું જમણા કર્ણકમાં ખૂલે છે. હૃદયમાંની લસિકાવાહિનીઓ પણ મુકુટવાહિનીઓ (coronary vessels) સાથે જ હોય છે અને તે વક્ષીય નલિકા(thoracic duct)માં ખૂલે છે.

 

આકૃતિ 2 : ધમનીનું મેદજન્ય તંતુકાઠિન્ય (atherosclerosis) : (અ) (1) ધમનીની અંદરની સપાટી પર ચરબી અથવા મેદનો ભરાવો તથા (2) તેના પર શોથકારી (inflammatory) કોષોની જમાવટ થાય છે. (આ) (3) મહાકોષભક્ષી કોષો (macrophages) ચરબીનું ભક્ષણ કરીને ફીણકોષો (foam cells) બને છે. (ઇ) (4) ધમનીની અંદરની દીવાલમાં તંતુમયતા(fibrosis)નો વિકાસ થાય અને તેના પર લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, thrombus) જામે અને (5) મેદચકતી કે મેદાર્બુદિકા (atheroma) બને છે, જે સ્થિર અંતર્રોધ (obstruction) કરે છે. (ઈ) (6) મેદચકતી ફાટે તેથી (7) રુધિરગુલ્મ વડે અસ્થિર પ્રકારનો અંતર્રોધ (obstruction) થાય.

મુકુટધમની રોગ : તે મોટા ભાગના કિસ્સામાં ધમનીની દીવાલની અંદરની સપાટી પર મેદ (ચરબી) જામવાથી ઉદભવતી મેદચકતી કે મેદાર્બુદિકાઓ (atheroma) થવાથી ઉદભવતા વિકારોથી થાય છે. મેદચકતી(મેદાર્બુદિકા)ને કારણે ત્યાં તંતુમય પેશી (fibrosis) વિકસે છે, તેથી ધમની કઠણ બને છે. તેને મેદતંતુકાઠિન્ય (atherosclerosis) કહે છે. વળી મેદચકતીની સપાટી પર લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, thrombus) જામે છે. આ બંને કારણે મુકુટધમનીનું પોલાણ સાંકડું થાય અથવા બંધ થઈ જાય છે. તે લોહીના વહનને અટકાવે છે, તેથી અંતર્રોધ (obstruction) થાય છે. લોહીનું વહન ઘટતાં મુકુટધમની રોગના વિકારો થઈ આવે છે. ક્યારેક મહાધમનીશોથ (aortitis), બહુધમનીશોથ (polyarteritis) અને અન્ય સંયોજીપેશીના વિકારો(connective tissue disorders)માં પણ મુકુટધમનીના વિકારો ઉદભવે છે. મુકુટધમની રોગના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે :

સારણી 1 : મુકુટધમની રોગના વિવિધ વિકારો

ક્રમ વિકાર રુગ્ણતા અને લક્ષણો
1. સ્થિર હૃદ્-વેદના અથવા સ્થિર હૃદ્-પીડ (stable angina) સ્થાપિત મેદચકતીના કારણે ધમની સાંકડી થવાથી હૃદ્-સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ ઘટે (હૃદ્-સ્નાયુ અરુધિરવાહિતા, myocardial ischaemia). તેને કારણે શ્રમ કરવાથી છાતીમાં દુખાવો ઊપડે છે.
2. અસ્થિર હૃદ્-વેદના (હૃદ્-પીડ) (unstable angina) મેદચકતીના ફાટવાથી કે તેના પર લોહીનો ગઠ્ઠો જામવાથી વારંવાર થઈ આવતો લોહીના વહનમાં અંતર્રોધ, જેને કારણે આરામના સમયે પણ હૃદ્-વેદના (હૃદ્-પીડ) થાય છે. ક્યારેક મુકુટધમનીમાં સતત સંકોચન (spasm) થાય ત્યારે પણ આવો અંતર્રોધ સર્જાય છે.
3. હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) અથવા હૃદયરોગનો હુમલો મુકુટધમનીમાં પૂર્ણ અંતર્રોધને કારણે હૃદ્-સ્નાયુપેશી મૃત્યુ પામે છે. તેનાથી ઉદભવતા વિકારને હૃદ્-સ્નાયુપ્રણાશ અથવા હૃદય-રોગનો હુમલો કહે છે.
4. હૃદ્-નિષ્ફળતા (cardiac failure) હૃદ્-સ્નાયુપ્રણાશને કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી ધકેલી શકાતું નથી. તેનાથી થતા વિકારને હૃદ્-નિષ્ફળતા કહે છે.
5. હૃદ્-તાલભંગ (arrhythmia) હૃદયના ધબકારા માટેના આવેગસર્જન (વિવર-કર્ણક પિંડિકા, SA node) તથા આવેગ-વહન(કર્ણક-ક્ષેપક પિંડિકા, AV node વગેરે)માં વિકાર સર્જાય ત્યારે હૃદયના તાલબદ્ધ ધબકારા અનિયમિત થાય છે.
6. અચાનક મૃત્યુ ક્ષેપકમાં તાલભંગ (ventricular arrhythmia) થાય, હૃદયનું અસંકોચન (asystole) એટલે કે સંકોચાવવું બંધ થાય કે મોટા પ્રમાણમાં હૃદ્સ્નાયુનો નાશ થાય જેને મહાપ્રણાશ (massive infarction) કહે છે, ત્યારે અચાનક મૃત્યુ થાય છે.

સ્થિર હૃદ્વેદના (સ્થિર હૃદ્પીડ, stable angina) : થોડાક સમય માટે હૃદયના સ્નાયુના કોઈ એક ભાગમાં જે તે સમયની જરૂરિયાત કરતાં ઓછું લોહી ફરતું હોય ત્યારે ઑક્સિજનની માગ અને પુરવઠા વચ્ચે તફાવત ઊભો થાય છે. લોહીના પરિભ્રમણની આવી ઊણપને અલ્પકાલીન અરુધિરવાહિતા (transient ischaemia) કહે છે. તે સમયે દુખાવો ઉદભવે છે. મોટે ભાગે તે મુકુટધમનીની અંદરની સપાટી પર મેદચકતી (મેદાર્બુદિકા, atheroma) થઈ હોય ત્યારે આવું થાય છે. ક્યારેક તે મહાધમની કપાટ-સંકીર્ણતા (aortic stenosis) અને અતિવૃદ્ધિકારી હૃદ્-સ્નાયુરુગ્ણતા(hypertrophic myo-cardiopathy)ના રોગમાં પણ એક લક્ષણ રૂપે જોવા મળે છે. પહેલા રોગમાં મહાધમનીના પ્રવેશદ્વાર પરનો એકમાર્ગી કપાટ સાંકડો થયેલો હોય છે, જ્યારે બીજા રોગમાં હૃદયનો સ્નાયુ જાડો થઈ જાય તેવો વિકાર ઉદભવેલો હોય છે. આ બધી જ સ્થિતિઓમાં નસમાંનો અંતર્રોધ (obstruction) કે માગ-પુરવઠાનો તફાવત એકસરખો રહેતો હોવાથી ચોક્કસ પ્રમાણમાં શ્રમ કરવાથી છાતીની મધ્યમાં દુખાવો થાય છે. ક્યારેક તે અતિશય ઠંડીમાં વધુ જમ્યા પછી કે લાગણીના અતિઆવેશમાં પણ થઈ આવે છે. બેઠાં બેઠાં દુખાવો થવો કે રાત્રે સ્વપ્ન જોતાં જોતાં દુખાવો થઈ આવે તેવું જવલ્લે જ બને છે.

હૃદયના ધબકારા વધે, લોહીનું દબાણ વધે, હૃદ્-સ્નાયુઓની સંકોચનશીલતા વધે, હૃદ્-સ્નાયુ જાડો થયો હોય (અતિવૃદ્ધિ, hypertrophy) કે મહાધમની-કપાટ સાંકડો થયો હોય તો ઑક્સિજનની માગ વધે છે. મુકુટધમનીમાં સામાન્ય રીતે હૃદય વિકોચન પામતું હોય (પહોળું થતું હોય) ત્યારે લોહી વહે છે. જે હૃદયને ઑક્સિજનનો પુરવઠો પૂરો પાડે છે; તેથી ઑક્સિજનનો પુરવઠો જ્યારે વિકોચનકાળ (diastole) ટૂંકો થયો હોય, મુકુટધમનીની વાહિનીપ્રેરક સજ્જતા (vasomotor tone) ઘટેલી હોય, હીમોગ્લોબિન ઘટ્યું હોય, શ્વસનમાર્ગના રોગમાં લોહીની ઑક્સિજનપૂર્તિ (oxygen saturation) ઘટેલી હોય કે મુકુટ-ધમનીમાં વહનદાબ ઘટેલો હોય તો હૃદ્-સ્નાયુને ઑક્સિજનનો પુરવઠો ઓછો મળે છે. આ બધી સ્થિતિઓમાં હૃદ્-વેદના (હૃદ્-પીડ) થઈ આવે છે.

હૃદ્-વેદનાના દર્દીને તપાસતાં કોઈ વિશિષ્ટ ચિહન જોવા મળતું નથી; પરંતુ તેનાં ઉપર જણાવેલ કારક ઘટકોનાં લક્ષણો કે ચિહનો જોવા મળે છે.

નિદાન તપાસમાં આરામકાલીન ECG, શ્રમકાલીન ECG તથા અન્ય કસોટીઓ લાભકારક થાય છે. દર્દી આરામ કરતો હોય ત્યારે ECGમાં ક્યારેક અગાઉ હૃદયરોગનો હુમલો થયેલો હોય તો તેનો સંકેત મળે છે. (દા. ત., ઊંડો Q-તરંગ અથવા ST-T ખંડ કે T-તરંગની વિષમતાઓ.) જો દર્દીને છાતીમાં દુખાવો હોય ત્યારે ST-ખંડ ઊંચો કે નીચો જાય અને T તરંગ ઊંડો (નીચો) ઊતરે, પણ જ્યારે દુખાવો ન હોય ત્યારે તે બંને સામાન્ય સ્થિતિમાં હોય તો તેવા ECGની વિષમતા નિદાનસૂચક છે. શ્રમસહ્યતા-કસોટી (exercise tolerance test) ઘણી મહત્વની નિદાનસૂચક કસોટી છે. તે માટે દર્દીને સહેજ ઊંચે ચડતા ઢાળવાળા ફરતા પટ્ટા પર ચાલવાનું કે ઊર્જામાપક ઉપકરણ સાથેની બાઇસિકલ કે સાઇકલ ચલાવવાનું કહેવામાં આવે છે અને તેની નાડી, લોહીનું દબાણ તથા ECGનો આલેખ મેળવતાં રહેવાય છે. તે ત્રણેયમાં થતા ફેરફારો વડે નિદાન કરી શકાય છે, જોકે તે ક્યારેક ખોટું પરિણામ પણ આપે છે; જેમ કે, ડિગૉક્સિન વડે સારવાર. ડાબું ક્ષેપક જાડું થયેલું હોય, ડાબી પુંજશાખામાં આવેગવહન રોધ (LBBB) થયેલો હોય, વૉલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટ સંલક્ષણનો વિકાર થયેલો હોય.

દર્દીને 99Tc ટેટ્રોફૉસ્મિન નામના સમસ્થાનિક (isotope) દ્રવ્ય આપીને તેના હૃદયમાં લોહી કેટલું પ્રસરે છે તેનું વીક્ષણીય ચિત્રણ (scanning) મેળવી શકાય છે. આ કસોટી આરામની સ્થિતિમાં, ઔષધ પછી કે શ્રમ સાથે કરીને વિકારને તથા તેની સારવારને મૂલવી શકાય છે. તેને હૃદ્-સ્નાયુ રુધિરઅવસરણીય વીક્ષણ (myocardial perfusion scanning) કહે છે. શ્રમકાલીન હૃદ્-પ્રતિઘોષાલેખ (stress echocardiography) એક બીજી નિદાન કસોટી છે. જેમાં શ્રમકાલમાં હૃદયમાં અશ્રાવ્યધ્વનિના તરંગો નાંખીને તેમનો પાછો આવતો પડઘો ચિત્રણ-પ્રણાલીમાં ફેરવવામાં આવે છે. તે એક પ્રકારે દર્દી શ્રમ કરતો હોય ત્યારે હૃદયની સૉનોગ્રાફી (ધ્વનિચિત્રણ) કરાતી હોય તેવી કસોટી છે. તે શ્રમકાલીન ECG કરતાં વધુ વિશ્વસનીય છે. દર્દીની જાંઘ કે હાથમાંની ધમનીમાંથી માર્ગદર્શક તારની સહાયથી પરોવાયેલી નિવેશિકા (catheter) વડે મુકુટધમનીમાં એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખવામાં આવે અને તેનાં ચિત્રણો મેળવીને હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમનીઓ અને તેની શાખાઓને દર્શાવી શકાય છે અને તે જ્યાં પણ સાંકડી થઈ હોય તે જોઈ જાણી શકાય છે. આ કસોટીને મુકુટધમનીચિત્રણ (coronary arteriography) અથવા મુકુટવાહિનીચિત્રણ (coronary angiography) કહે છે.

છાતીના દુખાવાનો નિદાનભેદ : છાતીમાં દુખાવો થવાનાં વિવિધ કારણો છે : (1) ચિંતા કે લાગણીના ઊભરાને કારણે છાતીમાં દુખાવો થઈ આવે છે. (2) હૃદયમાં હૃદ્-વેદના (angina pectoris), હૃદ્-સ્નાયુ-પ્રણાશ (myocardial infarction), હૃદ્-સ્નાયુશોથ (myocarditis), પરિહૃદ્-કલાશોથ (pericarditis), દ્વિદલ કપાટભ્રંશ (mitral valve prolapse), (3) અન્નનળીના રોગો, (4) ફેફસાંના રોગો, (5) છાતીના પિંજરમાં સ્નાયુઓ અને હાડકાં(પાંસળીઓ, કરોડના મણકા, વક્ષાસ્થિ વગેરે)ના રોગો તથા (6) ચેતાતંત્રના રોગો (દા. ત., હર્પિસ ઝોસ્ટર).

હૃદયના રોગનો દુખાવો હોવાનો નિદાનભેદ કર્યા પછી સ્થિર હૃદ્-વેદના કે અસ્થિર હૃદ્-વેદના છે જે જાણવું જરૂરી છે. સ્થિર હૃદ્-વેદના(stable angina)માં મુકુટધમનીમાંનો અંતર્રોધ સ્થિર અને સ્થાપિત હોય છે. વધુ પડતી માગને કારણે દુખાવો થાય છે, માટે શ્રમ સાથે તે સંબંધિત છે, તેની પૂર્વધારણા (prediction) કરી શકાય છે, તેનાં લક્ષણો લાંબા સમયથી હોય છે. શ્રમસહ્યતા કસોટી ઘણી વખત નિદાનસૂચક હોય છે. અસ્થિર હૃદ્-વેદના(unstable angina)માં પ્રચલનશીલ (dynamic) અંતર્રોધ હોય છે. જેમાં મેદચકતી ફાડથી ધમનીની દીવાલની અંદરની સ્તરિકાનો એક ફાટેલો છેડો કે લોહીનો નવો જામેલો ગઠ્ઠો કે બંને હોય છે. ઓછા લોહીના પુરવઠાથી દુખાવો થાય છે, માટે આરામની સ્થિતિમાં પણ દુખાવો થાય છે. તેની પૂર્વધારણા કરી શકાતી નથી. તેનાં લક્ષણો ટૂંકા ગાળામાં દેખાતાં હોય છે તથા વારંવાર અને ઘણી વખતે રાત્રે થાય છે. નિદાનમાં ECG તેમજ ટ્રોપોનિનનું રુધિરસ્તર ઉપયોગી રહે છે.

હૃદ્-વેદના(હૃદ્-પીડ – angina pectoris)ની સારવારમાં મુકુટધમનીમાં ઉદભવેલા અંતર્રોધના વિસ્તાર અને તીવ્રતા વિશે જાણવું જરૂરી છે. વળી ધૂમ્રપાન, લોહીનું ઊંચું દબાણ, લોહીમાં મેદદ્રવ્યોની વિપુલતા વગેરે મુકુટધમની કરતાં પરિબળોની હાજરી છે કે નહિ તે પણ જાણી લેવાય છે. તેની સારવારમાં ઔષધો અને અન્ય પ્રક્રિયાઓ વડે તકલીફમાં ઘટાડો કરવો અને જીવનકાળ લંબાવવાનો પ્રયત્ન કરવો એ પણ મહત્વના હેતુઓ છે. દર્દીનાં લક્ષણો પરથી પૂરતો અંદાજ મળતો ન હોવાથી શ્રમસહ્યતા કસોટી (stress test) કરવામાં આવે છે. દર્દીને હૈયાધારણ તથા રોગ અને સારવાર અંગે સમજૂતી આપવાથી ભય ઘટાડી શકાય છે. એસ્પિરિનની ઓછી માત્રા વડે મુકુટધમનીમાં મેદચકતીઓ પર ગંઠનકોષો(ત્રાકકોષો, platelets)ને જમા થતા અટકાવાય છે. જો તેનાથી અપચો, અમ્લતા (acidity) વગેરે તકલીફો રહે તો ક્લોપિડોગ્રેલ નામનું ઔષધ અપાય છે. હૃદ્-પીડ(હૃદ્-વેદના)ને ઘટાડનારાં ઔષધો 4 જૂથમાં વહેંચાયેલાં છે  નાઇટ્રેટ્સ, બીટા-રોધકો (beta blockers), કૅલ્શિયમ છિદ્રનલિકા-રોધકો (calcium channel blockers) અને પોટૅશિયમ છિદ્રનલિકા સક્રિયકો(pottasium channel activators). ગ્લિસેરાયલ ટ્રાઇનાઇટ્રેટને જીભ નીચે કે ગલોફામાં મૂકવાથી કે ચામડી પર ચોપડવાથી તરત જ મુકુટધમની પહોળી થાય  એવું કરીને દુખાવો મટાડી શકાય છે. આઇસોસોર્બાઇડ ડાયનાઇટ્રેટ કે આઇસોસોર્બાઇડ મૉનોનાઇટ્રેટને મોં વાટે પણ આપી શકાય છે. હૃદયરાગી (cardio selective) બીટા-રોધકો (એટેનોલોલ, મેટોપ્રોલોલ, બિસોપ્રોલોલ) પણ ઉપયોગી રહે છે. નિફેડિપિન અને નિકાર્ડિપિન જેવા કૅલ્શિયમ છિદ્રનલિકા-રોધકોને બીટારોધકો સાથે અપાય છે, જ્યારે વેરાપામિલ અને ડિલ્ટિઆઝેમને એકલાં અપાય છે. નિકોરાન્ડિલ નામનું પોટૅશિયમ છિદ્રનલિકા-રોધક ઔષધ હાલ ઉપલબ્ધ છે. કોઈ એક ઔષધને પર્યાપ્ત માત્રામાં આપવાથી લાભ રહે છે. ઔષધીય સારવાર નિષ્ફળ રહે અથવા હૃદયરોગનો હુમલો થવાનો ભય હોય એટલા પ્રમાણમાં જો મુકુટધમનીમાં અંતર્રોધ થયેલો હોય તો તેને ફુગ્ગા વડે પહોળી કરવી, તેના અંતર્રોધ કરતા સ્થાને પસારનળી (stent) મૂકવી કે ઉપમાર્ગ (bypass) સર્જતી શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડે છે. આ ત્રણેય પ્રક્રિયાઓને શાસ્ત્રીય રીતે અનુક્રમે ચર્મવેધી પારદીય મુકુટધમની પુનર્રચના (percutaneous transluminal coronary angioplasty, PTCA), મુકુટધમની પસારનલીકરણ (coronary stenting) અને મુકુટધમની ઉપમાર્ગ નિરોપ (coronary artery bypass graft, CABG) કહે છે અને તે રીતે સંયુક્ત રીતે તેમને મુકુટધમની અંતર્વેષ્ટનો (coronary interventions) કહે છે.

પ્રથમ 2 પ્રક્રિયાઓમાં જાંઘ કે અગ્રભુજામાંની ધમનીમાં છિદ્ર પાડીને એક માર્ગદર્શક તાર (guide-wire) પરોવવામાં આવે છે, જેને મુકુટધમનીમાં જ્યાં અંતર્રોધ (obstruction) કે સંકીર્ણન (stenosis) થયું હોય ત્યાં પહોંચાડાય છે. ત્યારબાદ તેની મદદથી ત્યાં ફુગ્ગો (baloon) ગોઠવીને તેને ફુલાવવામાં આવે છે, જેથી સાંકડો ભાગ પહોળો થાય. તેને ચર્મવેધી પારદરીય મુકુટધમની પુનર્રચના (PICA) કહે છે. તે સ્થળે પસારનળી (stent) ગોઠવી દેવાય તો લોહીના પરિભ્રમણના માર્ગમાંનો અટકાવ નડતો નથી. તેને મુકુટધમની પસારનલીકરણ (coronary stenting) કહે છે. મુકુટધમની પસારનળી એક ધાતુનું બનેલું માળખું (scaffolding) છે. તેને ફુગ્ગા પર ચડાવી જે તે સ્થળે મૂકવાથી સાંકડા ભાગને પહોળો કરીને તેને ધાતુની પસારનળી વડે પહોળો રાખી શકાય છે. પસારનળીને કારણે ફરીથી ધમની સાંકડી થવાની(પુન:સંકીર્ણન, restenosis)ની સંભાવના ઘટે છે. હાલ ઔષધયુક્ત પસારનળી વાપરવાથી પુન:સંકીર્ણન ઘણું ઘટ્યું છે (17 %) અને તેથી હૃદ્-વેદનાના હુમલા પણ ઘટ્યા છે (13 %). ઉપમાર્ગવાહિની મૂક્યા પછી કે તેના વગર વારંવાર હૃદ્-વેદના થતી હોય તો પસારનળી મૂકવાથી લાભ રહે છે. હાલ ત્રણે મહત્ત્વની ધમનીઓ એટલે કે જમણી મુકુટધમની (right coronary artery), અગ્રસ્થ અવરોહી ધમની(anterior descending artery) અને વલયવર્તી ધમની(circumflex artery)માં અંતર્રોધ હોય કે ડાબી પ્રમુખ મુકુટધમની(left main coronary artery)માં અંતર્રોધ હોય તો શસ્ત્રક્રિયા કરીને મુકુટધમની ઉપમાર્ગવાહિનીનો નિરોપ (coronary artery bypass graft, CABG) મુકાય છે. કેટલાક કિસ્સામાં તેમાં પણ ફુગ્ગાથી ફુલાવીને પસારનળી મૂકવાની પ્રક્રિયા સફળ થયેલી છે.

આશરે 2 %થી 5 % કિસ્સામાં પસારનળીમાં ઉગ્ર અંતર્રોધ ઉદભવે છે. પસારનળી મૂકવાને સ્થાને લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ, thrombus) જામી જાય કે તેને કારણે મુકુટધમનીમાં ઊભો ચીરો પડે તો સંકટકાલીન સ્થિતિ ઉદભવે છે. તે સમયે મુકુટધમનીની અંત:સ્તરિકાનો છૂટો પડેલો છેડો પસારનળીને અવરોધે છે. મુકુટધમનીની દીવાલમાં તેની લંબાઈને સમાંતર ચીરો પડે તેને મુકુટધમની દ્વિછેદન (coronary artery dissection) કહે છે. આવી સ્થિતિમાં હૃદ્-સ્નાયુને નુકસાન થાય છે. તેથી ત્યારે તત્કાલ CABGની શસ્ત્રક્રિયા કરવી જરૂરી બને છે. લાંબા ગાળાની આનુષંગિક તકલીફોમાં પુન:સંકીર્ણન મુખ્ય છે. તેને અટકાવવા એસ્પિરિન, હિપેરિન, ક્લોપિડોગ્રેલ, ગ્લાયકોપ્રોટીન  IIb/IIIaના સ્વીકારકોના વિધર્મીઓ (antagonists) વપરાય છે.

મુકુટધમનીય ઉપમાર્ગવાહિની નિરોપણ(coronary artery bypass grafting, CABG)ની શસ્ત્રક્રિયામાં અંત:વક્ષીય ધમની (internal mammary artery), અગ્રભુજા ધમની (radial artery) અથવા દર્દીના પગની સુષ્ટ શિરા(saphenous vein)ના ટુકડાને ઊંધો કરીને ઉપમાર્ગવાહિની તરીકે ઉપયોગ કરાય છે. મુકુટધમનીનો જે ભાગ સાંકડો થયો હોય તેની પેલી પાર છિદ્ર કરીને ઉપમાર્ગવાહિનીના મુખને જોડવામાં આવે છે. આ જોડાણને મુખાનુપાર્શ્ર્વ છિદ્રપ્રતિછિદ્રસંધાન (end to side anastomosis) કહે છે. એટલે કે મુકુટધમનીની દીવાલમાં છેદ કરીને તેની સાથે ઉપમાર્ગ-વાહિનીના મુખને જોડવામાં આવે છે. સામાન્ય રીતે ઉપમાર્ગવાહિની જોડતી વખતે હૃદ્-ફેફસી યંત્ર વડે રુધિરાભિસરણ ચાલુ રાખીને હૃદયને થોડાક સમય માટે ધબકતું બંધ રખાય છે; પરંતુ હવે કેટલાક કિસ્સામાં ધબકતા હૃદય પર પણ આ શસ્ત્રક્રિયા કરાય છે. શસ્ત્રક્રિયા વખતે છાતીના હાડપિંજરને ખોલવામાં આવે છે. શસ્ત્રક્રિયાનો મૃત્યુદર આશરે 1.5 % છે; પરંતુ મોટી ઉંમરે, મૂત્રપિંડ કે અન્ય અવયવના મહત્ત્વના રોગ સાથે, ડાબા ક્ષેપકની ઘણી ઓછી કાર્યક્ષમતા હોય તો મૃત્યુદર વધે છે. શસ્ત્રક્રિયા પછી એક વર્ષે પણ 90 % અને 5 વર્ષે 40 % જેટલા દર્દીઓને હૃદ્-વેદના થતી નથી. ઉપમાર્ગવાહિની તરીકે ધમની વપરાય તો 10 વર્ષે પણ 80 % ઉપમાર્ગ (bypass) ખુલ્લા હોય છે; પરંતુ શિરા વપરાય તો 50 % જેટલા જ ઉપમાર્ગ ખુલ્લા રહે છે. એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ વડે ઉપમાર્ગને ખુલ્લો રાખવા પ્રયત્ન કરાય છે. જો લોહીમાં મેદદ્રવ્યો ઓછાં રહે તોપણ લાભ રહે છે. અલ્પઘન મેદપ્રોટીન(LDL)ની રુધિરસપાટી 120 મિગ્રા./ડેસિલિટરથી ઓછી રાખવા પ્રયત્ન કરાય છે. આ શસ્ત્રક્રિયાથી જીવનકાળ લંબાવી શકાય છે. શસ્ત્રક્રિયા પછી ક્યારેક લકવો થાય
(1 %થી 5 %) કે બોધાત્મકતા (cognition) ઘટે (30 %થી 80 %) તેવું જોવા મળે છે.

સારણી 2 : પસારનળી (stent) અને ઉપમાર્ગવાહિની નિરોપ(CABG)ની સરખામણી

પરિમાણ પસારનળી ઉપમાર્ગવાહિની નિરોપની શસ્ત્રક્રિયા
મૃત્યુદર < 0.5 % < 1.5 %
હૃદયરોગનો હુમલો 2 % 10 %
હૉસ્પિટલમાં રોકાણ 12થી 36 કલાક 5થી 8 દિવસ
કામે પાછું ચડાય 2થી 5 દિવસ 6થી 12 અઠવાડિયાં
ફરીથી પ્રક્રિયાની 2 વર્ષે 10 %થી 20 % 2 વર્ષે 2 %
જરૂર પડે
ચેતાતંત્રીય વિકાર ભાગ્યે 30 %થી 80 %
અન્ય તકલીફો તત્કાલ CABGની હૃદ્-સ્નાયુને ઈજા,
જરૂર પડે, પ્રવેશ- શસ્ત્રક્રિયાના ઘામાં ચેપ,
ધમનીને ઈજા ઘામાં દુખાવો

સામાન્ય (સાંકડી થઈ હોય તેવી) મુકુટધમની સાથે હૃદયવેદના : આવું આશરે 10 % દર્દીઓમાં જોવા મળે છે. તેઓ મોટે ભાગે સ્ત્રીઓ હોય છે અને તેમાં મૂળ નિદાન અંગે ફરીથી વિચારવું જરૂરી બને છે. 1 %થી ઓછી વ્યક્તિઓમાં મુકુટધમનીનું સતત સંકોચન (spasm) હૃદ્-વેદના અને ECGની વિષમતાઓ સર્જે છે. તેને પ્રિન્ઝ્મેટલની હૃદ્-વેદના કહે છે. તેની સારવારમાં કૅલ્શિયમ છિદ્રનલિકારોધકો (calcium channel blockers) અને નાઇટ્રેટ્સ વપરાય છે; પરંતુ તે ઘણી વખત બિનઅસરકારક રહે છે. ક્યારેક હૃદ્-પીડ, આરામકાલીન અને શ્રમકાલીન ECGમાં વિષમતાઓ હોવા છતાં મુકુટધમનીના વાહિનીચિત્રણ(angiography)માં મુકુટ-ધમનીઓ સામાન્ય જોવા મળે છે. તેને સંલક્ષણ-ક્ષ (syndrome-X) કહે છે. તેનું કારણ સ્પષ્ટ નથી. તેમાં ઔષધો અસરકારક રહે છે અને લાંબા ગાળે વિશેષ તકલીફો ઓછી થાય છે.

આકૃતિ 3 : સ્થિર (અ) અને અસ્થિર (આ) હૃદ્-વેદનાના દર્દીમાં સ્થિર અને અસ્થિર અંતર્રોધ : (1) ધમનીનું પોલાણ, (2) મેદાર્બુદિકા અથવા મેદચકતી (atheroma) – સ્થિરઅંતર્રોધ, (3) ફાટેલી મેદચકતી, (4) ચોંટેલો લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ) (thrombus)  અસ્થિર અંતર્રોધ.

અસ્થિર હૃદ્વેદના (unstable angina) : દર્દી જ્યારે ઓછા અને ઓછા શ્રમ પછી વધુ અને વધુ ઉદ્વેદના અનુભવે ત્યારે તે સ્થિતિને અસ્થિર હૃદ્-વેદના (હૃદ-પીડ) કહે છે. તેનાથી ઉદભવતી વ્યાધિજન્ય દેહધાર્મિકતા (pathogenesis) હૃદયરોગના હુમલા(હૃદ્સ્નાયુ- પ્રણાશ, myocardial infarction)ની સમાન છે અને તેથી તેને હૃદ્-સ્નાયુપ્રણાશના એક જૂથના વિકારો તરીકે સંવર્ગીકૃત કરાય છે. તેને ઉગ્ર મુકુટધમની સંલક્ષણો (acute coronary syndromes) કહે છે; જેમાં એક છેડે અસ્થિર હૃદ્-વેદના છે, જે ક્રમશ: વધીને અલ્પાંશી હૃદ્-સ્નાયુપેશીનાશ (minimal myocardial ischaemia) તથા હૃદ્-સ્નાયુપ્રણાશમાં પરિણમે છે. તેને સારણી 3માં દર્શાવવામાં આવેલ છે. ઉગ્ર મુકુટધમની સંલક્ષણ એક નવા વિકાર તરીકે અથવા સ્થિર હૃદ્-વેદનાની પાર્શ્વભૂ પર ઉદભવતું જોવા મળે છે.

મુકુટધમનીમાંની મેદચકતી કે મેદ-અર્બુદિકા(atheroma)માં ચીરો પડે ત્યારે તેના પર ગંઠનકોષોવાળો લોહીનો ગઠ્ઠો જામે છે. જ્યારે તેની સાથે ધમનીનું સતત સંકોચન (spasm) થાય ત્યારે ઉગ્ર મુકુટધમની સંલક્ષણ થાય છે.

આ સંલક્ષણના વ્યાધિપટ(spectrum of disease)માં વધઘટ થાય છે, કેમ કે સતત સંકોચનમાં વધઘટ થાય કે ગંઠનકોષોનો ગઠ્ઠો છૂટો પણ પડી જાય. ક્યારેક તે ઝડપથી વધી હૃદયના સ્નાયુના કોઈ ભાગનું મૃત્યુ (નાશ) સર્જે અને તેથી હૃદયરોગનો હુમલો પણ થઈ આવે છે.

નિદાન : ટ્રોપોનિન અને ક્રિયેટિનિન કાઇનેઝ જ્યારે હૃદ્-સ્નાયુને નુકસાન થાય ત્યારે કોષોમાંથી છૂટા પડે છે (વિમુક્તન, release) અને તેમનું લોહીમાંનું પ્રમાણ વધે છે. દુખાવાની તીવ્રતા, ECGમાં ST ખંડ ઊંચો જાય કે R તરંગ ઘટે અથવા Q તરંગ ઉદભવે તેવી સ્થિતિ હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction) સૂચવે છે. ક્યારેક વામ પુંજશાખા-રોધ (left bundle branch block) થઈ આવે છે :

સારણી 3 : ઉગ્ર મુકુટધમની-સંલક્ષણ(acute coronary syndrome)નો વ્યાધિપટ (spectrum of disease)

વિકાર / પરિણામ અસ્થિર હૃદ્-વેદના (unstableangina)

 

હૃદ્-સ્નાયુપેશી નાશ (myocardial necrosis) હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardialinfarction)

અથવા હૃદય-રોગનો હુમલો

દીવાલની અડધી જાડાઈ પૂર્ણ જાડાઈ
ECG ST-Tમાં વિષમતા (ST ખંડ નીચે ખસે.) ST-Tમાં વિષમતા (ST ખંડ નીચે ખસે.) ST ખંડ ઉપર તરફ ન ખસે ST ખંડ ઊંચો થાય, Q તરંગ

ઉદભવે.

લોહીમાં ટોપોનિનનું

વિમુક્તન (release)

0 + ++ +++
લોહીમાં ક્રિયેટિનિન કાઇનેઝનું મુક્તન 0 0/+ + +

સામાન્યથી બમણું

+++
ડાબા ક્ષેપકને ઈજાની કક્ષા 0 + + + + + + +

અસ્થિર હૃદ્-વેદના કે ST ખંડ ઊંચો ન ચડ્યો હોય તેવા 12 % દર્દીઓમાં હૃદયરોગનો હુમલો થવાનો કે મૃત્યુ થવાનો ભય રહે છે અને ત્રીજા ભાગના દર્દીઓને 6  મહિનામાં ફરીથી તીવ્ર પીડા થઈ આવે છે. દર્દીને વારંવાર હૃદ્-સ્નાયુ અરુધિરવાહિતાના હુમલા થાય, આરામના સમયે પણ પીડા થાય કે ECGમાં વિષમતા ઉદભવે, ટ્રોપોનિન કે ક્રિયેટિનિન કાઇનેઝ વધે, હૃદયનો તાલભંગ થાય કે રુધિરાભિસરણ(રુધિરપ્રચલન, haemodynamics)માં વિષમતા ઉદભવે (લોહીનું દબાણ ઘટે વગેરે) તો હૃદયરોગનો હુમલો (હૃદ્-સ્નાયુ-પ્રણાશ) થવાનો ભય વધુ રહે છે; માટે વધુ અસરકારક સારવાર અપાય છે. હૃદયરોગના હુમલામાંથી બહાર આવ્યા પછી પણ તે થાય તો જોખમ વધુ રહે છે.

આકૃતિ 4 : (અ) ST-T વિષમતાઓ, (આ) R તરંગ નાનો થાય, (ઇ) ST-T ખંડ ઉપર તરફ ખસે તથા Q તરંગ ઉદભવે

અસ્થિર હૃદ્-વેદનાના દર્દીને ઝડપથી હૉસ્પિટલમાં દાખલ કરાય છે, કેમ કે તેમનામાં હૃદયરોગનો હુમલો અને મૃત્યુ થવાનો ભય હોય છે, જે 60 % જેટલો ઘટાડી શકાય છે. દર્દીને પથારીમાં આરામ કરાવાય છે. એસ્પિરિન, ક્લોપિડોગ્રેન, હિપેરિન અને બીટારોધક (એટેનોલોલ અથવા મેટોપ્રોલોલ) અપાય છે. તેની સાથે નિફેડિપિન કે એમ્લોડિપિન અપાય છે. જો બીટારોધક ન આપી શકાય તેમ હોય તો તેને બદલે વેરાપામિલ કે ડેલ્ટિઆઝિમ અપાય છે. જો છાતીનો દુખાવો રહે કે ફરીથી થાય તો નસ વાટે કે ગલોફામાં નાઇટ્રેટ અપાય છે. સારવારથી લાભ ન થાય કે લોહીનું દબાણ ઘટે તો ઍબ્કિક્ઝિમેબ, ટાયરોફિબેન કે એપ્ટિફિબાટાઇડ અપાય છે. વધુ તીવ્ર વિકારમાં મહાધમનીમાં બલૂન (પ્રફુલ્લક ફુગ્ગો) મૂકવાની કે તત્કાલ મુકુટધમની-વાહિની-ચિત્રણ (coronary angiography) કરવાનું સૂચવાય છે. જો જોખમ ઓછું હોય તો સારવારથી તકલીફને નિયંત્રણમાં લઈને શ્રમસહ્યતાકસોટી કરાય છે અને ઝડપથી હરવાફરવાની છૂટ અપાય છે. જરૂર હોય તે કિસ્સામાં મુકુટધમનીને બલૂન વડે પહોળી કરીને પસારનળી (stent) મુકાય છે કે ઉપમાર્ગ (bypass) કરવા માટેની શસ્ત્રક્રિયા કરાય છે.

હૃદયરોગનો હુમલો (હૃદ્સ્નાયુપ્રણાશ, myocardial infarction) : હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી મુકુટધમની-(coronary artery)માં અંતર્રોધ (obstruction) ઉદભવે ત્યારે સ્નાયુનો પેશીનાશ (necrosis) થાય છે અને થોડો ભાગ મૃત્યુ પામે છે. તેને હૃદ્-સ્નાયુપ્રણાશ અથવા સાદી ભાષામાં હૃદયરોગનો હુમલો (heart-attack) કહે છે. મુકુટધમનીમાં ઉદભવતો અંતર્રોધ મુકુટધમનીમાંની મેદચકતી(મેદાર્બુદિકા, atheroma)માં ચીરો પડે અને તેના પર લોહીનો ગઠ્ઠો (ગુલ્મ, thrombus) જામે ત્યારે થાય છે. આ ગઠ્ઠો સમય જતાં ક્યારેક વિલયન (lysis) પામે છે, પરંતુ તે પહેલાં હૃદયના સ્નાયુમાં ફરીથી સુધારો ન થઈ શકે તેવું નુકસાન કરતો જાય છે. 30 % દર્દીઓમાં ધમનીમાંનો અંતર્રોધ જેમનો તેમ રહે છે. વળી હૃદ્-સ્નાયુને થતું નુકસાન પણ વધતું જાય છે. માટે તેની સારવાર કરવી જરૂરી બને છે.

ચિહનો, લક્ષણો અને નિદાન : છાતીના મધ્ય ભાગમાં થતો દુખાવો પ્રમુખ લક્ષણ છે; પરંતુ તેની સાથે શ્વાસ ચડવો, ઊલટી થવી, મૂર્ચ્છા આવવી કે લોહીનું દબાણ ઘટી જવું વગેરે તકલીફો પણ થઈ આવે છે. દુખાવો તીવ્ર હોય છે અને લાંબો ચાલે છે. દર્દી તેને છાતીમાં દબાણ લાગવું કે ભાર લાગવો એવી રીતે પણ વર્ણવે છે. દર્દી કાર્ય કરતો અટકી પડે છે અને ફિક્કો પડી જાય છે. દુખાવો ડોક, ડાબો ખભો, ડાબો હાથ, પેટ કે પીઠમાં પણ થઈ શકે છે. દર્દી સંભવિત મૃત્યુથી આશંકિત થઈ જાય છે અને ચિંતાગ્રસ્ત અને અજંપ બને છે. મોટી ઉંમરે કે મધુપ્રમેહના દર્દીઓ ઘણી વખત દુખાવો અનુભવતા નથી. હૃદયનું સંકોચન બંધ થાય (asystole) કે ક્ષેપકમાં દ્રુતતાલતા (tachycardia) કે વિસ્પંદન (fibrillation) થાય તો અચાનક મૃત્યુ પણ નીપજે છે. મોટા ભાગના મૃત્યુ પ્રથમ કલાકમાં થઈ જાય છે. સમય પસાર થાય તેમ હૃદયના તાલભંગ (arrhythmia) થવાનો ભય ઘટે છે. જો હૃદ્-સ્નાયુનો મોટો ભાગ મૃત્યુ પામ્યો હોય કે અસરગ્રસ્ત થયો હોય તો હૃદ્-નિષ્ફળતા (heart failure) થઈ આવે છે. ફિક્કાશ, પરસેવો વળવો, હૃદયના ધબકારા વધી જવા, ઘટી જવા કે અનિયમિત થવા; લોહીનું દબાણ ઘટવું, પેસાબ ઘટવો, હાથ-પગ ઠંડા પડવા, લોહીના ઉપરના અને નીચેના દબાણ વચ્ચેનો તફાવત (નાડીદાબ, pulse-pressure) ઘટવો, હૃદયનો ત્રીજો ધ્વનિ સંભળાવવો, પ્રથમ ધ્વનિ મંદ થવો, હૃદયનો શિખર ધબકાર ફેલાયેલો થવો, ફેફસાંમાં મૃદુ વિશિષ્ટ રવ (soft crepitation) સંભળાવો, ક્યારેક તાવ આવી જવો વગેરે ચિહ્નો પણ થાય છે.

નિદાનપરીક્ષણો : મહત્વનાં નિદાન-પરીક્ષણોમાં ECG, ક્રિયેટિનિન કાઇનેઝના MB પ્રકારની રુધિરસપાટી, અન્ય રુધિરકસોટીઓ, છાતીનું એક્સ-રે-ચિત્રણ, હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography) વગેરેનો સમાવેશ થાય છે. ECGની મદદથી નિદાન નિશ્ચિત કરી શકાય છે; પરંતુ ડાબી પુંજશાખામાં રોધ (LBBB) હોય કે પહેલાં હૃદ્-સ્નાયુપ્રણાશ થયેલો હોય તો ECGના અર્થઘટનમાં મુશ્કેલી રહે છે. આશરે ત્રીજા ભાગના દર્દીઓમાં શરૂઆતમાં ECG સામાન્ય આલેખ દર્શાવે છે, તેથી જરૂર પડ્યે 3 દિવસ સુધી સતત રોજ ECG લેવો જરૂરી બને છે. શરૂઆતમાં ST ખંડ ઊંચો ચડે છે. ત્યારબાદ R તરંગ નાનો થાય છે અને હૃદયની દીવાલની પૂરેપૂરી જાડાઈમાં પ્રણાશ થયો હોય તો Q તરંગ જોવા મળે છે. તેને પૂર્ણબાહ્યાંતરી (full thickness) પારભિત્તિ (transmural) હૃદ્-સ્નાયુપ્રણાશ કહે છે. જો હૃદયની દીવાલ(ભીત્તિ)ની પૂરેપૂરી જાડાઈ અસરગ્રસ્ત ન હોય તો તેને અપૂર્ણ બાહ્યાંતરી(partial thickness) હૃદ્-સ્નાયુપ્રણાશ કહે છે. જો તે હૃદયના પોલાણ પાસેના સ્નાયુને અસરગ્રસ્ત કરે તો ST-Tની વિષમતા થાય છે; પરંતુ Q તરંગ ઉદભવતો નથી; તેથી તેને Q તરંગ વિનાનો હૃદ્-સ્નાયુપ્રણાશ અથવા અવહૃદંત:કલાપ્રણાશ (subendocardial infarction) કહે છે. તેમાં હૃદયના પોલાણનું અંદરથી આવરણ કરતા સ્તર(હૃદંત:કલા, endo-cardium)ની નીચેનો હૃદ્-સ્નાયુ અસરગ્રસ્ત થાય છે. જો હૃદ્-સ્નાયુઓનો હૃદંત:કલા નીચેના ભાગ સિવાયનો ભાગ અસરગ્રસ્ત થાય તો Q તરંગ ઉદભભવતો નથી તથા ST ખંડ ઊંચો જતો નથી; પરંતુ ફક્ત R તરંગ નાનો બને છે. હૃદ્-સ્નાયુનો જે ભાગ પ્રણાશ પામ્યો હોય તેની પરના વીજાગ્રોમાં ECG વિષમતાઓ સુસ્પષ્ટ જોવા મળે છે; માટે ક્ષેપકો વચ્ચેના પડદા અને હૃદયની આગળની દીવાલમાં પ્રણાશ હોય તો V1થી V4 વીજાગ્રો, હૃદયની ડાબી દીવાલમાં પ્રણાશ હોય તો V4થી V6 અને aVL વીજાગ્રો, હૃદયની નીચેની (પાછલી) દીવાલમાં પ્રણાશ હોય તો II, III અને aVF વીજાગ્રોમાં સૌથી વધુ સ્પષ્ટ વિષમતાઓ જોવા મળે છે.

સારણી 3માં દર્શાવ્યા પ્રમાણે લોહીમાં ટ્રોપોનિન અને ક્રિયેટિનિન કાઇનેઝ(MB પ્રકાર)ની સપાટી ઊંચી જાય છે. ક્રિયેટિનિન કાઇનેઝ(CK)નું સ્તર 4થી 6 કલાકમાં વધે છે, 12 કલાકે ટોચે પહોંચે છે અને 48થી 72 કલાકમાં સામાન્ય સ્થિતિ પર આવે છે. CKનું સ્તર સ્નાયુમાં ઇન્જેક્શન આપવાથી પણ વધે છે. ટ્રોપોનિન (T અને I પ્રકારો) સૌથી વધુ સંવેદનશીલ સૂચક દ્રવ્ય (marker) છે, જે 4–6 કલાકમાં વધીને 2 અઠવાડિયાં સુધી ઊંચા સ્તરે રહે છે. લોહીની અન્ય તપાસોમાં ESR અને સી-રિયેક્ટિવ પ્રોટીન (CRP) છે, જે બંને વધે છે. છાતીનું એક્સ-રે ચિત્રણ હૃદયના કદ વિશે માહિતી આપે છે. હૃદ્-પ્રતિઘોષાલેખ (echo) હૃદયના ડાબા અને જમણા ક્ષેપકની કાર્યક્ષમતા અંગે માહિતી આપે છે.

શરૂઆતની સારવાર : દર્દીમાં હૃદયરોગનો હુમલો થયો છે તેવી શંકા પડે એટલે તેને નિર્વિસ્પંદક(defibrillator)ની સગવડવાળી પરિવાહિકા (ambulance) દ્વારા તે પ્રકારની સગવડવાળા ઘનિષ્ઠ સંભાળ-કક્ષ(intensive care unit)માં દાખલ કરવામાં આવે છે. સમગ્ર સમય દરમિયાન દર્દીની નાડી, લોહીનું દબાણ વગેરેનું સતત માપન અથવા માપનેક્ષણ (monitoring) કરાય છે અને જરૂર પડ્યે યોગ્ય સારવાર તત્કાળ અને ત્યાં ને ત્યાં જ કરાય છે. નસ વાટે મેટોક્લોપ્રોમાઇડ અને મૉર્ફિન કે ડાયામૉર્ફિન અપાય છે અને નસમાં વાહિકા (cannula) મૂકવામાં આવે છે, જેથી નસ વાટે દવાઓ અને પ્રવાહી આપી શકાય. હુમલાના પ્રથમ 2થી 3 કલાકોમાં નસ વાટે સ્ટ્રૅપ્ટોકાઇનેઝ આપવાથી લોહીનો ગઠ્ઠો ઓગાળી શકાય છે. તેને ગુલ્મવિલયનકારી (thrombolytic) ચિકિત્સા કહે છે. તેને કારણે હૃદયમાં લોહીનું પરિભ્રમણ ફરીથી સામાન્ય થતું હોવાથી તેને પુન:અવસરણ-ચિકિત્સા (reperfusion therapy) પણ કહે છે. તે સમયે ST ખંડ ઊંચો થાય, હૃદયનો તાલભંગ થાય; (દા. ત., સ્વત:ક્ષેપક તાલ, idioventricular rhythm) થાય. લોહીનું દબાણ ઘટે છે. ક્યારેક મગજમાં લોહી ઝમે છે; પરંતુ તે હૃદ્-સ્નાયુનો નાશ થતો અટકાવે છે, મૃત્યુદર ઘટાડે છે અને વિકારના શમનને ઝડપી બનાવે છે. તેની વિરુદ્ધનાં પ્રતિદ્રવ્યો (antibodies) 5 વર્ષ સુધી ટકે છે, માટે તે સમયગાળામાં ફરીથી હૃદયરોગનો હુમલો થાય તો ઍલ્ટિપ્લેઝ નામનો બીજો ઉત્સેચક વપરાય છે જેથી કરીને મુકુટધમનીમાંનો રુધિર-ગુલ્મ (thrombus) ઓગળી શકે. તેની ઉપર જણાવેલી સ્ટ્રૅપ્ટોકાઇનેઝ જેવી આડઅસરો નથી; પરંતુ તે વધુ ખર્ચાળ છે. વળી તેનાથી મગજમાં લોહી વહેવાનો ભય વધુ રહે છે. આવું જોખમ તેના નવી પેઢીના સમધર્મી (ઔષધો) (analogs) – ટેનેક્ટેપ્લેઝ અને રેટેપ્લેઝ  ના ઉપયોગમાં ઓછું જોવા મળે છે.

જો ગુલ્મવિલયનકારી ચિકિત્સા શરૂઆતના કલાકોમાં થાય તો જ તે લાભકારક છે અને મોડેથી થતી સારવાર જોખમી નીવડી શકે છે. જો દર્દીને શરીરમાં અંદર લોહી ઝમતું હોય, લોહી ઝમવાનો સક્રિય રોગ હોય, અગાઉ મગજ કે તેનાં આવરણોમાં લોહી ઝમેલું હોય, લોહીનું ઊંચું અનિયંત્રિત દબાણ હોય, 1 મહિનામાં કોઈ શસ્ત્રક્રિયા થઈ હોય કે ઈજા થઈ હોય, જઠરમાં પેપ્ટિક વ્રણ (peptic ulcer) હોય કે સગર્ભાવસ્થા હોય તો ગુલ્મવિલયનકારી ચિકિત્સા કરાતી નથી.

દર્દીને હૃદ્-જન્ય આઘાતવિકાર (cardiogenic shock) થયેલો હોય તો પ્રથમ 6 કલાકમાં અથવા 24 કલાક ચાલતી હૃદ્-નિવેશિકા વિજ્ઞાનશાળા(catheter laboratory, cathlab)ની સગવડ હોય તો કોઈ પણ દર્દીને પ્રથમ 3 કલાકમાં મુકુટધમનીમાં નિવેશિકાનળી (catheter) નાંખીને સાંકડી થયેલી ધમનીને પહોળી કરવી કે તેમાં પસારનળી મૂકવી જેવી પ્રક્રિયાઓ કરી શકાય છે. તેનાથી મૃત્યુદર 50 % જેટલો ઘટે છે.

નસમાર્ગી સ્ટ્રૅપ્ટોકાઇનેઝવાળી ગુલ્મવિલયનકારી ચિકિત્સા કે નિવેશિકાનળીવાળી ચિકિત્સા કર્યા પછી મુકુટધમનીનું પોલાણ પુન:સ્થાપિત થયેલું હોય તો તેને જાળવી રાખવા પ્રતિગંઠનકોષ ઔષધો (antiplatelet agents); દા. ત., એસ્પિરિન અને ક્લોપિડોગ્રેલ તથા પ્રતિગુલ્મન ઔષધો (anticoagulants); દા. ત., હિપેરિન, વૉર્ફેરિન અપાય છે. સારવારની શરૂઆતમાં મુખમાર્ગે એસ્પિરિન અને ચામડીની નીચે હિપેરિન અપાય છે. તેમાં ક્લોપિડોગ્રેલ ઉમેરાય. હિપેરિન બંધ કરાય ત્યારે વૉર્ફેરિનની મદદથી રુધિરગુલ્મન થતું અટકાવાય છે.

સહાયક સારવાર કરીને બીટારોધકો (એટેનોલોલ, મેટોપ્રોલોલ) અને નાઇટ્રેટ્સ અપાય છે. બીટારોધકો વડે લાંબો જીવનકાળ સંભવિત બને છે; પરંતુ જ્યારે હૃદ્-નિષ્ફળતા હોય કે હૃદયના ધબકારા ઘટેલા હોય કે કર્ણક-ક્ષેપક વચ્ચે આવેગ-વહનરોધ હોય તો તે અપાતા નથી. નાઇટ્રેટ્સ વડે ફરી ફરી થતો દુખાવો અટકે છે.

હૃદયરોગના હુમલાની આનુષંગિક તકલીફો (complications) : હૃદયના ધબકારાનો તાલભંગ (arrhythmia) થાય જેથી તે અનિયમિત બને, હૃદ્-સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ વિષમ રહે અને રુધિર-અવાહિતા (ischaemia) થાય, ઉગ્ર રુધિરાભિસરણીય નિષ્ફળતા(acute circulatory failure)થી આઘાતવિકાર થઈ આવે, હૃદયના આવરણમાં પીડાકારક સોજો થાય, જેને પરિહૃદ્-કલાશોથ (pericarditis) કહે છે. પ્રણાશ પામેલા સ્નાયુને સ્થાને તંતુમય પેશી (fibrous tissue) વિકસે, જે સંકોચનશીલ ન હોવાને કારણે ફૂલે (ક્ષેપકીય પેટુ, ventricular aneurysm) અથવા ક્યારેક તે ફાટી શકે. હૃદયનો દ્વિદલ કપાટ (mitral valve) પૂરો બંધ ન થાય અને વિપરીત માર્ગે લોહી કર્ણકમાં પાછું જાય તેવો વિકાર પણ થાય છે. તેને દ્વિદલ વિપરીતમાર્ગી વહન (mitral regurgitation) કહે છે.

લાંબા ગાળાની સારવારમાં હૃદયનો તાલભંગ થતો હોય (ધબકારા અનિયમિત થતા હોય), હૃદ્-નિષ્ફળતા આવતી હોય, વારંવાર હૃદ્-વેદના થતી હોય તો તેની સારવાર કરાય છે. ફરીથી હૃદયરોગનો હુમલો ન થઈ આવે તે માટે દ્વૈતીયિક પૂર્વનિવારણ (secondary prevention) કરાય છે; જેમાં ધૂમ્રપાનનિષેધ, લોહીનાં મેદદ્રવ્યોને સમધારણ સપાટીએ લાવવાં, લોહીનું દબાણ અને મધુપ્રમેહને નિયંત્રણમાં રાખવાં, વજન નિયંત્રિત કરવું, નિયમિત કસરત કરવી, લાગણીઓનું નિયંત્રણ કરવું, યોગ-શવાસનનો ઉપયોગ કરવો વગેરે મહત્ત્વનાં છે. દર્દીને તે કરી શકે તેવા કામવાળા વ્યવસાયમાં જોડવો પણ મહત્ત્વની વાત ગણાય છે. આ ઉપરાંત એસ્પિરિન, ક્લોપિડોગ્રેલ, બીટારોધકો, ACE નિગ્રહકો તથા જરૂર પડ્યે ત્યાં અંત:સ્થાપિત નિર્વિસ્પંદક (implantable defibrillator) ઉપયોગી રહે છે.

અંતાનુવિધાન (prognosis) : આશરે 25 % દર્દીઓ સારવાર મળે તે પહેલાં મૃત્યુ પામે છે. લગભગ 50 % મૃત્યુ પ્રથમ 24 કલાકમાં થાય છે. હૉસ્પિટલમાં દાખલ થયેલામાંથી 20 % દર્દીઓ પ્રથમ 28 દિવસમાં મૃત્યુ પામે છે. મૃત્યુનું પ્રમુખ કારણ હૃદયનો તાલભંગ છે. જેઓ પ્રથમ હુમલો જીવી જાય છે તેઓમાંથી 80 % 1 વર્ષે, 75 % 5 વર્ષે, 50 % 10 વર્ષે અને 25 % 20 વર્ષે જીવિત હોય છે.

શિલીન નં. શુક્લ