હૃદ્-અંત:કલાશોથ, ચેપજન્ય (infective endocarditis) : હૃદયના કૃત્રિમ કે કુદરતી એકમાર્ગી કપાટો (valves), હૃદયના ખંડો અને ધોરી ધમનીની અંદરની સપાટી પરના આચ્છાદન (lining) કે કોઈ જન્મજાત વિકૃતિમાં સૂક્ષ્મજીવ (microbe) દ્વારા ચેપ લાગવાથી થતો રોગ. મોટે ભાગે તે જીવાણુ(bacteria)થી થાય છે; પરંતુ ક્યારેક તે રિકેટ્શિયા, ક્લેમાયડિયા કે ફૂગથી પણ થાય છે.

સામાન્ય રીતે જે સ્થળે હૃદયની અંદરની સપાટી પરના સ્તર, હૃદંત:કલા અથવા હૃદ્-અંત:કલા(endocardium)માં કોઈ પ્રકારે ઈજા થયેલી હોય ત્યાં સૂક્ષ્મજીવનો ચેપ લાગે છે; પરંતુ સ્ટેફાયલોકોકસ ઑરિયસ જેવા આક્રમક અને અતિબલિષ્ઠ (virulent) સૂક્ષ્મજીવો સામાન્ય હૃદ્-અંત:કલાને પણ અસરગ્રત કરે છે; તેથી નસ દ્વારા ઔષધોનું વ્યસન કરનારાઓમાં જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચેના ત્રિદલ કપાટ(tricuspid valve)માં ચેપ લાગવાનું વધુ જોવા મળે છે. જ્યાં સ્થાનિક દબાણ વધુ હોય તેવી જન્મજાત કે સંપ્રાપ્ત (acquired) વિકૃતિઓમાં ચેપ લાગવાની સંભાવના વધુ રહે છે; દા. ત., (આંતર)ક્ષેપકીય પટલ છિદ્ર (ventricular septal defect, VSD), દ્વિદલ કપાટીય વિપરીત વહનવિકાર (mitral regurgitation – MR), મહાધમની કપાટીય વિપરીતવહનવિકાર (aortic regurgitation – AR), વગેરે. બે કર્ણકો વચ્ચેના પડદામાં છિદ્ર હોય (કર્ણકપટલ છિદ્ર, atrial septal defect – ASD) તો ત્યાં દબાણ ઓછું હોવાથી ચેપ લાગવાની સંભાવના ઓછી રહે છે.

હૃદંત:કલામાં જ્યાં ઈજા થયેલી હોય ત્યાં લોહીના ગંઠનકોષો (platelets) અને ફાઇબ્રિનના તંતુઓ ચોંટે છે, જેમાં લોહીમાં પરિભ્રમણ કરતા સૂક્ષ્મજીવો નિવાસ શરૂ કરે છે અને સંખ્યાવૃદ્ધિ પામે છે. ફાઇબ્રિનની જાળમાં તેઓ વ્યક્તિની સુરક્ષા પૂરી પાડતા પ્રતિરક્ષાતંત્ર(immune system)થી સુરક્ષિત રહે છે. જ્યારે તેમાં ચેપ પૂરેપૂરો સ્થાપિત થાય એટલે ગંઠનકોષો, ફાઇબ્રિન તંતુઓ અને સૂક્ષ્મજીવોનો સમૂહ વિગુલ્મ(vegetation)નો ગઠ્ઠો બનાવે છે અને સ્થાનિક પોલાણ કે છિદ્રને નાનું કરે છે. આસપાસની પેશીનો નાશ થાય છે અને તેમાં નાનાં નાનાં ગૂમડાં (પૂયગડો, abscesses) થાય છે. વિગુલ્મનો ટુકડો છૂટો પડીને શલ્યસ્થાનાંતરતા (embolism) પામે તો તે લોહીના પ્રવાહમાં અન્યત્ર જઈને ચોંટે છે અને ત્યાં અંતર્રોધ (obstruction) તથા ગૂમડું કરે છે અથવા જે તે સ્થળે નસમાં વિકાર સર્જે છે, જેને વાહિનીશોથ (vasculitis) કહે છે. હૃદયના ખંડો વચ્ચેના અને ક્ષેપક અને ધોરી ધમનીઓ વચ્ચેના એક દિશામાં ખૂલતાં બારણાં જેવા કપાટો(valve)ને નુકસાન પહોંચે છે. તેમની પાંખડીઓ (દલ, cusp) વિકૃત થઈને ચોંટી જાય છે; તેથી કાં તો છિદ્ર સાંકડું થાય છે (સંકીર્ણન, stenosis) અથવા જ્યારે બંધ થાય ત્યારે પૂરેપૂરું બંધ ન થતું હોવાથી લોહી અવળી દિશામાં વહે છે (વિપરીત વહન, regurgitation). તેને જે તે કપાટની અપર્યાપ્તતા (insufficiency) પણ કહે છે. ચેપી શલ્યસ્થાનાંતરતા થઈને જે નસમાં ચેપી વિગુલ્મનો ટુકડો પહોંચે છે ત્યાં વાહિનીશોથ ઉપરાંત ક્યારેક તે ભાગ પહોળો થાય છે; જેને ફુગપેટુ (mycotic aneurysm) કહે છે. બરોળ અને મૂત્રપિંડમાં પેશીના નાશને કારણે પ્રણાશ (infarction) થાય છે. મૂત્રપિંડમાં પ્રતિરક્ષાલક્ષી ગુચ્છમૂત્રપિંડશોથ (glomerulone-phritis) નામનો વિકાર પણ થાય છે.

મુખ્યત્વે સ્ટ્રેપ્ટોકોકસ વિરિડાન્સ જૂથના જીવાણુઓ ચેપ કરે છે. તે દાંતની સારવાર કે ચાવવાની ક્રિયા વખતે દાંતમાંના ચેપમાંથી લોહી દ્વારા પ્રસરીને હૃદયની અંત:કલાને અસરગ્રસ્ત કરે છે. અન્ય જીવાણુઓમાં એન્ટરોકોકસ ફિકાલિસ, ઇ. ફિસિયમ, સ્ટૅપ્ટોકોકલ બૉવિસ, સ્ટૅપ્ટોકોકલ મિલેરીનો સમાવેશ થાય છે. ચામડી પરનાં ગૂમડાં, નસમાં રાખેલી નિવેશિકાઓ (catheters) કે ઔષધ વ્યસનાસક્તિમાં લેવામાં આવતાં ઇન્જેક્શનો દ્વારા સ્ટેફાયલોકોકસ ઑરિયસનો ચેપ લાગે છે. તે તથા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિ અને સ્ટ્રેપ્ટોકોકસ પાયોજિન્સ ઉગ્ર (acute) પ્રકારનો ચેપ કરે છે. હૃદયના કપાટ (valve) પરની શસ્ત્રક્રિયા પછી ક્યારેક સ્ટેફાયલોકોકસ એપિડર્મિસનો ચેપ લાગે છે. તે તથા અન્ય કોએગ્યુલેઝ – નેગેટિવ સૂક્ષ્મજીવો (સ્ટેફાયલોકોકસ લ્યુઝેનેન્સિસ) ઉગ્ર વિકાર સર્જે છે. આ ઉપરાંત અન્ય પ્રકારના સૂક્ષ્મજીવો પણ ચેપ કરે છે. 60 %થી 80 % ચેપ સ્ટ્રેપ્ટોકોકાઈ, 10 %થી 30 % સ્ટેફાયલોકોકાઈ તથા 3 %થી 8 % ગ્રામ–નેગેટિવ જીવાણુ, હિમોફિલસ અને અજારક (anaerobic) જીવાણુ ચેપ કરે છે. 2 %થી ઓછા દરે રિકેટ્શિયા, ફૂગ વગેરે ચેપ કરે છે. યીસ્ટ, કેન્ડિડા, ઍસ્પજિલસ વગેરે પ્રકારની ફૂગ જે દર્દીની રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા) ઘટેલી હોય તેમને થાય છે. તેની સાથે સામાન્ય રીતે જીવાણુજન્ય ચેપ પણ હોય છે.

સામાન્ય રીતે 24 % દર્દીઓ આમવાતી હૃદ્રોગ(rheumatic heart disease)વાળા, 19 % દર્દીઓ જન્મજાત હૃદ્રોગવાળા, 25 % દર્દીઓ અન્ય હૃદયવિકૃતિઓવાળા હોય છે. આશરે 32 % દર્દીઓમાં કોઈ હૃદયનો રોગ હોતો નથી. આશરે 50 % દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હોય છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : આશરે 60 %થી 70 % દર્દીઓને પેશાબમાં લોહી જાય છે (રુધિરમેહ, haematuria). 40 %થી 50 % દર્દીઓને હૃદ્-નિષ્ફળતા થાય છે. 30 %થી 40 % લાંબા ગાળાના દર્દીઓની બરોળ મોટી થાય છે. (સ્પ્લીહાવર્ધન, splenomegaly). 20 %થી 30 % દર્દીઓને શ્લેષ્મકલા અને આંખના દૃષ્ટિપટલમાં બિન્દુરુધિરસ્રાવ (petechial haemorrhage) થાય છે. 10 %થી 20 % દર્દીઓમાં હૃદયમાંના આવેગવહનમાં વિકાર ઉદભવે છે અને હૃદ્-કપાટો(heart valves)નું કાર્ય વિષમ થવાથી મર્મરધ્વનિ (murmur) ઉદભવે છે. 15 % દર્દીઓમાં મગજમાં ચેપી વિગુલ્મ(infective vegetation)નો ટુકડો છૂટો પડીને શલ્ય-સ્થાનાંતરતા (embolism) કરે છે જેથી ત્યાં ગૂમડું થાય છે. આશરે 7 %માં શરીરના અન્ય અવયવોમાં વિગુલ્મી સ્થાનાંતરતા થાય છે અને તેથી વિવિધ સ્થળે ગૂમડાં થાય છે. નખની બેઠકપેશી(nailbed)માં પેશીનો નાશ થવાથી ક્યારેક પ્રણાશ (infarction) થાય છે. 10 % દર્દીઓની આંગળીઓનાં ટેરવાં ફૂલે છે અને દીવાસળીના ટોપ કે ગદા જેવાં થાય છે. તેને ગદાંગુલિતા (clubbing of fingers) થાય છે અને ત્યાંના નખમાં છૂટાછવાયા રુધિરસ્રાવના બિન્દુડાઘ (splinter haemorrhage) જોવા મળે છે. વેઢા પર ગંઠિકાઓ થાય છે (5 %). તેને ઓસ્લરની ગંઠિકાઓ કહે છે. કેટલાકની આંખમાં અંદર તપાસતાં રોથનાં બિન્દુઓ જોવા મળે છે. આ દર્દીઓમાં દાંત ફૂટવાની ક્રિયા નબળી પડે છે. પગની નાડી અસ્પષ્ટ બને છે. પગ પર ટૂંકા ગાળાનો રુધિરસ્રાવી સ્ફોટ (petechial rash) થાય છે.

મોટી ઉંમરે ઘણી વખત અસ્પષ્ટ લક્ષણો જોવા મળે છે. દર્દી માનસિક ગૂંચવણ, વજનનો ઘટાડો, થાક, અશક્તિ વગેરે અનુભવે છે. મોટે ભાગે મૂત્રમાર્ગમાંથી આંત્રગોલાણુઓ (enterococci) કે મોટા આંતરડામાંથી સ્ટ્રેપ્ટોકોકસ બૉવિસ નામના જીવાણુનો ચેપ હોય છે. મોટી ઉંમરે મૃત્યુદર વધુ રહે છે.

રોગ ઉગ્ર (acute) અને ઉપોગ્ર (subacute) રીતે વર્તે છે. ઉગ્ર રોગમાં તાવ, ચામડી અને શ્લેષ્મકલામાં રુધિરસ્રાવની બિન્દુછાંટ (petechial haemorrhages) અને વિગુલ્મના ટુકડા છૂટા પડીને શરીરના વિવિધ અવયવોની ધમનીમાં ચોંટે ત્યારે ત્યાં ગૂમડાં થાય છે. આવી રીતે વિગુલ્મના ટુકડાની અન્યત્ર પહોંચવાની ક્રિયાને વિષભ-સ્થાનાંતરતા (embolism) કહે છે. હૃદયમાં કોઈ વિકૃતિ કે વિકાર હોય ત્યારે દાંતની શસ્ત્રક્રિયા કરવામાં આવે તો આવું ઘણી વખત બને છે.

લોહીનો નમૂનો લઈને તેમાંનાં જીવાણુઓનું સંવર્ધન કરવાથી નિદાનમાં નિશ્ચિતતા આવે છે. તેને રુધિરસંવર્ધન કસોટી (blood culture test) કહે છે. રુધિરસંવર્ધનમાં સંભવિત જીવાણુ કે સૂક્ષ્મજીવ પ્રમાણે સંવર્ધન-માધ્યમ રખાય છે. તે માટેના લોહીના નમૂનાને લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે, જેથી અન્ય રીતે તે નમૂનો સંદૂષિત (contaminated) ન થાય. હૃદયમાંની વિકૃતિ પર જામી જતાં વિગુલ્મ(vegetation)ને હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography) વડે દર્શાવી શકાય છે. લોહીમાં સમકોષી, સમરંજી પાંડુતા (normocytic normochromic anaemia) થાય છે, જેમાં રક્તકોષોનું કદ અને રંગ સામાન્ય  હોય છે પણ લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. લોહીનો રક્તકોષ ઠારણદર (erythrocyte sedementation rate, ESR) વધે છે અને ગંઠનકોષો (platelets) ઘટે છે. પેશાબમાં પ્રોટીન વહી જાય છે. (નત્રલમેહ, proteinuria) અને સૂક્ષ્મદર્શક વડે દર્શાવી શકાય તેવો રુધિરસ્રાવ થાય છે. તેને સૂક્ષ્મદર્શકીય રુધિરમેહ (microscopic haematuria) કહે છે. ECG વડે હૃદયમાં આવેગવહનરોધ (conduction block) હોય તો તે જાણી શકાય છે. એક્સ-રે ચિત્રણ હૃદય પહોળું થયું હોય કે હૃદ્-નિષ્ફળતા થઈ હોય તો તેનાં ચિહનો દર્શાવે છે.

સારવાર : સારવારનો મુખ્ય આધાર અસરકારક ઍન્ટિબાયોટિક્સ (પ્રતિજૈવ ઔષધો) પર રહેલો હોય છે. સૌપ્રથમ અનુભવસિદ્ધ ચિકિત્સા (empirical therapy) શરૂ કરાય છે અને રુધિરસંવર્ધન કસોટીનું પરિણામ મળે એટલે તેને આધારે સુનિશ્ચિત ચિકિત્સા રૂપે ચોક્કસ અસરકારક ઍન્ટિબાયોટિક વપરાય છે. અનુભવસિદ્ધ ઍન્ટિબાયોટિક રૂપે બેન્ઝાયલ પેનિસિલીન, જેન્ટામાયસિન, ફલ્યુક્લોઝાસિન વપરાય છે. સ્ટૅફાયલોકોકસ જીવાણુનો ચેપ હોવાની સંભાવના હોય તો વેન્કોમાયસિન પણ વપરાય છે. જો અસરકારક ચિકિત્સા શરૂ થાય તો 2 અઠવાડિયામાં નિયંત્રણ મેળવી શકાય છે. ક્યારેક શસ્ત્રક્રિયા વડે વિગુલ્મને દૂર કરવાની જરૂર પડે છે. આશરે 20 % દર્દીઓ મૃત્યુ પામે છે અને કૃત્રિમ કપાટો હોય તો મૃત્યુદર વધુ રહે છે. તેથી દાંતની સારવાર કે અન્ય શસ્ત્રક્રિયા પહેલાં એમોક્સિસિલીન, ક્લિન્ડામાયસિન, વેન્કોમાયસિન, જેન્ટામાયસિન વગેરે ઔષધો વડે ચેપનું પૂર્વનિવારણ (prevention) કરવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ