હૃદયદર્પણ : એક અનુપલબ્ધ સંસ્કૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. તેના લેખક ભટ્ટનાયક હતા એવા તારણ પર વિદ્વાનો આવ્યા છે. જાણીતા કાશ્મીરી આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘ધ્વન્યાલોકલોચન’ અને ભરતના નાટ્યશાસ્ત્ર પરની ‘અભિનવભારતી’ એ બંને ટીકાઓમાં વેદ, શાસ્ત્ર અને પુરાણથી કાવ્યને અલગ તારવતા બે શ્લોકો ભટ્ટનાયકે લખેલા છે એમ કહીને ઉદ્ધૃત કર્યા છે. એ જ બે શ્લોકો આચાર્ય હેમચંદ્રે પોતાના ‘કાવ્યાનુશાસન’માં ‘હૃદયદર્પણ’માંથી ઉદ્ધૃત કર્યા છે. એ જ બે શ્લોકો લેખકના નામ વગર મહિમ ભટ્ટ અને તેના ટીકાકાર રુય્યકે આપ્યા છે. રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ના ટીકાકાર જયરથે ભટ્ટનાયકને ‘હૃદયદર્પણ’કાર કહ્યા છે.
રુય્યકના મતે આ ગ્રંથ ધ્વનિનો ધ્વંસ કરવા માટે લખાયેલો છે. મહિમ ભટ્ટ એમ કહે છે કે પોતે ‘દર્પણ’ (= હૃદયદર્પણ) ગ્રંથને જોયા વગર ‘વ્યક્તિવિવેક’માં ધ્વનિનું ખંડન કર્યું છે. આચાર્ય અભિનવગુપ્તની ટીકાઓ પરથી એમ જણાય છે કે ‘હૃદયદર્પણ’ ગ્રંથ કારિકાઓ અને તેના પર ટૂંકી ગદ્યમાં સમજૂતી પરથી લખાયેલો હશે. તેમાં આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં આપેલાં ઉદાહરણોનું પણ ખંડન ધ્વનિના ખંડનની સાથે આપવામાં આવ્યું હશે. મહા. પા. વા. કાણેએ આ ગ્રંથનું નામ ‘સહૃદયદર્પણ’ હશે એવો તર્ક કર્યો છે. આ ગ્રંથ 11મી સદી સુધી ઉપલબ્ધ હતો.
પ્ર. ઉ. શાસ્ત્રી