હૂવર બંધ : દુનિયાના ઊંચા બંધ પૈકીનો એક. તે યુ.એસ.ના ઍરિઝોના રાજ્યમાં કૉલોરાડો નદીના બ્લૅક મહાકોતર પર આવેલો છે. આ બંધ બોલ્ડર કોતર પ્રકલ્પ(Boulder Canyon Project)ના એક ભાગરૂપ છે. પ્રકલ્પમાં બંધ, જળવિદ્યુત, ઊર્જા એકમ તથા જળાશયનો સમાવેશ થાય છે. આ બંધથી કૉલોરાડો નદીમાં આવતાં પૂરનું નિયંત્રણ થાય છે; એટલું જ નહિ, પૅસિફિક કાંઠા નજીકના ઘણા મોટા વિસ્તારને ગૃહવપરાશ અને સિંચાઈ માટેનાં પાણી તથા વીજળીની સુવિધા મળી રહે છે.
ઊંચાઈ પરથી દેખાતું હૂવર બંધનું દૃશ્ય
હૂવર બંધની ઊંચાઈ 221 મીટર છે. તેને 44 મજલાના વિભાગોમાં વહેંચી નાખી, 379 મીટરની ઊંચાઈની જુદી જુદી લિફ્ટ ગોઠવેલી છે, તેમ છતાં તેના તળ ભાગ સુધી તો લિફ્ટ જતી નથી. બંધના નિર્માણકાર્યમાં 33,60,000 ઘનમીટર જેટલો કૉંક્રીટ વપરાયો છે.
મીડ સરોવર નામથી ઓળખાતું તેની પાછળનું જળાશય દુનિયાભરનાં મોટાં ગણાતાં માનવસર્જિત જળાશયો પૈકીનું એક છે. જળાશયની લંબાઈ આશરે 185 કિમી. અને ઊંડાઈ 180 મીટર જેટલી છે. આ જળાશય 36.7 અબજ ઘનમીટર પાણીનો સંગ્રહ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
વીસમી સદીની શરૂઆતમાં કૉલોરાડો નદી આડે બંધ બાંધવાની જરૂરિયાત જણાઈ. તેમાં આવતાં પૂરથી પાલો વર્ડે ખીણ અને ઇમ્પીરિયલ ખીણમાં પુષ્કળ નુકસાન થતું હતું. પૂરથી થતું નુકસાન અટકાવવા વિસ્તૃત પાળા બાંધવામાં આવેલા; પરંતુ જ્યારે નદીના પટમાં પાણી છીછરું બની જતું ત્યારે સિંચાઈને પહોંચી વળવાનું શક્ય બનતું ન હતું, તેથી ખેતીના પાક નિષ્ફળ જતા હતા. છેવટે 1928માં કૉંગ્રેસે બોલ્ડર પ્રકલ્પ હાથ ધરવાનું નક્કી કર્યું. 1936માં હૂવર બંધનું નિર્માણકાર્ય પૂરું થયું. પ્રમુખ હર્બર્ટ હૂવરના માનમાં આ બંધને ‘હૂવર બંધ’ નામ અપાયું છે.
ગિરીશભાઈ પંડ્યા