હુસૈન, સૈયદ આબિદ (જ. 1896, ભોપાલ; અ. 13 ડિસેમ્બર 1978) : ઉર્દૂ સાહિત્યકાર. તેમના પિતાનું નામ હમિદ હુસૈન અને માતાનું નામ સુલતાન બેગમ હતું. તેઓ સાલિહા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે ભોપાલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી 1920માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને 1925માં ઑક્સફર્ડ અને બર્લિનમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1926થી 1956 દરમિયાન તેઓ દિલ્હીની જામિયા મિલિયામાં તત્વજ્ઞાન અને સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. તેઓ 1939–48 દરમિયાન હિંદુસ્તાન તમિળ સંઘના સભ્ય, 1955–56માં રાજ્ય ભાષા કમિશનના સભ્ય, ઇન્ડિયન કાઉન્સિલ ફૉર વર્લ્ડ અફેર્સની કાર્યવાહક સમિતિ, સાહિત્ય અકાદમીના સભ્ય, ઇસ્લામ ઍન્ડ મૉડર્ન એજ સોસાયટી, દિલ્હીના સભ્ય હતા. 1956 –60 સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શિક્ષણ અને વાચનસામગ્રી પ્રૉજેક્ટના મહાનિયામક; 1960–68 સુધી દૂરદર્શનના સાહિત્ય-સલાહકાર રહ્યા.
તેમણે 40 ગ્રંથો આપ્યા છે. તેમાં અંગ્રેજી અને જર્મનમાંથી અનૂદિત ગ્રંથોનો સમાવેશ થાય છે. તે પૈકી ‘ઇન્ડિયન નૅશનાલિઝમ ઍન્ડ ઇન્ડિયન કલ્ચર’ (3 ગ્રંથ), ‘મુઝામિન-એ-આબિદ’, ‘કૌમી તેહઝિબ કા મસાલા’, ‘ધ ડેસ્ટિની ઑવ્ ઇન્ડિયન મુસ્લિમ્સ’, ‘ગાંધી ઍન્ડ કૉમ્યુનલ યુનિટી’ ખાસ ઉલ્લેખનીય છે.
‘કૌમી તેહઝિબ કા મસાલા’ બદલ તેમને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1957માં પદ્મભૂષણનો ખિતાબ અને 1973માં દિલ્હી સાહિત્ય અને કલા પરિષદ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા