હુસૈન, મકબૂલ ફિદા (Husain, Maqbool Fida) (જ. 17 સપ્ટેમ્બર 1915, પંઢરપુર, મહારાષ્ટ્ર, ભારત; અ. 9 જૂન 2011, લંડન, યુ.કે.) : આધુનિક ભારતના સૌથી વધુ જાણીતા અને વિવાદાસ્પદ ચિત્રકાર.
મકબૂલ ફિદા હુસૈન
ઇન્દોરની કલાશાળામાં અભ્યાસ શરૂ કર્યો; પરંતુ તે અધૂરો મૂકી તેમણે મુંબઈ આવી સિનેમાનાં પોસ્ટરો (hoardings) ચીતરવાં શરૂ કર્યાં. 1947માં મુંબઈમાં સ્થપાયેલ આધુનિક ચિત્રકારોના પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રૂપના તેઓ સભ્ય બન્યા. એ જ વર્ષે તેમણે આ ગ્રૂપના બીજા ચિત્રકારો કૃષ્ણ હવલાજી આરા, સૈયદ હૈદર રઝા અને ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા સાથે મુંબઈમાં ચિત્રોનું સમૂહ-પ્રદર્શન કર્યું. ઉગ્ર ભડક રંગો અને ચપ્પા-પીંછીના જાડા લસરકાથી તેમણે ઘનવાદી અને અભિવ્યક્તિવાદી શૈલીએ ભારતીય ગ્રામજીવનનાં દૃશ્યો આલેખ્યાં. વળી તેમણે ‘હનુમાન’, ‘રાગમાળા’, ‘સંગીત’, ‘નૃત્ય’, ‘હાથી’ જેવી ચિત્રશ્રેણીઓ આલેખી. તેમાંથી ઘોડાની ચિત્રશ્રેણી ઘણી લોકપ્રિય નીવડી.
આ તબક્કાનાં તેમનાં કેટલાંક જાણીતાં ચિત્રો છે : (1) ‘બિટ્વીન ધ સ્પાઇડર ઍન્ડ ધ લૅમ્પ’; (2) ‘ધ લૅન્ડ’; (3) ‘ધ બ્લૂ નાઇટ’ અને (4) ‘જેસલમેર’.
1965 પછી સમકાલીન વિષયો અને પ્રસંગો પર ચિત્રશ્રેણીઓ આલેખવી શરૂ કરી. 1969માં માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો તે અંગેની ‘ચંદ્ર પર માનવ’ શ્રેણી ચીતરી. 1971માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ કરી પૂર્વીય પાકિસ્તાનને સ્વતંત્ર કરી બાંગ્લાદેશના જન્મમાં ફાળો આપ્યો તે અંગે ‘દુર્ગા’ નામે ચિત્રશ્રેણી આલેખી. જોકે ઘણા વિવેચકોને હુસૈન દ્વારા ઇન્દિરામાં દુર્ગાનું આરોપણ થયું છે, તે વિવાદાસ્પદ લાગ્યું છે.
મધર ટેરેસાના સુકાર્યને બિરદાવતી ચિત્રશ્રેણી ‘મધર ટેરેસા’ પણ તેમણે આલેખી છે. ફિલ્મ સ્ટાર માધુરી દીક્ષિતને આલેખતી ચિત્રશ્રેણી ‘માધુરી’ (1994) તથા ફિલ્મ સ્ટાર અમૃતા રાવને આલેખતી ચિત્રશ્રેણી ‘અમૃતા’ (2006) તેમણે આલેખી છે. 2000 પછી તેમના અંગે વિવાદ વધ્યો છે. તેનાં કારણોમાં હિંદુ દેવ-દેવીઓની વાંધાજનક રજૂઆતો છે.
મકબૂલ ફિદા હુસૈને દોરેલું ચિત્ર ‘હાઈ ટી ફૉર મૅડમ’
મુંબઈ, કોલકાતા, અમદાવાદ, દિલ્હી, ચેન્નાઈ જેવાં ભારતનાં પ્રમુખ નગરો ઉપરાંત મૉસ્કો, લંડન, ન્યૂયૉર્ક, પૅરિસ જેવાં વિશ્વનાં અગ્રિમ શહેરોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો વારંવાર યોજાયાં છે. અમદાવાદમાં કસ્તૂરભાઈ લાલભાઈ કૅમ્પસમાં બાલકૃષ્ણ દોશીએ બનાવેલ ગુફામાં હુસૈને 1995માં ધાતુનાં પતરાં કાપીને શિલ્પ રચ્યાં છે. મૂળમાં ‘હુસૈનદોશી’ નામાભિધાન પામેલી આ ગુફા હવે ‘અમદાવાદની ગુફા’ નામે ઓળખાય છે.
હુસૈને બાર નાની ફિલ્મો પણ દિગ્દર્શિત કરી છે. તેમાંથી ફિલ્મ સ્ટાર માધુરી દીક્ષિતની માદકતાને રજૂ કરતી ફિલ્મ ‘ગજગામિની’ સૌથી વધુ જાણીતી છે. 1968માં બર્લિન ફિલ્મ ફૅસ્ટિવલમાં તેમની ફિલ્મ ‘થ્રૂ ધ આઇઝ ઑવ્ અ પેઇન્ટર’ને ‘ગોલ્ડન બૅટ’ ઍવૉર્ડ મળ્યો હતો. 1986માં ભારતના રાષ્ટ્રપતિએ તેમની નિમણૂક રાજ્યસભાના સભ્ય તરીકે કરી હતી. તેમને ‘પદ્મભૂષણ’ ઉપરાંત ‘પદ્મવિભૂષણ’ (1989) ખિતાબોથી પણ રાષ્ટ્રપતિએ નવાજ્યા છે.
અમિતાભ મડિયા