હુબ્નેરાઇટ : MnWO4 રાસાયણિક બંધારણ ધરાવતું ખનિજ. વુલ્ફ્રેમાઇટ ઘન દ્રાવણ શ્રેણીનો મૅંગેનીઝધારક ખનિજ-પ્રકાર. તેમાં સામાન્યત: અલ્પ પ્રમાણમાં લોહમાત્રા હોય છે. તે મૉનોક્લિનિક સ્ફટિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે.
હુબ્નેરાઇટ ટંગસ્ટન ધાતુના ઉત્પાદન માટે મુખ્ય કાચી ધાતુ (ore) છે. હુબ્નેરાઇટ નીચે મુજબના આગવા ગુણધર્મોથી તેના ખનિજ familyથી અલગ પડે છે અને આ જ તેની સહેલી ઓળખ બને છે.
- આ ખડક (હુબ્નેરાઇટ) એક જ સીધી રેખામાં ચીરો (cleavage) ધરાવે છે.
- તેની ઘનતા વધુ હોવાથી તે અન્ય ખડકોની સરખામણીમાં વધુ વજન ધરાવે છે.
- તેનો રંગ, પીળાશ અથવા રતાશ પડતો કથ્થાઈ હોય છે.

હુબ્નેરાઇટ
તેના સ્ફટિકો ટૂંકા અને ત્રિપાર્શ્વીય હોય છે. ચમક : હીરકથી રાળમય. પ્રભંગ : ખરબચડો. કઠિનતા : 4. વિ. ઘ. : 7.2. રંગ : પીળાશ/રતાશ પડતો કથ્થાઈ. ચૂર્ણરંગ કથ્થાઈ. દેખાવે તે પારદર્શક હોય છે. તેનું ગલન ખૂબ મુશ્કેલીથી થતું હોય છે.
ગિરીશભાઈ પંડ્યા
પ્રકાશ ભગવતી
