હુગલી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. ગંગાના ફાંટારૂપ ગણાતી આ નદી ભાગીરથી અને જલાંગી (અજય) નદીઓના નવદીપ ખાતે થતા સંગમથી બને છે. અહીંથી તે દક્ષિણ તરફ આશરે 260 કિમી.ના અંતર સુધી વહીને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીને છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી અજય, દામોદર, રૂપનારાયણ અને હલદી (કાસઈ) નદીઓ મળે છે.
હુગલી નદી ઉપર રવીન્દ્રસેતુ (હાવડા પુલ)
આ નદી કોલકાતામાંથી પસાર થાય છે, ત્યાંથી તે નૈર્ઋત્ય અને પશ્ચિમનો વળાંક લઈ દક્ષિણ તરફ વહીને રૂપનારાયણ નદીનાળ(estuary)માં ભળી જાય છે, નદીનાળનો વળાંક નૈર્ઋત્ય તરફી છે, છેવટે તે બંગાળના ઉપસાગરને જઈ મળે છે. તેના નદીનાળની પહોળાઈ 5 કિમી.થી 32 કિમી. સુધીની છે. બંગાળના ઉપસાગરમાંથી કોલકાતા જવા માટે તેનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જોકે તેમાં પુષ્કળ પ્રમાણમાં કાંપપૂરણી થતી રહે છે. જળમાર્ગ તરીકેની તેની સુવિધા જાળવી રાખવા માટે યાંત્રિક સાધનોની મદદથી કાંપ સતત દૂર કરવામાં આવે છે. મોટાં વહાણો બંગાળના ઉપસાગરથી કોલકાતા સુધીના આશરે 138 કિમી.ના અંતર સુધી જઈ શકે છે. આ નદી પર હાવડા અને કોલકાતા વચ્ચે રવીન્દ્ર સેતુ (હાવડા પુલ) તેમજ બાલી અને બારાનગર વચ્ચે બાલી પુલ બાંધેલા છે. આ નદી ઉપસાગરને મળે છે તેની અગાઉ તેનું વહન ફાંટાઓમાં વિભાજિત થઈને પૂર્વ તરફ ખસતું જાય છે.
ગિરીશભાઈ પંડ્યા