હુંગ વુ (હોંગ વુ) (જ. 21 ઑક્ટોબર 1328, હાઓ-ચાઉ, ચીન; અ. 24 જૂન 1398) : ચીન ઉપર આશરે 300 વર્ષ શાસન કરનાર મીંગ રાજવંશનો સ્થાપક. તેમનું મૂળ નામ ચુ યુઆન-ચાંગ હતું. તેમણે 1368થી 1398 સુધી ચીન પર શાસન કર્યું. કિશોરાવસ્થામાં અનાથ બન્યા હોવાથી તેઓ સાધુ બનીને મઠમાં દાખલ થયા હતા. ભિક્ષુક તરીકે અનેક વાર તેઓ ભિક્ષા માગવા જતા. આ દરમિયાન મધ્ય અને ઉત્તર ચીનમાં દુકાળ હતો અને તેને લીધે કેટલાક લોકો ટોળી જમાવી લૂંટ કરતા હતા. ચુ યુઆન-ચાંગ આવી કુઓ ઝુસીંગની બળવાખોર ટોળીમાં જોડાયા. કુઓ ઝુસીંગના 1355માં અવસાન પછી તેઓ ટોળીના નેતા બન્યા. તેમણે પૂર્વ ચીનનાં કેટલાંક નગરો અને શહેરો કબજે કર્યાં. કેટલાક શિક્ષિત માણસોના સંપર્કથી તેમણે સરકાર, વહીવટીતંત્ર અને લશ્કરના માળખા વિશે માર્ગદર્શન મેળવ્યું. એક બળવાખોર નેતાને બદલે પોતાને મોંગોલો સામેના રાષ્ટ્રીય નેતા ઓળખાવવા (રજૂ કરવા) કેટલાક વિદ્વાનોએ સમજાવ્યા. તેમના સલાહકારોની સૂઝ અને સરકાર રચવાની શક્તિને લીધે તેઓ સમર્થ નેતા બન્યા. 1356માં તેમણે નાનકિંગ કબજે કરી તે પ્રદેશમાં વહીવટીતંત્ર સ્થાપ્યું. તેમણે ઈ. સ. 1368માં પોતાને મીંગ રાજવંશનો સમ્રાટ જાહેર કર્યો અને નાનકિંગમાં પાટનગર રાખ્યું. તેમણે ઉત્તર ચીનમાં મોકલેલ લશ્કરને સફળતા મળી અને શાંટુંગ તથા હોનાન પ્રાંતો કબજે કર્યા. બેજિંગ (પેકિંગ) કબજે કરવામાં આવ્યું. યુઆન રાજવંશનો અંત આવ્યો. 1382 સુધીમાં આખું ચીન તેના કબજામાં આવ્યું. સમ્રાટ તરીકે તેઓ હુંગ વુ તરીકે જાહેર થયા. તેમણે વહીવટ વાસ્તે તેમના દીકરાઓને પ્રદેશો વહેંચી આપીને લશ્કર તથા સત્તાઓ આપી, જેથી તેઓ મોંગોલોનો સામનો કરી શકે તથા સમગ્ર સામ્રાજ્ય પર પોતાનો અંકુશ રહે. હુંગ વુ આપખુદ સત્તા ભોગવતા હતા. તેનો વડોપ્રધાન હુ વી-યંગ સમ્રાટ વિરુદ્ધના કાવતરામાં સંડોવાયેલો હોવાથી તેની અને તેની ટોળકીના 30,000 માણસોની કતલ કરવામાં આવી. તેમણે રોજબરોજના વહીવટ માટે સચિવો નીમ્યા. તેમણે શિક્ષણને ઉત્તેજન આપ્યું અને અમલદારો નીમવા શિક્ષિતોને તાલીમ આપી. ગુના માટે તેઓ કડક સજા કરતા. તેમણે શાળાઓ શરૂ કરી અને ભરતી માટે પરીક્ષા શરૂ કરી. તેમણે સૈનિકોને જમીન આપવાની જૂની પદ્ધતિ અપનાવી, જેથી તેઓ શાંતિના સમયમાં તેનાથી પોતાનો નિર્વાહ કરી શકે. વિદેશની બાબતોમાં તેમણે બહારના પ્રદેશોમાં મીંગ વંશની પ્રતિષ્ઠા વધારી. તેમણે કોરિયા, અન્નામ, રીયુકીયુ ટાપુઓ વગેરે રાજ્યોમાં પોતાનાં પ્રતિનિધિ મંડળ મોકલ્યાં હતાં.
હુંગ વુ (હોંગ વુ)
ઈશ્વરલાલ ઓઝા