હીલિયોસ ઉપગ્રહ : પશ્ચિમ જર્મની અને અમેરિકાની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’ના સહકાર દ્વારા સૂર્યના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલા હીલિયોસ નામના બે ઉપગ્રહો. પ્રાચીન ગ્રીસના સૂર્યદેવતાના નામ હીલિયોસ (Helios) ઉપરથી એ ઉપગ્રહોનાં નામ હીલિયોસ-1 અને હીલિયોસ-2 રાખવામાં આવ્યાં હતાં.

હીલિયોસ સ્પેસક્રાફ્ટ

હીલિયોસ-1 : નાસાના કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા ડિસેમ્બર 10, 1974ના રોજ સૂર્ય-કેન્દ્રીય કક્ષામાં તેનું પ્રક્ષેપણ થયું હતું. આ કક્ષામાં હીલિયોસ-1 ઉપગ્રહ સૂર્યથી 4.8 કરોડ કિમી. જેટલા નજીકના અંતરેથી પસાર થયો હતો. તે વખતે તેની બહારની સપાટીનું તાપમાન 370° સે. જેટલું અધિક થયું હતું; પરંતુ તેના તાપમાન-નિયંત્રણ ઉપતંત્ર દ્વારા તેની અંદરનું તાપમાન 30° સે. જેટલું સામાન્ય જળવાઈ રહ્યું હતું. હીલિયોસ-1ની બહારની સપાટીના તાપમાનનું સમ-વિભાજન (even distribution) થાય તે હેતુથી ઉપગ્રહને સેકંડના એક ચક્ર જેટલા ધીમા ચાકથી ઘુમાવવામાં આવતો હતો. તેનાં વૈજ્ઞાનિક અવલોકનો દ્વારા જાણવા મળ્યું હતું કે પૃથ્વીની નજીકના અંતરીક્ષ કરતાં સૂર્યની નજીકના અંતરીક્ષમાં સૂક્ષ્મ ઉલ્કાકણોનું પ્રમાણ 15ગણું વધારે હતું.

હીલિયોસ-2

હીલિયોસ-2 : કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા સૂર્ય-કેન્દ્રીય કક્ષામાં તેનું પ્રક્ષેપણ થયું હતું (જાન્યુઆરી 15, 1976). એ કક્ષામાં હીલિયોસ2 ઉપગ્રહ સૂર્યથી 4.3 કરોડ કિમી.ના અંતરેથી પસાર થયો હતો અને તેથી તેને સૂર્યની વધારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

બંને હીલિયોસ ઉપગ્રહોનું નિયંત્રણ જર્મનીના મ્યૂનિક શહેર નજીકના ‘જર્મન અંતરીક્ષ-કેન્દ્ર’ દ્વારા કરવામાં આવ્યું હતું. બંને હીલિયોસ ઉપગ્રહોની મદદથી સૂર્યની સપાટી, સૌર ચુંબકીય ક્ષેત્ર, સૌર પવન અને કૉસ્મિક કિરણો વિશે માહિતી મળી હતી.

પરંતપ પાઠક