હીરાબોળ (રાતો બોળ) : દ્વિદળી વર્ગમાં આવેલા બર્સેરેસી કુળની ગૂગળને મળતી આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Commifera mirrha (સં. બોલ, ગંધરસ, ગોપરસ; હિં. હીરાબોલ, બીજાબોલ, બોલ; મ. રક્ત્યા બોલ, બોલ; બં. ગંધરસ, ગંધબોલ; તે. વાલિન, ત્રોપોલમ્; ત. વેલ્લ, ઇંપ્પોલમ; અં. મર) છે.

ઉત્પત્તિસ્થાન : હીરાબોળ પૂર્વ-ઉત્તર અમેરિકા અને સોમાલીલૅન્ડની મૂલનિવાસી વનસ્પતિ છે. તે આફ્રિકા, અરબસ્તાન, ઈરાન, એબીસીનિયા જેવા આરબ દેશોમાં પણ થાય છે. મક્કામાં થતો હીરાબોળ અત્યુત્તમ માનવામાં આવે છે. ભારતમાં તે મહારાષ્ટ્રમાં થોડા પ્રમાણમાં જોવા મળે છે.

પરિચય : તે કાંટાવાળું વૃક્ષ છે. તેનાં થડ-ડાળીમાં કાપા મૂકવાથી, તેમાંથી ઘટ્ટ રસ સ્રવે છે. તે જામીને ગુંદર જેવો બને છે. તેને ‘હીરાબોળ’ કહે છે. આ બોળના ગોળ કે અનિયમિત આકારના નાનામોટા દાણા પરસ્પર ચોંટી જાય છે અને ગાંગડાઓ બને છે. તેનો રંગ લાલાશ પડતો પીળો કે ભૂખરો હોય છે. તે તૈલી હોય છે અને ગૂગળની જેમ ભાંગી જાય છે તથા સુગંધિત અને સ્વાદે કડવો-ખરસર હોય છે.

હીરાબોળ

પ્રકારો : બોળ ત્રણ પ્રકારનો થાય છે : (1) ધોળો કે બાળંત બોળ : તે શ્વેતાભ કાળા રંગનો હોય છે અને પ્રસૂતાને કાથા સાથે ખવરાવવામાં આવે છે. (2) કાળો બોળ કે એળિયો : તે કુંવારપાઠાના રસમાંથી બને છે. (3) હીરા (રાતો) બોળ.

રાસાયણિક બંધારણ : હીરાબોળમાં બાષ્પશીલ ઘટક મરોલ તેલ 5 %થી 10%, ગુંદ 30%થી 60% અને રાળ 35% હોય છે. ઉપરાંત, તે મર્રિન નામનું કડવું ઘટક અને કૅલ્શિયમ ફૉસ્ફેટ તથા કાર્બોનેટ ધરાવે છે.

ગુણધર્મો : હીરાબોળ કડવો, તૂરો, તીખો; ગુણમાં ગરમ, પાચક, અગ્નિદીપક, ગર્ભાશયને શુદ્ધકર્તા, સુગંધિત, કટુપૌષ્ટિક, ત્રિદોષહર, ખાસ કરી વાતદોષશામક, ઉત્તેજક, વાતાનુલોમક, મેધાજનક, રક્તશોધક, રક્તના શ્વેતકણવર્ધક, કફહર, વિકૃત કફની દુર્ગંધનો નાશ કરનાર, મૂત્રલ, આર્તવ જન્માવનાર, પરસેવો લાવનાર અને ગર્ભાશયશોધક છે. લેખન (દોષો ઉખેડી નાખનાર) તથા કૃમિ, વાત-કફજન્ય દર્દો, મંદાગ્નિ, કબજિયાત, આફરો, ઉદરરોગ, પાંડુ, વાતરક્ત (gout), લોહીવિકાર, ખાંસી, શ્વાસ, પડખાંનું શૂળ, પ્રમેહ, મૂત્રકૃચ્છ્ર, રજોરોધ, પીડા સાથે માસિક સ્રાવ, પ્રદર, યોનિશૂળ, ત્વચાના રોગો, આંખ ઊઠવી, તાવ, કોઢ, વાઈ, લોહીના ઝાડા તથા ગ્રહબાધા દોષનો નાશ કરે છે. હીરાબોળ બહેનોની પ્રસૂતિ પછી તેને નીરોગી થવા માટે અપાતું ખાસ મહિલા-ઉપયોગી ઔષધ ગણાય છે. પુરુષો તેનો વધારે ઉપયોગ કરે તો તેના વીર્ય અને પુરુષત્વ પર વિપરીત અસર થાય છે; કારણ તેની તાસીર ગરમ છે. તે પિત્તપ્રકૃતિને પ્રતિકૂળ છે.

માત્રા : બોળ ખાવાની સામાન્ય માત્રા – ચૂર્ણ 600 મિગ્રા.થી 1 ગ્રામ., ગોળી રૂપે દૂધ કે ઘી સાથે, અર્ક 10થી 60 ટીપાં.

હાનિદોષ નિવારણ : તેના વધુ સેવનથી થયેલી ગરમીનું નિવારણ મધ, ઘી અને ઠંડાં સ્નિગ્ધ દ્રવ્યોથી થાય છે.

ઔષધિપ્રયોગો : (1) માસિક સાફ લાવવા માટે : હીરાબોળ અને એળિયો 1-1 ગ્રામ મેળવી ગોળી કરી, પાણીમાં રોજ ગળાવવામાં આવે છે. (2) રક્તપ્રમેહ તથા પ્રદર : હીરાબોળ 1 ગ્રા. ચૂર્ણ ચોખાના ધોવરામણમાં મધ ઉમેરી રોજ પિવડાવવામાં આવે છે. (3) પ્રસવ પછી ગર્ભાશય સંકોચવા માટે : હીરાબોળ 1 ગ્રા. જેટલો ઘી સાથે સવાર-સાંજ આપવામાં આવે છે. (4) દમ-શ્વાસ-ખાંસીમાં : હીરાબોળની 480 મિગ્રા.ની ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી લાભ થાય છે. (5) દંતશૂળ : સડેલી દાઢના ખાડાને ખોતરીને તેમાં હીરાબોળનું ચૂર્ણ ભરી દેવાથી પીડા શમે છે. (6) કંઠરોહિણી (diphtheria), મુખપાક : હીરાબોળના ટિંક્ચરમાં થોડું ગ્લિસરિન મેળવીને, 1થી 2 કલાકે કંઠમાં દવા લગાવવામાં આવે છે, પછી પાણીમાં મેળવી કોગળા કરવામાં આવે છે. (7) રક્તસ્રાવ (વાગવા કે કપાવાથી) : હીરાબોળનું ચૂર્ણ ઘા ઉપર લગાવવાથી રક્તસ્રાવ બંધ થાય છે.

પ્રસિદ્ધ ઔષધિઓ : બોલ પર્પટી, બોલબદ્ધ રસ – તે રક્તસ્રાવના દર્દોમાં ખાસ વપરાય છે.

 બળદેવપ્રસાદ પનારા