હીમજ (બાળહરડે) : મોટી પાકી હરડેનું બાલ-સ્વરૂપ – નાની કાચી હરડે. ગુજરાતના લોકો તેનો રેચ (જુલાબ) માટે ખાસ ઉપયોગ કરે છે.
વિવિધભાષી નામો : સં. બાલહરીતકી; હિં. કાલી હડ, છોટી હડ, હર્ર, બાલહડ, જોંગી હડ; ગુ. હીમેજ, હીમજ, નાની હરડે, કાળી હરડે; મ. બાલહરડા; અ. હતીલજ, ઇહલીલજ, અસ્વદ; ફા. હલીલ એ જંગી.
પરિચય : હરડેના વૃક્ષ ઉપર ફળમાં ઠળિયો પેદા થાય, તે પહેલાં તે ખરી પડે કે બાલ્યાવસ્થામાં જ તેને તોડીને સૂકવવામાં આવે છે. તેનું ફળ આંગળીના વેઢા જેટલું કે 1થી 2 સેમી. જેટલું લાંબું અને કાળું હોય છે. તેના ઉપર ઊભા ખાંચા પડેલા હોય છે. હીમજ સ્વાદે ખૂબ તૂરી, નક્કર, વજનમાં ભારે અને પાણીમાં ડૂબી જાય તેવી હોય છે.
ગુણધર્મ : હીમજ મૃદુ, રેચક, વાતદોષહર, સ્નિગ્ધ, સૌમ્ય, તૂરીમધુર, વાત-પિત્તદોષશામક; હોજરી, આંતરડાં અને મગજની શક્તિવર્ધક, દ્રવ(પ્રવાહી)ની શોષણકર્તા, રક્તશોધક, મેધ્ય, સ્મૃતિ-બુદ્ધિવર્ધક, સંવેદનાને તીવ્ર તથા બળવાન બનાવનારી છે. તે પિત્તરેચક છે. તેની ક્રિયા ફક્ત પાચનનલિકા પર થાય છે. અર્જીણ(અપચા)થી થયેલા ઝાડા, કૉલેરા, ર્જીણ ઝાડા કે મરડો, ગોળો, પ્લીહા(બરોળ)વૃદ્ધિ અને વાયુના સૂકા અથવા લોહી પડતા હરસ(રક્તાર્શ)માં અને અમ્લપિત્ત રોગમાં તે ખાસ ગુણકારી છે. વાયુદોષ અને આંતરડાંની ગરમીથી કબજિયાત રહેતી હોય તેમને દિવેલમાં સાંતળેલી હીમજનું ચૂર્ણ ખૂબ લાભદાયી છે. તેનું લાંબો સમય સેવન કરવા છતાં કોઈ નુકસાન થતું નથી. કબજિયાત, દૂઝતા હરસ અને અમ્લપિત્તમાં એરંડ-ભૃષ્ટ હરીતકી ચૂર્ણ (દિવેલમાં સાંતળેલી હીમજની ફાકી) અત્યુત્તમ ઔષધ છે.
ઔષધિપ્રયોગો : (1) હરસ-મસા તથા કબજિયાત : વાયુ કે પિત્તદોષથી થયેલ કબજિયાત અને વાયુ-પિત્ત કે લોહી પડતા હરસની સમસ્યામાં હીમજ દિવેલમાં સાંતળીને, તેનું ચૂર્ણ બનાવી રોજ રાતે 3થી 5 ગ્રામ પાણી સાથે લેવામાં આવે છે. પિત્ત કે રક્તસ્રાવી હરસમાં દિવેલ સાથે એક ચમચી ઘી નાખી, તેમાં હીમજ સાંતળી તેનું ચૂર્ણ લેવાથી વધારે લાભ થાય છે. (2) અમ્લપિત્ત : દિવેલ અને ઘીમાં સાંતળેલી અથવા એકલા દિવેલમાં સાંતળેલી હીમજનું ચૂર્ણ રાતે 3થી 5 ગ્રામ લેવાથી ખૂબ લાભ થાય છે. (3) વાયુની કબજિયાત અને વાયુ : દિવેલમાં સાંતળેલી હીમજ 100 ગ્રામ અને 25 ગ્રામ સંચળનું ચૂર્ણ બનાવી 3થી 5 ગ્રામ સાધારણ ગરમ પાણી સાથે લેવાથી લાભ થાય છે. (4) પિત્તવાયુ–ઉદરદાહ–અમ્લપિત્ત : હીમજ અને સાકરનું ચૂર્ણ પાણી અથવા ઘી સાથે રોજ 5 ગ્રામ જેટલું લેવાથી પીડામુક્ત થવાય છે. (5) વૃષણવૃદ્ધિ : 200 ગ્રામ હીમજને દરરોજ નવા ગોમૂત્ર વડે સાત દિવસ પલાળવામાં આવે છે. ત્યારપછી તેને સૂકવી લઈ, દિવેલમાં સાંતળી તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે. રોજ રાતે 3થી 5 ગ્રામ ચૂર્ણ પાણી સાથે આપવામાં આવે છે. હરડે ચૂર્ણ ગોમૂત્રમાં વાટી વૃષણ ઉપર લેપ કરવાથી દર્દ મટે છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા