હિરણ્યકશિપુ : કશ્યપ અને દિતિનાં સંતાનોમાં સૌથી મોટો દૈત્યકુલનો આદિપુરુષ. દૈત્યોમાં ત્રણ ઇંદ્ર થયા છે. (1) હિરણ્યકશિપુ, (2) પ્રહલાદ અને (3) બલિ. એમના પછી ઇંદ્ર પદ સદાને માટે દેવતાઓ પાસે ચાલ્યું ગયું.
હિરણ્યકશિપુના જન્મ વખતે કશ્યપ ઋષિ અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા અને તે વખતે દિતિ હિરણ્ય (સોનાના) આસન પર બેઠેલી હતી. આથી એનું નામ હિરણ્યકશિપુ પડ્યું. તેના ભાઈ હિરણ્યાક્ષનો વધ વિષ્ણુએ કરેલો તેથી બદલો લેવા માટે એણે બ્રહ્માની ઉગ્ર તપશ્ચર્યા કરી. બ્રહ્માએ પ્રસન્ન થઈને એને કોઈ ઘરમાં કે બહાર, દિવસે કે રાત્રે, મનુષ્ય કે પશુ, અસ્ત્ર કે શસ્ત્રથી મારી શકશે નહિ એવું વરદાન મળ્યું.
એક વખત જ્યારે હરિણ્યકશિપુ તપ કરી રહ્યો હતો ત્યારે એની ગર્ભવતી સ્ત્રીને નારદે વિષ્ણુ-ભક્તિનો ઉપદેશ આપ્યો. એથી ગર્ભમાં રહેલ શિશુ પ્રહલાદ પણ વિષ્ણુભક્ત થઈ ગયો. હિરણ્યકશિપુએ પ્રહલાદને વિષ્ણુભક્તિથી છોડાવવા અનેક પ્રયત્ન કર્યા પરંતુ પ્રહલાદ ચલિત થયો નહિ. અંતે પ્રહલાદ પર થતા અત્યાચારોને કારણે એક સ્તંભમાંથી વિષ્ણુ નૃસિંહ સ્વરૂપે પ્રગટ થયા અને સાંજના વખતે, ઉમરા ઉપર, પોતાના ખોળામાં દૈત્યને રાખીને પોતાના નખ વડે હિરણ્યકશિપુનો વધ કર્યો. હિરણ્યકશિપુનો વધ થયો હતો એ સ્થાન બિહારના પૂર્ણિયા જિલ્લામાં બતાવવામાં આવ્યું છે.
પ્રવીણચંદ્ર પરીખ