હિમાલયનું સ્થાપત્ય : કાશ્મીરથી નેપાળ સુધીના અને તિબેટના હિમાલય વિસ્તારમાં આવેલાં સ્થાપત્યો. કાશ્મીરમાં આવેલું પ્રાચીન સ્થાપત્ય 600થી 1100 સદીનું છે. ભારતના બીજા પ્રદેશોની સ્થાપત્ય-શૈલીથી તે નોખું પડે છે. આ વિષયમાં સંશોધન કરનારા આધુનિક સંશોધકોમાં સૌપ્રથમ મોર્ક્રોફટ અને ટ્રેબેક હતા. તેમણે 1819થી 1825 દરમિયાન અહીંના ખીણવિસ્તારની સ્થળ-તપાસ કરી હતી. શ્રીનગરમાં આવેલ ઝૈન-ઉલ આબિદિનની કબર ઉલ્લેખનીય છે. કનિંગહામે તેને ઈ. સ. 400થી 500ના સમયની માની હતી. વાસ્તવમાં તે 15મી સદીની છે. મૂળમાં આ ઇમારત કાશ્મીરનું પ્રાચીન મંદિર હતું. ટેકરી પર આવેલ મંદિર તખ્ત-ઇ-સુલેમાન તરીકે જાણીતું છે. આ પ્રદેશનાં મંદિરોની ઉપર એકની ઉપર એક એમ ચાર ઢળતાં છાપરાં ચડાવેલાં હોય છે. એમાં સૌથી ઉપરનું છાપરું પિરામિડ આકારે હોય છે. સ્તંભો ગોળાકાર પણ ઉપર જતાં સાંકડા થતા જાય છે. સ્તંભોને 16 ઊભી વાંસળીના ઘાટે (fluted) અલંકૃત કરેલા હોય છે. કાશ્મીરનું માર્તંડ મંદિર પ્રસિદ્ધ છે. ખીણપ્રદેશની જૂની રાજધાની ઇસ્લામાબાદથી 8.045 કિમી. (5 માઈલ) પૂર્વમાં તે મંદિર આવેલું છે. તે 18.288 મી. (60 ફૂટ) લંબાઈ અને 9.144 મી. (30 ફૂટ) પહોળાઈનો વિસ્તાર ધરાવે છે. તેની છતનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો છે. આ મંદિર રાજા લલિતાદિત્યે (725–760) બંધાવ્યું હતું. 15મી સદીના પ્રથમ ચરણમાં સિકંદર શાહ બૂતશિકને તેમાંની મૂર્તિ અને મંદિરને તોડી નાંખ્યાં. અવન્તીપુર(વર્તમાન વાન્તિપુર)નું મંદિર જેલમ નદીના જમણા કાંઠે શ્રીનગર અને ઇસ્લામાબાદની વચ્ચે આવેલું છે. ઉત્પલ વંશના પ્રથમ રાજા અવન્તિવર્મનના શાસન (ઈ. સ. 855થી 883) દરમિયાન આ મંદિર બંધાવાયું હતું. શ્રીનગર અને બારામુલ્લાની વચ્ચે આવેલ શંકરપુરા(વર્તમાન પટાન)માં રાજા શંકરવર્મન અને તેની રાણી સુગંધાએ શૈવમંદિરો બંધાવ્યાં હતાં. આ મંદિરો હયાત છે. કાશ્મીરનાં અન્ય મંદિરોની જેમ તે મંડપ વિનાનાં અને માત્ર વિમાનનાં જ બનેલાં છે. બુનિયાર અથવા મિનિયાર ગામે ખીણવિસ્તારનું એક ઉત્તમ મંદિર આવેલું છે. તેના બાંધકામ પર ગાંધાર શૈલીની અસર જણાય છે. શ્રીનગરથી 51.488 કિમી. (32 માઈલ) દૂર પવિત્ર હરમુખના શિખર નજીક વાનિયટ કે વાન્ગ્થના સ્થળે મંદિરોના બે સમૂહ છે. બધાં થઈને કુલ 17 મંદિરો છે. આ મંદિરોની તપાસ અને તેમનું વર્ણન રેવ. મિ. કોવિ(Cowie)એ કર્યું હતું, જ્યારે તેના ફોટા લેફટેનન્ટ કોલેના ગ્રંથમાં આપેલા છે. અહીંનાં બીજાં મંદિરોની જેમ સ્તંભાવલિયુક્ત પ્રાંગણને ફરતી દીવાલ સહ તે બાંધેલાં નથી. દરેક સમૂહમાં એક મોટું મંદિર અને અન્ય નાનાં મંદિરો છે. સૌથી મોટું મંદિર 9.144 મી. (30 ફૂટ) અને 9.752 મી. (32 ફૂટ) વિસ્તારનું છે, જ્યારે સૌથી નાનું મંદિર 3.048 મી. (10 ફૂટ) અને 3.657 મી. (12 ફૂટ) વિસ્તારવાળું છે. શ્રીનગરથી લગભગ 4.827 કિમી. (3 માઈલ) દૂર પાન્દ્રેનાથ નામના સ્થળે ગામની મધ્યમાં એક પ્રાચીન મંદિર આવેલું છે. સંભવત: તે વૈષ્ણવ મંદિર છે અને રાજા પાર્શ્વ(906–921)ના સમય દરમિયાન તેના મંત્રી મેરુવર્ધન સ્વામી દ્વારા બંધાયું હતું. મૂળમાં તેને ત્રણ માળ અથવા ત્રણ સ્તર ધરાવતાં છાપરાં હતાં, જે હાલ નાશ પામ્યાં છે.

  

વૈષ્ણોદેવી મંદિર

આ મંદિર માત્ર ગર્ભગૃહનું બનેલું છે. સમચોરસ ગર્ભગૃહનો વિસ્તાર 3.53 મી.(11 ફૂટ 7 ઇંચ)નો છે. તેની ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે. પાયરના સ્થળે આવેલું શિવમંદિર અહીંનાં મંદિરોમાં સૌથી નાનું છે. 2.438 મી. (8 ફૂટ) સમચોરસનું આ મંદિર 6.096 મી. (21 ફૂટ) ઊંચું છે અને ચારે બાજુ ચાર પ્રવેશદ્વાર ધરાવે છે. જમ્મુની પાસે પર્વત પર વૈષ્ણોદેવીનું જાણીતું તીર્થ છે. ગુફાસ્વરૂપના આ મંદિરમાં કાલી, લક્ષ્મી અને સરસ્વતી – એ ત્રણે દેવીઓનું સંયુક્ત સ્વરૂપ પૂજાય છે. સમ્રાટ અશોકના સમયથી અહીંની ખીણના વિસ્તારમાં બૌદ્ધ ધર્મના પ્રસાર માટે ધર્મપ્રસારકોને મોકલવામાં આવ્યા હતા અને ત્યારથી આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. 759માં ચીની પ્રવાસી ઊ-કોન્ગે કાશ્મીરમાં આવ્યા હતા અને તેમણે ત્યાં ચાર વર્ષ રહીને બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. તેમણે આ પ્રદેશમાં ત્રણસોથી પણ વધુ સ્તૂપો જોયા હતા. આ પ્રદેશમાંથી બૌદ્ધ ધર્મનો હ્રાસ થતાં બૌદ્ધ સ્થાપત્ય પણ અસ્તિત્વમાં રહ્યું નહિ.

વર્તમાન હિમાચલ-પ્રદેશમાં આવેલા કાંગડા વિસ્તારમાં અનેક સ્થાપત્યો આવેલાં છે. કાંગડા નગરથી 40.225 કિમી. (25 માઈલ) દૂર પૂર્વમાં કીરગ્રામ અથવા બૈજનાથ ગામ આવેલું છે. અહીં વૈદ્યનાથ નામનું શિવમંદિર છે. તેમનો સમચોરસ મંડપ 6.096 મી.(20 ફૂટ)ના વિસ્તારનો છે અને ચાર વર્તુલાકાર સ્તંભો છતને ટેકવે છે. મંડપથી છૂટું તેનું સમચોરસ ગર્ભગૃહ 2.438 મી. (8 ફૂટ) વિસ્તારનું છે. સમગ્ર મંદિરનો વિસ્તાર 15.544 મી.  9.448 મી. (51 ફૂટ  31 ફૂટ) છે. મંદિરને ફરતી દીવાલ છે. ગર્ભગૃહ આગળ પ્રવેશચોકી છે. ગર્ભગૃહ પરનું શિખર નાગર શૈલીનું છે. નગરના પશ્ચિમ છેડે  સિદ્ધનાથ મંદિર આવેલું છે. ગર્ભગૃહ અને મંડપનું બનેલું આ મંદિર 20.058 મી.  6.096 મી.(33 ફૂટ  20 ફૂટ)નું માપ ધરાવે છે. તેનું શિખર 10.668 મી. (35 ફૂટ) ઊંચું છે. પૂર્વાભિમુખ આ મંદિરની ચારે દિશાએ ચાર પ્રવેશદ્વાર છે. આ મંદિર સૂર્યને અર્પિત હોવાની ઘણી સંભાવના છે. આ પ્રદેશનું જ્વાલામુખીનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરમાં મૂર્તિ નથી પણ કૂવામાંથી અગ્નિની જ્વાલાઓ સતત નીકળતી રહે છે, જેને માતાજીનું સ્વરૂપ માની પૂજવામાં આવે છે. આ ઉપરાંત ચિંતપૂર્ણી, ચામુંડાદેવી અને વજ્રેશ્વરીદેવીનાં મંદિરો પણ જાણીતાં છે. ધરમશાળામાં કુણાલ પથરી નામની લૌકિક દેવીનું મંદિર છે. મેકલિઓડ ગંજવિસ્તારમાં દલાઈ લામાના નિવાસની સામે આવેલ બૌદ્ધ મંદિરમાં તિબેટી કલા જોવાલાયક છે. તેમાં આવેલી પદ્મસંભવ અને અવલોકિતેશ્વરની વિશાળ પ્રતિમાઓ નયનરમ્ય છે. મંદિરને ફરતા વિહારો છે. સેંટ જ્હૉનના ચર્ચની સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડો આકર્ષક છે. તેના પરિસરમાં ભારતના વાઇસરૉય લૉર્ડ એલ્ગિનનું સ્મારક છે. એલ્ગિનનું ધરમશાળા મુકામે 1863માં મૃત્યુ થયું હતું અને તેમને ત્યાં દફનાવવામાં આવ્યા હતા. મસ્રૂરમાં 15 એકાશ્મક શૈલોત્કીર્ણ મંદિરો છે. ઇલોરાના કૈલાસ મંદિરની જેમ તેમની રચના કરેલી છે. ત્રિલોકપુરમાં શિવનું એક ગુફામંદિર આવેલું છે. નુરપુરમાં આવેલા બ્રિજબિહારીના મંદિરના દર્શને મીરાંબાઈ આવ્યાં હોવાની માન્યતા છે.

બોધનાથ ટેમ્પલ

નેપાળમાં બૌદ્ધ અને હિંદુ ધર્મનું સ્થાપત્ય જોવા મળે છે. બૌદ્ધ ચૈત્યો નેપાળનું સૌથી પ્રાચીન સ્થાપત્ય છે. તેમાંનાં ચાર ચૈત્યો અશોકે બંધાવ્યાં હોવાનું મનાય છે. તેણે આ પ્રદેશની મુલાકાત લઈને પટાન નામના નગરની ચારે દિશાએ ચાર ચૈત્યો બંધાવ્યાં હતાં. પ્રારંભિક બૌદ્ધ ચૈત્યના જેવું સ્વરૂપ આ ચૈત્યો ધરાવે છે. આ પછી નેપાળની ખીણવિસ્તારની બીજી બે જાણીતી બૌદ્ધ ઇમારતો – સ્વયંભૂનાથ અને બોધનાથની છે. તિબેટી લોકો તેને મા-ગુ-ટા ચોર્ટેન તરીકે ઓળખે છે. સ્વયંભૂનાથ નામનું બૌદ્ધ મંદિર આધુનિક તિબેટી ચૈત્યના જેવું છે. સાંકડી પ્લિન્થ પર ઊભેલા આ ચૈત્યના ઘુંમટની ટોચે 13 છત્રાવલીઓની ઊંચી શ્રેણી છે. નીચેથી ઉપર જતાં છત્રાવલીઓનું કદ ઘટતું જાય છે. પ્લિન્થમાં ધ્યાની બુદ્ધનાં પાંચ ગૌણ મંદિરો છે. આ મંદિરો રાજા પ્રતાપમલ્લે 17મી સદીમાં બંધાવ્યાં હતાં. બોધનાથનું ચૈત્ય છઠ્ઠી સદીમાં થઈ ગયેલા રાજા માનદેવના સમયનું માનવામાં આવે છે. પછીના સમયમાં થઈ ગયેલા તિબેટી લામા ખાસાના સમય સાથે પણ તેને સાંકળવામાં આવે છે. તે ત્રણ પીઠિકાઓ પર ઊભું છે. આ પીઠિકાઓની સળંગ ઊંચાઈ 13.714 મી.(45 ફૂટ) છે. તેનો ભવ્ય ઘુંમટ 27.738 મી. (90 ફૂટ) વ્યાસનો અને 13.714 મી. (45 ફૂટ) ઊંચાઈનો છે. તેની પર પિરામિડ ઘાટનું ઈંટેરી શિખર છે. તે 1825–1826 દરમિયાન જીર્ણોદ્ધાર પામ્યું છે. મિ. હૉગસન-(Hodgson)ના સંગ્રહમાં નેપાળનાં લગભગ એકસો ચૈત્યોનાં રેખાંકનો છે; જેમાંનાં મોટા ભાગનાં કદમાં નાનાં, પરંતુ અલંકરણમાં ચઢિયાતાં છે. પટાનનું મહાબુદ્ધનું મંદિર 22.900 મી. (75 ફૂટ) ઊંચું છે. તે 16મી સદીમાં રાજા અમરમલ્લના શાસનકાલમાં અભયરાજ દ્વારા બંધાયું હતું. અભયરાજે બોધગયાની યાત્રા કરી ત્યારે ત્યાંથી તેના મંદિરનો નકશો કે પ્રતિકૃતિ સાથે લાવ્યા હતા અને તેમણે અને તેમનાં કુટુંબીજનોએ આ મંદિર બંધાવ્યું હતું. ભાટ ગાંવનું ભવાની મંદિર ઢળતા છાપરાવાળાં મંદિરોમાં નોંધપાત્ર છે. 1703માં ભૂપતીન્દ્રમલ્લે તેનું નિર્માણ કરાવ્યું. પિરામિડ ઘાટે પાંચ ઢળતાં છાપરાં સાથેનું આ મંદિર છ પીઠિકા પર ઊભું છે. પટાનમાં મહાદેવ અને કૃષ્ણનાં બે મંદિરો આવેલાં છે. મહાદેવના મંદિરનો આકાર ભવાની-મંદિરને મળતો આવે છે, પણ તે માત્ર બે મજલા ધરાવે છે. તેની બાજુના કૃષ્ણ-મંદિરનું શિખર રેખાન્વિત છે અને બંગાળી શૈલીની અસર ધરાવે છે. નેપાળનું અન્ય પ્રસિદ્ધ મંદિર પશુપતિનાથનું છે. કાઠમંડુથી 4.827 કિમી. (3 માઈલ) દૂર બાગમતીના ઝરા પાસે આવેલું આ મંદિર નેપાળના શિવપૂજકોનું બનારસ ગણાય છે. અહીં પથ્થર અને લાકડાનાં અનેક નાનાં-મોટાં મંદિરો આવેલાં છે. તેનાં પ્રવેશદ્વાર ઉપર કોતરેલાં ચાંદીનાં પતરાં જડેલાં છે. શિવનું એક ત્રિશૂળ મંદિરની જમણી બાજુએ અને બીજું ટોચ પર છે. શિવનો નંદી આજુબાજુની અન્ય ઇમારતોને લીધે ઢંકાઈ ગયો છે.

હિમાલયના કુમાઉં પ્રદેશમાં આવેલાં બે પ્રસિદ્ધ મંદિરો – બદરીનાથ અને કેદારનાથનો પણ ઉલ્લેખ થવો ઘટે. બદરી–કેદારના પ્રદેશમાં ઉત્તર કેદારેશ્વરનું શિવતીર્થ છે જ્યારે પૂર્વ તરફ ભૃગુતુંગ નામના શિખર પર  બદરીનાથ–વિષ્ણુનારાયણનું તીર્થ છે. કેદારનાથ ભારતનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. તેનું શિખર બ્રાહ્મી પદ્ધતિનું છે. મંદિરના મહાદ્વારની બંને બાજુએ બે દ્વારપાળની મોટી મૂર્તિઓ છે. આ મંદિરનો અહલ્યાબાઈ હોળકરે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ગર્ભગૃહ પર નાગર શૈલીનું શિખર છે, જ્યારે મંડપવાળો ભાગ ત્રિકોણાકાર છાપરાથી ઢાંકેલો છે. મંડપના મુખભાગની ઉપર ગ્રીક પેડિમેન્ટ જેવી ત્રિકોણાકાર રચના છે.

કેદારનાથ મંદિર

બદરીનાથના મંદિર વિશે કહેવાય છે કે અહીંનું મૂળ મંદિર આદ્ય શંકરાચાર્યે આઠમા સૈકામાં બંધાવ્યું હતું; પરંતુ ગામની મધ્યમાં હાલ જે મંદિર છે તે ગઢવાલના મહારાજાએ તેરમા સૈકામાં બંધાવેલું. ગર્ભગૃહ ઉપર પેગોડા શૈલીનું સોનાથી મઢેલું બે છાપરાંવાળું શિખર છે. મંદિર પરનો સોનામઢ્યો કળશ રાજમાતા અહલ્યાબાઈ હોળકરે ચઢાવેલો છે. ગર્ભગૃહમાં બિરાજમાન ચતુર્ભુજ મૂર્તિને વૈષ્ણવો વિષ્ણુની, જ્યારે બૌદ્ધો તેને બુદ્ધની મૂર્તિ માને છે.

હિમાલય ક્ષેત્રના કાશ્મીર અને નેપાળ વચ્ચેના પ્રદેશમાં આવેલા કુલુ, ચંબા, કાંગરા અને કુમાઉંના સ્થળે મોટી સંખ્યામાં કાષ્ઠ-નિર્મિત મંદિરો આવેલાં છે. મોટે ભાગે તે દેવદાર અને પાઇનનાં લાકડાંમાંથી બનાવરાવ્યાં છે. કોતરણીની દૃષ્ટિએ ઘણાં સુંદર છે. ચંબામાં ચેરગાવનું હિંદુ મંદિર આનો સુંદર નમૂનો છે.

તિબેટમાં પ્રાચીન કાલથી બૌદ્ધ ધર્મ પ્રચલિત છે. બૌદ્ધ સાધુઓને રહેવાના અનેક વિહારો આ પ્રદેશમાં આવેલા છે. કોઈ પણ પ્રદેશના વિહારો કરતાં અહીંના વિહારો ઘણા વિશાળ છે. કેટલાક તો 2,000 કે 3,000 જેટલા લામાઓ રહી શકે તેટલા વિશાળ હતા. મુખ્ય ચોકને ફરતી રહેવાની ઓરડીઓની ત્રણથી ચાર પંક્તિઓ હોય છે. આ વિહારો સામાન્ય રીતે પર્વતની ટોચ પર અથવા ખીણના ફળદ્રૂપ વિસ્તારમાં બાંધેલા હોય છે. લ્હાસા નગરની બહાર પોટાલાનો વિહાર આવેલો છે. એક સમયે પોટાલાના મહેલમાં દલાઈ લામાનું નિવાસ-સ્થાન હતું. તે લાલ મહેલ તરીકે પ્રસિદ્ધ છે. પ્રથમ દલાઈ લામા દ્વારા 1642–1650 દરમિયાન તેનું બાંધકામ થયું હતું. તેમાં દસ હજાર ખંડો હોવાનું મનાય છે. લ્હાસાથી 56.315 કિમી. (35 માઈલ) દૂર સામ-યસનો વિહાર સૌથી પ્રાચીન વિહાર છે. આઠમી સદીની મધ્યમાં બિહારથી ત્યાં ગયેલા આચાર્ય પદ્મસંભવે તેની સ્થાપના કરી હતી. ત્યાં એક ભવ્ય મંદિર, ચાર મહાવિદ્યાલયો અને ભવ્ય ગ્રંથાલય આવેલાં હતાં. શિગાત્સેથી 8.206 કિમી. (50 માઈલ) દૂર શાક્યનો વિહાર છે. તેની સ્થાપના 1071માં થઈ હતી. તેના મોટા લામાનો કુબલાઈખાને 1270માં સ્વીકાર કર્યો હતો. કુમ્બુમના લામા ત્સોંગ-ખપે લ્હાસાથી 49.879 કિમી. (30 માઈલ) દૂર ગાંડનનો વિહાર 1409માં સ્થાપ્યો હતો. તેના એક શિષ્યે સેરાના વિહારની સ્થાપના 1417માં કરી હતી, જેમાં 5,500 બૌદ્ધ સાધુઓ રહેતા હતા. લ્હાસાથી 4.827 કિમી.થી 6.436 કિમી. (3થી 4 માઈલ) દૂર દેપુન્ગ સ્થળે આવેલા ગેલુપ્પાસના વિહારમાં 7000 સાધુઓ રહેતા હતા. 1414માં તેની સ્થાપના થઈ હતી. ગ્યાન-ત્સે સુવર્ણમંદિર તેના આકારની દૃષ્ટિએ નોંધપાત્ર છે. પાયાએથી વર્તુળાકાર અને એમ્ફી થિયેટર જેવો તેનો ઘાટ છે. સ્થાનિક લોકો તેને ગાન્ધો-લ કહે છે, જે મોટે ભાગે બોધિ-ગયાના મંદિર માટે પ્રયોજાય છે. તે 30.48 મી. (100 ફૂટ) ઊંચું છે. પાયામાં તેનો ઘેરાવો 182.88 મી. (600 ફૂટ) છે. ખૂણા ધરાવતી પગથિયાં ઘાટની પાંચ અગાશીઓથી તે બનેલું છે. તેની ઉપર એક મજલાનો કાંઠલો (drum) છે અને તેની પર ચમકતાં તામ્ર જડેલ 13 વર્તુળાકાર થરવાળું શિખર છે. સૌથી ઉપર છત્ર છે. દરેક માટે વિવિધ બુદ્ધોનાં મંદિરો છે.

સિક્કિમમાં લામાઓનું સંચાલન હતું. ત્યાંના સ્થાપત્ય પર તિબેટી સ્થાપત્યની ભારોભાર અસર છે. તશિદિંગનું મંદિર સિક્કિમના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેનું પ્રવેશદ્વાર તિબેટી પદ્ધતિએ વિશિષ્ટ રીતે બનાવેલું છે.

થૉમસ પરમાર