હિમાલય

ભારતની ઉત્તર સરહદે વિશાળ વિસ્તારમાં પથરાયેલું પર્વત સંકુલ. ભારતના ભૂરચનાત્મક એકમો પૈકીનો બાહ્ય-દ્વીપકલ્પીય વિસ્તાર. તેનાં ઊંચાઈવાળા ભાગો તેમજ ગિરિશિખરો કાયમ માટે હિમાચ્છાદિત રહેતાં હોવાથી તેનું નામ હિમાલય (હિમ + આલય = બરફનું સ્થાન) પડેલું છે.

   

નકશો : હિમાલયનું સ્થાન

પ્રાકૃતિક લક્ષણો : હિમાલય એ એક સળંગ પર્વતમાળા નથી; પરંતુ તે અસંખ્ય ખીણો અને ઉચ્ચ સપાટ પ્રદેશથી છેદાયેલો લગભગ સમાંતર તેમજ અભિકેન્દ્રિત હારમાળાઓવાળો પર્વતવિસ્તાર છે. તે અસંખ્ય ઝરણાં અને નદીઓનું ઉદગમસ્થાન બની રહેલો છે. નાની-મોટી હારમાળાઓ સહિત તેની ઉત્તર–દક્ષિણ પહોળાઈ સ્થાનભેદે 160થી 400 કિમી. વચ્ચેની છે. ઉચ્ચ હિમાલય હારમાળા તરીકે ઓળખાતી મધ્ય-અક્ષ હારમાળાની લંબાઈ પૂર્વ –પશ્ચિમ 2,400 કિમી. જેટલી છે. સિંધુ-ગંગાનાં મેદાનો તરફ રહેલા દરેક હારમાળાના દક્ષિણ ઢોળાવો ઉગ્ર છે, જ્યારે તિબેટ તરફના ઉત્તર ઢોળાવો પ્રમાણમાં આછા છે. ઉત્તર તરફના ઢોળાવો મોટે ભાગે ગાઢ જંગલોથી છવાયેલા છે, તેમના વધુ ઊંચાઈવાળા ભાગો સંપૂર્ણપણે હિમાચ્છાદિત રહે છે, તેમાંથી ઘણી હિમનદીઓ પણ નીકળે છે. દક્ષિણ બાજુ ઉગ્ર ઢોળાવવાળી હોવાથી, ખીણવિસ્તારો સિવાય, છૂટાંછવાયાં જંગલોવાળી તેમજ બરફવાળી રહે છે, જોકે કેટલાક વિભાગો ઉજ્જડ પણ છે.

હિમાલયની પર્વતમાળા અને મધ્ય એશિયાની અન્ય હારમાળાઓ – કારાકોરમ, હિન્દુકુશ, ક્યુઍન લુન, તિએન શાન અને ટ્રાન્સ-અલાઈને જોડતો ‘દુનિયાના છાપરા’ તરીકે જાણીતો પામીરનો ભૂમિસમૂહ વાયવ્યમાં આવેલો છે. પામીરથી અગ્નિદિશા તરફ હિમાલયની હારમાળા હિમાચ્છાદિત શિખરોવાળી, અખંડિત તેમજ ઘાટોવાળી પર્વતમાળા તરીકે વિસ્તરેલી છે. આ પૈકીનાં કેટલાંક પર્વતશિખરો 5,200 મીટરથી ઓછી ઊંચાઈવાળાં છે. નેપાળ અને સિક્કિમનો પૂર્વ હિમાલયનો વિસ્તાર બંગાળ તેમજ ઔધનાં મેદાનોમાંથી એકાએક ઊંચો જાય છે, પર્વત-તળેટીથી થોડા અંતરે જતાં તે હિમરેખાથી પણ ઊંચાઈવાળો બની જાય છે. અહીં આવેલાં કાંચનજંઘા અને એવરેસ્ટનાં શિખરો ગંગા-જમનાનાં મેદાનોથી થોડા જ કિલોમિટર દૂર આવેલાં છે, જે મેદાનોમાંથી આછાં આછાં નજરે પડે છે.

તિબેટમાંના તળેટીભાગમાંથી દેખાતું માઉન્ટ એવરેસ્ટનું ઉત્તર બાજુનું દૃશ્ય

પંજાબ અને કુમાઉં તરફી પશ્ચિમ હિમાલય મેદાનોમાંથી ઓછી ઊંચાઈવાળી હારમાળાઓ દ્વારા ધીમે ધીમે ઊંચો થતો જાય છે, તેમનાં હિમાચ્છાદિત પર્વતશિખરો મેદાની પ્રદેશથી 150 કિમી. કરતાં પણ વધુ અંતરે આવેલાં છે અને મધ્ય હિમાલયની હારમાળાઓ વચ્ચે આવતી હોવાથી મેદાનોમાંથી આ શિખરો પૂરેપૂરાં જોઈ શકાતાં નથી.

હિમાલયની બરાબર ઉત્તરમાં 5,000 મીટરની સરેરાશ ઊંચાઈવાળો તિબેટનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, તે પૃથ્વીની સપાટી પરનો મોટામાં મોટો ઉચ્ચપ્રદેશીય ભૂમિસમૂહ ગણાય છે. ઉચ્ચ એશિયાનો આ ભૂમિસમૂહ ‘અનુપ્રસ્થ હિમાલય’ (trans Himalaya) અને અલિંગ કાંગરી હારમાળાથી ભેદાયેલો છે. વધુ ઉત્તરમાં ક્યુઍન લુન અને અલ્તાઈ તાગ હારમાળાઓ તેમજ તેરીમના મોટા રણથાળાથી અલગ પડી ગયેલી તિએન શાન હારમાળા આવેલી છે. આ હારમાળાઓની એક લાક્ષણિકતા એ છે કે ઉત્તર તરફ જતાં તેમની બહિર્ગોળાઈ ક્રમશ: ઘટતી જાય છે અને તિએન શાનમાં તે લગભગ સીધી બની રહે છે. કારાકોરમની હારમાળાનો 80° પૂર્વ રેખાંશથી પૂર્વ તરફનો ભાગ તિબેટમાં વિસ્તરેલો છે.

આબોહવા : હિમાલય આબોહવાના વિશાળ વિભાજક તરીકે વર્તે છે. તેની દક્ષિણે ભારતીય ઉપખંડ છે તો ઉત્તર તરફ મધ્ય એશિયાનો ઉચ્ચપ્રદેશ છે. તેનાં સ્થળ અને ઊંચાઈને કારણે ઉત્તર તરફથી વાતા ઠંડા પવનોને તે ભારતમાં આવતા રોકે છે. એ જ રીતે નૈર્ઋત્યના ભેજવાળા પવનોને અવરોધીને ભારત તરફના દક્ષિણ ઢોળાવો પર વરસાદ આપે છે, પરિણામે વર્ષાછાયાના વિભાગમાં આવતો તિબેટનો ઉચ્ચપ્રદેશ શુષ્ક આબોહવા ધરાવે છે. પશ્ચિમ હિમાલયના સિમલા અને મસૂરીમાં વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ અનુક્રમે 1530 મિમી. અને 2340 મિમી. જેટલું જ્યારે પૂર્વમાં હિમાલયના દાર્જિલિંગમાં સરેરાશ 3048 મિમી. જેટલું રહે છે. ઉત્તર તરફ આવેલાં સ્કાર્દુ, ગિલગિટ અને લેહમાં માત્ર 76થી 152 મિમી. જેટલો જ વરસાદ પડે છે.

પૂર્વ હિમાલયનો વિસ્તાર પ્રમાણમાં ઓછી ઊંચાઈ ધરાવતો હોવાથી હૂંફાળો રહે છે. સિમલા ખાતે નોંધાયેલું ઓછામાં ઓછું લઘુતમ તાપમાન –25° સે. હતું. દાર્જિલિંગ (1945 મીટર ઊંચાઈ) ખાતેનું મે માસ માટે નોંધાયેલું લઘુતમ તાપમાન 11° સે. હતું, જ્યારે તે જ માસનું માઉન્ટ એવરેસ્ટની આજુબાજુનું (5029 મીટર ઊંચાઈ) નોંધાયેલું લઘુતમ તાપમાન –8° સે. હતું. 5944 મીટર પર જતાં તાપમાન –22° સે. જેટલું રહે છે; અહીંનું ઓછામાં ઓછું નોંધાયેલું લઘુતમ તાપમાન (દિવસ દરમિયાન) –29° સે. રહેલું. અહીં વાતા ઉગ્ર પવનો કલાકે 161 કિમી. કે વધુ વેગથી ફૂંકાય છે. સૂર્યપ્રકાશ ખુશનુમા – હૂંફાળો લાગે છે.

અહીં ભેજવાળા હવામાનના બે ગાળા પ્રવર્તે છે, ઈશાની અને નૈર્ઋત્યના પવનો દ્વારા અહીંની ઊંચાઈ પર હિમવર્ષા થતી રહે છે. જે થોડોઘણો વરસાદ પડે છે તે સપ્ટેમ્બરમાં અટકી જાય છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ખુશનુમા વાતાવરણ પ્રવર્તે છે.

વનસ્પતિજીવન : હિમાલયની વનસ્પતિને ઊંચાઈભેદે અને વરસાદના પ્રમાણભેદે બહોળી દૃષ્ટિએ ચાર વિભાગોમાં વહેંચી શકાય : અયનવૃત્તીય, ઉપઅયનવૃત્તીય, સમશીતોષ્ણ અને આલ્પાઇન. પ્રત્યેક વિભાગમાં ભૂપૃષ્ઠ, આબોહવા, સૂર્યપ્રકાશ અને પવનો જેવાં પરિબળોની ઉપલબ્ધિના તફાવતોને કારણે વનસ્પતિમાં પણ નોંધપાત્ર ભિન્નતા જોવા મળે છે.

પૂર્વ અને મધ્ય હિમાલયની ભેજવાળી તળેટી–ટેકરીઓમાં બારે માસ લીલાં રહેતાં વર્ષાજંગલો આવેલાં છે. અંદાજે 200થી 750 મીટરની ઊંચાઈએ લાકડાં અને રાળ મેળવી આપતાં વૃક્ષો, નાગચંપો અને વાંસ; 1100થી 1800 મીટરની ઊંચાઈએ ઓક અને ચેસ્ટનટ તથા વધુ ઊંચાઈએ જંગલી કેવડો, કેતકી અને સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે.

પશ્ચિમ તરફ જતાં, વધુ ઊંચાઈ અને ઓછા વરસાદવાળા ભાગોમાં સાલ વૃક્ષો જેવાં અયનવૃત્તીય પર્ણપાતી જંગલો, વધુ પશ્ચિમે સ્ટેપ પ્રકારનાં વિસ્તૃત મેદાની જંગલો તેમજ ઉપઅયનવૃત્તીય કાંટાળી અને અર્ધશુષ્ક વનસ્પતિ જોવા મળે છે. અહીં 1400થી 3400 મીટરની ઊંચાઈએ શંકુવૃક્ષો અને પહોળાં પાંદડાં ધરાવતાં સમશીતોષ્ણ જંગલો આવેલાં છે. રાવલપિંડીથી વાયવ્યમાં આવેલા મરી-વિભાગમાં ઓક અને શંકુવૃક્ષો તથા કાશ્મીરની પીર પંજાલ હારમાળામાં ઓછી અને મધ્યમ ઊંચાઈએ ચીડ, દેવદાર, સિડાર, અન્ય શંકુવૃક્ષો, કૈલ (બ્લૂ પાઇન) તેમજ સ્પ્રૂસનાં વૃક્ષો પથરાયેલાં છે.

પશ્ચિમ હિમાલયમાં સામાન્ય વૃક્ષરેખાથી ઉપર તરફ 3200/3600 મીટરની ઊંચાઈએ તથા 4200 મીટર સુધી તેમજ પૂર્વ હિમાલયમાં 4500 મીટરની ઊંચાઈએ આલ્પાઇન પ્રકારનાં જંગલો જોવા મળે છે. અહીં જુનિયર અને રહોડૉડેન્ડ્રૉન વધુ પ્રમાણમાં વિસ્તરેલાં છે. નાનાં-મોટાં કદનાં વૃક્ષો તેમજ ઝાડી-ઝાંખરાં પણ જોવા મળે છે. ભેજવાળા ભાગોમાં નીચે તરફ શેવાળ અને દગડફૂલ (લાઇકેન) જેવી વનસ્પતિ, જ્યારે માઉન્ટ એવરેસ્ટ અને નંગા પર્વતની આજુબાજુના ઊંચાઈવાળા ભાગોમાં સપુષ્પ વનસ્પતિ જોવા મળે છે.

પ્રાણીજીવન : બાહ્ય હિમાલયની શિવાલિક ટેકરીઓમાં મળી આવતા જીવાવશેષો પરથી પુરવાર થાય છે કે નજીકના ભૂસ્તરીય ભૂતકાળમાં શિવાલિકના તત્કાલીન મેદાની વિસ્તારમાં હાથીની અનેક (29 જેટલી) જાતિઓ, આજે આફ્રિકામાં જોવા મળે છે એવાં જિરાફ અને હિપોપોટેમસ વસતાં–વિચરતાં હતાં. તરાઈના પ્રદેશમાં હાથી, ગૌર (bison) અને રહાઇનૉસરૉસ (ગેંડા) જોવા મળે છે. રહાઇનૉસરૉસ હિમાલયની તળેટીમાં ટેકરીઓમાં વસતાં હતાં, જે આજે હવે વિલુપ્તિની સ્થિતિમાં છે.

હિમાલયમાં પ્રદેશભેદે કસ્તૂરી-મૃગ તથા હંગુલ નામથી ઓળખાતાં કાશ્મીરી સાબર (stag) મળે છે, પણ અત્યારે તેઓ પણ લુપ્ત થવાની સ્થિતિમાં છે. કાળાં હરણ, દીપડા, લાંબી પૂંછડીવાળા એશિયાઈ લંગૂર વાનરો, બિડાલ કુળનાં પ્રાણીઓ, બકરાં તેમજ સાબર (antelope) જોવા મળે છે. વૃક્ષરેખાથી ઉપર તરફના ભાગોમાં હિમ-દીપડા, કથ્થાઈ રીંછ, લાલા પાંડા અને તિબેટી યાક મળે છે. લદ્દાખમાં ભારવહન માટે યાકનો ઉપયોગ થાય છે. 6000 મીટરથી વધુ ઊંચાઈ પર વિવિધ જાતના કીટકો, કરોળિયા અને ઊધઈ જોવા મળે છે. પૂર્વ તરફના જુદા જુદા ભાગોમાં શ્ય્રુ, ગરોળીઓ, આંધળા સાપ તથા જાતજાતનાં સુંદર પતંગિયાં નજરે પડે છે. અહીંની નદીઓમાં ગ્લાયથોરેક્સ (glythorax) પ્રજાતિની માછલીઓ જોવા મળે છે.

હિમાલય વિસ્તાર પક્ષીઓથી ખૂબ જ સમૃદ્ધ છે. પશ્ચિમ કરતાં પૂર્વ ભાગોમાં પક્ષીઓનું પ્રમાણ વિશેષ છે; ખાસ કરીને નેપાળ વિસ્તારમાં પક્ષીઓની 800થી વધુ જાતિઓ જોવા મળેલી છે. અહીં જુદી જુદી જાતનાં ગીધ અને સમડીઓ છે. 5000થી 6000 મીટરની ઊંચાઈએ હિમવિસ્તારોમાં પાર્ટ્રિજ જોવા મળે છે.

લોકજાતિઓ : ભારતીય ઉપખંડમાં જોવા મળતી મુખ્ય ચાર માનવ-જાતિઓ – ઇન્ડો-યુરોપિયન, તિબેટો-બર્મન, ઑસ્ટ્રો-એશિયન અને દ્રાવિડિયન – પૈકીની પ્રથમ બે જાતિઓ હિમાલય-વિસ્તારમાં જોવા મળે છે, તે (આ બે જાતિઓ) અનુક્રમે પશ્ચિમ તરફથી અને ઉત્તર કે પૂર્વ તરફથી આવીને વસેલી છે. ઇન્ડો-યુરોપિયનો ઉચ્ચ હિમાલયમાં અને તિબેટો-બર્મનો મધ્ય હિમાલયમાં વસે છે. જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં ડોગરા લોકો રહે છે. કાશ્મીર ખીણમાં કાશ્મીરી લોકો રહે છે. ગડ્ડી અને ગુજ્જર જાતિના લોકો મધ્ય હિમાલયના પહાડી લોકો તરીકે ઓળખાય છે. આ બંને જાતિઓ પોતાનાં ઘેટાં-બકરાં અને ઢોર લઈને ઓછી ઊંચાઈએ આવેલાં મેદાની ગોચરોમાં શિયાળામાં ઊતરી આવે છે અને ઉનાળામાં પાછા જાય છે.

માઉન્ટ એવરેસ્ટની આજુબાજુમાં અગાઉ વસતા શેરપાઓ અને પહાડી લોકો હવે નેપાળ, સિક્કિમ અને ભુતાનમાં, વિશેષ કરીને દાર્જિલિંગમાં આવીને વસ્યા છે. નેપાળ, સિક્કિમ અને ભુતાનના જુદા જુદા ભાગોમાં લેપ્ચા, ભુતિયા અને પહાડી લોકો પણ વસે છે.

અરુણાચલ પ્રદેશમાં આદિ, આકા, આપાતની, ડાફલા, કામટી, ખોવા, મિશ્મી, મોમ્બા, મિરી અને સિંગ્પો જાતિઓ વસે છે. તેઓ નદીખીણોમાં ફરતી ખેતી કરીને નિર્વાહ ચલાવે છે.

કાશ્મીરના ઉચ્ચ હિમાલય-વિસ્તારમાં ચમ્પા, લદ્દાખી, બાલ્ટી અને દાર્દ જાતિના લોકો રહે છે. ચમ્પા લોકો સિંધુની ઉપલી ખીણમાં આવેલાં ગોચરોમાં વિચરતું જીવન ગાળે છે. લદ્દાખીઓ સિંધુના તટ પરના સીડીદાર પ્રદેશોમાં તેમજ કાંપના પંખાકાર ભાગોમાં રહે છે, જ્યારે બાલ્ટી લોકો સિંધુની નીચલી ખીણમાં રહે છે અને ઇસ્લામ ધર્મ પાળે છે.

હિમાલય હારમાળાની હદ : ભૌગોલિક દૃષ્ટિબિંદુથી જોતાં, હિમાલય હારમાળાની હદ વાયવ્યમાં કાશ્મીર હિમાલયમાંથી પસાર થતી સિંધુ નદીના વળાંક સુધી, જ્યારે અગ્નિમાં બ્રહ્મપુત્ર નદીના વળાંક સુધી હોવાનું ગણવામાં આવે છે. વાયવ્યથી અગ્નિ તરફની આ હારમાળાની ધનુષ્યાકાર ઉપસ્થિતિ પ્રમાણેની સામાન્ય સ્તરનિર્દેશક રેખા (strike) આ બંને સ્થાનોમાં લગભગ ઉત્તર–દક્ષિણ સ્પષ્ટ વળાંક લેતી જોઈ શકાય છે. જોકે કેટલાક ભૂગોળવિદોને આ મર્યાદિત હદ માન્ય નથી, તેમના મંતવ્ય પ્રમાણે સિંધુ અને બ્રહ્મપુત્રની આગળની પર્વતમાળાઓની હિમાલય સાથેની મુખ્ય પ્રાકૃતિક સમતાની અવગણના થાય છે. પ્લાયોસીન કાળમાં થયેલી ગિરિનિર્માણ ઊર્ધ્વગમનની ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવેલી પૂર્વ તેમજ પશ્ચિમ તરફની [એટલે કે હઝારા અને બલૂચિસ્તાનની તથા મ્યાનમાર-(બર્મા)ની હારમાળાઓ] બધી જ હારમાળાઓનો પણ સમાવેશ કરતા ‘બૃહદ હિમાલય’ પર્યાયનો તેઓ બહોળી દૃષ્ટિએ ઉપયોગ કરે છે.

તિબેટના ઉચ્ચપ્રદેશ અને ભારતનાં મેદાનો સાથે હિમાલયની હારમાળાનો સંબંધ દર્શાવતો રેખાત્મક છેદ

હિમાલય હારમાળાના ઉગ્ર વળાંક (syntaxial bends) : હિમાલયની હારમાળાની ઉપસ્થિતિ (trend) તેમજ તેના પૂર્વ–પશ્ચિમ બાજુઓના છેડાઓ રચનાત્મક દૃષ્ટિએ ખૂબ જ રસપ્રદ છે. ભારતના ઈશાન છેડાથી કાશ્મીર સુધીના 2,400 કિમી. લંબાઈના વિસ્તારમાં આ હારમાળા અગ્નિ-વાયવ્યમાં ઉપસ્થિત છે અને ત્યાંથી તેની અક્ષના એક શિખર નંગા પર્વત (8,119 મીટર) આગળ એકાએક અટકી જાય છે; અહીં સિંધુએ ઘણી ઊંડી ખીણ (gorge) બનાવેલી છે. આ જ સ્થાનમાં પર્વતોની સ્તરનિર્દેશક રેખા દક્ષિણ તરફ ઉગ્ર વળાંક લઈ ચિત્રાલમાં થઈને વાયવ્યમાં જવાને બદલે, નૈર્ઋત્યમાં ચિલાસ અને હઝારામાંથી પસાર થાય છે. અહીં તમામ ભૂસ્તરીય રચનાઓ ઉગ્ર વળાંક (knee-band) લે છે, જાણે કે તેમને અવરોધતા કીલક કેન્દ્રની આજુબાજુ તે વળેલી ન હોય ! જેલમની તળેટી ટેકરીઓથી માંડીને પામીર સુધીની આખીય પહોળાઈમાં આ અસાધારણ વળાંકની અસર થયેલી છે. આ ઉગ્ર વળાંકની પશ્ચિમે હિમાલયની સ્તરનિર્દેશક રેખા હઝારામાં ઈશાનમાંથી ઉત્તર–દક્ષિણ દિશામાં બદલાય છે અને તે પ્રમાણે ગિલ્ગિટ સુધી ચાલુ રહે છે; ત્યાર પછી તે ત્યાંથી પૂર્વ–પશ્ચિમ તરફ વળાંક લે છે. અહીંથી અગ્નિમાં અસ્તોર અને દેવસાઈમાં થઈને મુખ્ય ગિરિજન્ય સ્તરનિર્દેશક રેખા એકદમ વાયવ્ય-અગ્નિ તરફની બને છે.

આ જ રીતે ઈશાન ભારતમાં પણ હિમાલયની સ્તરનિર્દેશક રેખા પૂર્વમાંથી દક્ષિણ તરફનો ઉગ્ર ઢીંચણવળાંક લે છે. આરાકાન યોમામાં પર્વતોનો અક્ષ સેંકડો કિમી. સુધી ઉત્તર–દક્ષિણ રહે છે; પરંતુ ફૉર્ટ હર્ટ્ઝ આગળ ઈશાન તરફનો ઉગ્ર વળાંક લે છે. આ પછી તે એકાએક વાયવ્યમાં જઈ પૂર્વ–ઈશાનથી પશ્ચિમ–નૈર્ઋત્ય (ENE–WSW) તરફ અને છેવટે સિક્કિમ તરફ જતાં પૂર્વપશ્ચિમ બની રહે છે.

ઉપર દર્શાવેલા હિમાલયની ઉપસ્થિતિમાંના ઉગ્ર વળાંકો, ગિરિનિર્માણક્રિયામાં અને ભૂસંનતિઓ જેવા નબળા વિભાગો સામે પૃથ્વીના જૂના અવિચલિત ખંડભાગોની પ્રક્રિયાના અભ્યાસની દૃષ્ટિએ રસપ્રદ છે. આ લક્ષણ ટેથીઝ મહાસાગરમાંથી હિમાલય પર્વતરચના ઊંચકાઈ આવી કે તરત જ, પૃથ્વીના પોપડાના દૃઢવિભાગ જેવા દ્વીપકલ્પીય ભારતના જિહવાકાર ભાગ સાથે દબાઈ અને તેથી ઉગ્ર વળાંકો આકાર પામ્યા હોવાનું મનાય છે. આ અવરોધને કારણે ઉત્તર તરફથી આવેલાં દાબનાં બળો – એક ઈશાન તરફથી અને બીજું વાયવ્ય તરફથી –  દ્વીપકલ્પીય અવિચલિત ખંડની આ ત્રિકોણાકાર બાજુઓ સામે બે વિભાગમાં વહેંચાઈ ગયાં.

આસામના ઉચ્ચ સપાટ પ્રદેશના ગ્રૅનાઇટ જથ્થાના કીલક તરીકેના કાર્યને કારણે અવરોધ થવાથી બ્રહ્મપુત્ર કોતરની પેલી પાર આસામ હિમાલયના અનુમાનિત ઉગ્ર વળાંકની ઉત્પત્તિ થયેલી છે. આ જ પ્રમાણે પામીરની દક્ષિણે પંજાલની ફાચર આવેલી છે અને તે કીલકને કારણે હિમાલય તેમજ હિંદુકુશ–કારાકોરમના ઉગ્ર વળાંકો આકાર પામ્યા છે.

દખ્ખણના અવિચલિત ખંડની સન્મુખ અસ્તિત્વમાં આવેલા નવા પર્વતોની પરિવર્તનશીલ ગેડોને કારણે હિમાલય પર્વતમાળામાં ઉત્પન્ન થયેલા ઢીંચણ-આકાર વળાંકો એક ખૂબ જ રસપ્રદ અભ્યાસનો વિષય બને છે. હિમાલયના મુખ્ય અક્ષના સુલેમાન પર્વતના બે ફાંટાની આજુબાજુ આવેલો પર્વતગેડોનો ઉગ્ર વળાંક બલૂચિસ્તાનમાં ક્વેટા નજીક પણ જોવા મળે છે. તે પશ્ચિમે આવેલી ઈરાનની પર્વતમાળા સાથે જોડાઈ જાય છે.

આથી એક અર્થઘટન સ્પષ્ટ બની જાય છે કે સિંધુ ઉપરની, બ્રહ્મપુત્રના કોતરથી નંગા પર્વત સુધીની, ઉચ્ચ હિમાલય હારમાળા હિમાલયનો પ્રથમ અક્ષ દર્શાવે છે અને તે ટેથીઝ ભૂસંનતિના તળના મૂળ ઊર્ધ્વ વળાંકનો અક્ષ છે. દખ્ખણના ગોંડવાના અવિચલિત ખંડની ઉત્તર કિનારી અને તેના ધસી આવતા ખૂણા તેમજ ભૂશિરોના અવરોધને કારણે બંને છેડાઓ પર તે અક્ષ દક્ષિણાભિમુખી ઉગ્ર આવર્તન(deflection)વાળો બને છે.

ભારતીય ભૂતકતી યુરેશિયન ભૂતકતી હેઠળ તેમજ મ્યાનમાર ભૂતકતી હેઠળ હિમાલયની સળંગ ધાર પર ઊંડે સુધી દબેલી છે. અહીંના પેટાળમાં સંચિત થયે જતાં ભૂસંચલનજન્ય પ્રતિબળો જ્યારે કાર્યરત બને છે ત્યારે અન્યોન્ય અથડાતી ભૂતકતીઓની સંપર્કસપાટી પર ભૂકંપ ઉદભવે છે. આસામના ભૂકંપો, બિહાર–નેપાળના સીમાવર્તી ભૂકંપો, ઉત્તરાંચલમાં થતા ભૂકંપો, હિંદુકુશ–અફઘાનિસ્તાનના–ઈરાનના ભૂકંપો તેમજ મ્યાનમાર–ઇન્ડોનેશિયા સંપર્ક સપાટી પરના ભૂકંપો માટે અહીંનો અત્યંત નબળો વિભાગ કારણભૂત છે.

હિમાલયની હારમાળાઓનાં વર્ગીકરણ : ભૌગોલિક વર્ગીકરણ : ભૌગોલિક અભ્યાસના સંદર્ભમાં હિમાલય પર્વતમાળાને ચાર વિભાગોમાં વહેંચેલી છે : (i) સિંધુથી સતલજ સુધીનો 560 કિમી. લાંબો પંજાબ–હિમાલય વિસ્તાર; (ii) સતલજથી કાલી સુધીનો 320 કિમી. લાંબો કુમાઉંહિમાલય વિસ્તાર; (iii) કાલીથી તિસ્તા સુધીનો 800 કિમી. લાંબો નેપાળ–હિમાલય વિસ્તાર અને (iv) તિસ્તાથી બ્રહ્મપુત્ર સુધીનો 725 કિમી. લાંબો આસામ–હિમાલય વિસ્તાર.

આ ઉપરાંત, હિમાલય હારમાળાને એકબીજાથી સ્પષ્ટ પર્વત-લક્ષણોના તફાવતવાળા ત્રણ સમાંતર અથવા અનુદીર્ઘ પટ્ટાઓમાં પણ વહેંચેલી છે :

(i) ઉચ્ચ હિમાલય (The Great Himalayas) : ઉન્નત હારમાળાઓનો સૌથી અંદરનો વિભાગ કાયમી બરફની હદ(હિમરેખા)થી પણ વધુ ઊંચાઈએ આવેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 6,100 મીટર કે તેથી વધુ છે; આ વિભાગમાં માઉન્ટ એવરેસ્ટ, K2, કાંચનજંઘા, ધવલગિરિ, નંગા પર્વત, ગેશરબ્રમ, ગોસાઈન્થાન, નંદાદેવી વગેરે શિખરો આવેલાં છે (જુઓ સારણી).

(ii) મધ્ય હિમાલય (The Lesser Himalayas) : આ વિભાગ મધ્યમાં રહેલી હારમાળાઓનો સમાવેશ કરે છે. અહીંની હારમાળાઓ ઉચ્ચ હિમાલય સાથે સંબંધ ધરાવતી હોવા છતાં પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળી છે, તેમની ઊંચાઈ ભાગ્યે જ 3,600–4,600 મીટરથી વધુ છે. આ વિભાગ રચનાત્મક દૃષ્ટિએ જટિલ હારમાળાઓથી બનેલો છે, તેમની સરેરાશ પહોળાઈ 80 કિમી. જેટલી છે.

(iii) બાહ્ય હિમાલય (The Outer Himalayas) : બાહ્ય હિમાલય વિભાગ શિવાલિક ટેકરીઓની હારમાળાઓથી બનેલો છે. તે મધ્ય હિમાલય વિભાગ અને ગંગા–યમુનાનાં મેદાનોની વચ્ચે આવેલો છે. 900થી 1,500 મીટરની સરેરાશ ઊંચાઈવાળી તળેટીની ટેકરીઓ તેમનાથી બનેલી છે. તેમની પહોળાઈ સ્થાનભેદે 8થી 50 કિમી. સુધીની છે.

સારણી 1

શિખર હિમાલય-વિભાગ ઊંચાઈ (મી.)
માઉન્ટ એવરેસ્ટ નેપાળ–હિમાલય 8,848 (8,852)
K2 કારાકોરમ 8,611
કાંચનજંઘા નેપાળ–હિમાલય 8,598
ધવલગિરિ નેપાળ–હિમાલય 8,167
નંગા પર્વત કાશ્મીર–હિમાલય 8,125
ગેશરબ્રમ કારાકોરમ 8,068
ગોસાઈન્થાન નેપાળ–હિમાલય 8,013
નંદાદેવી કુમાઉં–હિમાલય 7,817
રાકાપોશી કૈલાસ હારમાળા 7,788
નામચા બર્વા આસામ–હિમાલય 7,755
બદરીનાથ કુમાઉં–હિમાલય 7,073
ગંગોત્રી કુમાઉં–હિમાલય 6,594

ઘાટ અને હિમનદીઓ : દુનિયામાં ઊંચા ગણાતા ઘાટ પૈકી કેટલાક હિમાલયમાં પણ છે. તે પૈકીના થોડાક ઘાટ સમુદ્રસપાટીથી 4,600 મીટર કે તેથી ઓછી ઊંચાઈ ધરાવે છે. ઘણાખરા ઘાટ નવેમ્બરથી મે દરમિયાન હિમાચ્છાદિત રહેતા હોવાથી તે પસાર કરવાનું મુશ્કેલ બની રહે છે. આવા ઘાટમાંથી ઘણી હિમનદીઓ પણ પસાર થાય છે. હિમાલયના મુખ્ય ઘાટમાં ખૈબરઘાટ, કારાકોરમ ઘાટ, શિપ્કી ઘાટ અને જેલાપલા ઘાટનો સમાવેશ કરી શકાય.

હિમાલયની મુખ્ય હિમનદીઓ સારણી 2 પ્રમાણે છે.

સારણી 2

કારાકોરમ-વિભાગ પંજાબ(કાશ્મીર)-વિભાગ
સિયાચીન : 72 કિમી. રીમો : 40 કિમી.
બિયાફો : 62.7 કિમી. પુન્માહ : 27 કિમી.
હિસ્પાર : 61 કિમી. રુન્ડુન : 19 કિમી.
બાલ્ટોરો : 58 કિમી. ચૉન્ગ કુમ્દન : 19 કિમી.
બાટુરા : 58 કિમી. રૂપાલ : 16 કિમી.
ગેશરબ્રમ : 39 કિમી. દિયામીર : 11 કિમી.
ચોગોલુંગ્મા : 39 કિમી. સોનાપાની : 11 કિમી.
નિવાપીન : અનુપલબ્ધ
કુમાઉં-વિભાગ સિક્કિમ-વિભાગ
ગંગોત્રી : 30.2 કિમી. ઝેમુ : 26 કિમી.
→ 26 કિમી.
મિલામ : 19 કિમી. કાંચનજંઘા : 16 કિમી.
કેદારનાથ : 14.5 કિમી.
કોસા : 11 કિમી.

ભૂસ્તરીય વર્ગીકરણ : ભૂસ્તરીય રચના તેમજ વયને અનુલક્ષીને હિમાલયની હારમાળાઓના કાળક્રમ પ્રમાણેના ત્રણ પહોળા પટ્ટા અથવા વિભાગો પડે છે. આ વિભાગો ભૌગોલિક વિતરણ સાથે સામ્ય દર્શાવતા નથી.

શિખરોની તસવીર

(i) ઉત્તર વિભાગ અથવા તિબેટ વિભાગ : ઉચ્ચ હિમાલય વિભાગની ઉત્તર તરફનો વિભાગ. પ્રથમ જીવયુગના પ્રારંભથી માંડીને ઇયોસીન કાલખંડ સુધીના જીવાવશેષયુક્ત દરિયાઈ જળકૃત ખડકોની સળંગ શ્રેણીઓથી આ વિભાગ બનેલો છે. વાયવ્ય હદ (હઝારા અને કાશ્મીર) સિવાય આ વિભાગના ખડકો હિમાચ્છાદિત શિખરોની દક્ષિણે હોવાનું જાણવા મળ્યું નથી.

(ii) મધ્ય વિભાગ અથવા હિમાલય વિભાગ : આ વિભાગ ઉચ્ચ તેમજ મધ્ય હિમાલયનો ઘણો ખરો ભાગ આવરી લે છે. તે ઘણા જૂની વય(purana age)ના જીવાવશેષરહિત ખડકો સાથે રહેલા સ્ફટિકમય તેમજ વિકૃત ખડકો
(દા. ત., ગ્રૅનાઇટ, નાઇસ, શિસ્ટ)થી બનેલો છે.

(iii) બાહ્ય હિમાલય વિભાગ : આ વિભાગમાં શિવાલિક હારમાળાઓનો સમાવેશ થાય છે અને તે લગભગ ટર્શ્યરી (મુખ્યત્વે ઊર્ધ્વ ટર્શ્યરી) નદીજન્ય નિક્ષેપોથી બનેલો છે.

આબોહવા પર હિમાલયની અસર : હિમાલયની હારમાળાઓ ભારતની પ્રાકૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ જેટલી જ તેની આબોહવા પર અસર કરે છે. હિમાલયના અસ્તિત્વને કારણે ભારતમાં વાતા પવનો અને થતા જલાભિસરણ પર સારા પ્રમાણમાં અસર થાય છે. ઊંચી હિમાચ્છાદિત હારમાળાઓ વિશેષે કરીને ઉત્તર ભારતના તાપમાન તેમજ ભેજ પર સપ્રમાણ અસર કરે છે. તેમની ઊંચાઈ અને મોસમી પવનોના માર્ગમાં આવેલા તેમના સ્થાનને કારણે આ પવનોમાં રહેલા ભેજની, વરસાદ પડવા માટે કે હિમવર્ષા થવા માટે આ હારમાળાઓ અનુકૂળતા કરી આપે છે. હિમવર્ષાને કારણે વધુ ઊંચાઈવાળી હારમાળાઓમાં ખૂબ જ મોટા કદવાળી હિમનદીઓ અસ્તિત્વમાં આવે છે, તેમના મુખાગ્ર ભાગો ઉનાળાની મોસમમાં ઓગળતા હોવાથી અહીંથી નીકળતી અનેક નદીઓને તે પાણી પૂરાં પાડે છે. સેંકડો ઝરણાં અહીંથી નીકળીને ભેગાં થાય છે અને નદીઓ રૂપે મેદાનોમાં વહે છે. આ ઉપરાંત તિબેટથી ઉત્તર તરફ મધ્ય એશિયાના વિસ્તારમાં ધીમે ધીમે ફેલાતા જલશોષણના સંજોગો કે જેમાંથી રણની પરિસ્થિતિ ઉદભવે છે, તેનાથી હિમાલયની હારમાળાઓ ભારતનું રક્ષણ કરે છે.

હિમાલયની ઉત્પત્તિ : યુરેશિયા મહાખંડની મધ્યમાં, પૃથ્વીના પટ પર પર્વતશ્રેણીઓનું જટિલ જૂથ નજરે પડે છે. જ્યાં પામીરનો પ્રદેશ છે ત્યાંથી, એટલે કે પામીરની ગાંઠમાંથી લગભગ બધી જ દિશાઓમાં પર્વતશ્રેણીઓ ફંટાય છે, તે પૈકીની અગ્નિ દિશા તરફ ફંટાતી હારમાળાઓનું જે જૂથ છે તે જ આપણો હિમાલય. મહાકવિ કાલિદાસે કુમારસંભવના આરંભે તેનું વર્ણન કરતાં પૃથ્વીના માનદંડની ઉપમા આપીને નવાજ્યો છે –

अस्ति उत्तरस्यां दिशि देवतात्मा

हिमालयो  नाम  नगाधिराजः  ।

पूर्वापरौ       तोयनिधिवगाह्य

स्थितिः पृथिव्यामिवमानदंडः  ।।

             (કુમારસંભવ)

છે  ઉત્તરે  ઉન્નત  દેવતાત્મા

‘હિમાદ્રિ’ છે નામ નગાધિરાજ,

ડૂબી  જઈ  જે અતલોદધિમાં

ખડો  ધરા  પે  થઈ માનદંડ.

પૃથ્વીના સમગ્ર પટ પર હિમાલય જેવું પર્વતશ્રેણીનું સંકુલ ક્યાંય નથી. એ જેટલો વિશાળ છે એટલો જ ઉન્નત પણ છે. એની ઉત્તરે ‘દુનિયાના છાપરા’ તરીકે ખ્યાત તિબેટનો ઉચ્ચપ્રદેશ અને દક્ષિણે સિંધુ–ગંગા–બ્રહ્મપુત્રનો અફાટ મેદાની વિસ્તાર એટલી જ લંબાઈમાં વિસ્તરેલો છે. ત્રણેય અજોડ છે, ત્રણેય ભવ્ય છે.

હિમાલયની ભૌગોલિક હદ કાશ્મીરમાંના સિંધુના વળાંકથી નેફા પ્રદેશના બ્રહ્મપુત્રના વળાંક સુધીની, 2,400 કિમી. લંબાઈની તથા મહત્તમ 400 કિમી. પહોળાઈની ગણાય છે; પરંતુ ઘણી વાર અભ્યાસી નિષ્ણાતોને ભૌગોલિક હદો સ્વીકાર્ય હોતી નથી. તેઓ હિમાલય સાથે સંકળાયેલી આસપાસની પર્વતશ્રેણીઓનો પણ તેમાં સમાવેશ કરે છે. ભૌગોલિક રીતે, પૂર્વ સીમા તેમજ પશ્ચિમ સીમા, પર્વતોના ઉગ્ર વળાંક (ઢીંચણવળાંક) જેવા વિશિષ્ટ રચનાત્મક લક્ષણને કારણે પૂરી થતી જણાય છે. એક તરફ બ્રહ્મપુત્રની ખીણ નજીક – જ્યાં તે આરાકાન યોમામાં પરિણમે છે ત્યાં અને બીજી તરફ પાકિસ્તાનમાં ક્વેટા નજીક આવા જ ઢીંચણવળાંક આવેલા છે – તે બંને હદ વચ્ચે આખીય હિમાલયની હારમાળા ધનુષ્યાકાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. પર્વતોનો ભારતતરફી સીધો ઢોળાવ અને તિબેટતરફી આછો ઢોળાવ, તેમાં જોવા મળતા સમાંતર પ્રકારના તેમજ ઘસારાના સ્તરભંગો, તિબેટના ઉચ્ચપ્રદેશની અસાધારણ ઊંચાઈ, સિંધુ–ગંગાનાં મેદાનોની ઉત્પત્તિ વગેરે હિમાલયની ભૂસંચલનજન્ય ઉત્પત્તિ સાથે સંકળાયેલાં છે.

હિમાલયની ઉત્પત્તિ કયા સંજોગોની પૂર્વભૂમિકામાં થઈ એ સમજવા માટે ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં ડોકિયું કરવું પડે. પૃથ્વીની ઉત્પત્તિને આશરે 4.6 અબજ વર્ષ થયાં હોવાનું અંદાજેલું છે. ત્યારથી પૃથ્વી પરના વિવિધ ભૂસ્તરો તપાસતાં તપાસતાં વર્તમાન તરફ 57 કરોડ વર્ષ સુધીના ભૂતકાળ સુધી આવીએ તો તેમાં ખાતરીબદ્ધ પુરાવાવાળું જીવનનું કોઈ વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ લગભગ દેખાતું નથી; એટલે કે 4  અબજ વર્ષના અતીતનો એ કાળગાળો જીવનવિહીન રહ્યો છે, નિષ્પ્રાણ ગણાય છે; ત્યાર પછી જ ખાતરીબદ્ધ પુરાવાવાળા જીવનની શરૂઆત થાય છે.

ભિન્ન ભિન્ન પ્રકારના જીવન પરથી ભૂસ્તરોનું – પ્રથમ જીવયુગ, મધ્ય જીવયુગ, તૃતીય જીવયુગ અને ચતુર્થ જીવયુગ – જીવયુગોમાં વિભાગીકરણ કરેલું છે. અતીતના વ્યતીત થયેલા લાંબા ઇતિહાસને આમ વહેંચેલો છે. પ્રથમ જીવયુગના અંતકાળ વખતના – એટલે કે આજથી 22.5 કરોડ વર્ષ અગાઉના – ભૌગોલિક સંજોગોની સમાલોચના કરીએ તો ભૂમિખંડોની ગોઠવણી કંઈક આ પ્રમાણે હતી : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અમેરિકા, યુરોપ–રશિયા, ભારતને બાદ કરતાં બાકીનું સમગ્ર એશિયા મળીને લૉરેશિયા નામે મહાખંડ હતો; દક્ષિણ ગોળાર્ધમાં એવો જ બીજો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, માડાગાસ્કર, ભારત, ઑસ્ટ્રેલિયા, મલાયા વગેરે દ્વીપસમૂહો ઍન્ટાર્ક્ટિકાની ફરતે વીંટળાયેલા હતા – આ મહાખંડને ગોંડવાના નામ અપાયેલું છે. આ બંને મહાખંડોની વચ્ચે લગભગ આખીય પૃથ્વીને ફરતો ‘ટેથીઝ’ નામે એક અફાટ મહાસાગર ઘૂઘવતો હતો. ભારતની સ્થિતિ આ ટેથીઝના દક્ષિણ કિનારે આવે, પણ એ કાળનું ભારત કેવું, કેવડું હતું ? એ વખતનું ભારત એટલે દક્ષિણનો ત્રિકોણાકાર વિસ્તાર માત્ર, અરવલ્લી, વિંધ્ય પર્વતમાળાઓ સહિત. આ મહાસાગરનો એક અખાત સૉલ્ટ રેઇન્જ, પશ્ચિમ સિંધ, બલૂચિસ્તાન, કચ્છમાં થઈ એક સાંકડા માર્ગ મારફતે ફંટાઈ, નર્મદાની ખીણમાં થઈ, છેક ભારતના મધ્ય ભાગ સુધી વિસ્તરેલો હતો. (જુઓ : પેન્જિયા, પેન્થાલસા, લૉરેશિયા, ગોંડવાના, ટેથીઝની માહિતી.)

ટેથીઝ સમુદ્રનું અતીતમાં સ્થાન

ઉત્તરે અને દક્ષિણે આવેલા બંને મહાખંડોના ભૂમિભાગોના ઘસારાજન્ય શિલાચૂર્ણના જથ્થામાંથી આ મહાસાગર-તળ પર, લાખો વર્ષો સુધી, કણજમાવટની ક્રિયા દ્વારા પ્રસ્તર ઉપર પ્રસ્તર બંધાતા ગયા. ટેથીઝ મહાસાગરના અફાટ જળરાશિ હેઠળ અગાધ ઊંડાણની તળભૂમિ, ઉપરાઉપરી લદાતા જતા કરોડો ટન બોજથી દબાતી ગઈ, દબાતી જ ગઈ. (જેમાં કણજમાવટ અને અધોગમનની ક્રિયાઓ સહગામી હોય તેને ‘ભૂસંનતિ’ (Geosyncline) કહે છે – જુઓ, ભૂસંનતિ.) પરિણામ એ આવ્યું કે અસહ્ય બોજથી નીચલા થરો દબાતા જઈને વિરૂપતા પામતા ગયા; કરચલીઓ, ગેડો, સ્તરભંગોમાં પરિણમતા ગયા; નિમ્ન સ્તરોમાં ઉષ્ણતા-દાબનાં પ્રતિબળોએ અસર કરી અને કેટલોક મધ્ય-નિમ્ન વિભાગ મૅગ્મા(ભૂરસ)માં પરિવર્તન પામ્યો. તેમાંથી ગ્રૅનાઇટ ખડકજૂથરચના આ વિશાળ સ્તરોના પેટાળમાં થવા પામી. અત્યારે બદરીનાથ, કેદારનાથની આજુબાજુમાં જોવા મળતા ગ્રૅનાઇટ ખડકો તે ક્રિયાના સાક્ષીરૂપ છે. ભૂસંનતિના મધ્યભાગની બંને બાજુએ ઉત્તર–દક્ષિણ તરફ જતાં વિરૂપતાની અસર ઘટતી ગઈ અને પરિણામે વિકૃતિની જુદી જુદી કક્ષાઓ પ્રસ્તર ખડકો પર થઈ. એમાંથી નાઇસ, શિસ્ટ, સ્લેટ, ફિલાઇટ જેવા ભિન્ન ભિન્ન પ્રકારના વિકૃત ખડકો ઉત્પન્ન થયા. આ ભૂસંનતિમય થાળાં ઉપર કણજમાવટ અને અધોગમનની સહગામી પ્રક્રિયા મધ્ય જીવયુગના અંત સુધી (આજથી 6.5 કરોડ વર્ષ પહેલાં સુધી) અથવા તૃતીય જીવયુગના ઇયોસીન કાલખંડ સુધી (આજથી 5 કરોડ વર્ષ પહેલાં સુધી) ચાલુ રહેલી; અર્થાત્ તે 20 કરોડ વર્ષની અવધિ માટે સતત ચાલુ રહેલી. એકધારી ચાલુ રહેલી આ મહાપ્રક્રિયા દરમિયાન વિરૂપતાની, સ્તરોમાં ભંગાણ પડવાની, મૅગ્મા ઉત્પન્ન થવાની, અન્ય જટિલ રચનાત્મક સ્વરૂપો બનવાની ક્રિયા થતી રહેલી. છેવટે પૃથ્વીના આ ભૂમિભાગ ઉપર બોજ સહન ન થતાં, સમતુલા જોખમાઈ અને પ્રતિક્રિયાનું ચક્ર શરૂ થયું. ટેથીઝ મહાસાગરનું તળ ક્રમશ: જુદા જુદા તબક્કાઓમાં, નૂતન રચનાત્મક લક્ષણો સહિત, બધા જ પ્રસ્તરો સહિત, ઉત્થાન પામતું ગયું અને અંતે ટેથીઝને સ્થાને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી પર્વતશ્રેણીઓનું સંકુલ રચાયું. આમ હિમાલયની ઉત્પત્તિ થઈ. હજી આજે પણ તેનું ઉત્થાન ચાલુ છે.

અહીં પ્રશ્ન એ થાય કે આ વિભાગે સમતુલા શા માટે ગુમાવી તે જાણવું પણ એટલું જ રસપ્રદ છે. મધ્ય જીવયુગના અંતિમ ચરણ વખતે એટલે કે 6.5 કરોડ વર્ષ અગાઉના અરસામાં દક્ષિણ ગોળાર્ધના ગોંડવાના ખંડમાં ભૂમાપનવિદ્યા(Geodesy)ની બે મહત્વની ઘટનાઓ બની : (1) ગોંડવાના મહાખંડનું વિભાજન : આ સળંગ ભૂમિસમૂહ વિશાળ ખંડોમાં વિભાજિત થયો અને તેમની વચ્ચે વચ્ચેનો ભૂમિભાગ અવતલન પામતો ગયો; પરિણામે હિન્દી મહાસાગર, અરબી સમુદ્ર, આટલાન્ટિક મહાસાગર વગેરે તૈયાર થતા ગયા. વિભાજિત ખંડોનું ઉત્તર–પૂર્વીય, ઉત્તરતરફી અને ઉત્તર–પશ્ચિમી પ્રવહન થતું રહ્યું – જોકે આ બધી ઘટનાઓ તબક્કાવાર થતી રહી, જેને પરિણામે આજે નજરે પડતાં ખંડવિતરણ અને આકારો રચાયાં. આ ક્રિયા તૃતીય જીવયુગની શરૂઆતમાં થઈ. (2) ગોંડવાના ખંડની ઉત્તરે ટેથીઝ મહાસાગર-તળના ભૂસંનતિમય નિક્ષેપોમાંથી હિમાલયનું ગેડ પર્વતમાળા રૂપે ઉત્થાન થયું. હિમાલયના ઉત્થાનની ક્રિયા પણ તબક્કાવાર થયેલી છે, જે હજી આજે પણ ચાલુ જ છે.

મધ્ય જીવયુગના અંત વખતે (6થી 6.5 કરોડ વર્ષ અગાઉ) ખંડોમાં કેટલીક ફાટો પડી, જેમાંથી લાવાનું બેસુમાર પ્રસ્ફુટન થતું રહ્યું – જે ત્યાર પછીનાં ત્રણ કરોડ વર્ષ સુધી ચાલેલું. જુદાં જુદાં સ્થળે જુદી જુદી ફાટો દ્વારા ભૂગર્ભમાંથી સપાટી ઉપર લાવા ક્રમશ: ઠલવાતો જ રહ્યો. આજનો મધ્ય અને દક્ષિણ ભારતનો ભાગ, ઈથિયોપિયા, સુદાન, સોમાલિયાનો પ્રદેશ, લાવાના સમાંતર થરોથી જે લદાયેલો જોવા મળે છે, તે ફાટ-પ્રસ્ફુટનની સાક્ષી પૂરે છે. આટલી મોટી જ્વાળામુખી-પ્રસ્ફુટનની ઘટના હિમાલય જેવા વિરાટ ગિરિજન્ય ભૂસંચલનક્રિયા સાથે પુરોગામી કાર્યકારણની અસરનું એક ક્રિયા-પ્રતિક્રિયા ચક્ર દર્શાવે છે અને તેથી જ ભૂસંચલનની આ ઘટનાઓને સહગામી–પરિણામી પ્રકારની ગણાવવામાં આવે છે. દક્ષિણ ભારતનો લાવાનો ઉચ્ચપ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છની મધ્યની તળભૂમિ, પાવાગઢ-વિસ્તાર, સમગ્ર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકનો મોટા ભાગનો વિસ્તાર – જ્યાં બેસાલ્ટ અને તેના જેવા ખડકો મળે છે તે આ ઘટનાની પેદાશ છે. [ભૂતકતીઓની અથડામણ દ્વારા થયેલી ઉત્પત્તિ માટે જુઓ ‘પર્વતો’માં ઉત્પત્તિ અને ઉદાહરણ  ગ્રંથ – 10.]

હિમાલયનું તબક્કાવાર ઊર્ધ્વગમન : ટેથીઝ મહાસાગર પુરાતો ગયો, સમતુલા જોખમાતી ગઈ ને તૃતીય જીવયુગની શરૂઆત પછીથી  ઇયોસીનથી ક્રમશ: દીર્ઘકાલીન ઉત્થાન શરૂ થયું, જે આજ પર્યંત ચાલુ છે અને તે દૂરના ભવિષ્યમાં પણ થવાની સંભાવનાવાળું છે. ઉત્થાનની ઘટના આંતરે આંતરે તબક્કાઓમાં થયેલી છે. ટેથીઝ ખસતો ગયો, અવશિષ્ટ ચિહનો રૂપે છૂટાંછવાયાં થાળાં – જળાશયોને – મૂકતો ગયો. આજે પણ કેટલાંક સરોવરો જે હિમાલય–તિબેટના વિસ્તારોમાં જોવા મળે છે તે તેનાં અવશિષ્ટ સ્વરૂપો જ છે. ભૂમધ્ય સમુદ્રને પણ ટેથીઝનું અવશિષ્ટ સ્વરૂપ જ ગણાવી શકાય; તેમ છતાં એવું પણ અર્થઘટન કરી શકાય કે આફ્રિકાની ઉત્તરતરફી પ્રવહનક્રિયામાં તેની યુરોપ સાથે અથડામણ થઈ, તેની સમતુલા જાળવવા (ગંગા–યમુનાના ઉદભવેલા ગર્ત જેમ) એક ગર્ત તૈયાર થયું, જેમાંથી ભૂમધ્ય સમુદ્ર બનેલો છે.

પ્રથમ તબક્કો : મધ્ય જીવયુગના અંતિમ ચરણ વખતે શરૂ થયો અને તૃતીય જીવયુગના પ્રથમ કાલખંડ–પેલિયોસીન–સુધી ચાલ્યો, જેમાં ટેથીઝના ભૂસંનતિમય થાળાની સમાંતર ડુંગરધારો, અનુદીર્ઘ ડુંગરધારો અને વચ્ચે વચ્ચે થાળાંની શ્રેણીઓ રચાઈ.

બીજો તબક્કો : ઈયોસીનના અંતથી ઑલિગોસીનની શરૂઆત સુધી ચાલ્યો, તેમાં હિમાલયના મધ્ય અક્ષનું અને સાથે સાથે પ્રાચીન જળકૃત પ્રસ્તરોનું વિકૃતિ અને વિરૂપતાઓ સહિત ઉત્થાન થયું.

ત્રીજો તબક્કો : મધ્ય માયોસીનથી તીવ્ર આંચકાઓ સહિત ઉત્થાન શરૂ થયું, જેમાં હિમાલયમાં જોવા મળતાં વર્તમાન લક્ષણો – સંરચનાઓ, ઘસારાઓ અને ઘસારા-સપાટીઓ – રચાયાં. આજે જ્યાં શિવાલિકની ટેકરીઓ છે ત્યાં તે ન હતી, હિમાલયનો તળેટી વિસ્તાર હતો, ત્યાં વિશાળ થાળું (ગર્ત) બનતું ગયેલું, જેમાં ક્રમશ: કાંપ પુરાતો ગયો. ઉત્થાન પામેલા તત્કાલીન હિમાલયની નદીઓએ તેને કાંપથી પૂરી દીધેલું, થાળું મેદાન બની રહ્યું. મેદાન રૂપે બનેલા તે તળેટી-વિસ્તારમાં એ વખતનાં જંગલોમાં સાનુકૂળ જળવિસ્તારો પ્રાપ્ત હોઈ જુદાં જુદાં પ્રાણીઓનો વસવાટ હતો. મનુષ્ય પણ તેના આદિ સ્વરૂપમાં તે સમયે ઉત્ક્રાંત થઈ ચૂક્યો હતો. આજના શિવાલિકના તે વખતના મેદાની વિસ્તારમાં 29 જેટલી હાથીની ઉપજાતિઓ વિચરતી હતી, જેના પુરાવા ઉપલબ્ધ છે.

ચોથો તબક્કો : પ્લાયોસીનના અંત સમયે ચોથો તબક્કો થયો; જેમાં શિવાલિક થાળામાં જમાવટ પામેલું નિક્ષેપદ્રવ્ય બાહ્ય હિમાલયની શિવાલિક ટેકરીઓના રૂપમાં ઊંચકાઈ આવ્યું, તેમાં વધારાનાં રચનાત્મક લક્ષણો પણ તૈયાર થયાં; આ લક્ષણોમાં વિરૂપતાઓ અને ઘસારાજન્ય સપાટીઓનો સમાવેશ થાય છે.

પાંચમો તબક્કો : આ તબક્કો પ્રમાણમાં ટૂંકો અને ઓછી તીવ્રતાવાળો હતો. આ તબક્કો પ્રારંભિક અને મધ્ય પ્લાયસ્ટોસીન કાળગાળા (10થી 16 લાખ વર્ષ અગાઉના કાળગાળા) દરમિયાન થયેલો.

હિમાલયનું આ પાંચે તબક્કાઓમાં ક્રમશ: થતું ગયેલું ઉત્થાન ઉત્તર તરફથી આવતા ભૂગર્ભીય દાબનાં બળોને કારણે થયું છે. ટેથીઝ મહાસાગર તળના પ્રસ્તરો ઉપર દાબનાં પ્રતિબળો જેમ જેમ ઉત્તરમાંથી દક્ષિણ તરફ ગતિ કરતાં ગયાં, અસર કરતાં ગયાં, તેમ તેમ પ્રસ્તરો વધુ ને વધુ દક્ષિણ તરફ ઊંચકાતાં ગયાં. ઉત્તર તરફ પ્રવહન પામતા જતા દક્ષિણ ભારતના ખૂબ જ દૃઢ ભૂકવચે આગળ વધતાં ભૂમિ-મોજાંઓને રોક્યાં, દક્ષિણ ભારતે દૃઢ અવરોધ બનીને આ કાર્ય કર્યું. પરિણામે પ્રસ્તરો આગળ વધવાને બદલે ઊંચા ને ઊંચા જતા ગયા; પરંતુ તેનો તળેટીવિસ્તાર વળી પાછો વિશાળ ગર્તમાં ફેરવાતો ગયો, જે તે પછીના સમયમાં ક્રમે ક્રમે હિમાલયના ઘસારાથી ઉત્પન્ન થતા ગયેલા કાંપથી પુરાતું ગયું. પુરાયેલા આ ગર્તને આજે આપણે સિંધુ–ગંગા–બ્રહ્મપુત્રના મેદાન તરીકે ઓળખીએ છીએ…….. એટલે હજી દૂરના ભવિષ્યમાં જો ઉત્થાનનો વધુ એક તબક્કો થાય તો આજનો આ મેદાની વિસ્તાર તેમાં સામેલ થાય, ને શિવાલિકની આગળના ભાગમાં વળી પાછી નવી ટેકરીઓ રચાય; તેને પરિણામે હિમાલય પણ હજી વધુ ઊંચો જાય…. કારણ કે ઉત્થાનનાં બળોની ક્રિયા સાવ અટકી નથી, ચાલુ જ છે, જેના પુરાવા તરીકે હજી પણ હિમાલય દર વર્ષે એક સેમી. જેટલો ઊંચો જાય છે. તેની પ્રત્યક્ષ અસર રૂપે ભૂકંપો ઉદભવે છે. નવા સર્વેક્ષણ મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ જે 8,848 મીટર ગણાતી હતી, તે હવે 8,852 મીટરની થઈ છે. છેલ્લાં 10,000 વર્ષના ગાળાને શાંતિના કાળગાળા તરીકે ઓળખાવાય છે.

ટેથીઝ મહાસાગરને સ્થાને જેમ જેમ હિમાલય સ્વરૂપે ભૂમિઉત્થાન થતું ગયું, ઊંચાઈ પ્રાપ્ત થતી ગઈ, તેમ તેમ આબોહવાના ફેરફારો પણ ઉદભવતા ગયા. પ્લાયસ્ટોસીન કાળમાં એવી આબોહવાત્મક સ્થિતિ ઉત્પન્ન થતી ગઈ કે હિમાલયમાં તેનાં શિખરો ઉપર હિમજમાવટ થતી ગઈ, બરફ વધતો ગયો, ઠંડી આબોહવાને કારણે હિમનદીઓ વૃદ્ધિ પામીને હિમાવરણો અને હિમચાદરોમાં ફેરવાઈ, સમગ્ર હિમાલય વિસ્તાર તેનાથી ઢંકાઈ ગયો, પ્રાણીઓ સ્થળાંતર કરતાં ગયાં, જે સ્થળાંતર ન કરી શક્યાં તે નાશ પામ્યાં અને કેટલાંકનો તો વિલોપ થઈ ગયો. અનેક જાતિઓ વિલુપ્ત થઈ ગઈ; દા. ત., હાથીઓની ઘણી ઉપજાતિઓ. પ્લાયસ્ટોસીનમાં હિમયુગના ચાર કાળગાળા અને વચ્ચે વચ્ચે ત્રણ આંતર હિમકાળ પ્રવર્તી ગયા. અત્યારના કાળગાળાને ચોથા આંતર હિમકાળ તરીકે ઘટાવાય છે.

માનવ ઉત્ક્રાંતિના તબક્કાઓમાંથી પસાર થતો થતો આ વખત સુધીમાં પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં વસવાટ કરતો થઈ ગયો હતો, જે તેણે બનાવેલાં ઓજારો પરથી તેમજ નદીઓના ખીણપ્રદેશોમાંથી મળી આવતાં હસ્તકારીગરીનાં સાધનો અને ચીજવસ્તુઓ પરથી જણાઈ આવે છે. હિમાલયના પ્રસ્તરો મૂળ જળકૃત પ્રકારના છે, તે તેમાંથી મળી આવતા જીવાવશેષો પરથી નક્કી થાય છે.

વનસ્પતિજીવન : હિમાલયના જુદા જુદા ભાગોની ઊંચાઈ જુદી જુદી હોવાથી અહીં લગભગ દરેક પ્રકારની આબોહવા પ્રવર્તતી જોવા મળે છે. આબોહવાના વૈવિધ્યને લીધે અહીંનું વનસ્પતિજીવન પણ વિવિધ પ્રકારનું છે. દક્ષિણતરફી ઉગ્ર ઢોળાવો પર 910 મીટરની ઊંચાઈ સુધી અંજીર અને તાડવૃક્ષો જેવી અયનવૃત્તીય વનસ્પતિ ઊગે છે. 2,110 મીટરની ઊંચાઈ સુધી ઓક, ચેસ્ટનટ અને લૉરેલ જેવાં વૃક્ષો જોવા મળે છે. 3,660 મીટરની ઊંચાઈ પર દેવદાર અને પાઇનનાં વૃક્ષો ઊગે છે. અહીંનાં જંગલોમાં ક્ષુપ (છોડ) અને વેલાઓ જેવી વનસ્પતિ પણ મળે છે. પર્વતઢોળાવો પર રહોડૉડેન્ડ્રૉન ઊગે છે.

1,500 મીટરની ઊંચાઈ સુધીના ઢોળાવોવાળા ભાગોમાં ચાની ખેતી કરવામાં આવે છે. 1,800 મીટરની ઊંચાઈ સુધીમાં દક્ષિણ ઢોળાવો પર ડાંગર, મકાઈ અને બાજરીની ખેતી થાય છે. અહીંથી થોડી વધુ ઊંચાઈના વિસ્તારોમાં ઘઉં અને જવનું વાવેતર પણ કરવામાં આવે છે.

પ્રાણીજીવન : હિમાલયના અયનવૃત્તીય, સમશીતોષ્ણ અને શીત વિસ્તારોમાં વાઘ, દીપડા, ગેંડા, હાથી, યાક તથા અમુક પ્રકારના વાનરો જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા