હિમલર, હેનરિક (જ. 1900, મ્યૂનિક, જર્મની; અ. 1945) : જર્મનીના નાઝી નેતા અને પોલીસ વડા. 1925માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને 1929માં તે એસ. એસ. રક્ષક દળ(Schutzstaffel, protective force)ના વડા નિમાયા.
હેનરિક હિમલર
આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું; પરંતુ તેમણે એ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી શસ્ત્ર રૂપે નવો ઓપ આપ્યો. તે ખાનગી પોલીસ(ગેસ્ટાપો)નું પણ નિયમન કરતા. તેમણે યહૂદીઓનું પદ્ધતિસર નિકંદન કાઢવાનો પ્રારંભ કર્યો. 1943માં તે આંતરિક બાબતોના પ્રધાન બન્યા અને 1944માં આંતરિક દળોના કમાન્ડર-ઇન-ચીફ નિયુક્ત થયા. બીજા વિશ્વયુદ્ધ-સમયે સાથી રાજ્યો તરફથી તેમની ધરપકડ કરવામાં આવી અને લૂનબર્ગમાં તેમણે આપઘાત કર્યો.
મહેશ ચોકસી