હિમથાણી, હરિ [જ. 13 ફેબ્રુઆરી 1933, હિસાબ, જિ. નવાબશાહ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઉદામંડ અરમાન’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. 1991માં તેઓ રેલવે વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધી ઉપરાંત અંગ્રેજી અને હિંદી ભાષા જાણે છે.

હરિ હિમથાણી

1954માં તેમની પ્રથમ નવલકથા ‘અભાગણ’ પ્રગટ કરવામાં આવી. તેમણે કુલ 17 ગ્રંથો આપ્યા છે. ‘આશા’ (1955), ‘આશ ન આશ’ (1956), ‘રાત જો બિયોં પહર’ (1982), ‘ગુલ જલન પિયા’ (1983) અને ‘મજિયા જા દંગ’ (1991) તેમની બીજી નવલકથાઓ છે. ‘અચેના રચના’ (1977), ‘સદા હિં પરદા’ (1981), ‘ઘટનાઓં જો ચક્કર’ (1987), ‘અચેતન’ (1993), ‘ભંગ જા રંગ’ અને ‘ઉદામંદડ અરમાન’ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે.

તેમને અખિલ ભારત સિંધી બોલી અને સાહિત્ય સભા, મુંબઈ તરફથી મુરિજમલ મંઘનાની ઍવૉર્ડ (1993), કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીનો ઍવૉર્ડ (ત્રણ વખત), રાજસ્થાન સિંધી અકાદમી દ્વારા સામી ઍવૉર્ડ (1996) તથા નવી દુનિયા પબ્લિકેશન્સ પુરસ્કાર – મુંબઈ અને આર્મેક પુરસ્કાર – પુણેથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઉદામંદડ અરમાન’ 10 વાર્તાઓનો સંગ્રહ છે. સરળ શૈલીમાં સિંધી જીવનના અસરકારક ચિત્રાંકન સાથે તેમાં સિંધી પાત્રોનો માનવતાભર્યો વ્યવહાર ઉજાગર થાય છે. તેમાંનાં ઉચ્ચ સાહિત્યિક મૂલ્યો, તેમાંની સર્જનાત્મકતા અને તેમાંની પ્રવાહી ભાષાને કારણે આ કૃતિ સિંધીમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં ઉલ્લેખનીય બની છે.

બળદેવભાઈ કનીજિયા