હિબ્રૂ ભાષા અને સાહિત્ય : યહૂદીઓની પ્રાચીન ભાષા. મૂળ સેમિટિક જૂથની, ફીનિશિયન અને મૉબાઇટ ભાષાજૂથ સાથે નજીકનો નાતો ધરાવતી કેનાઇટ પેટાજૂથની ઇભ્રી કે ઇઝરાયેલ પ્રજા દ્વારા વપરાતી ભાષા. પેલેસ્ટાઇનની જૉર્ડન નદીના પશ્ચિમ કિનારે આવેલ કેનાન પ્રદેશમાં યહૂદીઓ તેનો ઉપયોગ કરતા હતા. તે કેનાન અને જુડીનની ભાષા તરીકે ઓળખાતી હતી. ઈ. પૂ. ત્રીજી સદીમાં આર્મેઇક ભાષાની પશ્ચિમ બોલી તરીકે તે ઊપસી આવેલી. પ્રાચીન હિબ્રૂ બાઇબલની ભાષા તરીકે ઈ. પૂ. 12મીથી 2જી સદીમાં જાણીતી હતી. તેના સ્વરૂપમાંથી મિશનેઇક હિબ્રૂ ઈશુની ત્રીજી સદીમાં પ્રગટી હતી. જાહેર ઉપાસનામાં નિયત સ્વરૂપ અને સાહિત્યિક ભાષા તરીકે વપરાતી. 19મી અને 20મી સદીમાં યહૂદીઓ તેનો બોલી તરીકે ઉપયોગ કરતા. ઇઝરાયેલમાં સરકાર દ્વારા અધિકૃત થયેલી, જે બોલાતી નહોતી અને લિખિત સ્વરૂપમાં ઉપલબ્ધ થતી નહોતી તેના ઉત્થાન માટે સરકારની નીમેલી સમિતિ કાર્યરત છે.
દક્ષિણ–પશ્ચિમ એશિયામાં અરેબિક, હિબ્રૂ (મુખ્યત્વે ઇઝરાયેલમાં), એરેમેઇક, આધુનિક દક્ષિણ-અરેબિક, ફીનિશિયન, એક્કેડિયન (બૅબિલૉનિયન અને એસિરિયન), મૉબાઇટ અને યુગેરિટિક ભાષાઓને સેમિટિક ભાષાજૂથની ગણવામાં આવે છે.
હિબ્રૂ ભાષાનો બાઇબલકાળ અથવા શિષ્ટકાળ ઈશુની ત્રીજી સદી સુધી ગણાય છે. આ ‘જૂનો કરાર’ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) લખાયો તે કાળ છે. મિશનેક અથવા રેબાઇનિક કાળ ઈ. સ. 200 સુધીનો ગણાય છે. તે સમયમાં હિબ્રૂની મિશના પરંપરાનાં લખાણો લખાતાં હતાં; પરંતુ બોલાતી ભાષા તરીકે તેનો વપરાશ થતો ન હતો. મધ્યકાલીન હિબ્રૂમાં, 6ઠ્ઠીથી 13મી સદી દરમિયાન ગ્રીક, લૅટિન, સ્પૅનિશ અને અરેબિક ભાષાઓમાંથી શબ્દો લેવામાં આવતા હતા. આધુનિક સમયમાં હિબ્રૂ ઇઝરાયેલની ભાષા બની છે. તેને બોલાતી અને લિખિત ભાષા બનાવવાનું ભગીરથ કાર્ય ઇઝરાયેલની સરકારે આદર્યું છે. હિબ્રૂનું સૌથી જૂનું સ્વરૂપ જૂના કરારની કવિતા છે. બાઇબલના પાંચમા પ્રકરણ જજીઝમાં ‘સાગ ઑવ્ ડેબૉરાહ’ હિબ્રૂમાં છે. કેનાઇટ અને એક્કેડિયન ભાષાઓના શબ્દો હિબ્રૂમાં મળે છે. સુમેરિયન ભાષાના શબ્દો પણ તેમાં જોવા મળે છે. ઈ. પૂ. નવમી સદીની ફીનિશિયન ભાષાના શબ્દો પણ તેમાં મળી આવે છે. ગેઝર(Gezer)ના સૌથી જૂના શિલાલેખનું લખાણ હિબ્રૂમાં છે. સેમેરિયા–ઑસ્ટ્રાકાનું લખાણ ઠીકરાં પર મળી આવેલ હિબ્રૂ આલેખના અવશેષો છે. ઈ. પૂ. 586 પહેલાં હિબ્રૂ ભાષા પવિત્ર લખાણો માટેની શિષ્ટ ભાષા બની રહી. એશિયા, આફ્રિકા અને યુરોપના યહૂદીઓએ હિબ્રૂમાં અનેક હસ્તપ્રતો લખી છે. મુસ્લિમ સ્પેન આ પ્રકારનાં લખાણોનું મુખ્ય કેન્દ્ર હતું.
બોલાતી હિબ્રૂ 9મી સદીથી 18મી સદી દરમિયાન ધીમે ધીમે લુપ્ત થતી ગઈ. જોકે આધુનિક હિબ્રૂ ભાષાનો મૂળ આધાર બાઇબલની ભાષામાં છે. તે બે પ્રવાહોમાં વહે છે : પ્રથમ પ્રવાહ પારંપરિક કે રેબિનિક છે. બીજો પ્રવાહ આધુનિક કે પાશ્ચાત્ય છે. આ બીજો પ્રકાર ઇઝરાયેલની રાજ્યભાષા બનવા તરફનો છે. રાજ્યની સલાહકાર સમિતિ પરિભાષાના નવા નવા શબ્દો બનાવે છે. ઉચ્ચારોની બાબતમાં રાજ્યસમિતિ સેફાર્ડિક કે સ્પૅનિશ-જ્યૂયિશ ઉચ્ચારણનો સ્વીકાર કરે છે; પરંતુ આશ્કેનાઝી કે યિડિશ પરંપરાના ઉચ્ચારણનો છોછ રાખવામાં આવતો નથી. ત્રણ વ્યંજનોના સંમિશ્રણમાંથી હિબ્રૂના શબ્દો બને છે. તેમને જુદા જુદા સ્વરો અને વ્યંજનો સાથે નિયોજીને બનાવવામાં આવે છે. જમણેથી ડાબી તરફ લખાતાં સેમિટિક મૂળાક્ષરના 22 અક્ષરોમાં હિબ્રૂને પ્રયોજવામાં આવે છે.
સાહિત્ય : હિબ્રૂ ભાષામાં રચાયેલું સાહિત્ય યહૂદીઓ દ્વારા રચાયેલા સાહિત્યથી જુદું પડે છે. ગ્રીક, આર્મેઇક, અરેબિક અને જ્યૂડો-સ્પૅનિશ (લેડિનો) અને યિડિશ ભાષામાં પણ તે રચાયું છે. ઈ. પૂ. 12મી શતાબ્દીથી આધુનિક ઇઝરાયેલમાં તે રચાતું ગયું છે.
પ્રાચીન હિબ્રૂ સાહિત્ય ‘જૂનો કરાર’(ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં છે. ‘જૂનો કરાર’ના કેટલાક ભાગ હિબ્રૂમાં લખાયેલા છે. ઈ. પૂ. 950 સુધી લખાયેલ કેટલાંક ઊર્મિગીતો ‘જૂનો કરાર’માં છે. આશરે ઈ. પૂ. 950થી ઈ. પૂ. 586 સુધી લખાયેલાં ઐતિહાસિક ગદ્યલખાણોમાં ઇઝરાયેલ અને જૂડાહના રાજવીઓનાં ચરિત્રો છે. આ સમયમાં કેટલાંક ભજનો (સામ્સ – Psalms) અને કેટલાંક પેગંબરોની દેવવાણી રૂપે ઉપલબ્ધ છે. ઈ. પૂ. 586થી ઈ. પૂ. 165 સુધી બાઇબલના કેટલાક ભાગ જેમને ‘રાઇટિંગ્ઝ’ કહે છે તે લખાયાં છે. આમાં ‘ઇક્લેઝિઆસ્ટ્સ’, ‘જૉબ’, ‘પ્રોવબર્ઝ’ અને મોટા ભાગનાં ‘સામ્સ’ લખાયાં છે. આ ગાળા દરમિયાન આગમો કે ભવિષ્યવાણીઓ પણ રચાઈ છે. ‘જૂનો કરાર’નું હિબ્રૂમાંથી ગ્રીક ભાષામાં ભાષાંતર કરનાર ઇજિપ્તમાં રહેતા યહૂદી પંડિતો હતા.
હિબ્રૂ સાહિત્યનો ચોથો ગાળો ઈ. પૂ. 165થી ઈ. સ. 135નો ગણાય છે. આ સમયને મિડ્રાશના નામથી ઓળખવામાં આવે છે. બૅબિલૉનના બંધનના સમય તરીકે ઇતિહાસ તેને ઓળખે છે. હિબ્રૂ સાહિત્યને આ સમયમાં ‘હલાકાહ’ અને ‘હગ્ગડા’ (Halakah–Haggada) એવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. આ સમયનાં અન્ય લખાણોમાં ‘જૂનો કરાર’માં ભવિષ્યવાણીઓ (એપોકેલિપ્ટિક રાઇટિંગ્ઝ) લખાઈ છે, તેમાં કેટલીક મોઝીસના તખલ્લુસવાળી, પેગંબર ડેનિયલની, ધર્મપીઠના ધર્માધ્યક્ષ એનોક અને પાદરી અને ધર્મસુધારક એઝરાની લખેલી છે. ઇસ્સેનના મઠવાસી યહૂદીઓએ ‘ડેડ સી સ્ક્રોલ્સ’ લખ્યાં અને ફિલસૂફ ફિલો જુડાયસ અને ઇતિહાસકાર ફ્લેવિયસ જોસેફનાં લખાણોનો સમાવેશ પણ આ સમયના હિબ્રૂ સાહિત્યમાં કરવામાં આવે છે.
135થી 475 દરમિયાન ‘ટાલ્મુડ’ હિબ્રૂ સાહિત્યનું અગત્યનું સર્જન ગણાય છે. પેલેસ્ટાઇનનું ટાલ્મુડ આ સમયે પૂરું થયું અને તેથી પણ આગળ બૅબિલૉનનું ટાલ્મુડ રચાયું. હિબ્રૂ સાહિત્યના છઠ્ઠા તબક્કામાં (470–740) બૅબિલૉનનું ટાલ્મુડ પૂરેપૂરું રચાઈ ગયું. હગ્ગડાની પ્રથમ આવૃત્તિઓ પણ સંગૃહીત થતી ગઈ અને હાંસિયામાં લખેલી નોંધ, જેને મેસોરાના નામથી ઓળખવામાં આવે છે તેનું ઉમેરણ પવિત્ર ગ્રંથ બાઇબલમાં કરવામાં આવ્યું.
હિબ્રૂ સાહિત્યનો સાતમો ગાળો 740થી 1040નો છે. હિબ્રૂમાં લખાયેલી પ્રાર્થનાઓ આશરે 880માં રચાઈ હોવાની માન્યતા છે. ટાલ્મુડનો પ્રથમ શબ્દકોશ આશરે 900માં રચાયો હતો. આ સમયનું અન્ય નોંધપાત્ર સર્જન ‘સેફર હા-મિટ્ઝવોટ’ (ધ બુક ઑવ્ પ્રીસેપ્ટ્સ) છે. 770માં અનાન બેન ડૅવિડે ઉપર્યુક્ત પુસ્તકમાં પવિત્ર ગ્રંથ બાઇબલનાં અસલ લખાણોમાં જવાની અગત્ય પર ભાર મૂક્યો છે. કૅરેઇટ્સ પંથનો તે સ્થાપક હતો. આઠમા–નવમા ગાળાના ઉપર જણાવેલ સર્જકોમાં સાદિયા બેન જૉસેફનું નામ નોંધપાત્ર છે. તેણે હિબ્રૂ–અરેબિક શબ્દકોશ રચ્યો. તેણે હિબ્રૂમાં કેટલીક પદ્યરચનાઓ પણ કરી. હિબ્રૂ ભાષામાં પ્રાસાનુપ્રાસવાળાં કાવ્યો સૌપ્રથમ 8મી સદીમાં રચાયાં હોવાનો મત છે. આધુનિક હિબ્રૂનું સ્વરૂપ અને હિબ્રૂ કવિતાનું સર્જન 10મી સદીમાં થાય છે. ઉત્તર આફ્રિકા અને ઇટાલીમાં અને પાછળથી સ્પેન અને ઇજિપ્તમાં હિબ્રૂ પાંડિત્યનાં કેન્દ્રો શરૂ થાય છે.
હિબ્રૂ સાહિત્યનો આઠમો તબક્કો 1040થી 1204નો છે. યુરોપના પંડિતો અને લેખકોનો આમાં મોટો ફાળો છે. સ્પેનના યહૂદીઓ મોટે ભાગે અરબી ભાષામાં અને હિબ્રૂ ભાષામાં કાવ્ય, તત્વજ્ઞાન અને ઇતિહાસવિષયક લખાણો લખતાં. સ્પેનના નોંધપાત્ર યહૂદી લેખકોમાં કવિ જુડાહ હા-લેવી અને મેમોનાઇડ્ઝનાં નામ ગણાવી શકાય. મેમોનાઇડ્ઝે કાયદાશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા વિષયોનાં લખાણો કર્યાં છે. ‘ગાઇડ ફૉર ધ પર્પ્લેક્સ્ડ’ (1190; અનુ. 1919) યહૂદીઓની ધાર્મિક ફિલસૂફીની સમજણ માટેનો આકરગ્રંથ છે. આ સમયમાં ટાલ્મુડના પંડિતો ફ્રાન્સ અને જર્મનીમાં રહેતા હતા.
હિબ્રૂ સાહિત્યનો નવમો તબક્કો 1204થી 1492 છે. આમાં સ્પેન, પોર્ટુગલ, પ્રોવેન્સ, ઇટાલી અને જર્મનીના પંડિતોનો સમાવેશ કરવામાં આવે છે. તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્રના ગ્રંથોની સાથે હવે ગૂઢાર્થવાળા આધ્યાત્મિક ગ્રંથો પણ લખાવા માંડ્યા. 13મી સદીનો સૌથી વધુ નોંધપાત્ર ગ્રંથ ‘ઝોહર’ (સેફેર હા-ઝોહર) અથવા ‘ધ બુક ઑવ્ સ્પ્લેન્ડર’ છે. આ ગ્રંથના સર્જક સ્પેનના વિદ્વાન મોસીસ દ લીઑન હોવાની માન્યતા છે. સૌપ્રથમ હિબ્રૂ ભાષામાં લખાયેલાં પુસ્તકો ઇટાલીમાં છપાયાં હતાં. જોશુઆ સોન્સિનો (પંદરમી સદીના છેવટના ભાગમાં) ઇટાલીમાં જન્મેલા યહૂદી છાપકામના નિષ્ણાત હતા. તેમણે હિબ્રૂ બાઇબલ (1488) મૂળ બાઇબલનો સંપૂર્ણ અનુવાદ કરીને છાપ્યું હતું. ત્યારથી 20 વર્ષ પછી ડચ (વલંદા) ક્રિશ્ચિયન છાપકામના નિષ્ણાત ડેનિયલ બૉમ્બર્ગે હિબ્રૂ ભાષા માટે ખાસ છાપખાનું વેનિસમાં શરૂ કર્યું અને ટાલ્મુડની પેલેસ્ટાઇન અને બૅબિલૉનની સંપૂર્ણ આવૃત્તિઓ પ્રસિદ્ધ કરી.
હિબ્રૂ સાહિત્યના દશમા તબક્કામાં (1492–1755) અનેક ગ્રંથો હિબ્રૂમાં તેમજ યુરોપની અનેક ભાષાઓમાં લખાયા. આ લેખકોમાં યહૂદી ધર્મશાસ્ત્રીઓ, તત્વજ્ઞાનીઓ, ઇતિહાસકારો ગણિતશાસ્ત્રીઓ, કવિઓ, બાઇબલના ભાષ્યકારો અને કોશકારોનો સમાવેશ કરવામાં આવે છે.
હિબ્રૂ સાહિત્યના 11મા તબક્કામાં (1755–1880) મોસીસ મેન્ડલસ્સોહનનું યશસ્વી કાર્ય મધ્ય યુરોપના યહૂદીઓને પશ્ચિમની સંસ્કૃતિનો પરિચય કરાવવાનું હતું. આ વાસ્તે તેમણે હસ્કાલાહ(પુનર્જાગૃતિ – enlightenment)નું આંદોલન શરૂ કર્યું. યિડિશ ભાષાના ઉપયોગને તેમણે વખોડી કાઢ્યો. તેમના અનુયાયીઓએ હિબ્રૂના પુનરુજ્જીવન(revival)ની સાથે સાથે યહૂદીઓ જ્યાં જ્યાં સ્થાયી થયા હોય તે તે પ્રદેશની ભાષામાં હિબ્રૂ સાહિત્ય રચવાનો આગ્રહ કર્યો. હિબ્રૂ ભાષાનું એક અત્યંત લોકપ્રિય સાહિત્યિક સામયિક ‘મિસ્સેફ’ (collector) મેન્ડેલસ્સોહનના વૃંદે શરૂ કરેલું. આ સમયના અન્ય હિબ્રૂ સાક્ષરમાં યુક્રેનમાં જન્મેલ તત્વજ્ઞાની નેકમેન ક્રૉરમલનું નામ સુવિખ્યાત છે. તેમણે ‘મોર નેવુખે હા-ઝ્-મેન’ (‘ધ ગાઇડ ફૉર ધ પરપ્લેક્સ્ડ ઑવ્ અવર ટાઇમ’, 1851) નામનો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો.
હિબ્રૂ સાહિત્યના બારમા તબક્કામાં (1880થી આજ દિન સુધી) હસ્કલાહની પ્રણાલિકા ચાલુ રહે છે. સાથે સાથે પ્રબુદ્ધ કાળનું હિબ્રૂ સાહિત્ય બિનસાંપ્રદાયિક વસ્તુઓને લક્ષમાં લઈ રચાતું જાય છે. છેલ્લો તબક્કો ઇઝરાયેલના હિબ્રૂ સાહિત્યનો છે. 19મી સદીના અંત ભાગમાં ‘ઝિયોનિઝમ’ના ઉદય સાથે લિખિત અને બોલીની હિબ્રૂ ભાષાનો ઉદય થયો. હિબ્રૂ ભાષાનું પ્રથમ સમાચારપત્ર ‘હા-યૉમ’ (ધ ડે) 1886માં શરૂ થયું. અન્ય હિબ્રૂ સામયિકોમાં વિયેનામાં ‘હા-શાહર’ (ધ ડૉન) 1868 રશિયામાં જન્મેલ પેરેટ્ઝ સ્મોલેનસ્કિને શરૂ કરેલું. આ સામયિકમાં જ સ્મોલેનસ્કિને ‘હા-તો’એહ બે-દાર્ખેલ હા-હાયિમ’ (ધ વોન્ડરર ઇન ધ પાથ્સ ઑવ્ લાઇફ, 3 ભાગ, 1868–70) નવલકથા હપતાવાર પ્રસિદ્ધ કરેલી. હસ્કાલાહના મુખ્ય કવિઓમાં લિથુઆનિયાના જુડાહ લીબ ગૉર્ડનનું નામ અત્યંત જાણીતું છે. તેમણે બાઇબલની હિબ્રૂ ભાષાની પશ્ચાદભૂમાં આધુનિક હિબ્રૂનો ઉપયોગ કર્યો અને એક નવી કાવ્યશૈલીનો પ્રાદુર્ભાવ થયો. પ્રબુદ્ધકાળની અસર તળે કેટલાક નવલકથાકારો યિડિશ ભાષાને બદલે હિબ્રૂનો ઉપયોગ કરવા લાગ્યા. મેન્ડેલ મોખેર સેફારિમ (શેલૉમ જૅકબ અબ્રામૉવિચનું તખલ્લુસ) આમાંના એક હતા. 20મી સદીના ઝૂંપડપટ્ટીની જિંદગીના ચિત્રણ માટે મેન્ડેલને ‘દાદા મેન્ડેલ’ના નામથી નવાજવામાં આવેલ છે.
હિબ્રૂ પ્રબુદ્ધકાળનું સર્વોપરી સર્જન એક જ પેઢીના રશિયામાં જન્મેલ ત્રણ લેખકોને ફાળે જાય છે. હય્યિમ નેહમાન બિયાલિક, સૉલ ચેરનિકોવસ્કી અને ઝેમેન સ્નેઅર મોટા ગજાના સાહિત્યકારો છે. બિલાયિક કવિ, નિબંધકાર અને યહૂદીઓના વારસાનું અર્થઘટન કરનાર છે. તેમણે સર્વાન્ટીસની ડૉન કીહોટે નવલકથાનો અનુવાદ પણ કર્યો હતો. ચેરનિકોવસ્કીની મોટા ભાગની કવિતા પ્રાચીન દુનિયાના દેવોનું યહૂદીઓથી ભિન્ન ધર્મની પરંપરા પ્રમાણે વર્ણન કરે છે. જોકે તેમની અન્ય કૃતિઓમાં યહૂદીઓની લોકસંસ્કૃતિના રમ્ય અને આનંદી શાંતિમય જીવનનો તાદૃશ ચિતાર આપતાં કાવ્યો છે. સ્નેઅરના પદ્ય અને ગદ્યમાં લોકો પોતાનાં આધ્યાત્મિક મૂલ્યોને સ્વયં જગાડે તે માટે કરેલી વિનંતી છે.
પેલેસ્ટાઇનમાં આવીને યહૂદીઓ સ્થાયી થયા તે બાબતે જીવનમાં નવી પ્રેરણા અને દિશા સાંપડ્યાં, જે તેમને નવા સાહિત્યનું સર્જન કરવાના પુરુષાર્થ તરફ ખેંચી ગયાં. જોકે સૌપ્રથમ સ્થળાંતર કરીને આવેલ લેખકો તેમના ભૂતકાળ સાથે બંધાઈને રહેલા હતા. જૉસેફ હય્યિમ બ્રેન્નર નવલકથાકાર, ટૂંકીવાર્તાકાર અને વિવેચક હતા. તેઓ 1908માં પેલેસ્ટાઇનમાં સ્થાયી થયા હતા. જીવનના કરુણ વાદ્યને તે ભૂલી શકતા ન હતા, એમની અદમ્ય ઇચ્છા તો જીવનની લાખો નિરાશામાં પરમ શ્રદ્ધાને સ્થાપવાની હતી. એસ. વાય. ઍગ્નોનની શરૂઆતની કૃતિઓમાં ભાવકને યહૂદીઓના ગ્રામીણ જીવનનું ચિત્ર મળે છે, આ પૂર્વ યુરોપનું ચિત્ર છે; પરંતુ 1940 પછી પેલેસ્ટાઇનના, દરેક ક્ષેત્રમાં સૌપ્રથમ પગરણ કરનાર સાહસિકોના જીવન વિશે લખ્યું. હય્યિમ હઝાઝ 1931માં પેલેસ્ટાઇન ગયા. તેમની કૃતિઓમાં બાઇબલના સમયની વાતો મળે છે. તેમણે યેમેનાઇટ યહૂદીઓની ઇઝરાયેલના જીવન વિશે પણ ‘હા-યોશેવેત બા-ગન્નિમ’(ધાઉ ધેટ ડવેલેસ્ટ ઇન ધ ગાર્ડન્સ, 1944) નામની નવલકથા લખી. ગદ્ય કરતાં, પ્રથમ વસાહતીઓએ લખેલી કવિતા નવા જીવન પર વધુ પ્રકાશ ફેંકે છે. યુક્રેનમાં જન્મેલ રાહેલ બ્લુવ્સ્ટેનની કવિતા આ સન્નારીના પેલેસ્ટાઇન માટેના પ્રેમની દ્યોતક છે. તેમની મોટા ભાગની કવિતાને સંગીતબદ્ધ કરાઈ છે. યુરી ઝ્વી ગ્રીનબર્ગની કવિતા સ્થાનિક સંદર્ભોને લઈને રચાઈ છે. નાથન ઑલ્ટરમૅન વૉર્સોમાં જન્મ્યા હતા અને 1925માં પેલેસ્ટાઇનમાં આવ્યા હતા. મૂળ તો એ ફ્રેન્ચ પ્રતીકવાદના અનુયાયી હતા, પણ પ્રતીકોના ઢગલાને તથા કર્કશ અને વિસંવાદી સૂરોને એક બાજુ મૂકી દઈને તદ્દન સીધીસાદી ભાષા અને નિરાડંબરી શૈલીનો ઉપયોગ કર્યો. ‘હેયૉના’ (ધી સિટી ઑવ્ ધ ડવ, 1957) અને અન્ય રાજકીય વસ્તુઓ ધરાવતી બાબતો વિશે તેમણે સર્જન કર્યું.
કેટલાક લેખકો પેલેસ્ટાઇનમાં જન્મ્યા, તોપણ તેમની બેવડી યાદ ચાલુ જ રહી. યહૂદીઓના ભૂતકાળની પ્રેરણા તેમનામાં ચમકતી રહી, પણ સાથે સાથે નવા પ્રદેશનાં ભવિષ્ય, સ્વપ્ન અને સમસ્યાઓથી તેઓ અજાણ ન હતાં. યહૂદીઓની અસ્મિતાના પ્રશ્નની છણાવટ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા. મૉશે શમિર નવલકથાકાર અને નાટ્યકાર હતા. ‘ધ કિંગ ઑવ્ ફ્લેશ ઍન્ડ બ્લડ’ (1954, અનુ. 1958) અને માય લાઇફ વિથ ઇશમેલ (1969, અનુ. 1970) તેમની નવલકથાઓ છે.
1950માં યુરોપના અને અમેરિકાના સાહિત્યની જેમ ઇઝરાયેલનું સાહિત્ય વ્યક્તિ માટે નિસબત ધરાવતું બની રહ્યું; વ્યક્તિની એકલતા અને તેની અળગાપણાની ભાવના તેના વિષયો હતા. આમૉસ ઓઝ મોટા ગજાના નવલકથાકાર છે. માય માઇકલ (1958; અનુ. 1972) એક યુવાન ગૃહિણી માનસિક રીતે હતાશાની ગર્તામાં ડૂબી જાય છે તેની કથા છે. ‘સિક્સ ડે વૉર’ (1967) રાષ્ટ્રીય સમસ્યાઓ ઇઝરાયેલ સાહિત્યમાં મહત્વનું સ્થાન ગ્રહણ કરે છે. ‘ધ હિલ ઑવ્ કાઉન્સેલ’(1976; અનુ. 1978)માં ઓઝ હકીકત અને કલ્પનાનું સંમિશ્રણ કરીને ક્રાન્તિની કથા કહે છે જેનો અંત ઇઝરાયેલના સ્વાતંત્ર્યમાં આવે છે. ‘ટચ ધ વૉટર, ટચ ધ વિન્ડ’ (1973; અનુ. 1974) યુરોપના અગ્નિકાંડ અને 1967ના યુદ્ધમાંથી ભાગી છૂટવા મથતા નાયકની પ્રતીકાત્મક કહાણી છે. ‘અ પર્ફેક્ટ પીસ’ (1982; અનુ. 1985) એક કિબ્બુટ્ઝ પરિવારની બે પેઢીઓ વચ્ચેના સંઘર્ષની કથા છે. ઓઝનું અન્ય પુસ્તક ‘ઇન ધ લૅન્ડ ઑવ્ ઇઝરાયેલ’ (1982; અનુ. 1983) નવલકથા નથી; પરંતુ દયાથી પ્રેરાયેલ અને છતાંય સ્વદેશ અંગેનું વસ્તુનિષ્ઠ ચિંતન છે.
આહરૉન ઍપલફેલ્ડ 1947માં ઇઝરાયેલમાં રહેવા આવે છે. મધ્ય યુરોપના અગ્નિકાંડની યાતનાઓ અને શૈશવનાં સંભારણાંના અનુભવને તે વાગોળે છે. રઝળપાટ, અહીંતહીં છુપાઈને રહેવાની યાતના અને ભૂતકાળના વળગણથી દૂર થઈ જવાના પ્રયત્નો ઍપલફેલ્ડની ટૂંકીવાર્તા અને નવલકથાઓના વિષયો છે. ‘બેડનહીમ, 1939’ (1980; અનુ. 1980), ‘ઝિલી, ધ સ્ટોરી ઑવ્ અ લાઇફ’ (1982; અનુ. 1983) અને ‘ટુ ધ લૅન્ડ ઑવ્ કેટટેઇલ્સ’ (1986; અનુ. 1986) બહોળો વાચકવર્ગ ધરાવતાં તેમનાં સર્જનો છે.
સાંપ્રત ઇઝરાયેલની કવિતાસમૃદ્ધિનો વાચકવર્ગ વિશાળ છે. આમાં સૌથી જુદા તરી આવતા કવિ યેહુદા અમિચાઈ છે. તેમના કાવ્યસંચય ‘આમીન’(1977)નું ભાષાંતર અંગ્રેજ કવિ ટેડ હ્યુગીસે કરેલું. ‘સિલેક્ટેડ પોએમ્સ’નો અંગ્રેજી અનુવાદ 1968માં થયો છે. ‘લવ પોએમ્સ’(1981)ની દ્વિભાષી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. તેમની નવલકથા ‘નૉટ ઑવ્ ધિસ ટાઇમ, નૉટ ઑવ્ ધિસ પ્લેસ’ (1963, અનુ. 1968) યહૂદી અસ્મિતાની તલસ્પર્શી ઓળખ છે. ઇઝરાયેલના કોઈ સ્થપતિએ ચીતરેલ અનેકસ્તરીય હિસાબમાં જર્મન-યહૂદી સંબંધનાં લેખાંજોખાં તેના વર્તમાન સંકટસમયની પશ્ચાદભૂમિમાં જોવાયાં છે. અહીં નવલકથાકાર રાજકીય અને પોતાની દૃષ્ટિએ ઇઝરાયેલનું ઝીણવટપૂર્વક અવલોકન કરે છે. અમિચાઈની ટૂંકીવાર્તાઓ 1984માં ‘ધ વર્લ્ડ ઇઝ અ રૂમ, ઍન્ડ અધર સ્ટોરીઝ’ના નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થઈ છે. અન્ય બે કવિઓમાં આમિર ગિલ્બોઆ અને ટી. કાર્મીનાં નામો નોંધપાત્ર છે. 1937માં યુક્રેનમાંથી ગિલ્બોઆ પેલેસ્ટાઇનમાં જઈને વસે છે. તે બાઇબલના આધારે કલાત્મક રચનાઓ અને પ્રતીકોનો ઉપયોગ કરી યુરોપની યહૂદી પ્રજાના નાશનું સર્વગ્રાહી ચિત્ર દોરે છે. કાર્મી (કાર્મી ચાર્નીનું તખલ્લુસ) ન્યૂયૉર્કમાં જન્મી, 1947માં ઇઝરાયેલમાં વસવાટ કરે છે. તેમની પાસાદાર અને ક્ષતિ વગરના પ્રાસાનુપ્રાસવાળી કવિતામાં હિબ્રૂ લોકબોલીનાં અનેક વાક્યો સ્વાભાવિકપણે મળી આવે છે.
શુએલ યોસેફ એગ્નોન (1966ના સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર યહૂદી સાહિત્યકાર) ગેલિશિયા અને પેલેસ્ટાઇનમાંના જીવનનું આલેખન કરે છે. યુરોપના જુદા જુદા વાદ દર્શાવતી કવિતાની અસર હિબ્રૂમાં પ્રગટે છે. રાષ્ટ્રીય, રાજકીય અને આત્મલક્ષી કવિતાની રચના થાય છે.
1948માં ઇઝરાયેલની રચના થતાં હિબ્રૂ સાહિત્ય પોતાના રાષ્ટ્રમાં જન્મેલા યહૂદી લેખકોના હાથમાં જાય છે. હિબ્રૂ ભાષાનો ઉપયોગ કરતા ઇઝરાયેલના યહૂદીઓ પોતાના સંજોગોની અને સ્વાનુભવની વાત કહે છે. હવે ખરી હિબ્રૂ શૈલી પ્રગટે છે. અહીં તળપદી હિબ્રૂ બોલીનું લિખિત અવતરણ થાય છે. હિબ્રૂ નાટક, હિબ્રૂ કવિતા અને હિબ્રૂ ગદ્ય એક નવી સંસ્કૃતિ અને સાહિત્યને પ્રગટાવે છે.
અમેરિકામાં 1875માં સિનસિનાટી, ઓહાયોમાં રબી ઇઝાક મેયર વાઇઝ દ્વારા હિબ્રૂ યુનિયન કૉલેજની સ્થાપના થાય છે. યહૂદીઓના એકેશ્વર ધર્મની સાચી સમજણ માટેનો અભ્યાસ આ કૉલેજમાં કરાવવામાં આવે છે. 1950માં આ કૉલેજનું જોડાણ ‘જ્યૂયિશ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રિલિજ્યન ઑવ્ ન્યૂયૉર્ક, 1922’ સાથે કરવામાં આવે છે. 1954માં લૉસ એન્જેલેસમાં ‘ધ કૅલિફૉર્નિયા સ્કૂલ ઑવ્ ધ કૉલેજ-ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થાય છે. ‘હિબ્રૂ યુનિયન કૉલેજ બિબ્લિકલ ઍન્ડ આર્કિયોલૉજિકલ સ્કૂલ’ની સ્થાપના જેરૂસલેમમાં 1963માં અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે કરવામાં આવે છે. સિનસિનાટીમાં ‘ક્લો’ લાઇબ્રેરીમાં હિબ્રેઇકા અને જુડાઇકાના વિસ્તૃત ગ્રંથોની સાથે સ્પિનોઝાના ગ્રંથો, યહૂદીઓની પવિત્ર સંગીતરચનાઓ અને ‘જ્યૂયિશ-અમેરિકાના’ પણ સંગૃહીત કરેલ છે. બર્નહીમ લાઇબ્રેરીમાં જ્યૂયિશ-અમેરિકન હિસ્ટરીના પ્રમાણભૂત દસ્તાવેજો જાળવી રખાયા છે. 1913માં હિબ્રૂ યુનિયન કૉલેજ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે. હિબ્રૂ યુનિયન કૉલેજ એન્યુઅલ, સ્ટડીઝ ઇન બિબ્લિઑગ્રાફી ઍન્ડ બુકલોર, બિબ્લિઑગ્રાફીઆ જૂડાઇકા, અમેરિકન જ્યૂઇશ આર્કાઇવ્ઝ અને સેક્રેડ મ્યુઝિક પ્રેસ જેવાં પ્રકાશનો પણ થયાં છે.
‘હિબ્રૂ યુનિવર્સિટી ઑવ્ જેરૂસલેમ’ – હિબ્રૂ હા-યુનિવર્સિટા હા-ઇવ્રિત બી-યેરુશલેયિમ જેરૂસલેમની ઉચ્ચશિક્ષણની સંસ્થાઓને આર્થિક મદદ કરે છે. આ સંસ્થામાં હિબ્રૂના ઉચ્ચશિક્ષણ માટે જગતભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. 1925માં માઉન્ટ સ્કોપસ પર તેની સ્થાપના થયેલી. ત્યાંથી 1948 પછી તેનું સ્થાન ગિવાત રામ પર બદલવામાં આવ્યું હતું. 1967 પછી યુનિવર્સિટીનું સ્થળ બંને કૅમ્પસમાં રાખવામાં આવ્યું છે. માનવશાસ્ત્ર, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અને શિક્ષણ, સામાજિક કાર્ય, ઔષધશાસ્ત્ર, કૃષિવિદ્યા, ગૃહ-અર્થશાસ્ત્ર અને શુદ્ધ અને પ્રયુક્ત વિજ્ઞાન અને સાહિત્યના ઉચ્ચશિક્ષણ માટે અહીં વ્યવસ્થા છે.
વિ. પ્ર. ત્રિવેદી