હિબ્રૂ (પ્રજા) (જ્યૂ, યહૂદી) : એશિયા માઇનોરની એક જાતિ. હિબ્રૂ પ્રજા પેલેસ્ટાઇનમાં સ્થાયી થઈ એ પહેલાં એક સ્થળેથી તે બીજે સ્થળે ભટકતી હતી. બાઇબલની કથા અનુસાર હિબ્રૂ જાતિના જન્મદાતા અબ્રાહમ હતા. તેમણે અર છોડીને પેલેસ્ટાઇન તરફ મહાકૂચ કરી; પરંતુ આ પ્રદેશ રણવિસ્તાર હોઈ તેઓ ઇજિપ્ત ગયા જ્યાં પહેલેથી હિબ્રૂ પ્રજા વસતી હતી. અહીંયાં અબ્રાહમે તેમને ખેતી કરતાં શીખવ્યું. વસ્તી વધતાં કેટલાકે ઉદ્યોગ-ધંધા અને વેપાર શરૂ કર્યા. અહીંયાં તેઓ શહેરોને બદલે ગામડાંઓમાં વિશેષ સંખ્યામાં વસ્યા. તેઓ અનાજ ઉપરાંત અંજીર અને જેતૂન ઉછેરતા થયા.
ત્યાર બાદ એમના બીજા મહત્વના નેતાઓ–સરદારો મોઝીઝ અને જોસુઆ તેમને જૉર્ડન નદીની ખીણમાં લઈ આવ્યા. અહીંથી તેઓ ઈ. પૂ. 1380–1350 દરમિયાન અત્યારના જેરૂસલેમ પાસેના ખેબુરી આવ્યા. આ સમય દરમિયાન ઇજિપ્તના ફેરોએ મોટી હિબ્રૂ વસાહતો જીતી લેતાં અંતે આ પ્રજા ઇઝરાયેલમાં સ્થિર થઈ.
ઇઝરાયેલમાં તેઓ કેનાઇટ પ્રજાના સંપર્કમાં આવ્યા અને તેમનાં નગરો પચાવી પાડ્યાં. અહીં તેમણે મકાનો બાંધીને રહેવાનો પ્રારંભ કર્યો. ઘેટાં-બકરાંનાં ચામડાનાં વસ્ત્રો તજીને કેનાઇટો જેવાં ઊનનાં કપડાં પહેરવાનું તેમણે શરૂ કર્યું. ધીરે ધીરે તેઓ ખેતી કરતાં, અનાજ ઉગાડતાં, ઊન વણતાં, દારૂ બનાવતાં અને અંજીરનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરતાં શીખી ગયા. જ્યારે પેલેસ્ટાઇનની દક્ષિણે વસતી એક ટોળી તો ભટકતું જીવન ગાળતી રહી. મોઝીઝે તેમને એકત્ર કર્યા. તે પહેલાં હિબ્રૂ આ બાર ટોળીઓમાં અલગ અલગ પ્રદેશમાં વસતા હતા.
હિબ્રૂ શાસકો : હિબ્રૂ પ્રજા માંડ સ્થિર થઈ કે તુરત જ પૂર્વે ક્રીટમાંથી આક્રમકો પેલેસ્ટાઇનમાં ઊતરી આવ્યા. સૉલ નામના એક હિબ્રૂ વીર પુરુષે તેમની આગેવાની લીધી, લશ્કર તૈયાર કર્યું અને છાપામાર યુદ્ધથી દુશ્મનોને પરાજિત કર્યા. આને કારણે ઉપકારવશ હિબ્રૂ પ્રજાએ સૉલને પોતાનો રાજા બનાવ્યો, જે તેમનો પહેલો જ્ઞાત શાસક છે.
સૉલ પછી ડેવિડ નામનો એક પશુપાલક હિબ્રૂ પ્રજાનો રાજા બન્યો. તેણે હિબ્રૂ રાજ્યની સીમા વધારી અને જેરૂસલેમ જીતીને તેને પોતાની રાજધાની બનાવી. તે હિબ્રૂ સાહિત્યમાં ઘણો જાણીતો છે. મૃદુ અને કઠોર એવું વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવનાર ડૅવિડને હિબ્રૂ સાહિત્યમાં ઈશ્વરની ઉપમા આપવામાં આવી છે.
હિબ્રૂ પ્રજાના બીજા મહત્વના શાસક સૉલોમને અંદરોઅંદરની ફાટફૂટ દૂર કરી, પ્રજાને એકસૂત્ર કરી મજબૂત રાજતંત્રનું નિર્માણ કર્યું. રાજધાની જેરૂસલેમને ફરી બાંધ્યું, કિલ્લાઓ સમરાવ્યા અને લશ્કરી તાકાત વધારી.
ફિનિશિયા અને ટાયર સાથે વેપારી સંબંધો વિકસાવ્યા. સૉલોમને અરબસ્તાનની હીરાની ખાણો કબજે કરી અને ભારે લૂંટ ચલાવી. આને કારણે હિબ્રૂઓ દોલતમાં આળોટતા થયા.
સૉલોમને રાજધાનીમાં શૃંગારના દેવના યાહવેહનું એક ભવ્ય અને કલાત્મક મંદિર બંધાવ્યું. તેની દીવાલો સોના, રૂપા તથા હાથીદાંતથી મઢવામાં આવી. તેણે પોતાને માટે પણ એક આલીશાન મહેલ બંધાવ્યો.
સૉલોમન વિચક્ષણ, ન્યાયી, શાણો અને મુત્સદ્દી શાસક હતો. જોકે એ યુગ પ્રમાણે વિલાસી પણ હતો. તેના અંત:પુરમાં 700 રાણીઓ અને 300 રખાતો હતી. પોતાના મોજશોખને પોષવા માટે તેણે વેપારી કાફલાઓ અને પ્રજા પર ભારે કરવેરા નાખ્યા. ઈ. પૂ. 940માં તે અવસાન પામ્યો.
સૉલોમનના મરણ પછી હિબ્રૂ રાજ્ય ઇઝરાયેલ અને જુડાહ નામનાં બે રાજ્યોમાં વહેંચાઈ ગયું.
જુડાહનું રાજ્ય 150 વર્ષ ટક્યું. તે સતત ઇજિપ્તના સમ્રાટો સામે લડતું રહ્યું. ઈ. પૂ. 586માં ખાલ્ડિયાના રાજા નેબુચેડનેઝરે જેરૂસલેમનો નાશ કર્યો. જ્યાંથી હિબ્રૂ પ્રજા ભાગીને બૅબિલૉનિયા આવી છેવટે મેસોપોટેમિયામાં સ્થિર થઈ.
જુડાહ અને ઇઝરાયેલ પર પાછળથી સિકંદરે ઈ. પૂ. 332માં કબજો કર્યો. સિકંદરે હિબ્રૂ પ્રજાને જીતી ત્યારે કોઈ ગંભીર સંઘર્ષ થયો નહિ; પરંતુ તેના વારસોના સમયમાં ઍન્ટિઑક્સ ચોથાએ હિબ્રૂઓ પોતાનો ધર્મ અનુસરે તે પર પ્રતિબંધ મૂક્યો અને તેમનાં મંદિરો તોડ્યાં. પરિણામે તેમને ઇજિપ્તની દક્ષિણ સીમાએ આવેલા એલિફન્ટાઇનના પ્રદેશમાં હિજરત કરવી પડી. ત્યાંથી તેઓ છેક ગ્રીક ટાપુઓ સુધી સ્થળાંતર કરી ગયા.
હિબ્રૂ પ્રજાએ ઇજિપ્તમાં ઍલેક્ઝાંડ્રિયા બંદરનો પાયો નાંખ્યો. ઈસવીસનની પહેલી સદીના પૂર્વાર્ધ સુધીમાં તો ત્યાં તેમની વસ્તી એક લાખ કરતાં વધી ગઈ.
ત્યાર બાદ આ પ્રજા રોમનોના અત્યાચારનો ભોગ બની. રોમનોએ મોટા પ્રમાણમાં તેમની કતલ કરી. પરિણામે હિબ્રૂઓ છિન્નભિન્ન થઈ ગયા.
રાજતંત્ર : હિબ્રૂ પ્રજાનું રાજ્ય સમવાયતંત્ર જેવું હતું. તેમાં ધર્મગુરુઓનો વિશેષ પ્રભાવ હતો. તેમનો વડો રાજા હતો. રાજાના નેતૃત્વ તળે આ પ્રજા ઉદ્યોગ, ધંધા અને ખેતીનો વિકાસ કરતી હતી. પ્રારંભમાં સમગ્ર પ્રજા વિચરતી જાતિ હતી. તેમના પર ‘જજ’ (Judges) નામે ઓળખાતા મુખિયાઓ શાસન કરતા હતા. આ મુખિયાઓ ભગવાન યાહવેહની કૃપાથી તેમનાં લશ્કરી, રાજકીય અને ધાર્મિક કાર્યોની સમીક્ષા કરી પસંદ કરાતા. ડૅવિડ અને સૉલોમને રાજાશાહીને ભવ્યતા આપી.
હિબ્રૂ પ્રજાનું વિવિધ ક્ષેત્રે પ્રદાન : હિબ્રૂ સાહિત્યનો મૂલાધાર બાઇબલનો જૂનો કરાર છે, જેને આધારે ધાર્મિક પરંતુ ઉત્કૃષ્ટ પ્રકારનું સાહિત્ય રચાયું. જૂના કરારનું સ્થાન વિશ્વસાહિત્યમાં અદ્વિતીય છે. તે હિબ્રૂ પ્રજાની કાનૂનસંહિતાની સાથે મહાકાવ્ય, તત્વજ્ઞાન અને ઇતિહાસનો પ્રથમ ગ્રંથ છે.
હિબ્રૂ પ્રજાની કાનૂનસંહિતા હમ્મુરાબી કરતાં પણ સુવિકસિત છે. તેમના કાયદાઓનો જનક થોરા હતો. તેની કાનૂનસંહિતાનું હાર્દ ગરીબોને સલામતી પૂરી પાડવાનું, જરૂરિયાતમંદોને મદદ કરવાનું અને અન્યાય અટકાવવાનું હતું. એમાં ગુલામો પ્રત્યે દયાભાવ રાખવાની; પરંતુ ભૂવાઓ, જાદુગરો, હિંસા આચરનારાઓ અને મૂર્તિપૂજકોને ફાંસી આપવાની હિમાયત કરાઈ છે.
લેવિરેટની સંહિતા મુજબ પતિ મરણ પામે તો વિધવાને નજીકનો સગો પરણી શકતો. પત્નીને વારસામાં કોઈ હક નહોતો. જો પુત્ર હોય તો પુત્રીને મિલકતમાં ભાગ મળતો નહિ. આમ હિબ્રૂ સ્ત્રીઓની સ્થિતિ સારી નહોતી. બહુપત્નીપ્રથા પ્રચલિત હતી. વિદેશીઓ સાથે હિબ્રૂ સ્ત્રીઓ લગ્ન કરી શકતી નહિ. પેગંબર જરેમિયાએ સામાજિક સુધારણાના પ્રયાસો કરેલા; પરંતુ અન્યાયને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાયો નહોતો.
હિબ્રૂ પ્રજા પાછળથી એકેશ્વરવાદી બનતાં સ્થાપત્યકલાને ક્ષેત્રે પ્રદાન ઓછું રહ્યું. ઈ. પૂ. 612માં પેગંબરોએ જુડા દેશમાં મૂર્તિઓનો નાશ કરવાનો ઉપદેશ આપ્યો; તેથી મંદિરો કલાવિહીન અને બેહૂદાં બન્યાં.
ધાર્મિક કર્મકાંડમાં સંગીતને સ્થાન હતું. પ્રાર્થના – ગાયન અને વાદન સાથે કરાતી. આવા સાજોમાં ગિટાર, રણશિંગું, સારંગી જેવું તંતુવાદ્ય લાયર (lyre), હાર્પ જેવું તંતુવાદ્ય વગેરે મુખ્ય હતાં. ઇમ્હોતેપ આરોગ્યનો દેવ હતો. ઈશ્વરમાં હિબ્રૂ પ્રજાને દૃઢ વિશ્વાસ હોવાથી તેમનામાં સ્નાન અને ખાનપાનના ચુસ્ત નિયમો હતા. આ પ્રજાની મહત્વની લાક્ષણિકતા તેમનામાંનું વેપારીપણું હતું. તેઓ વ્યાપારિક સંઘો (ગિલ્ડ્ઝ) બનાવીને વિદેશો સાથે તેમજ અંદરોઅંદર વેપાર કરતા હતા. અરબસ્તાનમાંથી અત્તરની આયાત કરવામાં આવતી હતી.
હિબ્રૂ પ્રજાનો ધર્મ : હિબ્રૂ પ્રજા પરમ આસ્તિક હતી. પ્રારંભમાં તેઓ સોનેરી ઘેટાની પૂજા કરતા. પ્રકૃતિપૂજક હોવાથી વનસ્પતિઓના દેવ તામુઝને પણ આરાધતા. તેમનો મહાદેવ તો યુદ્ધદેવતા જિહોવાહ હતો, જે રણની મુશ્કેલીઓનો સામનો કરવા શક્તિ આપતો અને તેમના રક્ષણ માટે લડતો હતો. કેનાઇટ જાતિ સામે તે લડેલો. તેણે એસિરિયાઈ દેવતા અસુરનો નાશ કર્યો હતો.
હિબ્રૂ પ્રજાનો બીજો દેવ મોઝીઝ મનાતો. તે પોતાના અનુયાયીઓને પવિત્ર પર્વત પર લઈ ગયેલો જ્યાં વિશ્વવિખ્યાત દસ આજ્ઞાઓ અપાઈ. તે આધ્યાત્મિકતા અને નૈતિકતા પ્રબોધતો. આ ઉપરાંત હિબ્રૂઓના દેવોમાં ઝીયસ, હેરા, તાર્તારોસ, ઇરોઝ, ચેરબોઝ, નાઇક્ષ, પોનરોસ, સાઇક્લોરસ, એરિન્નીસ વગેરેનો સમાવેશ થતો હતો.
પાછળથી હિબ્રૂ પ્રજામાં એકેશ્વરવાદની ભાવના વિકસી તેથી હવે તેમનો ભગવાન મનુષ્ય શરીરવાળો ન રહ્યો. તે આધ્યાત્મિક શક્તિવાળો બન્યો. તે કેવળ હિબ્રૂઓનું જ નહિ, તેમના શત્રુઓનું પણ રક્ષણ કરતો. એવી ઉદાર માન્યતા તેઓ ધરાવતા. આવો દેવ એમોસ હતો. તે ધર્માવતાર ગણાતો. જોકે તે નિરંજન નિરાકાર હતો. આમ છતાં શુદ્ધ હૃદયથી ભજનારને દર્શન અને આદેશ આપતો એવું હિબ્રૂઓ માનતા.
એકેશ્વરવાદી હોવા છતાં તેઓ નબીઓ–પેગંબરોમાં આસ્થા ધરાવતા હતા. જેરોમિયા આવો નબી હતો. તેણે હિબ્રૂ જાતિમાં એકેશ્વરવાદને દૃઢ કર્યો. એક સમયના આ પ્રજાના યુદ્ધદેવતા જિહોવાહને તેમણે શક્તિશાળી, પરંતુ વાત્સલ્ય તેમજ સ્નેહના દેવમાં પરિવર્તિત કર્યો.
હિબ્રૂ પ્રજાએ ખ્રિસ્તી ધર્મના આવિર્ભાવની પૂર્વભૂમિકા રચી. તેમણે વિશ્વને બાઇબલનો જૂનો કરાર આપ્યો; જેમાં ધર્મની સાથે તત્વજ્ઞાન, ન્યાય, કાવ્ય અને ઇતિહાસ વણાયેલો છે. આ ગ્રંથે ગ્રીક-રોમન સંસ્કૃતિ પર ઘેરી અસર કરી. ગ્રીક તત્વજ્ઞાનનો મૂલાધાર હિબ્રૂ તત્વજ્ઞાન છે. આ પ્રજાએ ઈશ્વર સંબંધી સુવિકસિત અને તર્કગમ્ય ભાવના આપી. ખ્રિસ્તી પાદરીઓએ હિબ્રૂ પેગંબરો, ધારાશાસ્ત્રીઓ અને ગાયકોના વિચારોથી આધુનિક યુરોપીય રાષ્ટ્રોને અવગત કરાવ્યાં. માણસ માણસ વચ્ચેના ભ્રાતૃભાવની ભાવનાનો આવિષ્કાર કર્યો. હિબ્રૂઓનાં પ્રણયગીતો આજે પણ માનવમનના અંતરતમ પ્રદેશને સ્પર્શ કરવાની ક્ષમતા ધરાવે છે.
ઈશ્વરલાલ ઓઝા