હિન્દુસ્થાન સમાચાર : બહુભાષી સમાચાર સંસ્થા. પ્રારંભ ડિસેમ્બર 1948. સ્થાપક પ્રખ્યાત ચિંતક અને સામાજિક કાર્યકર્તા શ્રી શિવરામ શંકર આપટે ઉર્ફે દાદાસાહેબ આપટે. હિન્દુસ્થાન સમાચાર એ ભારતની વિવિધ ભાષાઓમાં સમાચાર સેવા પૂરી પાડતી સંસ્થા છે, જેનો લાભ ગુજરાતનાં નાનાંમોટાં 40 અખબાર–સામયિકો સહિત દેશનાં અનેક અખબાર–સામયિકો લે છે. આ સમાચાર સંસ્થાના નામ વિશે મોટા ભાગના લોકો ગેરસમજ ધરાવે છે અને તેને ‘હિન્દુસ્તાન સમાચાર’ તરીકે ઓળખે છે; પરંતુ તેનું સાચું નામ ‘હિન્દુસ્થાન સમાચાર’ છે. અખબાર–સામયિકો ઉપરાંત રેડિયો અને ટીવી જેવાં સરકારી માધ્યમો પણ હિન્દુસ્થાન સમાચારની સેવાઓ લે છે. હિન્દી ભાષાથી પ્રારંભ કરનાર આ સમાચાર સંસ્થા હાલ ગુજરાતી, મરાઠી, અસમિયા, ઊડિયા, કન્નડ, બંગલા, સિંધી વગેરે ભાષાઓમાં સમાચાર સેવા આપે છે. આ ઉપરાંત આપણા પડોશી દેશ નેપાળનાં માધ્યમો પણ હિન્દુસ્થાન સમાચારની સેવાઓનો લાભ લે છે. આ સમાચાર સંસ્થાની સ્થાપના પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)ની અગ્રણી ભૂમિકા હોવા છતાં સમાચારના વિતરણમાં સંપૂર્ણ તટસ્થ છે અને કોઈ વિચારધારાનો પ્રભાવ સમાચારોના પ્રસારણ ઉપર જોવા મળતો નથી.
આ સમાચાર સંસ્થાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકોએ હિન્દુસ્થાન સમાચાર સેવાને સહકારી સમિતિનું સ્વરૂપ આપ્યું છે. વાસ્તવમાં ભારતભરનાં નાનાં અને મધ્યમ કદનાં અખબાર-સામયિકો માટે મોંઘી અંગ્રેજી સમાચાર સંસ્થાઓની સેવા લેવાનું મુશ્કેલ હોવાથી તેમના માટે હિન્દુસ્થાન સમાચાર સેવા ભારે ઉપયોગી નીવડી છે. જોકે આવી અત્યંત ઉપયોગી અને સાચા અર્થમાં રાષ્ટ્રીય ગણાતી આ સમાચાર સંસ્થા કાનૂની તથા અન્ય કેટલાંક કારણોસર 1980ના દાયકામાં (સમાચાર વિતરણની સેવા) બંધ પડી ગઈ હતી; પરંતુ સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)ના અગ્રણી કાર્યકર શ્રી શ્રીકાંત જોશીએ તેમના અન્ય સહયોગીઓની સાથે મળીને 2002ની 24 એપ્રિલના રોજ તેને પુનર્જીવિત કરી. આ અગાઉ 14 ઑગસ્ટ 2000ના રોજ દિલ્હીમાં ‘હિન્દુસ્થાન સમાચાર’ના શૅરધારકોની બેઠક શ્રી જી. આર. માધવરાવના અધ્યક્ષપદે મળી હતી અને તેમાં આ સમાચાર સંસ્થાની સેવા પુન: શરૂ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીં એક મહત્વનો મુદ્દો નોંધવો જોઈએ કે આ સમાચાર સેવાનો પ્રારંભ આર.એસ.એસ.ના જ અગ્રણી સામાજિક કાર્યકર્તા શ્રી શિવરામ શંકર આપટેએ કર્યો હતો. તેઓ મહારાષ્ટ્રિયન હતા અને 2002માં તેને પુનર્જીવિત કરવામાં પણ એક મહારાષ્ટ્રિયન શ્રી શ્રીકાંત જોશીએ મહત્વની ભૂમિકા ભજવી છે. 2007ના ડિસેમ્બરમાં આ સંસ્થાની તેની સ્થાપનાની સુવર્ણજયંતીની ઉજવણી પણ કરી હતી. આ સુવર્ણજયંતી નિમિત્તે પ્રકાશિત એક સ્મરણિકામાં સંસ્થાના અગ્રણી શ્રી રામ જોશીએ લખ્યું હતું કે, ‘હિન્દુસ્થાન સમાચારનો સંકલ્પ એ જ છે કે પત્રકારત્વ અને પરસ્પર સામાજિક સંવાદના ક્ષેત્રમાં માતૃભાષાઓની વિભિન્નતા, માતૃભાષાઓનું પારકાપણું અને સામાન્ય લોકોની પોતાની માતૃભાષાથી દૂર થવાની વેદના અમે ધીમે ધીમે દૂર કરીને રહીશું.’
આ સમાચાર સંસ્થા સાથે કેટલાંક સીમાચિહન પણ જોડાયેલાં છે, જેમ કે – 1954ના જૂનમાં હિન્દુસ્થાન સમાચાર સંસ્થાએ સૌપ્રથમ વખત દેવનાગરી લિપિમાં સમાચારનું પ્રસારણ કરીને ક્રાંતિકારી પગલું લીધું ત્યારે દેશના ભાષાકીય અખબારોએ તેને ભારે ઉત્સાહથી વધાવી લીધું હતું. એ અરસામાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ તેમજ કેરળની રાજ્ય સરકારો પણ હિન્દુસ્થાન સમાચારની સેવાઓ લેતી હતી. 1956માં હિન્દુસ્થાન સમાચારના કર્મચારીઓએ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સહકારી સંસ્થામાં પરિવર્તિત કરવાનો નિર્ણય કર્યો અને સહકારી સોસાયટી દ્વારા સમાચાર એજન્સી ચલાવવાનો આ પ્રયોગ વિશ્વમાં પ્રથમ અને અજોડ હતો. 1975માં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી ત્યાર બાદ તેમણે સમાચાર નામની એક સરકારી ગાણા ગાતી સંસ્થા બનાવી અને તેમાં હિન્દુસ્થાન સમાચાર સેવાને બળજબરીપૂર્વક ભેળવી દેવામાં આવી હતી. જોકે 1977માં કટોકટી ઉઠાવી લેવામાં આવી ત્યાર બાદ એક વર્ષે 1978માં આ વિલીનીકરણ રદ કરવામાં આવ્યું હતું. આ સમાચાર સંસ્થાએ સમાચારનું સત્વ જાળવવાની સાથે ઇન્ટરનેટ જેવા આધુનિકતાના માધ્યમનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. હવે તો લગભગ તમામ અખબાર–સામયિક કે પછી સરકારી એજન્સીને ઇન્ટરનેટ–ઇમેલ મારફત સમાચાર પહોંચાડવામાં આવે છે.
અલકેશ પટેલ