હિચિંગ્સ જ્યૉર્જ એચ. (Hitchings George H.)
February, 2009
હિચિંગ્સ, જ્યૉર્જ એચ. (Hitchings, George H.) (જ. 1905, હોક્વિઍમ, વૉશિંગ્ટન, યુ.એસ.; અ. 1998) : સર જેમ્સ બ્લેક (યુ.કે.) તથા ગર્ટ્રુડ એલિયન (યુ.એસ.) સાથે ત્રીજા ભાગના દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન ઔષધો વડે કરાતી સારવાર અંગેના મહત્વના સિદ્ધાંતો શોધી કાઢવા માટે અપાયું હતું.
જ્યૉર્જ એચ. હિચિંગ્સ
તેમના બંને દાદાઓ જહાજ-ઘડવૈયાઓ હતા અને તેઓ ઇંગ્લૅન્ડના નાગરિકોના વંશજો હતા. તેમના પિતા જહાજવાડો ધરાવતા હતા. તેમણે શાળાશિક્ષણ કૅલિફૉર્નિયા અને વૉશિંગ્ટન રાજ્યોમાં લીધું હતું. તેમની 12 વર્ષની વયે તેમના પિતા મૃત્યુ પામ્યા. સન 1923માં તેઓ યુનિવર્સિટી ઑવ્ વૉશિંગ્ટનમાં જોડાયા. સન 1927માં રસાયણશાસ્ત્રને મુખ્ય વિષય રાખીને સ્નાતક થયા. તેમણે હાર્વર્ડ ખાતે અધ્યેતાવૃત્તિ (fellowship) મેળવી. સન 1933માં તેઓ પીએચ.ડી. થયા. સન 1942માં તેઓ ન્યૂયૉર્કમાં વેલ્કમ રિસર્ચ લૅબોરેટરીમાં જોડાયા, જ્યાં તેઓ એકમાત્ર વ્યક્તિના બનેલા જૈવરસાયણવિદ્યા વિભાગના વડા હતા. તેમણે ત્યાં વૅક્સિનિયા વિષાણુ સામે અસરકારક રસાયણો શોધ્યાં. સન 1947માં તેમણે 2, 6 ડાયએમિનો પ્યુરિન નામનું લોહીના કૅન્સરમાં સફળ રહેતું રસાયણ શોધ્યું. સન 1967માં તેઓ બરોઝ-વેલ્કમ કંપનીમાં ઉપપ્રમુખ બન્યા. સન 1976માં તેઓ પ્રમાન્ય વૈજ્ઞાનિક (Scientist Emiritus) બન્યા. તેમણે બિવર્લી રેઇમર સાથે લગ્ન કર્યાં હતાં અને અનેક જનસેવા તથા દાનધર્મમાં સતત સક્રિય રહ્યા હતા. તેઓ તથા તેમના સાથીઓએ મલેરિયા (પાયરિમિથામિન), લોહીનું કૅન્સર (6–મર્કેપ્ટોપ્યૂરિન અને થાયૉગ્વિનિન), નજલો–gout–(એલોપ્યૂરિનોલ), અવયવ–પ્રત્યારોપણ (એઝાથાયૉપ્રિમ), જીવાણુજન્યચેપ (કૉ-ટ્રાઇમેક્સેસોલ, ટ્રાયમિથોપ્રિમ), હર્પિસ વિષાણુનો ચેપ (એસાઇક્લોવિર) તથા એઇડ્ઝ (ઝીડોવુડિન) વગેરે વિવિધ રોગો અને સારવાર પ્રક્રિયાઓમાં મહત્વનાં ઔષધો (જેમનાં નામ કૌંસમાં દર્શાવ્યાં છે.) શોધ્યાં હતાં.
શિલીન નં. શુક્લ