‘હિંદ સ્વરાજ’ : ગાંધીવિચારના બીજરૂપ ગાંધીજીનું પ્રથમ પુસ્તક. ‘હિંદ સ્વરાજ’ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં ગુજરાતીમાં લખાયું હતું. સમગ્ર પુસ્તક ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન લખાયેલું. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના લંબાણથી ઉત્તરો આપ્યા છે. પ્રશ્નો ગાંધીજીએ પોતે જ પોતાની વાત કરવા માટે પૂછ્યા નથી. ‘હિંદ સ્વરાજ’ વિશે લખેલા પ્રાસ્તાવિકમાં તેમણે આ મુદ્દો સ્પષ્ટ કર્યો હતો. ‘…..હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબરૂપે તે લખાયું હતું. ‘લંડનમાં વસતા એકેએક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુ:ખોનો ઇલાજ નથી, અને તેની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષાને સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો, પણ  તેનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી.’

‘હિંદ સ્વરાજ’નાં આરંભનાં ત્રણ પ્રકરણોમાં હિંદની તત્કાલીન પરિસ્થિતિ અને રાજકીય વિવાદોની ચર્ચા કરવામાં આવી છે. એમાંથી ફલિત થતો મુદ્દો એ છે કે દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પ્રશ્નોમાં વ્યસ્ત હોવા છતાં તેઓ દેશમાં ચાલી રહેલી રાજકીય પ્રવૃત્તિઓથી પૂરેપૂરા વાકેફ રહેતા હતા. એ પછીનાં 15 પ્રકરણો ત્રણ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત થયેલાં છે : (1) સ્વરાજનો અર્થ, (2) આધુનિક સુધારા(સંસ્કૃતિ)નાં અનિષ્ટો અને ભારતીય સંસ્કૃતિનો મહિમા, અને (3) સ્વરાજ માટે સાધનશુદ્ધિના આગ્રહના ભાગરૂપે હિંસાનો માર્ગ છોડી દઈને અહિંસાનો માર્ગ લેવા માટેનો આગ્રહ.

1. સ્વરાજ : ‘હિંદ સ્વરાજ’માં પાયાનો વિચાર સ્વરાજનો છે. એને અંગ્રેજીમાં Home Rule તરીકે મૂકવામાં આવેલો છે; પરંતુ ગાંધીજીને તેમાં કેવળ રાજકીય મુક્તિ અભિપ્રેત નથી. ‘હિંદ સ્વરાજ’ વિશે જાન્યુઆરી 1921માં ‘યંગ ઇન્ડિયા’માં લખેલી એક નોંધમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘પણ હું વાચકને એક ચેતવણી આપવા ઇચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી. ….એમાં જે સ્વ-રાજનું ચિત્ર આલેખેલું છે તેવું સ્વ-રાજ મેળવવાને હું વ્યક્તિગત રીતે પ્રયત્ન કરી રહ્યો છું ખરો. પણ આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.’

સ્વરાજના બે અર્થોને ‘હિંદ સ્વરાજ’ની અંગ્રેજી આવૃત્તિમાં બે જુદા શબ્દો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે : સ્વ-રાજ, પોતાનું પોતાના પરનું રાજ, એના માટે અંગ્રેજીમાં self-rule શબ્દો પ્રયોજવામાં આવ્યા છે, જ્યારે home rule શબ્દ self-governmentના અર્થમાં વાપરવામાં આવ્યો છે. આ self-government કે ગુજરાતીમાં પ્રજાની સરકારનું સ્વરૂપ તેમના મનમાં આજે પ્રચલિત પાર્લમેન્ટરી સરકારનું નથી.

સ્વરાજનો એક ત્રીજો અર્થ પણ તેમને અભિપ્રેત છે. વિવિધ ક્ષેત્રો માટે ભારતની પ્રજા અને તેના શાસકો ભારતની સંસ્કૃતિનાં હાર્દરૂપ પાસાંને અપનાવે અને પ્રજાનું ઘડતર ઔદ્યોગિક સંસ્કૃતિ(આધુનિક સુધારા)ની નકલરૂપે ન થાય એ અર્થ પણ તેમને સ્વરાજમાં અભિપ્રેત છે. એના સંદર્ભમાં જ તેમણે આધુનિક સંસ્કૃતિની ટીકાઓ કરી છે અને ભારતની સંસ્કૃતિનો મહિમા કર્યો છે. ગાંધીજીના સ્વદેશીના ખ્યાલને આ અર્થમાં પણ સમજવાનો છે. આપણે આપણી સંસ્કૃતિનાં નરવાં પાસાંને અનુરૂપ માર્ગોએ ભારતનું નવઘડતર કરવાનું છે.

રાજકીય પરતંત્રતા અંગેનું તેમનું નિદાન આગવું હતું : ‘અંગ્રેજોને લાવ્યા આપણે અને તેઓ રહે છે આપણે લીધે. આપણે તેમનો સુધારો ગ્રહણ કર્યો છે તેથી તે રહી શકે છે, એ કેમ ભૂલો છો ? તેઓની ઉપર તમે તિરસ્કાર કરો છો તે તેઓના સુધારા ઉપર કરવો ઘટે છે.’

‘…..હિન્દુસ્તાન અંગ્રેજે લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિન્દુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા પણ આપણે તેઓને રાખ્યા છે. તે કેમ એ જોઈએ. તમને યાદ આપું છું કે આપણા દેશમાં તેઓ અસલમાં વેપાર અર્થે આવ્યા. ….તેઓ બિચારા રાજ્ય કરવાનો ઇરાદો પણ નહોતો રાખતા. કંપનીના માણસોને મદદ કોણે કરી ? ….તેઓનો માલ કોણ વેચી આપતું ? ઇતિહાસ પુરાવો આપે છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા…’

‘જેમ આપણે તેઓને આપ્યું તેમ આપણે હિન્દુસ્તાન તેઓની પાસે રહેવા દઈએ છીએ. તેઓએ હિન્દુસ્તાન તલવારથી લીધું એમ તેઓમાંના કેટલાક કહે છે, અને તલવારથી રાખે છે એમ પણ કહે છે. આ બંને વાત ગલત છે. હિન્દુસ્તાનને રાખવામાં તલવાર કંઈ જ કામ આવે એમ નથી; આપણે જ તેઓને રહેવા દઈએ છીએ.’

ગાંધીજીનો મુદ્દો એ હતો કે અંગ્રેજ શાસકો અને વેપારીઓને વિવિધ રીતે સહકાર આપીને આપણે તેમને દેશ પર શાસન કરવાની અનુકૂળતા કરી આપીએ છીએ. ભારતના નાગરિકો જો અંગ્રેજોનો માલ ન ખરીદે, વહીવટી તંત્ર અને પોલીસમાં સામેલ થઈને તેમને સહકાર ન આપે, લશ્કરમાં ભરતી ન થાય, અદાલતોમાં ન્યાયાધીશ અને વકીલ તરીકે સામેલ ન થાય, તો અંગ્રેજોનું શાસન દેશમાં ટકી શકે નહિ. આ નિદાનથી પ્રેરાઈને તેમણે અહિંસક માર્ગે સ્વરાજ માટે પ્રયાસો કર્યા અને અસહકાર તથા સવિનય કાનૂનભંગના સ્વરૂપે સત્યાગ્રહો કર્યા.

2. આધુનિક સુધારાની ટીકાઓ : આજે જેને આપણે સંસ્કૃતિ(કે સભ્યતા)ના નામે ઓળખીએ છીએ તેને ‘હિંદ સ્વરાજ’માં સુધારો કહેવામાં આવ્યો છે. ગાંધીજીને સુધારામાં સંસ્કૃતિની ઇચ્છનીય કે સારી પરંપરાઓ જ અભિપ્રેત છે. સંસ્કૃતિમાં રહેલી અનિચ્છનીય પરંપરાઓને તેમણે કુધારો કહ્યો છે : સુ-ધારો એટલે સારો ધારો અને કુ-ધારો એટલે ખરાબ ધારો. સુધારાની તેમની વ્યાખ્યા સહજ રીતે જ નીતિમૂલક છે : ‘સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા આપણી ઇંદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ ‘સુ’ એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.’ સુધારાની આ નીતિમૂલક વ્યાખ્યાને નજર સમક્ષ રાખીને જ તેમણે આધુનિક સુધારાની આકરી ટીકાઓ કરી છે. તેનાં કેટલાંક જ ઉદાહરણો નોંધીએ :

‘આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્ની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે. …અગાઉ લોકો ખુલ્લી હવામાં પોતાને ઠીક પડે તેટલું સ્વતંત્રપણે કામ કરતા. હવે હજારો મજૂરો પોતાના ગુજરાનને ખાતર એકઠા મળી મોટાં કારખાનાં કે ખાણોમાં કામ કરે છે. તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે. …જેને તમે પાર્લમેન્ટની માતા કહો છો તે પાર્લમેન્ટ તો વાંઝણી અને વેશ્યા છે. …અંગ્રેજો જેઓ ‘વોટર’ છે (ચૂંટણી કરે છે) તેઓનું ધર્મપુસ્તક (બાઇબલ) વર્તમાનપત્ર થઈ પડ્યાં છે. તેઓ તે પત્રમાંથી પોતાના વિચારો બાંધે છે. પત્રો અપ્રામાણિક છે; એક જ વાતને બે રૂપ આપે છે. ….હિન્દુસ્તાનને રેલવેએ, વકીલોએ ને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે. ….સંચાએ યુરોપને ઉજ્જડ કરવા માંડ્યું છે ને તેનો વાયરો હિન્દુસ્તાનમાં છે. સંચો (યંત્રો) એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એમ હું તો ચોખ્ખું જોઈ શકું છું.’ આધુનિક સુધારાનાં આ બધાં અનિષ્ટોનો સંદર્ભ આપીને તેમણે ભારતની માનવશ્રમ પર આધારિત વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા અને અહિંસાની વ્યાપક પરંપરા ધરાવતી ભારતની સંસ્કૃતિનો મહિમા કર્યો છે.

3. સાધનશુદ્ધિ અને અહિંસા : ‘હિંદ સ્વરાજ’ હિન્દુસ્તાનનાં તત્કાલીન હિંસાવાદી જૂથોને જવાબ આપવા માટે લખાયું હતું; પરંતુ તેમાં કેવળ દેશની રાજકીય સ્વતંત્રતાના સંદર્ભમાં જ અહિંસાની હિમાયત કરવામાં આવી નથી. તેમાં સાધનશુદ્ધિ અથવા અહિંસાને જીવનના સઘળા વ્યવહારોમાં પ્રયોજવાનો આગ્રહ સેવવામાં આવ્યો છે. મહાદેવભાઈ દેસાઈએ એ પુસ્તકના તેમના ઉપોદઘાતમાં ગાંધીજીએ 1921માં લખેલા આ શબ્દો ટાંક્યા છે : ‘તે દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે; હિંસાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે.’ ગાંધીજીના આ શબ્દોમાં અહિંસા માટેની તેમની હિમાયતના મૂળમાં રહેલી તેમની જીવનદૃષ્ટિનો સંકેત સાંપડે છે. એ કોઈ સંતની ઉપદેશવાણી નથી, સમાજ બાંધીને રહેતા માનવીઓ વચ્ચેના સંબંધોનો આધાર શું હોઈ શકે તે અંગેની સમજને વ્યક્ત કરતા એક કર્મશીલ વિચારકના એ વિચારો છે. આ એવા વિચારકના વિચારો છે, જેણે માનવવ્યવહારોની બાબતમાં ફરજ કે નીતિના સ્વરૂપમાં જે સત્ય લાગ્યું તેનું જાતે આચરણ કરી બતાવ્યું.

સાધનશુદ્ધિના સંદર્ભમાં તેમણે કરેલાં કેટલાંક વિધાનો ઉદાહરણ રૂપે નોંધીએ : ‘તમે માનો છો તેમ સાધન અને સાધ્ય – મુરાદ – વચ્ચે સંબંધ નથી તે બહુ જ મોટી ભૂલ છે. એ ભૂલથી, જે ધર્મિષ્ઠ માણસો ગણાયા છે, તેઓએ ઘોર કર્મ કર્યાં છે. એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઇચ્છા રાખવા જેવું થયું…. જેવા દેવ તેવી પૂજા, એ બહુ વિચારવા જેવું વાક્ય છે. તેનો ખોટો અર્થ કરીને લોકો ભરમાયા છે. સાધન એ બીજ છે; અને સાધ્ય-મેળવવાનું-એ ઝાડ છે. એટલે જેટલો સંબંધ બીજ અને ઝાડ વચ્ચે છે તેટલો સાધન અને સાધ્ય વચ્ચે છે.’

હિંસાની બોલબાલા છે એવી આ દુનિયામાં અહિંસાની અસરકારકતાનો વાચક ઐતિહાસિક પુરાવો માંગે છે. ગાંધીજીએ તેના લંબાણથી આપેલા ઉત્તરમાંથી એક-બે ફકરા નોંધીએ :

‘દુનિયામાં આટલા બધા માણસ હજુ છે, એ જણાવે છે કે દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી; પણ સત્ય, દયા કે આત્મબળ ઉપર છે. એટલે મોટો ઐતિહાસિક પુરાવો તો એ જ છે કે દુનિયા લડાઈનો હંગામો છતાં નભી છે. એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેનો આધાર છે.’

‘હજારો બલકે લાખો માણસો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે, કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડો પ્રજા સંપથી રહેલી છે એની નોંધ ‘હિસ્ટરી’ લેતી નથી, ‘હિસ્ટરી’ લઈ પણ ન શકે. જ્યારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ તેની નોંધ તવારીખે ચઢે છે.’

‘હિંદ સ્વરાજ’ પ્રગટ થયું ત્યારથી વિવાદાસ્પદ રહ્યું છે. એ વિવાદોની ચર્ચા કરવાનું આ સ્થાન નથી. દેશને રાજકીય આઝાદી મળી ગયા પછી આજે હવે એની પ્રસ્તુતતા કેટલી એવો પ્રશ્ન સહજ રીતે ઊભો થાય; પરંતુ ‘હિંદ સ્વરાજ’ કેવળ દેશની રાજકીય આઝાદીના સંદર્ભમાં લખાયેલું પુસ્તક નથી. ‘હિંદ સ્વરાજ’ના કર્તાની એ પ્રતીતિ છે કે સ્વરાજ માટે જીવનનાં બધાં ક્ષેત્રોમાં સ્વદેશી અનિવાર્ય છે. એ ભાવનાને વશવર્તીને જ તેમણે આધુનિક સુધારાના એક આધારસ્તંભ પશુબળના વિકલ્પે અહિંસાનો માર્ગ પકડ્યો. તેના જ વિકલ્પે તેમણે સત્તાના કેન્દ્રીકરણ સમી પશ્ચિમી રાજ્યવ્યવસ્થાના વિકલ્પે વિકેન્દ્રિત રાજ્યવ્યવસ્થાની હિમાયત કરી અને આર્થિક સત્તાના વિકેન્દ્રીકરણ માટે નાના પાયાના ઉદ્યોગો પર આધારિત વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી. અંગ્રેજી કેળવણીના વિકલ્પે તેમણે બુનિયાદી શિક્ષણનો વિચાર રજૂ કર્યો. આધુનિક સુધારામાં અભિપ્રેત માનવજીવનના એકમાત્ર ઉદ્દેશ ઉપભોગના વિકલ્પે તેમણે અહિંસામૂલક માનવસેવાનો ઉદ્દેશ રજૂ કર્યો. સેવાને અહીં સંકુચિત અર્થમાં લેવાની નથી. પ્રેમપૂર્વક થતું કર્તવ્ય કે ફરજપાલન એટલે સેવા એવા વિસ્તૃત અર્થમાં સેવાનું અર્થઘટન કરવાનું છે. તેમણે ગરીબીની હિમાયત નથી કરી; પરંતુ ભારતની સાંસ્કૃતિક પરંપરાને અનુસરીને જરૂરિયાતોની મર્યાદા બાંધવાની હિમાયત કરી છે. મુદ્દો એ છે કે તેઓ નૈતિક ભૂમિકા પર આધુનિક સુધારાની ટીકાઓ કરીને અટકી ગયા નથી, પણ જીવનભર આધુનિક સુધારાના વિકલ્પ ખોળતા રહ્યા હતા. એ ખોજમાં તેમને ભારતની સાંસ્કૃતિક પરંપરાને અનુરૂપ અહિંસક સંસ્કૃતિ સાંપડી હતી. દેશમાં અહિંસક સંસ્કૃતિ રચાય તેમાં તેમણે હિંદનું સ્વરાજ જોયું હતું. એ સ્વરાજ મળવાનું બાકી હોય ત્યાં સુધી ‘હિંદ સ્વરાજ’ અપ્રસ્તુત થાય તેમ નથી.

રમેશ શાહ