હિંદ મઝદૂર સભા (H.M.S.) : ભારતમાં મૂળ પ્રજા સમાજવાદી પક્ષના હસ્તકનું મજૂર મંડળ. તેના પર સમાજવાદી વિચારસરણી ધરાવતા નેતાઓનું વર્ચસ્ છે. ઇંગ્લૅન્ડમાં મજૂરોએ તેમનાં મંડળોએ પોતાનું વ્યાપક હિત સાધવા લેબર પાર્ટીની રચના કરી હતી. ભારતમાં આથી ઊલટું બન્યું છે. રાજકીય પક્ષોએ વગનો પાયો વિસ્તારવા મજૂર સંગઠન રચ્યાં છે. પરિણામે મજૂરસંઘોનું નેતૃત્વ મજૂરના નહિ પણ રાજકીય નેતાઓના હાથમાં રહ્યું છે. દરેક રાજકીય પક્ષ પોતાનું કેન્દ્રવર્તી મજૂર સંગઠન ધરાવે છે. સંગઠિત ઉદ્યોગોના માલિકો ને સંચાલકો ને તેમનાં મંડળો બહારના માણસોના હાથમાં મજૂર સંગઠનોનો દોર રહ્યો છે તેની ફરિયાદ કરતા રહ્યા છે.

નીચેના કોષ્ટકમાં ભારતના રાષ્ટ્રીય સ્તરનાં મજૂર મંડળો પર કયા રાજકીય પક્ષોનું વર્ચસ્ છે તેની વિગત આપવામાં આવી છે :

ક્રમ કેન્દ્રીય મજૂર સંગઠન રાજકીય પક્ષ
1. ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ કૉંગ્રેસ
2. ભારતીય મજદૂર સભા ભારતીય જનતા પાર્ટી (BJP)
3. ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ ઇન્ડિયા (CPI)
4. સેંટર ઑવ્ ઇન્ડિયન ટ્રેડ યુનિયન કૉમ્યુનિસ્ટ માર્ક્સિસ્ટ પાર્ટી (CPM)
5. યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ રેવલૂશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (RSP)
6. હિંદ મઝદૂર સભા (H.M.S.) પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (PSP)
7. હિંદ મઝદૂર કિસાન પંચાયત સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી (SSP)
8. અખિલ ભારતીય મઝદૂર સંઘ જનસંઘ (Jan Sangh)

આરંભમાં સંગઠિત ઉદ્યોગમાં કામ કરવા આવનાર મજૂર ગામડામાંથી ધકેલાઈને આવતો હતો. તે ગરીબ ને નિરક્ષર હતો. ભાષા, ધર્મ, જ્ઞાતિ ને પ્રદેશની દૃષ્ટિએ તે વિભાજિત હતો. અધિકાર ને તે માટે લડવાનું તે વિચારી પણ ન શકે, તેવી સ્થિતિમાં હતો. આ પરિસ્થિતિમાં બહારના, મધ્યમ વર્ગના, ભણેલા ને વિકસિત દેશોના વિકાસ ને વિભિન્ન વિચારધારાઓ જાણનાર ને તેનાથી પ્રભાવિત થનાર યુવાનોના અભિક્રમથી મજૂર મંડળ રચાય, તેમનું નેતૃત્વ તેમાં સ્થાપિત થાય ને સ્વીકારાય એ કુદરતી ને સમજી શકાય એવી ઘટના છે.

પરંતુ આ વિકાસક્રમનું પરિણામ એ આવ્યું છે કે જ્યારે રાજકીય પક્ષમાં ભંગાણ પડે છે ત્યારે મજૂર સંગઠનો પણ વિભાજિત થાય છે.

આવા એક વિભાજનને કારણે હિંદ મઝદૂર સભા અસ્તિત્વમાં આવે છે.

સમાજવાદી નેતાઓએ સ્વાતંત્ર્યની પૂર્વસંધ્યાએ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ છોડી ત્યારે તેમણે હિંદ મઝદૂર પંચાયતની સ્થાપના કરી હતી. તેની સાથે એમ. એન. રૉય સ્થાપિત ઇન્ડિયન ફેડરેશન ઑવ્ લેબર ભળ્યું ને એ રીતે ડિસેમ્બર 1948માં હિંદ મઝદૂર સભાનો ઉદભવ થયો. પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (P.S.P.) એની રચના સાથે ગાઢ રીતે સંકળાયેલી હતી.

તેના બંધારણમાં તેના નિમ્નલેખિત ઉદ્દેશો ગણાવવામાં આવ્યા છે :

1. ભારતીય મજૂર વર્ગનાં આર્થિક, રાજકીય, સામાજિક ને સાંસ્કૃતિક હિતોનું રક્ષણ ને સંવર્ધન કરવું.

2. સંલગ્ન મજૂર મંડળોની પ્રવૃત્તિઓને માર્ગદર્શન આપવું ને તેમનું સંકલન કરવું.

3. રોજગારીને લગતી તમામ બાબતોમાં મજૂરનાં હિતો, વિશેષાધિકારો ને હક્કો પર નજર રાખવી, તેમને રક્ષવાં ને વિસ્તારવાં.

4. કોઈ એક ઉદ્યોગ કે વ્યવસાય સાથે સંકળાયેલાં તમામ મજૂરસંઘોના સમવાયી ને રાષ્ટ્રીય કક્ષાના સંગઠનની રચનાને પ્રોત્સાહન આપવું.

5. સંગઠન રચવાની સ્વતંત્રતા, એકત્રિત થવાનો અધિકાર, વાણી-સ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય, કામ માટેના અધિકાર, સામાજિક સલામતીના હક્ક, હડતાળ પાડવાનો અધિકાર આ સર્વ કામદારોને પ્રાપ્ત થાય ને જળવાઈ રહે તે જોવું.

6. ભારતમાં લોકતાંત્રિક સમાજવાદી સમાજ રચાય તે માટે સંગઠિત થવું ને પ્રોત્સાહન પૂરું પાડવું.

7. સહકારી મંડળીઓની રચનાને તેમજ કામદાર શિક્ષણના વિસ્તારને વેગ આપવો.

8. સમાન આદર્શો ધરાવતી દેશની ને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સહકાર સાધવો.

આ તમામ ઉદ્દેશોને કાયદામાન્ય, શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે સાધવાનો હિંદ મઝદૂર સંઘ પ્રયત્નશીલ રહે છે.

મજૂર સંગઠનો કામદારનાં હિતોને આગળ ધપાવવાનું કામ કરે છે. બીજું, તે આર્થિક વિકાસના કાર્યમાં રાજ્યને સહકાર આપે છે, કેમ કે શ્રમજીવીનું દીર્ઘકાલીન હિત દેશની આવક વધે તેની સાથે સંકળાયેલું છે. ત્રીજું, આ વિકાસનો લાભ સમગ્ર સમાજને મળે તે માટે પણ તેઓ મથતાં હોય છે. અહીં હિંદ મઝદૂર સભા પ્રાથમિકતા પ્રથમ મજૂર મંડળોના પ્રણાલિકા પ્રાપ્ત કાર્યને આપે છે. તે માને છે કે આર્થિક વિકાસની આવશ્યકતાના નામે તેઓ તેમના પ્રણાલિકાગત કાર્યને અવગણશે તો શ્રમિક વર્ગના નબળા અને શોષિત સમૂહો વધુ પ્રમાણમાં ભયગ્રસ્ત ને અસરગ્રસ્ત દશા અનુભવશે. અહીં હિંદ મઝદૂર સભા, ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(AITUC)થી જુદી પડે છે, કેમ કે આ મંડળ મૂડીવાદને સમયવત્ કરી શોષણમુક્ત સમાજની રચના પર ભાર મૂકે છે. ભારતનાં અન્ય કેન્દ્રવર્તી મજૂર સંગઠનો આ બે અંતિમ છોડી વચલો માર્ગ ઉદ્દેશ તરીકે સ્વીકારે છે.

ડિસેમ્બર 1989ના અંતે સંલગ્ન કુલ મંડળો 16,014 હતાં ને તેઓ 260.73 લાખની સભ્યસંખ્યા ધરાવતાં હતાં. તેમાંથી હિંદ મઝદૂર સભા સાથે 1248 મંડળો સંલગ્ન હતાં ને સભ્યોમાં તેનો હિસ્સો 43.56 લાખનો એટલે કે 16.7 ટકા હતો.

ઉમરાવમલ પુરોહિત ભારતીય મઝદૂર સભાના વર્તમાન જનરલ સેક્રેટરી છે. તેનું કાર્યાલય દિલ્હીમાં છે. એચ. એમ. એસ. બુલેટિન તેનું મુખપત્ર છે.

બદરીપ્રસાદ ભટ્ટ