હિંદુજા, ગોપીચંદ (જ. 29 ફેબ્રુઆરી, 1940, ઈરાન; અ. 4 નવેમ્બર, 2025, લંડન, ઇંગ્લૅન્ડ) : હિંદુજા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન અને ભારતીય મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ. ઉદ્યોગજગતમાં ‘જીપી’ નામથી પ્રસિદ્ધ. હિંદુજા પરિવારની બીજી પેઢીના સભ્ય ગોપીચંદ બ્રિટનના સૌથી સમૃદ્ધ ભારતીય મૂળના ઉદ્યોગપતિઓમાં સામેલ હતા અને બ્રિટનસ્થિત હિંદુજા ઑટોમોટિવ લિમિટેડના ચૅરમૅન પણ હતા.
ઈરાનમાં પરમાનંદ દીપચંદ હિંદુજાના બીજા પુત્ર તરીકે તેમનો જન્મ થયો હતો. તેમના મોટા ભાઈનું નામ શ્રીચંદ અને બે નાના ભાઈઓનાં નામ – પ્રકાશ અને અશોક. ગોપીચંદ પરમાનંદ હિંદુજાએ બૉમ્બેમાં જયહિંદ કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ કાયદાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પણ વિદ્વાન હતા. તેમણે લંડનની વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી કાયદા અને રિચમંડ કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.
1959માં તેમણે બૉમ્બે(હાલ મુંબઈ)માં હિંદુજા પરિવારની ઑફિસમાંથી ઉદ્યોગજગતમાં કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ ભારતમાંથી ઈરાન ડુંગળી, બટાટા જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ તથા આયર્ન ઓર જેવી ધાતુઓનું વેચાણ કરવામાં સંકળાયેલા હતા. ગોપીચંદના નેતૃત્વમાં હિંદુજા ગ્રૂપે વીજળી, માળખાગત સુવિધાઓ, ધિરાણ વગેરે ક્ષેત્રમાં કામગીરીનું વિસ્તરણ કર્યું હતું. ઉપરાંત ગ્રૂપ બૅંકિંગ, આઇટી, કેબલ વગેરે જેવાં સેવાક્ષેત્રોમાં પણ કાર્યરત છે.
ઈરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ થયા પછી હિંદુજા પરિવારે ઈરાનમાંથી લંડન સ્થળાંતરણ કર્યું હતું. 1997માં ગોપીચંદ બ્રિટિશ નાગરિક બન્યા હતા. પછી તેઓ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તમામ પ્રકારના સંબંધોને ગાઢ બનાવવા મહત્ત્વપૂર્ણ સેતુ બન્યા હતા. તેમણે ભાઈ અશોક હિંદુજા સાથે મળીને દુનિયાના 100 દેશોમાં લગભગ 11 ઔદ્યોગિક ક્ષેત્રોમાં ગ્રૂપનો વેપારવાણિજ્ય ફેલાવ્યો છે. 1990ના દાયકામાં બંને ભાઈઓએ વિવિધ બૅંકોની સ્થાપના કરી, જે પૈકીની એક બૅંક ઇન્ડસઇન્ડ બૅંક ભારતમાં પણ કાર્યરત છે.
તેમની કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ નિર્ણાયક ક્ષણ હતી – 1984માં ગલ્ફ ઑઇલની ખરીદી કરવાનું, જેણે હિંદુજા ગ્રૂપને ભવિષ્યમાં ઔદ્યોગિક વિસ્તરણ કામગીરી કરવા માટે પાયો પૂરો પાડ્યો હતો. ત્રણ વર્ષ પછી 1987માં તેમણે બ્રિટિશ લેલેન્ડ પાસેથી અશોક લેલેન્ડની ખરીદી કરી હતી, જે નિર્ણય હિંદુજા ગ્રૂપ માટે વળાંક સમાન પુરવાર થયો હતો. એ સમયે તે ભારતમાં કોઈ પણ એનઆરઆઈ(બિનનિવાસી ભારતીય)નું સૌથી મોટું રોકાણ હતું અને દેશની સૌથી મોટી કૉર્પોરેટ સફળગાથાઓ પૈકીની એક હતી. તેમણે ખોટમાં ચાલતી અશોક લેલેન્ડ કંપની નફાકારક બનાવી દીધી.
જ્યારે તેમના મોટા ભાઈ શ્રીચંદે બૅંકિંગ ક્ષેત્રમાં પ્રવેશવાનો વિચાર કર્યો હતો, ત્યારે આ વિચારનો સફળતાપૂર્વક અમલ કરવાની જવાબદારી ગોપીચંદે અદા કરી હતી. ભારતમાં 1990ના દાયકાની શરૂઆતમાં ઉદારીકરણની શરૂઆત સાથે 1994માં હિંદુજા ગ્રૂપે ખાનગી ક્ષેત્રની બૅંક ઇન્ડસઇન્ડ બૅંક સ્થાપિત કરી હતી, જેનું ઉદ્ઘાટન તત્કાલીન નાણામંત્રી મનમોહન સિંહે કર્યું હતું.
ગોપીચંદની વ્યાવસાયિક સફળતાનો એકમાત્ર મંત્ર હતો, જેમાં ફક્ત બે શબ્દો છે – ‘કૉમન સેન્સ.’ તેમનું માનવું હતું કે, વેપારવાણિજ્યના કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવો તો સૌપ્રથમ મનની વાત સાંભળો, હૃદયની નહીં. મન શું વિચારે છે અને શું ભવિષ્ય જુએ છે તેને આધારે વેપારનું ભવિષ્ય નક્કી થાય છે. વર્ષ 2012માં હિંદુજા ગ્રૂપે ગોપીચંદના નેતૃત્વમાં જ પ્રવાહી ધાતુની જગતની સૌથી મોટી ઉત્પાદક કંપની અમેરિકન કંપની હ્યુટન ઇન્ટરનેશનલને 1.045 અબજ ડૉલરમાં ખરીદી હતી. ફૉર્બ્સ મૅગેઝિન અનુસાર, હિંદુજા ગ્રૂપ પાસે લંડનના ઐતિહાસિક ઓલ્ડ વૉર ઑફિસ વ્હાઇટહૉલમાં 120 રૂમ ધરાવતી આલીશાન રફાલ્સ હોટેલ છે.
તેમણે દુનિયાભરની અને ખાસ કરીને ભારતીય મહિલાઓના ઉત્થાનમાં મોટું પ્રદાન કર્યું હતું. હિંદુજા ફાઉન્ડેશન અંતર્ગત કૃષિક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારી. કૃષિકાર્યમાં સંકળાયેલી મહિલાઓને સોલર વૉટર પમ્પ આપીને તેમનો નફો વધાર્યો.
મે, 2023માં મોટા ભાઈ શ્રીચંદ હિંદુજાનું અવસાન થયા પછી તેઓ હિંદુજા ગ્રૂપના ચૅરમૅન બન્યા હતા અને પરિવારના વારસાને આગળ વધાર્યો હતો. 85 વર્ષની વયે લાંબી બીમારીને કારણે લંડનની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ગોપીચંદની પત્નીનું નામ સુનિતા છે, બે પુત્રો સંજય અને ધીરજ છે તથા પુત્રી રીટા છે.
કેયૂર કોટક
