હાલોલ : પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 73° 29´ પૂ. રે.ની આજુબાજુનો 517 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હાલોલ નગર પાવાગઢથી વાયવ્યમાં 6 કિમી.ના અંતરે તથા કાલોલથી 11 કિમી.ના અંતરે આવેલું છે.

અહીંનું ભૂપૃષ્ઠ સપાટ છે; જમીનો કાંપવાળી, રેતાળ-ગોરાડુ અને ફળદ્રૂપ છે. તાલુકાની 11,265 હેક્ટર ભૂમિ પર જંગલો આવેલાં છે. જંગલોમાં મહુડો, આમળાં, અરીઠાં, ટીમરુ તથા સ્થાનિક વૃક્ષો જોવા મળે છે. આ તાલુકાની આબોહવા ગરમ-સૂકી છે. ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો રહે છે. અહીં વરસાદ પૂરતા પ્રમાણમાં થાય છે. ઉનાળા તથા શિયાળાનાં તાપમાન અનુક્રમે 43° સે. અને 7° સે. જેટલાં રહે છે. વરસાદ 400 મિમી. જેટલો પડે છે. પંચમહાલ જિલ્લાના આ તાલુકાને અછતમુક્ત જાહેર કરેલો છે. હાલોલ–કાલોલની સીમા પર કારોડ નદી વહે છે; આ ઉપરાંત, વિશ્વામિત્રી, દેવ તથા ઢાઢર નદીઓ પણ અહીંથી પસાર થાય છે. હાલોલ ચાંપાનેર–પાની માઇન્સ નૅરોગેજ રેલમાર્ગનું મથક છે. અહીંથી રાજ્ય ધોરી માર્ગ નં. 5, 50 અને 87 પસાર થાય છે. હાલોલ નગર વડોદરા, બોડેલી અને ગોધરા સાથે રાજ્ય-પરિવહનની બસોથી સંકળાયેલું છે.

હાલોલ એક સમયે ચાંપાનેર શહેરનું પરું ગણાતું હતું. 1484ના અરસામાં અહીં રમણીય બગીચો આવેલો હતો. પ્રાચીન સ્મારકો પૈકી બહાદુરશાહે (1526–1536) અહીં મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત, અહીં તળાવ, એક મિનાર-મસ્જિદ અને પંચમહુડાની મસ્જિદ આવેલાં છે. અહીં બિયારણ-સંશોધનકેન્દ્ર પણ કાર્યરત છે. નગરમાં તાલુકાની વિવિધ શાખાઓની વહીવટી કચેરીઓ તેમજ સિવિલ કોર્ટ આવેલી છે. અહીં જૂના સમયનાં સ્મારકો ખંડિયેર હાલતમાં જોવા મળે છે. નગરની સીમાએ મહમ્મદ બેગડાના પુત્ર સિકંદર શાહની દરગાહ છે. નગરમાં શાળાઓ અને પુસ્તકાલય આવેલાં છે. ચિકિત્સાલયો, પ્રસૂતિગૃહ અને કુટુંબનિયોજન કેન્દ્રની સુવિધા છે. હાલોલની આજુબાજુ ટ્રેપ (બેસાલ્ટ) ખડકો મળતા હોવાથી કપચીની ખાણો આવેલી છે. તેમાંથી ઘણા આદિવાસીઓ રોજીરોટી મેળવે છે. હાલોલમાં રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બૅંકોની સુવિધા છે. કપચીની ખાણોના માલિકોને બૅંકો તરફથી નાણાકીય સહાય મળી રહે છે.

હાલોલમાં સાક્ષરતાનું પ્રમાણ 51 % જેટલું છે. તાલુકામાં 121 ગામો તથા હાલોલ અને શિવરાજપુર શહેરો આવેલાં છે. 2001 મુજબ હાલોલ તાલુકાની વસ્તી 1,95,275; ગ્રામીણ વસ્તી 1,50,809 અને શહેરી વસ્તી 44,466 જેટલી છે.

નીતિન કોઠારી