હાર્ડી, ટૉમસ (જ. 2 જૂન 1840, અપર બોખેમ્પ્ટન, ડોર્સેટ, ઇંગ્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1928, ડોર્ચેસ્ટર, ડોર્સેટ) : અંગ્રેજ કવિ અને રાષ્ટ્રના મુખ્ય પ્રાદેશિક નવલકથાકારો પૈકીના નૈર્ઋત્ય વાળા ઇંગ્લૅન્ડના વેસેક્સ નામના એક કાલ્પનિક પ્રદેશની પૃષ્ઠ ભૂમિકામાં લખાયેલી નવલકથાઓના રચયિતા. ‘ધ રીટર્ન ઑવ્ ધ નેટિવ’ (1878), ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’ (1886), ‘ટેસ ઑવ્ ધ ડુબરવિલે’ (1891) અને ‘જ્યુડ ધી ઑબ્સ્ક્યૉર’ (1895) એમની મુખ્ય નવલકથાઓ છે. પિતા મકાન બાંધનાર કુશળ કૉન્ટ્રેક્ટર. માતા જેમિમા હતાં. એમનું મૂળ નામ હેન હતું. બંને ડોર્સેટના સુપ્રસિદ્ધ કુટુંબનાં સંતાન હતાં. લેખક ચાર સંતાનોમાં જ્યેષ્ઠ હતા. આઠમા વર્ષે બોખેમ્પ્ટન ગામની શાળામાં શિક્ષણ. એક વર્ષ બાદ ડોર્ચેસ્ટરની શાળામાં અભ્યાસ કર્યો. તે ગામની નવી શાળામાં દાખલ થયેલા. મુખ્ય શિક્ષકે લૅટિન ભાષાના લેખકો વિશે હાર્ડીને અભ્યાસ કરાવરાવ્યો. 1856માં, સોળ વર્ષની વયે સ્થાપત્યનો અભ્યાસ શરૂ કર્યો. પાદરી બનવા માટે ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ પણ કર્યો.

ટૉમસ હાર્ડી

1862માં હાર્ડી સર આર્થર બ્લોમફિલ્ડ નામના પ્રખ્યાત સ્થપતિના હાથ નીચે કામ કરવા આવ્યા. જૂનાં દેવળોને નવો ઘાટ આપવાનું કામ કર્યું; પરંતુ પાંચેક વર્ષમાં તબિયતને કારણે ડોર્સેટ પાછા ફર્યા. લંડનમાં હતા ત્યારે તેમણે કવિતા પર હાથ અજમાવ્યો.

‘ધ પૂઅર મૅન ઍન્ડ ધ લેડી’ (1867–68) સૌપ્રથમ લખેલી નવલકથા છે. ‘ડેસ્પરેટ રેમિડિઝ’ (1871) તેમની પ્રથમ પ્રસિદ્ધ થયેલ નવલકથા છે.

તેમનાં પહેલાં પત્ની એમા લેવિનિયા ગિફૉર્ડને હાર્ડી કૉર્નવાલમાં મળેલા. ‘વેસ્ટિજિઝ ઑવ્ ઍન ઓલ્ડ ફ્લેમ’માં તે વિશેનાં કાવ્યો છે. ‘અન્ડર ધ ગ્રીનવૂડ ટ્રી’ (1872) તેમની નવલકથા છે. ‘અ પેર ઑવ્ બ્લૂ આઇઝ’ 1872થી 73માં હપતાવાર ટિન્સ્લેઝ મૅગેઝિનમાં પ્રસિદ્ધ થયેલી. ‘ફાર ફ્રૉમ ધ મેડિંગ ક્રાઉડ’ 1874માં કૉર્નહિલ મૅગેઝિનમાં લેખકના નામનિર્દેશ વગર હપતાવાર પ્રસિદ્ધ થયેલી. નવલકથાના વાચકોને તે ગમેલી.

1878થી 1895 દરમિયાન હાર્ડીએ યશસ્વી નવલકથાઓ લખી. ‘ધ રિટર્ન ઑવ્ ધ નેટિવ’, ‘ધ ટ્રમ્પેટ-મેજર’, ‘ધ મેયર ઑવ્ કેસ્ટરબ્રિજ’, ‘ધ વૂડલેન્ડર્સ’, ‘ટેસ ઑવ્ ધ ડુબરવિલે’ અને ‘જ્યુડ ધી ઑબ્સ્ક્યૉર’માં માનવજીવનની કરુણ કથનીઓ છે. ‘જ્યુડ ધી ઑબ્સ્ક્યૉર’ નવલકથા પર વેકફિલ્ડના બિશપનો કોપ ઊતરેલો, જેથી તેમણે નવલકથાની એ ચોપડીને આગમાં ભસ્મીભૂત કરી નાંખી હતી. આ પછી હાર્ડીએ નવલકથા લખવાનું પડતું મૂકેલું. ‘વેસેક્સ પોએમ્સ’ 1898માં પ્રસિદ્ધ થઈ. ‘પોએમ્સ ઑવ્ ધ પાસ્ટ ઍન્ડ ધ પ્રેઝન્ટ’ કાવ્યસંગ્રહ 1901માં પ્રગટ થયો.

‘ધ ડાયનેસ્ટ્સ : અ ડ્રામા ઑવ્ ધ નેપોલિયોનિક વૉર્સ’ (1903થી 1908 અને 1910) મોટે ભાગે બ્લૅન્ક વર્સમાં લખાયેલું મહાનાટક છે. સત અને અસત ઉભય જેને ઓળખી શકે તેમ નથી તેવું પ્રારબ્ધનું તત્વ તેમાં દર્શાવાયું છે. ‘ધ કૉન્વર્જન્સ ઑવ્ ધ ટ્વેન’ ટાઇટેનિક જહાજની માનવ-કરુણાંતિકાનું કાવ્ય છે.

1910માં હાર્ડીને ‘ઑર્ડર ઑવ્ ધ મેરિટ’ના ઇલકાબથી નવાજવામાં આવેલા. 27 નવેમ્બર, 1912ના રોજ હાર્ડીનાં પત્નીનું અવસાન થયું. ‘ધ વૉઇસ’ અને ‘આફ્ટર અ જર્ની’ જેવાં કાવ્યોને સમાવતા ‘વેટેરિસ વેસ્ટિજિએ ફ્લેમે’ની પંક્તિઓમાં આ અનુભવનો નિષ્કર્ષ જોવા મળે છે.

1914માં હાર્ડી તેમનાં સેક્રેટરી ફ્લૉરેન્સ એમિલી ડગ્ડેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. હાર્ડીના મૃત્યુ બાદ ફ્લૉરેન્સે તેમની જીવનકથા (1962) લખી. વેસ્ટમિન્સ્ટર એબીમાં તેમની સ્મૃતિને જાળવવામાં આવી છે. તેમનું હૃદય લેખકની ઇચ્છા મુજબ તેમની જન્મભૂમિ નજીક સ્ટેન્ફૉર્ડના દેવળમાં દફનાવવામાં આવ્યું હતું.

ચલચિત્રો અને ટેલિવિઝન દ્વારા તેમનાં સર્જનોને સાચવવામાં આવ્યાં છે. રાણી વિક્ટોરિયાના જમાનાના સૌથી વિશેષ વંચાતા નવલકથાકારોમાં હાર્ડીનું નામ આગલી હરોળમાં છે.

વિ. પ્ર. ત્રિવેદી