હાર્ડી ગોડફ્રે હેરાલ્ડ

February, 2009

હાર્ડી, ગોડફ્રે હેરાલ્ડ (જ. 1877; અ. 1947) : સરેના ક્રેમલેમાં જન્મ. જાણીતા અંગ્રેજ ગણિતશાસ્ત્રી, જેમણે 1910થી 1945ના ગાળામાં જે. ઈ. લિટલવુડ સાથે સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો, અસમતા અને રીમાનના હાઇપૉથિસિસ ઉપર સો જેટલાં સંશોધનપત્રો પ્રગટ કર્યાં હતાં. સુરેખા   પર રીમાન ઝીટા વિધેયનાં અનંત ગણા (infinitely many) શૂન્યો હોય છે.

ગોડફ્રે હેરાલ્ડ હાર્ડી

તેમણે પ્રખ્યાત ભારતીય ગણિતી રામાનુજનને સંશોધનકાર્ય માટે ઇંગ્લૅન્ડ આવવા પ્રોત્સાહિત કર્યા હતા. 1914થી 1919ના ગાળામાં હાર્ડીએ રામાનુજન્ સાથે ઘણા વિષયો ઉપર કાર્ય કર્યું હતું, જેમાં પૂર્ણાંકોના વિભાગીકરણ (partition of integers) અંગેનું કાર્ય ખાસ મૌલિક હતું.

તેમના પિતા ક્રેમલેની શાળામાં શીખવતા હતા અને તેઓ પણ તે શાળામાં ભણ્યા હતા. પાછળથી ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો હતો. તે 1919 સુધી ટ્રિનિટી કૉલેજમાં રહ્યા હતા. 1919થી 1928ના ગાળામાં ઑક્સફર્ડમાં ભૂમિતિના પ્રાધ્યાપક તરીકે સેવા આપી અને ત્યાર બાદ 1942માં નિવૃત્ત થયા ત્યાં સુધી કેમ્બ્રિજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. તેમણે લખેલું શુદ્ધ ગણિતના પ્રાથમિક અભ્યાસક્રમ (A first course of pure mathematics) નામનું ગાણિતિક વિશ્લેષણનું પુસ્તક ચાળીસ વર્ષથી વધુ સમય સુધી વિશ્વવિદ્યાલયમાં પ્રમાણભૂત પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ પામ્યું. તેમણે ગાણિતિક વિશ્લેષણ અને સંખ્યાશાસ્ત્રના સિદ્ધાંતો પર જોઈ લિટલવૂડ અને શ્રીનિવાસ રામાનુજનના સહકારથી ઘણાં શોધપત્રો લખ્યાં, જે સાત ગ્રંથોના સ્વરૂપમાં બહાર પાડવામાં આવેલાં છે. તેમણે ‘‘A mathematician’s apology’’ (‘ગણિતશાસ્ત્રીની ક્ષમાપના’) નામનું પુસ્તક પણ લખેલું છે.

શિવપ્રસાદ મ. જાની