હારિત : આયુર્વેદાચાર્ય. પરંપરાપ્રાપ્ત માન્યતા અનુસાર આયુર્વેદનું જ્ઞાન સ્વર્ગાધિપતિ ઇન્દ્ર પાસેથી મહર્ષિ ભારદ્વાજે, તેમની પાસેથી મહર્ષિ પુનર્વસુ આત્રેયે અને તેમની પાસેથી પરાશરે જ્ઞાન મેળવ્યું હતું. મહર્ષિ પરાશરે અગ્નિવેશ, ભેલ, જાતૂકર્ણ, પારાશર, હારિત અને ક્ષારપાર્ણિ – એ છ શિષ્યોને તેનું જ્ઞાન આપ્યું. આ છ શિષ્યોએ પોતપોતાના નામે સ્વતંત્ર સંહિતાગ્રંથો લખેલા; પરંતુ અગ્નિવેશ તંત્રને બાદ કરતાં બીજા કોઈના મૂળ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી.
જોકે હાલમાં ‘હારિતસંહિતા’ નામે ગુજરાતી ભાષાંતરવાળો ગ્રંથ મળે છે ખરો. આ ગ્રંથ સર્વપ્રથમ ઈ. સ. 1887માં કોલકાતામાં છપાયો હતો. તે પછી સને 1892માં જયરામ રઘુનાથે મુંબઈમાં ગુજરાતી ભાષાંતરવાળી ‘હારિતસંહિતા’ છપાવી હતી. આ જ ‘હારિતસંહિતા’ હાલ ઉપલબ્ધ છે.
પરંતુ આયુર્વેદના ઇતિહાસના પંડિતો વર્તમાન પ્રાપ્ત ‘હારિત-સંહિતા’ને પ્રાચીન મૂળ ગ્રંથ તરીકે સ્વીકારતા નથી; કારણ કે તેઓ આ ગ્રંથની ભાષા તથા રચના વગેરે તદ્દન અનાર્ષ એટલે કે પાછળથી રચાયેલા સંગ્રહ-ગ્રંથોને મળતી કે આધુનિક ગણે છે. વળી આયુર્વેદના પ્રાચીન ગ્રંથોના ચક્રપાણિ અને વિજયરક્ષિત જેવા પ્રસિદ્ધ ટીકાકારોએ અન્ય ગ્રંથોમાંથી હારિતના નામથી ઉતારેલાં વચનો, વર્તમાન ‘હારિતસંહિતા’માં જોવા મળતાં નથી. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ ‘હારિતસંહિતા’ને આયુર્વેદના પંડિતોએ અનાર્ષ (આધુનિક) ઠરાવી છે.
પુનર્વસુ આત્રેયનો સમયકાળ ઈ. પૂ. 1400નો ગણાતો હોઈ, તેમના શિષ્ય હારિતનો અને તેની સંહિતાનો સમયકાળ તે પછીનાં થોડાંક વર્ષોનો હશે, તેમ સહજ જ માની શકાય; પરંતુ ભારતમાં શકો અને હૂણોના ઉપરાઉપરી અનેક હુમલાઓ દરમિયાન ભારતના અનેક પ્રાચીન ગ્રંથો તેમના દ્વારા નાશ પામેલા. તેમાં મૂળ ‘હારિતસંહિતા’ પણ નાશ પામી હોવાની શક્યતા રહેલી છે. આ સિવાય આચાર્ય હારિત કે તેની સંહિતા વિશે બીજો કશો સંદર્ભ આયુર્વેદના ઇતિહાસગ્રંથોમાં ઉપલબ્ધ થઈ શકતો નથી.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા