હાબરલાં જી.
February, 2009
હાબરલાં, જી. (જ. 28 નવેમ્બર 1854; અ. 30 જાન્યુઆરી 1945) : ઑસ્ટ્રિયન વનસ્પતિવિજ્ઞાની. તેમણે સૌપ્રથમ વાર દર્શાવ્યું કે અલગ કરેલી પેશીઓના સંવર્ધનની શક્યતાઓ છે (બોનર, 1936). તેમણે પેશીસંવર્ધન દ્વારા વ્યક્તિગત કોષોની ક્ષમતાઓનો નિર્દેશ કર્યો અને જણાવ્યું કે આ પદ્ધતિથી પેશીઓની પારસ્પરિક અસરો નક્કી થઈ શકે છે. હાબરલાંની પેશી અને કોષસંવર્ધનની મૂળભૂત પદ્ધતિઓ જીવવિજ્ઞાન અને આયુર્વિજ્ઞાનમાં મહત્વનાં અન્વેષણો તરફ દોરી ગઈ છે. આ વિચાર 1902માં રજૂ થયો; જેને પૂર્ણક્ષમતા (totipotentiality) તરીકે ઓળખાવાય છે. એટલે કે સૈદ્ધાંતિક રીતે બધા જ વનસ્પતિકોષો સંપૂર્ણ વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે શક્તિમાન છે (Kulturversuche mit isolierten pflanzenzellen).
બળદેવભાઈ પટેલ