હાફિઝ અલીખાન
February, 2009
હાફિઝ અલીખાન (જ. 1888, ગ્વાલિયર; અ. 1962) : સરોદના અગ્રણી વાદક. પિતાનું નામ નન્હેખાન. તેમના દાદાના પિતા ઉસ્તાદ ગુલામ બંદેગી તેમના જમાનાના કુશળ રબાબ-વાદક હતા. તેમના પુત્ર ગુલામઅલી પણ રબાબના નિષ્ણાત વાદક હતા. રબાબ વગાડવાની તાલીમ તેમણે તેમના પિતા પાસેથી લીધેલી. ઉસ્તાદ ગુલામઅલીએ રબાબમાં કેટલાક ફેરફારો કરી તેને જે રૂપ આપ્યું તે ‘સરોદ’ નામથી પ્રચલિત થયું. ઉસ્તાદ હાફિઝ અલીખાન સરોદવાદનના સમ્રાટ ગણાતા. આ રીતે જોઈએ તો હાફિઝ અલીખાનને સંગીતનું જ્ઞાન તેમના પૂર્વજો પાસેથી મળ્યું હતું અને સરોદવાદનની કળા પિતા નન્હેખાન પાસેથી વારસામાં મળી હતી. હાફિઝ અલીખાન માત્ર નવ વર્ષના હતા ત્યારથી તેમણે પિતા પાસેથી સરોદવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સરોદવાદનમાં તેમણે જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું તેને કારણે તેમને ‘આફતાબ-એ-સરોદ’(સરોદના ઝળહળતા સૂર્ય)ની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
હાફિઝ અલીખાન
સરોદવાદન ઉપરાંત ઉસ્તાદ હાફિઝ અલીખાન સારા ગાયક પણ હતા. તેમણે ધ્રુપદ ગાયકીની ખાસ તાલીમ વૃંદાવનનિવાસી પંડિત ગણેશીલાલ ચૌબે પાસેથી લીધેલી. તે ઉપરાંત હોરી ગાયનની તાલીમ તેમણે રામપુરના ઉસ્તાદ વઝીરખાન પાસેથી લીધેલી. હાફિઝ અલીખાન સૂરસિંગાર વાદ્ય પણ કુશળતાથી વગાડી શકતા હતા.
સંગીતક્ષેત્રની તેમની ઉચ્ચ પ્રકારની નામનાને કારણે ગ્વાલિયરના નરેશે હાફિઝ અલીખાનને ગ્વાલિયર દરબારમાં રાજગાયકનો ઉચ્ચ હોદ્દો આપ્યો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે