હાફકીન ઇન્સ્ટિટ્યૂટ (Haffkine Institute)
February, 2009
હાફકીન ઇન્સ્ટિટ્યૂટ (Haffkine Institute) : મુંબઈમાં પરેલ ખાતે આવેલી સંશોધનસંસ્થા. તેની સ્થાપના પ્લેગ સામેની રસીના શોધક વાલ્ડેમર હાફકીને 1899માં જૈવવૈજ્ઞાનિક સંશોધનો માટે કરી હતી. સંસ્થા પ્લેગ રિસર્ચ લૅબોરેટરી તરીકે જાણીતી હતી અને તે પ્લેગ સામેની રસી બનાવવાના સંશોધનમાં પ્રવૃત્ત બની. 1904માં આ સંસ્થાનું નામ બદલીને બૉમ્બે બૅક્ટિરિયૉલૉજિકલ લૅબોરેટરીઝ રાખવામાં આવ્યું. 1925માં તેનું નામાભિધાન હાફકીન ઇન્સ્ટિટ્યૂટ તરીકે થયું. હાલતમાં તે હાફકીન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રેનિંગ, રિસર્ચ ઍન્ડ ટેસ્ટિંગ (HITRT) તરીકે ઓળખાય છે. સંસ્થાનો ઉદ્દેશ સંચારક્ષમ (communicable) રોગો તથા તેમની સામેના ઉપચાર અંગેનાં સંશોધનો દ્વારા પ્રજાને પૂરતું રક્ષણ આપવાનો છે.
વાલ્ડેમર હાફકીન
સંસ્થાએ પ્લેગ સામેની રસી બનાવવાની ટૅક્નૉલૉજી વિકસાવવા ઉપરાંત સર્પદંશ ઉપર કામ આપતું Anti-snake venom antisera વિકસાવ્યું છે. આ ઉપરાંત કૉલેરા માટેની રસી, મલેરિયા-નિયમન પ્રોગ્રામ હેઠળ ફાલ્સિપેરમ તથા વીવેક્સ મચ્છરોનાં કલ્ચરો વિકસાવ્યાં છે. વળી ક્ષય, કૃમિ અને અસ્થમા (દમ) નિરોધક ઔષધો શોધી કાઢ્યાં છે. તદુપરાંત હિપેટાઇટીસ-B વિષાણુ તથા આંકડીકૃમિ ઉપર પણ સંશોધનો કરેલાં છે.
હાલમાં સંસ્થામાં જીવાણુવિજ્ઞાન (bacteriology), જૈવરસાયણ (biochemistry), રસાયણચિકિત્સા (chemotherapy), ક્લિનિકલ પૅથૉલૉજી (clinical pathology), પ્રતિરક્ષાકીય રુધિરવિજ્ઞાન (immunohaematology), ઔષધગુણવિજ્ઞાન (pharma-cology), પાદપરસાયણ (phytochemistry), વિકિરણજૈવિકી (radiobiology), માનવ-ઔષધગુણવિજ્ઞાન (humanpharma-cology) તથા આવિષાળુતાવિજ્ઞાન (toxicology), વિષાણુવિજ્ઞાન (virology), હડકવા અંગેના સંશોધનનો એકમ વગેરે વિભાગોમાં સંશોધન દ્વારા એમ.એસસી., એમ.ફાર્મ., પીએચ.ડી., એમ.ડી. વગેરે પદવીઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે.
આ ઉપરાંત સંસ્થા જૈવરાસાયણિક, રાસાયણિક સૂક્ષ્મજીવ-વિજ્ઞાનીય (microbiological), વિકૃતિજન્ય રોગનું પરીક્ષણ (pathological test) પણ કરી આપે છે. આ માટે સંસ્થા પાસે અદ્યતન સાધનો સાથેની પ્રયોગશાળા તથા સમૃદ્ધ પુસ્તકાલય પણ છે. સંસ્થા દર વર્ષે વાર્ષિક રિપૉર્ટ બહાર પાડે છે.
જ. પો. ત્રિવેદી