હાન્શ થિયૉડૉર વુલ્ફગૅન્ગ
February, 2009
હાન્શ, થિયૉડૉર વુલ્ફગૅન્ગ (જ. 30 ઑક્ટોબર 1941, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2005ના નોબેલ પુરસ્કાર-વિજેતા. લેસર-આધારિત પરિશુદ્ધ વર્ણપટવિજ્ઞાન(spectroscopy)ના વિકાસ માટે આપેલા ફાળાના સંદર્ભમાં આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમના આ કાર્યમાં પ્રકાશીય આવૃત્તિ કંકત પદ્ધતિ(optical frequency comb technique)નો સમાવેશ થાય છે.
તેમને નોબેલ પુરસ્કાર 2005માં મળ્યો, પણ તેમના વિદ્યાર્થી કાર્લ ઈ. વીમાનને નોબેલ પુરસ્કાર 2001માં મળેલો, જે આશ્ચર્યજનક સુખદ ઘટના ગણાય.
હાઇડલબર્ગમાંથી ડૉક્ટરેટ મેળવ્યા બાદ હાન્શે સ્ટૅન્ફૉર્ડ યુનિવર્સિટી(કૅલિફૉર્નિયા)માં 1975થી 1986 સુધી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1986માં તેઓ ‘Max-Plank Institute-Fur Quantenoptik’-નું અધ્યક્ષપદ સંભાળવા જર્મની પાછા આવ્યા. અહીં તેઓ પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક અને એ સંસ્થાના નિયામક ઉપરાંત મ્યૂનિકની લુડ્વિગ-મૅક્સમિલિયન્સ યુનિવર્સિટી-(બેવેરિયા, જર્મની)માં લેસર સ્પેક્ટ્રૉસ્કોપીના પ્રાધ્યાપક પણ છે.
થિયૉડૉર વુલ્ફગૅન્ગ હાન્શ
1970માં તેમણે એક નવા પ્રકારનું લેસર-કિરણ તૈયાર કર્યું જે અતિ ઉચ્ચ વર્ણપટીય વિભેદન સાથે પ્રકાશનું સ્પંદ પેદા કરવા સક્ષમ છે. (અહીં લેસરમાંથી ઉત્સર્જિત થતા બધા જ ફોટૉનની ઊર્જા લગભગ સમાન છે.) આ પ્રયુક્તિનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુની બામર (Balmer) રેખાની સંક્રમણ (trnasition) આવૃત્તિનું અગાઉ કરતાં વધુ ચોકસાઈથી સફળતાપૂર્વક માપન કરવામાં આવ્યું. (10 લાખમાં એકની ચોકસાઈ સાથે.) તેમણે અને તેમના સાથી-કાર્યકરોએ પ્રકાશીય આવૃત્તિ (optical frequency) ‘કૉમ્બ જનરેટર’ની પ્રયુક્તિ વિકસાવી જેને આધારે 1000 અબજે એકની ચોકસાઈ સાથે હાઇડ્રોજન પરમાણુની લીમનરેખાનું માપન સફળતાપૂર્વક કર્યું. આવૃત્તિ કૉમ્બ (frequency comb) એ માપપટ્ટી(ruler)ના જેવું હોય છે. તે જગતભરની પ્રયોગશાળાઓમાં પ્રકાશીય આવૃત્તિના માપન માટે વપરાય છે.
1989માં તેમને ગોટ વિલ્હેલ્મ લિબનીઝ પ્રાઇઝ મળ્યું. તે સાથે સાથે ઑટો હાન ઍવૉર્ડ પણ મળ્યો. 1998માં પ્રો. હાન્સને ફિલિપ મોરીસ રિસર્ચ પ્રાઇઝ આપવામાં આવ્યું.
પ્રહલાદ છ. પટેલ