હાન્ડેલ, જૉર્જ ફ્રેડરિક (જ. 1685, હૅલી, જર્મની; અ. 1759) : ઇંગ્લૅન્ડનો જાણીતો સ્વરકાર. બારોક સંગીતનો તે શહેનશાહ ગણાય છે. જર્મન મૂળના આ સંગીતકારનું મૂળ નામ જૉર્જ ફ્રેડરિક હાન્ડેલ. તેના પિતાએ તેના બાળપણમાં તેનામાં રહેલી જન્મજાત રુચિ અને કૌશલ્યની પરખ કરી હાન્ડેલને ત્રણ વર્ષની સઘન તાલીમ માટે હૅલે ખાતેના જાણીતા સંગીતકાર અને ઑર્ગનવાદક ફ્રેડરિક ઝકાઉ પાસે મોકલ્યો. હૅલે યુનિવર્સિટીમાંથી 1703માં કાયદાશાસ્ત્રની પદવી મેળવ્યા પછી હાન્ડેલ હૅમ્બર્ગ ખાતેના વાદ્યવૃંદમાં જોડાયા. ત્યાર પછીનાં ચાર વર્ષ સુધી તેઓ ઇટાલીમાં રહ્યા જ્યાં તેમના ઑપેરાના પ્રયોગો ખૂબ લોકપ્રિય થયા. આ ઑપેરાઓમાં ‘રોડ્રિગો’ અને ‘ઍગ્રિપિના’ વિશેષ નોંધપાત્ર નીવડ્યા. ઇટાલીમાંના નિવાસ દરમિયાન તેમની મુલાકાત ઍલેસાન્ડ્રો સ્કાર્લેટી અને તેમના જેવા બીજા વિખ્યાત ઇટાલિયન સંગીતકારો સાથે થઈ, જેમની પાસેથી હાન્ડેલ ઇટાલિયન શૈલીનું પ્રશિષ્ટ સંગીત શીખ્યા. 1711માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા, જ્યાં તેમની સ્વરરચના ‘રિનાલ્ડો’ શ્રોતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી. તે ખૂબ લોકપ્રિય થઈ. 1712માં તેમણે ઇંગ્લૅન્ડમાં કાયમી વસવાટ કરવાનો નિર્ણય લીધો. ઇંગ્લૅન્ડના રાજા જૉર્જ પહેલાએ તેમને 1714માં આશ્રય આપ્યો. હાન્ડેલે રાજાને બહુમાન કરવા માટે 1717માં ‘વૉટર મ્યુઝિક’ શીર્ષક હેઠળ એક ખાસ સ્વરરચના કરી. હાન્ડેલની રાહબરી હેઠળ 1719માં લંડનમાં ‘રૉયલ અકાદમી ઑવ્ મ્યુઝિક’ની સ્થાપના કરવામાં આવી; પરંતુ 1728માં તેનું વિસર્જન કરવામાં આવ્યું. તેમ છતાં 1741 સુધી હાન્ડેલે ઇંગ્લૅન્ડમાં ઇટાલિયન શૈલીના ઑપેરા પ્રસ્તુત કરવાનું ચાલુ રાખ્યું. 1741માં તેણે પ્રસ્તુત કરેલ ‘ડાલ્ડામિયા’ ઑપેરા નિષ્ફળ નીવડ્યું હતું.

જૉર્જ ફ્રેડરિક હાન્ડેલ

હાન્ડેલે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન 46 જેટલા ઑપેરાઓ પ્રસ્તુત કર્યા હતા, જેમાં તેના કેટલાક સફળ થયેલા ઑપેરાઓનો સમાવેશ થાય છે; દા. ત., ‘જુલિયસ સીઝર’ (1724), ‘અટલાન્ટા’ (1736), ‘બેરેનિસ’ (1737) અને ‘સર્સે’(1738). તેમની ‘માસિયા’ નામની રચના તેમની અન્ય 32 વક્તૃત્વપૂર્ણ રચનાઓ કરતાં તદ્દન જુદી પડે છે, જેનું મંચ પર સર્વપ્રથમ પ્રસ્તુતીકરણ 1742માં ડબ્લિનમાં થયું હતું. તેમની અન્ય નોંધપાત્ર અને લોકપ્રિય રચનાઓમાં ‘ઍસિસ ઍન્ડ ગલેશિયા’ (1720), ‘એસ્થર’ (1732), ‘ઇઝરાયલ ઇન ઇજિપ્ત’ (1736 –37), ‘સૉલ’ (1739) અને ‘જુડાસ મેકાબસ’(1747)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત હાન્ડેલે 100 જેટલી ઇટાલિયન નૃત્યનાટિકાઓનું, બીજી અનેક વાદ્યવૃંદની રચનાઓનું અને એકલ ગીતોનું સર્જન કર્યું હતું. ઇંગ્લૅન્ડના રાજા જૉર્જ-બીજાના રાજ્યાભિષેકને અનુલક્ષીને હાન્ડેલે એક અલાયદી સંગીત-નૃત્યનાટિકા ‘ઝાડોક, ધ પ્રીસ્ટ’નું સર્જન કર્યું હતું (1727) જે ત્યાર પછીના રાજ્યાભિષેક-પ્રસંગો વખતે પ્રસ્તુત કરવામાં આવેલી છે.

1751માં હાન્ડેલની આંખો ક્ષીણ થવા લાગી અને 1753માં તેમણે તેમની દૃષ્ટિ ગુમાવી, તેમ છતાં તેઓ તેમની રચનાઓનું મંચ પર પ્રસ્તુતીકરણ કરતા રહ્યા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે