હાથલો થોર
February, 2009
હાથલો થોર : દ્વિદળી વર્ગમાં આવેલા કૅક્ટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Opuntia dillenii Haw. (સં. કંથારી, કુંભારી; હિં. નાગફની, થુહર; મ. ફણીનીવડુંગ; ક. ફડીગળી; તે. નાગજૅમુડુ; ત. નાગથાલી, સપ્પાટથિકલી; મલ. પાલકાક્કલ્લી; ઉ. નાગોફેનિયા; ગુ. હાથલો થોર, ચોરહાથલો; અં. પ્રિકલી પીઅર, સ્લીપર થૉર્ન) છે.
તે લગભગ 20 મી. જેટલી ઊંચી, ઉન્નત અને ક્ષુપ-સ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે અને પહોળા અંડાકાર, આછા વાદળી પડતા લીલા ચપટા સાંધાઓ ધરાવે છે. પ્રત્યેક સાંધો પર્ણ જેવો જણાતો હોવા છતાં તે બાહ્યાકારવિદ્યા(morphogy)ની દૃષ્ટિએ પ્રકાશસંશ્લેષી પ્રકાંડ કે પર્ણકાર્યસ્તંભ (phylloclade) છે; જે તેનું મરુનિવાસી કે શુષ્કોદભિદ (xerophytic) લક્ષણ છે. સાંધા ઉપર આવેલી પ્રત્યેક ક્ષેત્રિકા (areole) પર 4–6 આછા પીળા કે આછા શિંગડાં જેવા રંગના કાંટાઓ હોય છે. કાંટાઓ સામાન્યત: વાંકા હોય છે. સૌથી મોટો કાંટો ઘણો તીક્ષ્ણ, અત્યંત મજબૂત અને 2.5–3.8 સેમી. લાંબો હોય છે. કાંટાના મૂળ પાસે બીજી ઘણી ઝીણી ફાંસો હોય છે; જે શરીરમાં વાગવાથી દેખાતી નથી. કાંટો વાગવાથી જખમ થાય છે. પુષ્પો તલસ્થ ભાગે નારંગી છાંટ ધરાવતાં પીળાં હોય છે. ફળ નાસપાતી આકારનું, છેદિત (truncate), ટોચ ઉપર ખાડાવાળું, પાકે ત્યારે ઘેરા લાલાશ પડતા જાંબલી રંગનું હોય છે અને કાંટા તથા ફાંસો ધરાવે છે. સ્વાદે મીઠાં હોય છે અને ઘણા લોકો તેનાં ફળ ખાય છે. તેના રસથી લાલ શાહીની જેમ લખાય છે.
હાથલો થોર(Opuntia dillenii)ની પુષ્પ અને ફળ સહિતની શાખા
આ જાતિ લગભગ સમગ્ર ભારતમાં થતી હોવા છતાં સામાન્યપણે વધારે તે દક્ષિણ ભારતમાં થાય છે. તેનો ઉપયોગ વાડ બનાવવામાં ખૂબ થાય છે; કારણ કે સૌથી શુષ્ક અને નિમ્ન કક્ષાની મૃદામાં પણ તે સારી રીતે થઈ શકે છે તથા તેનું પ્રસર્જન સરળતાથી થઈ શકે છે. વળી, તેનું કાંટાળું સ્વરૂપ સારા પ્રમાણમાં રક્ષણ આપે છે.
દક્ષિણ ભારતમાં આ થોર 18મી સદીના મધ્ય ભાગમાં પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે અને ત્યાંથી બીજા ભાગોમાં ખેતરની ફરતે વાડ બનાવવામાં થતા પુષ્કળ ઉપયોગને કારણે પ્રસરણ થયું હતું. વાડ બનાવવામાં O. vulgaris કરતાં તેને વધારે પસંદ કરવામાં આવે છે, કારણ કે તે વધારે કાંટાળી વનસ્પતિ છે. કોચીનની વન્ય જાતિ Dactylopius indicus-ના પ્રવેશ દ્વારા દક્ષિણ ભારતમાં O. vulgarisને નિયંત્રણ હેઠળ લાવવામાં આવી હતી. કોચીનની બીજી વન્ય જાતિ D. tomentosus-નો પ્રવેશ થયો ન હતો ત્યાં સુધી O. dillenii કેટલોક સમય સુધી ટકી શકી હતી અને પછીથી D. tomentosus O. dillenii પર પ્રભાવી બની રહી.
હાથલા થોરને નિયંત્રિત કરતાં પહેલાં તેનો ઢોરોના ચારા તરીકે, આલ્કોહૉલના સ્રોત તરીકે અને મૃદાના ખાતર તરીકે ઉપયોગ કરવાના પ્રયાસો આદરવામાં આવ્યા હતા. ઢોરના ચારા તરીકેના પ્રયાસોનાં પરિણામો સારા પ્રમાણમાં સફળ નીવડ્યાં હતાં. તેના વજનના 6 % જેટલાં કપાસનાં બીજ મિશ્ર કરતાં અને છ માસ સુધી ઢોરોને ખવરાવતાં કોઈ ખરાબ અસરો જોવા મળી નહોતી. જોકે કાંટાઓને બર્નર વડે બાળી નાખવામાં આવતા હતા. લીલા છોડનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 85 %, નાઇટ્રોજન 0.14 %, કાર્બોદિતો 3.48 %, રેસા 2.15 %, ભસ્મ 1.82 %, ફૉસ્ફેટ (P2O5) 0.015 % અને પોટાશ (K2O) 0.22 %.
ફળ ખાદ્ય હોય છે અને લગભગ 8.0 % જેટલી મુખ્યત્વે મૉનોસૅકેરાઇડ સ્વરૂપે ઉત્સેચનયોગ્ય (fermentable) શર્કરા ધરાવે છે. પ્રતિહૅક્ટર 25,100 કિગ્રા. કે તેથી વધારે ફળનું ઉત્પાદન થતું હોય ત્યારે ઔદ્યોગિક આલ્કોહૉલના લાભકારક સ્રોત તરીકે તેમનો ઉપયોગ કરી શકાય છે. તેથી 500 લિ. જેટલા સ્પિરિટનું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 5.67 %, આલ્બ્યુમિનૉઇડો 6.25 %, લિપિડ 3.63 %, કાર્બોદિતો 41.89 %, રેસો 32.0 % અને ભસ્મ 10.56 %.
હાથલો થોર જાડા રેસા ઉત્પન્ન કરે છે; જે કાગળના માવાના સ્રોત તરીકે ઉપયોગમાં આવી શકે છે. તેનાથી ઉદભવતો માવો ટૂંકા રેસાવાળો અને ઓછું ઉત્પાદન આપતો હોય છે અને તે બનાવવા માટે પ્રક્રિયકોના વધારે જથ્થાની જરૂર પડે છે.
આ છોડ શ્લેષ્મ ધરાવે છે અને ઉકાળવાથી અને પ્રવાહી ગાળવાથી તેનું નિષ્કર્ષણ કરી શકાય છે. શ્લેષ્મમાં ગૅલેક્ટોઝ, ગ્લુકોઝ અને ઍરેબિનોત્ર હોય છે. તેનો સફેદ કે રંગીન કપડાં ધોવા માટે શુષ્કક (dryer) તરીકે ઉપયોગ કરી શકાય છે.
પુષ્પો આઇસોરહેમ્નેટિન અને ક્વિસૅટિનના ગ્લાયકોસાઇડ 3 : 1ના પ્રમાણમાં અને મુક્ત ફ્લૅવોનૉલનો અલ્પ જથ્થો ધરાવે છે.
હાથલો થોરના છોડનું મિશ્ર ખાતર બનાવી તેમાંથી સારા ફાર્મયાર્ડ ખાતરનું નિર્માણ કરી શકાય છે. પ્રકાંડનો ઈથર નિષ્કર્ષ પ્રતિજૈવિક (antibiotic) સક્રિયતા દાખવે છે.
તેનું ભૂંજેલું ફળ ઉટાંટિયા(Whooping Cough)માં આપવામાં આવે છે. ફળનું શરબત પિત્તરસના સ્રાવમાં વધારો કરે છે અને ઉદ્વેષ્ટી (spasmodic) કફનું નિયંત્રણ કરે છે. છૂંદેલા સાંધાઓનો ઉપયોગ સોજાને નરમ પાડવા માટે અને ગિની-કૃમિ દ્વારા થતાં વ્રણ મટાડવા માટે પોટીસ તરીકે થાય છે. દાઝ્યા ઉપર ગરમ સાંધો લગાડવાથી પૂયતા (suppuration) ઝડપી થાય છે. સાંધાનો ગર નેત્રાભિષ્યંદ(Ophthalmia)ના કિસ્સાઓમાં આંખો પર લગાડવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર હાથલો થોર દીપનકારી રુચિકર, તીખો, કડવો, ગરમ અને પિત્તસ્રાવક હોય છે. તે કફ, વાયુદોષ, રક્તદોષ, સ્નાયુરોગ અને સોજાનો નાશ કરે છે. તેનાં પાકાં લાલ ફળ(જીંડવાં)નો રસ દાહશામક, કફનાશક, પિત્તસ્રાવક, સંકોચ-વિકાસપ્રતિરોધક હોય છે. તેના પ્રયોગથી પેશાબ લાલ થાય છે. તેના પંચાંગનો ક્ષાર સારક અને મૂત્રલ હોય છે. તેનાં મૂળ રક્તશોધક અને પંચાંગનો સ્વરસ હૃદ્-પૌષ્ટિક હોય છે. પંચાંગની ભસ્મ હૃદયોદર પર લાભ કરે છે. મૂળનો ઉકાળો આમવાત અને સાંધાઓના સોજા ઉપર અપાય છે. નવાં સંશોધનો મુજબ, હાથલો થોર થેલેસેમિયાના તથા હૃદયરોગમાં અને રક્તમાં હીમોગ્લોબિન ઘટવાની સમસ્યામાં લાભપ્રદ છે.
ઔષધિ–પ્રયોગો : (1) થેલેસેમિયાનો રોગ (યકૃત રુધિર ન બનાવે તેવો રોગ) : આ થોરનાં પાકાં ફળને ગરમ તાવડીમાં શેકી, તેના કાંટા બાળી, ફળને કપડાની બેવડમાં દબાવી, તેનો રસ કાઢી મધ સાથે રોજ એકથી બે વાર આપવાથી, યકૃત સક્રિય બને છે. તેથી દર્દીને રુધિર ચઢાવવાનો સમયગાળો વધે છે અને લાભ થાય છે. (2) હૃદયરોગ કે રુધિરમાં રક્તકણો ઘટી જવામાં રોજ 1થી 3 પાકાં ફળને શેકી (કાંટા બાળી) તેનો રસ કાઢી, દિવસમાં એક વાર મધ ઉમેરી પાવાથી રક્તકણોનું પ્રમાણ વધે છે અને હૃદયરોગમાં લાભ થાય છે. (3) અનિદ્રા : થોરનાં મૂળ વાટી તેનું ગોળ સાથે સેવન કરવામાં આવે છે. (4) બાળકોની ઉધરસમાં પાકાં ફળ ગરમ કરી, રસ કાઢી મધ કે સાકર ભેળવી દિવસમાં 1-2 ચમચી બે વાર આપવાથી લાભ થાય છે. (5) ઢીંચણનો સોજો, આમવાતની પીડા : થોરનાં પાન અંગારા ઉપર શેકી, તેના કાંટા દૂર કરી, તેના બે ઊભા ફાડા કરી, તેની અંદર હળદરની ભૂકી ભભરાવીને સોજા પર ગરમ ગરમ બાંધવાથી લાભ થાય છે.
હાથલો થોરની અન્ય એક જાતિનું વૈજ્ઞાનિક નામ Opuntia elatior Mill. syn. O. nigricans Haw. છે. તે એક મોટો માંસલ ક્ષુપ છે અને તેનાં ઉપાંગો અંડાકાર-લંબચોરસ હોય છે. તેની પ્રત્યેક ક્ષેત્રિકા ઉપર 2–5 કાંટાઓ જોવા મળે છે. પુષ્પો શરૂઆતમાં પીળાં, પછી ગુલાબી અને અંતે ચળકતાં લાલ બને છે. પરિપક્વ ફળ ચળકતાં લાલ કે રતાશ પડતાં જાંબલી હોય છે.
હાથલો થોરની આ જાતિ પશ્ચિમ ભારતમાં પ્રચલિત હોવા છતાં તે દક્ષિણ-પૂર્વ પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓરિસામાં પણ નોંધાઈ છે. 1800ની આસપાસ આ જાતિ પ્રવેશ પામી હોવાનું માનવામાં આવે છે; O. dillenii તરીકે તેને ઘણી વાર ખોટી રીતે ઓળખાવવામાં આવે છે; પરંતુ આ જાતિનાં પુષ્પો પીળાં હોય છે; જે ઝડપથી ગુલાબી રંગમાં ફેરવાય છે; અને બધા જ કાંટા સીધા, પાતળા, પીળચટા કે બદામી રંગના હોય છે.
આ જાતિનો ઉપયોગ O. dillenii-ની જેમ જ થાય છે. છોડનું શુષ્કતાને આધારે કરેલું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : આલ્બ્યુમિનૉઇડો 6.34 %, ઈથર-નિષ્કર્ષ 3.31 %, દ્રાવ્ય કાર્બોદિતો 58.12 % અને રેસા 13.48 %. તેના સાંધાઓનો ઉપયોગ પશ્ચિમ ભારતમાં લીલા ખાતર તરીકે થાય છે. વાયુ-શુષ્ક સાંધાઓ N 0.15 %, પોટાશ (K2O) 0.18 % અને ફૉસ્ફોરિક ઍસિડ (P2O5) 0.10 % ધરાવે છે.
Dactylopius tomentosus-ના પ્રવેશ દ્વારા આ જાતિના ઉન્મૂલન (eradication) પર અસર થઈ છે. તે આંધ્ર પ્રદેશમાં O. dillenii-ના વિનાશ માટે જવાબદાર કોચીનની વન્ય જાતિ છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ