હાતકળંગળેકર મ. દ.
February, 2009
હાતકળંગળેકર, મ. દ. (જ. 1 ફેબ્રુઆરી 1927, હાતકળંગળે, જિલ્લો કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી સાહિત્યના અગ્રણી વિવેચક. આખું નામ મનોહર દત્તાત્રેય હાતકળંગળેકર. ચોથા ધોરણ સુધીનું શિક્ષણ વતનમાં લીધા પછી મૅટ્રિકની પરીક્ષા સાંગલી ખાતેની હાઈસ્કૂલમાંથી પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ તર્કશાસ્ત્ર વિષય સાથે ત્યાંની જ વિલિંગ્ડન કૉલેજમાં સંપન્ન કર્યું અને એમ.એ.ની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતાં તેમને સેલ્વી પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. ત્યાર બાદ અંગ્રેજી સ્વૈચ્છિક વિષય સાથે તે જ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી અને તે પરીક્ષામાં પણ એલિસ પુરસ્કાર મેળવ્યો. ત્યાર પછી તરત જ પોતાની માતૃસંસ્થા વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપક નિમાયા જ્યાં નિવૃત્તિ સુધી અધ્યાપન-કાર્ય કર્યું. 1974માં આદર્શ શિક્ષકના સન્માનથી તેમને નવાજવામાં આવ્યા.
તેમણે અત્યાર સુધી મરાઠી અને અંગ્રેજી આ બંને ભાષાઓમાં વિપુલ લેખનકાર્ય કર્યું છે, જેમાં પંદર જેટલા વિવેચનગ્રંથોનો સમાવેશ થાય છે. ‘સાહિત્યાચી અધોરેખિતે’, ‘સાહિત્યાચે સોબતી’, ‘મરાઠી લઘુકથા : રૂપ આણિ પરિસર’, ‘વાઙ્મયીન શૈલી વ તંત્ર’, ‘નિવડક નિબંધ’, ‘વ્યંકટેશ માડગુળકર’ : ‘માણુસ કલાવંત’ આ તેમના વિવેચનગ્રંથો; ‘વિચારધારા’ ગ્રંથનું સંપાદન; રામકૃષ્ણ, વિવેકાનંદ અને ડૉ. વિ. રા. કરંદીકર વિશેના મરાઠી ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ; અંગ્રેજી ગ્રંથોનો મરાઠીમાં અનુવાદ; જી. એ. કુલકર્ણી દ્વારા લિખિત વાર્તા ‘ડોહકાળીમા’ સંગ્રહ અને પત્રવ્યવહાર અંગેના ગ્રંથનું સંપાદન; ‘મરાઠી વાઙ્મયાતીલ પ્રેરણા આણિ પ્રવાહ : 1950 –1975’ ગ્રંથનું પરીક્ષણ આ તેમની કૃતિઓ નોંધપાત્ર બની છે. આ ઉપરાંત ‘સત્યકથા’, ‘સમાજ પ્રબોધન પત્રિકા’, ‘નવભારત’, ‘વસંત’, ‘વીણા’, ‘મહાદ્વાર’, ‘ક્વેસ્ટ’, ‘ન્યૂક્વેસ્ટ’ અને ‘થિયેટર યુનિટ્સ બુલેટિન’ જેવાં સામયિકોમાં તેમના સ્ફુટ લેખો નિયમિત પ્રકાશિત થતા રહ્યા છે. ‘ઉઘડઝાપ’ આ તેમનું આત્મચરિત્ર 2005માં પ્રસિદ્ધ થયેલ છે.
મ. દ. હાતકળંગળેકર
હાતકળંગળેકરના સંનિષ્ઠ પ્રયાસોથી કર્ણાટકના ધારવાડ ખાતે ‘જી. એ. કુલકર્ણી સ્મૃતિ સદન’ની સ્થાપના થઈ છે. મરાઠી સાહિત્ય સંસ્કૃતિ મંડળ, મરાઠી વિશ્વકોશ નિર્મિતિ મંડળ, સાહિત્ય અકાદમી જ્ઞાનપીઠ સમિતિ, કુસુમાગ્રજ પ્રતિષ્ઠાન જેવી અગ્રણી સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા છે. તેમને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
વર્ષ 2007ના અંતે સાંગલી ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના પ્રમુખપદે તેમની વરણી થઈ હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે